Wednesday, February 5, 2025
More

    INDI ટોળકીમાં કંકાસ: કોંગી નેતા અજય માકને કેજરીવાલને ગણાવ્યા ‘કિંગ ઑફ ફ્રોડ’, AAP કોંગ્રેસને જ ગઠબંધનમાંથી તગેડી મૂકવાની ફિરાકમાં 

    લોકસભા ચૂંટણીમાં સાથે મળીને વડાપ્રધાન મોદી અને ભાજપને હરાવવા માટે એકઠા થયેલા INDI ગઠબંધનને ચૂંટણીમાં તો ઝાઝી સફળતા મળી નથી પણ અંદરોઅંદર કલેશ વધતો જાય છે. તાજા કિસ્સામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાખડ્યા છે. 

    આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ચેતવણી આપતાં કહ્યું કે, તેઓ 24 કલાકમાં તેમના નેતા અજય માકન વિરુદ્ધ કાર્યવાહી કરે અન્યથા AAP INDI ગઠબંધનની અન્ય પાર્ટીઓને કહેશે કે તેઓ કોંગ્રેસને ગઠબંધનમાંથી તગેડી મૂકે. 

    ઉલ્લેખનીય છે કે બુધવારે (25 ડિસેમ્બર) AAP અને ભાજપ વિરુદ્ધ એક વ્હાઇટ પેપર જાહેર કરતાં કોંગ્રેસ નેતા માકને કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, તેમને વર્ણવવા માટે જો કોઈ શબ્દ હોય તો એ છે- ફર્જીવાલ. ઉપરાંત, તેમણે કેજરીવાલને દેશના સૌથી મોટા ફ્રોડ ગણાવ્યા હતા. સાથે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ જનલોકપાલના નામે આંદોલન કરીને સરકાર બનાવી અને પછી 10 વર્ષમાં દિલ્હીમાં કોઈ કામ કર્યાં નથી. 

    અજય માકને એમ પણ કહ્યું હતું કે, અગાઉની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું એ કોંગ્રેસ પાર્ટીની ભૂલ હતી અને હવે એ સુધારવાનો સમય આવી ગયો છે.