લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ તેમજ નારી સશક્તિકરણ જેવા મુદ્દે કામ કરતાં હિંદુવાદી એક્ટિવિસ્ટ અને વક્તા કાજલ હિન્દુસ્તાનીએ (Kajal Hindusthani) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને ગુજરાત સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. પોસ્ટમાં તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને કહ્યું છે કે, ગુજરાત કોંગ્રેસના એક નેતા અને તેમના સાગરીતો દ્વારા તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. વધુમાં તેમણે જામનગર પોલીસ પર પાંચ મહિના થયા હોવા છતાં આ મુદ્દે કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો.
કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું કે જામનગર SP અને LCBના PIને તેમણે બધા પુરાવા આપ્યા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ રહી નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ નેતાની ગુંડાગીરી આખા ગુજરાતમાં જાણીતી છે અને કેટલાક સ્થાનિક ભાજપના નેતાઓનું પણ તેમને સમર્થન છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, થોડા દિવસ પહેલાં તેમણે RTI કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, જામનગર પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી.
घटना-गुजरात
— Kajal HINDUsthani (@kajal_jaihind) March 19, 2025
आरोपी- गुजरात कांग्रेस का गुंडा नेता
पीड़ित- काजल हिंदुस्थानी
आदरणीय हर्ष भाई @sanghaviharsh जी,
आज आपने अनाउंस किया है की यदि गुजरात का कोई पुलिस अधिकारी कंप्लेन नहीं लेता तो आपसे संपर्क करे…!!
“पिछले 5 महीने” से जामनगर पुलिस FIR नहीं ले रही, इस विषय में हम… pic.twitter.com/mn5uf4Qz5t
આ ઉપરાંત તેમણે DGP અને ગુજરાત પોલીસના X હેન્ડલને મેનશન કરીને સવાલ ઉઠાવ્યો છે કે, તેમના જેવાં સશક્ત અને શિક્ષિત મહિલાની FIR પણ પોલીસ લઈ રહી નથી, કારણ કે સામે કોંગ્રેસ નેતા છે તો સામાન્ય ગરીબ મહિલાઓને તો કેવી રીતે ન્યાય મળશે?
નોંધનીય છે કે, તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ધારાસભ્યોને નિર્દેશ આપ્યા હતા કે, તેમના મતવિસ્તારમાં કોઈ મહિલા કે દીકરીની હેરાનગતિની ઘટના બને તો તત્કાલીન પોલીસ ફરિયાદ કરાવો. તેમણે એવું આશ્વાસન આપ્યું હતું કે જો પોલીસ ફરિયાદ ન નોંધે તો તેમને જાણ કરો, જેથી સરકાર તેવા પોલીસ અધિકારી પર કાર્યવાહી કરી શકે. ગૃહ રાજ્યમંત્રીની આ જાહેરાત બાદ જ કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ન્યાયની માંગ કરી છે.
શું કહેવાયું છે અરજીમાં?
પોલીસને આપેલી અરજીમાં કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના એક નેતા અને તેમના કેટલાક માણસો પર ધમકી આપી રહ્યા છે. અરજીની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ નેતાએ ફેસબુક લાઈવ થઈને તેમની (ફરિયાદીની) આંગળીઓ કાપી નાખવાની, તેમને ‘ભડાકે આપવાની’ અને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપી હતી. વધુમાં કહેવાયું છે કે, આરોપીએ ગુજરાતની કેટલીક ન્યૂઝ ચેનલમાં ધમકી આપી હોવાની કબૂલાત કરી છે અને વધુ ધમકી પણ આપી છે.
અરજીમાં કહેવાયું છે કે, આરોપી કોંગ્રેસ નેતાએ ફેસબુક પોસ્ટ કરીને કાજલ હિન્દુસ્તાનીના કોન્ટેક્ટ નંબરની માંગણી કરી હતી. ત્યારબાદ આરોપ છે કે, તેમના સાગરીતોએ ફેસબુક પોસ્ટ પર કમેન્ટમાં તેમના નંબર પણ વાયરલ કર્યા હતા. વધુમાં ફરિયાદીએ અરજીમાં કોંગ્રેસ નેતાનો ગુનાહિત ઇતિહાસ હોવાનો દાવો કર્યો છે અને કેટલીક ગુનાહિત ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો છે.
