દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓએ એક ઑપરેશન પાર પાડીને રાજધાનીમાં આતંકવાદી હુમલા કરવાનું પાકિસ્તાની એજન્સી ISIનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. આ મામલે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક પાકિસ્તાની જાસૂસ છે. જાન્યુઆરીથી માર્ચ 2025 સુધી ચલાવવામાં આવેલા આ સિક્રેટ ઑપરેશનની થોડીઘણી વિગતો હવે સાર્વજનિક કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે માર્ચમાં અન્સારૂલ મિયાં અન્સારી નામના એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી લીધી હતી. તેને ISI દ્વારા ભારતીય સશસ્ત્રબળો વિશેની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન સ્થિત હેન્ડલરોને પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેની સાથે લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડનાર રાંચીના અખલાક આઝમની પણ ધરપકડ કરી લેવામાં આવી. બંને હાલ તિહાડ જેલમાં બંધ છે.
બંનેની ધરપકડ બાદ જ્યારે મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી ત્યારે બંને વચ્ચે તેમજ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરો સાથે થયેલી વાતચીત મળી આવી હતી, જેમાં તેઓ મળીને એક મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવા જઈ રહ્યા હોવાનું ખૂલ્યું હતું. બંને સામે થોડા દિવસ પહેલાં જ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, જાન્યુઆરીમાં ઈન્ટેલિજન્સ એજન્સીઓને ઇનપુટ મળ્યા હતા કે પાકિસ્તાનની ISI દ્વારા ભારતમાં જાસૂસી કરવા માટે અમુક જાસૂસ મોકલવામાં આવ્યા છે. તેઓ નેપાળ થઈને રાજધાની દિલ્હીમાં ઘૂસવાના હોવાની જાણકારી મળી હતી. જોકે અન્સારી ભારતમાં ઘૂસી ગયો હોવા છતાં એજન્સીઓ તેના સુધી પહોંચી શકી ન હતી. પરંતુ 15 ફેબ્રુઆરીના રોજ તેને પકડી લેવામાં આવ્યો. તે નેપાળના રસ્તે ફરી પાકિસ્તાન જઈ રહ્યો હતો. તેની પાસેથી અમુક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
તેને ભારતીય સેના અને અન્ય સશસ્ત્રબળો વિશે જાણકારી એકઠી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ માહિતી પાકિસ્તાનમાં ISI પાસે પહોંચાડવામાં આવનાર હતી, જેનો ઉપયોગ પછીથી આતંકવાદી હુમલાઓને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હોત. ટાર્ગેટ પર પાલમ એરફોર્સ બેઝ, CGO કોમ્પ્લેક્સ અને દિલ્હી કેન્ટ સ્થિત સેના છાવણી વગેરે સ્થળો હતાં.
Ansarul Mian Ansari, a Nepali, who was arrested from a hotel in Delhi, revealed that he used to drive a cab in Qatar, where he met an ISI handler. Later, Ansarul was taken to Pakistan, where he was trained by top ISI officials for several days, and then sent to Delhi via Nepal.…
— ANI (@ANI) May 22, 2025
અન્સારુલ અન્સારીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે કતારમાં કેબ ચલાવતો હતો, જ્યાં એક ISI હેન્ડલર સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ તેને પાકિસ્તાન લઈ જવામાં આવ્યો અને ત્યાં ISIના માણસોએ તેને ટ્રેનિંગ આપી. અહીંથી તેને નેપાળના રસ્તે દિલ્હી મોકલવામાં આવ્યો હતો. CAA અને બાબરી જેવા મુદ્દાઓનો આધાર લઈને તેનું બ્રેનવૉશિંગ પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ધરપકડ બાદ અન્સારી વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી. જેમાંથી એક રાંચીના અખલાક આઝમનું નામ સામે આવ્યું. તેણે અન્સારીને મદદ કરી હતી. બંને પાકિસ્તાનમાં તેમના હેન્ડલરો સાથે સંપર્કમાં હતા. હાલ બંને જેલમાં છે.
આ કેસમાં ભારતમાં સ્થિત પાકિસ્તાન હાઈકમિશનના બે કર્મચારીઓ પણ રડાર પર છે. બંને મુઝમ્મિલ અને અહેસાન-ઉર-રહીમ ISIના માણસો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બંનેને તાજેતરમાં જ સરકારે પર્સોના નોન ગ્રાટા ઘોષિત કરીને દેશ છોડી દેવા માટે આદેશ આપ્યો હતો. અહેસાન પહેલેથી જ ભારતીય યુટ્યુબરો અને ઈન્ફ્લુએન્સરોને ફસાવીને તેમની પાસે પ્રો-પાકિસ્તાન પ્રોપગેન્ડા ચલાવવા માટે રડાર પર છે. આ કેસમાં પણ તેની ભૂમિકા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.