એક તરફ દિલ્હી (Delhi) માથે ચૂંટણીઓ (Election) ગાજી રહી છે, ને બીજી તરફ INDI ટોળકીના જૂના સભ્યોનો કકળાટ યથાવત દેખાઈ રહ્યો છે. કોંગ્રેસી નેતા (Congress Leader) અજય માકને કેજરીવાલને (Kejriwal) ‘કિંગ ઓફ ફ્રોડ’ ગણાવ્યાને હજુ થોડા જ દિવસો ગયા છે, તો હવે વધુ એક કોંગ્રેસી નેતાએ AAP વિરુદ્ધ મોરચો માંડ્યો છે. કોંગ્રેસી નેતા સંદીપ દીક્ષિતે (Sandeep Dikshit) AAP સીએમ આતિશી (Atishi) અને તેમના સંસદસભ્ય સંજય સિંઘ (Sanjay Singh) પર ₹10 કરોડનો માનહાનિનો દાવો ઠોકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કોંગ્રેસી નેતા સંદીપ દીક્ષિતે દિલ્હીના સીએમ આતિશી અને સાંસદ સંજય સિંઘ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, “5-6 દિવસ પહેલાં સીએમ આતિશીએ કહ્યું કે, મેં ભાજપ પાસેથી બહુ મોટી રકમ લીધી છે કે લઈ રહ્યો છું. પાછલા 12-12 વર્ષોથી તે લોકો કોંગ્રેસ, મને અને મારા પરિવારને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. મારી પાસે છેલ્લા 10-12 વર્ષોથી AAPને પૂછવા માટે અનેક સવાલ છે. કેજરીવાલ શિલા દીક્ષિત વિરુદ્ધ 360 પાનાના પૂરાવા લઈને ફરતા હતા.
‘છાપાંના કટિંગને પુરાવા કહેતો માણસ પહેલી વાર જોયો’
તેમણે કહ્યું કે, “તેમના મુખ્યમંત્રી બન્યા બાદ જ્યારે તેમની પાસે પુરાવા માંગવામાં આવ્યા, ત્યારે તેમણે 360 છાપાંની કટિંગ બતાવી. મેં પહેલો એવો માણસ જોયો, જે પુરવામાં પેપરની કતરણ આપતો હોય. જે દિવસે મુખ્યમંત્રી આતિશીએ મારા પર આરોપ લગાવ્યા, તે દિવસે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું અવસાન થઈ ગયું હતું. માટે અમે પત્રકાર પરિષદ ન યોજી શક્યા. આ પ્રેસ કૉન્ફરન્સ પતે એટલે તરત જ હું સીએમ આતિશી અને તેમના નેતા સંજય સિંઘ પર આપરાધિક અને દીવાની માનહાનિનો દાવો કરવા જવાનો છું.”
#WATCH | Delhi: Congress candidate from New Delhi Assembly Constituency Sandeep Dikshit says he will file a criminal and civil defamation case against CM Atishi and AAP MP Sanjay Singh.
— ANI (@ANI) December 31, 2024
He says, "5-6 days ago, Delhi CM Atishi said that I am taking a huge amount of money from the… pic.twitter.com/ynLrnjKcAX
દાવાના રૂપિયા યમુનાની સફાઈ અને પ્રદૂષણ પાછળ વાપરવાની જાહેરાત
સંદીપ દીક્ષિતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, તેઓ માનહાનિના દાવા પેટે સીએમ આતિશી અને તેમના નેતા સંજય સિંઘ પાસેથી ₹10 કરોડનું વળતર માંગશે. આ સાથે જ તેમણે તેવી પણ જાહેરાત કરી કે આ રૂપિયામાંથી તેઓ ₹5 કરોડ યમુનાની સફાઈ માટે દાન કરી દેશે, જયારે અન્ય ₹5 કરોડ તેઓ દિલ્હીના પ્રદૂષણને દૂર કરવા માટે દાન કરી દેશે.
નોંધવું જોઈએ કે, સંદીપ દીક્ષિત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતના દીકરા છે. થોડા દિવસો પહેલાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ અને તેમના સાંસદ સંજય સિંઘે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ કૉન્ફરન્સમાં તેમણે દાવો કર્યો હતો કે, કોંગ્રેસી નેતાઓને ચૂંટણી લડવા માટેનું ફંડ ભાજપ પૂરું પાડે છે. આ સાથે જ તેમણે મુખ્ય અને સ્પષ્ટ રીતે સંદીપ દીક્ષિતનું નામ લઈને તેમના પર આરોપ લગાવ્યા હતા કે, તેઓ વર્ષોથી ભાજપ પાસેથી રૂપિયા લે છે અને હમણાં સુધી કરોડો લઈ ચૂક્યા છે.