ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ (Sambhal Jama Mosque) પાસે સ્થિત ‘વરાહી કુઆં’ (Varahi Well) અંગે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. UP સરકારે (Uttar Pradesh Government) કોર્ટને જણાવ્યું છે કે મસ્જિદ સમિતિ જે કૂવાને ખાનગી કહી રહી છે તે વાસ્તવિકતામાં સાર્વજનિક જમીન પર છે. સરકારનું કહેવું છે કે મસ્જિદ સમિતિ આ કૂવા પર પોતાનો અધિકાર જમાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કે તે સાર્વજનિક છે.
એટલું જ નહીં, જે મસ્જિદ વિવાદમાં છે તે પણ જાહેર જમીન પર છે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ મસ્જિદ જાહેર કે સરકારી જગ્યા પર નહીં, પરંતુ ફક્ત ખાનગી જમીન પર જ બનાવી શકાય છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરીએ સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો, ત્યારબાદ આ મામલો સામે આવ્યો હતો.
વાસ્તવમાં, સંભલની શાહી જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે દાવો હતો કે મસ્જિદ પાસેનો કૂવો તેમનો છે અને જિલ્લા વહીવટીતંત્ર તેને સાર્વજનિક જાહેર કરીને યથાસ્થિતિને ખલેલ પહોંચાડી રહ્યું છે. સમિતિ ઇચ્છતી હતી કે કોર્ટ પ્રશસનને કાર્યવાહી કરતા અટકાવે અને પરવાનગી વિના કોઈ પગલું ન ભરવામાં આવે.
બીજી તરફ, સરકારે પોતાના અહેવાલમાં કહ્યું છે કે આ કૂવો મસ્જિદની અંદર નથી પરંતુ તેની બહાર છે અને તેને મસ્જિદ સાથે કંઈ લેવા-દેવા નથી. એટલું જ નહીં, સરકારે એમ પણ કહ્યું કે મસ્જિદ પણ સાર્વજનિક જમીન પર બનાવવામાં આવી છે. UP સરકારે તપાસ માટે ત્રણ સભ્યોની ટીમ બનાવી હતી, જેમાં સંભલના એસડીએમ, ક્ષેત્રિય અધિકારી અને નગરપાલિકાના કાર્યકારી અધિકારીનો સમાવેશ થતો હતો.
મસ્જિદ સમિતિએ રજૂ કર્યા ખોટા પુરાવા
આ ટીમને જાણવા મળ્યું કે કૂવો મસ્જિદની દિવાલની બહાર હતો અને અગાઉ બધા સમુદાયો તેનો ઉપયોગ કરતા હતા. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે મસ્જિદ સમિતિએ કોર્ટમાં ખોટા ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા જેથી એવું લાગે કે કૂવો તેમના પરિસરમાં છે. વાસ્તવમાં મસ્જિદની અંદરથી કૂવાનો ઉપયોગ કરી શકાતો નથી.
તપાસ ટીમે એમ પણ કહ્યું કે મસ્જિદમાં બીજો કૂવો, ‘યજ્ઞ કૂપ’ પહેલેથી જ અસ્તિત્વમાં હતો, જેને સમિતિ દ્વારા છુપાવવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, આ કૂવો, જેને સ્થાનિક લોકો ‘ધરણી વરાહ કૂપ’ કહે છે, તે હાલમાં સુકાઈ ગયો છે. 1978ના રમખાણો પછી, તેના એક ભાગમાં પોલીસ ચોકી બનાવવામાં આવી હતી. બાકીનો ભાગ 2012માં આવરી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જામા મસ્જિદ પાસેનો કૂવો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુનઃજીવિત કરવામાં આવી રહેલા 19 કૂવાઓમાંનો એક છે. સરકારનું કહેવું છે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને ભૂગર્ભજળના સ્તરને વધારવા માટે આ કૂવાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જેથી દરેકને તેનો લાભ મળી શકે.