આ ઉપરાંત આરોપ છે કે, કોંગ્રેસ નેતાની ધમકીભરી પોસ્ટ પર તેમના સાગરીતોએ કમેન્ટ કરીને પણ ધમકીઓ આપી હતી અને ‘મોકે પે ચોકા’ મારવાનું કહીને મુખ્ય આરોપી કોંગ્રેસ નેતાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વધુમાં એક સાગરીતે ‘તક ન ગુમાવશો, તમારા સમર્થનમાં ફોજ લઈને આવીશું, કરો કંકુના’ જેવી કમેન્ટ કરી હોવાનો પણ આરોપ છે. તે સિવાય ફરિયાદીએ અરજીમાં કહ્યું છે કે, આ બધી ધમકીના કારણે તેમનો પરિવાર ભયમાં મુકાયો છે.
અરજીમાં વધુમાં કહેવાયું છે કે, 15 માર્ચના રોજ એક ઇસમે કાજલ હિન્દુસ્તાનીને ફોન કરીને ‘જાહેરમાં બદનામ કરીશું’ અને ‘ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ કરી દઈશું’ જેવી ધમકી આપી હતી. અરજી અનુસાર, ફરિયાદીએ નંબર ક્યાંથી મળ્યો હોવાનું પૂછતાં આરોપીએ ‘જમાવટ’ યુટ્યુબ ચેનલના ‘દેવાંશી જોશી’એ નંબર આપ્યો હોવાનું કહ્યું હતું. આરોપ છે કે, આ ધમકી બાદ તેમના નંબર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા.
કાજલ હિન્દુસ્તાનીનો આરોપ છે કે, અન્ય એક વિડીયોમાં કોંગ્રેસ નેતાના સાગરીતે વિડીયો પોસ્ટ કરીને ધમકી આપી હતી. વધુમાં તેમણે કહ્યું છે કે, મોબાઈલ નંબર વાયરલ થયા બાદ તેમના પર સતત ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા અને 300થી 400 જેટલા કોલ આવી ગયા હતા. જેમાં સામાજિક કાર્યકર અને હિંદુવાદી વક્તાને ધમકી આપી હોવાનો આરોપ છે. ફરિયાદીએ પોલીસને યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ પણ કરી છે.
Update-
— Kajal HINDUsthani (@kajal_jaihind) March 21, 2025
48 घंटे हो गए हैं मगर अभीतक जामनगर पुलिस ने न तो हमारी FIR ली और ना ही कांग्रेस के गुंडे नेता और उसकी गैंग को अरेस्ट किया।
नियम, कायदा, क़ानून और पुलिस का डंडा, ये सब कुछ सामान्य लोगों के लिए है या फिर गुंडे नेताओं पर भी लागू होगा ?
क्या मुझे गुजरात में न्याय मिलेगा ?… https://t.co/SMwXPcQpX0 pic.twitter.com/JCZJspfP8t
મીડિયા સાથે વાતચીતમાં કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું હતું કે, પાંચ મહિનાથી તેઓ પોલીસ કચેરીઓમાં જઈ રહ્યાં છે, પરંતુ FIR નોંધવામાં આવી રહી નથી. ગૃહ રાજ્યમંત્રી અને પોલીસવડા કહે છે કે મહિલાઓ સાથે ગુના આચરનારા ગુંડાઓને છોડવામાં નહીં આવે, પણ નેતાઓ જ ગુંડા હોય તો શું? તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસી નેતાઓને ભાજપના જ અમુક સ્થાનિક નેતાઓનું સમર્થન છે અને એટલે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. સાથે એમ પણ કહ્યું કે તેમનાં જેવાં મહિલા જે વર્ષોથી એક્ટિવિઝમમાં સક્રિય છે, મુદ્દાઓ ઉઠાવે છે, તેમની સાથે આવું થઈ રહ્યું હોય તો સામાન્ય મહિલાઓની શું સ્થિતિ હોય?
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં સમગ્ર મામલો કાજલ હિંદુસ્તાનીના એક સંબોધનને લઈને ઊભા કરી દેવાયેલા વિવાદને લઈને શરૂ થયો હતો. સુરતમાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે તેમણે દીકરીઓમાં લવ જેહાદ મુદ્દે જાગૃતિ ફેલાય તે માટે અમુક ઉદાહરણો આપીને વાતો કહી હતી, જેમાંથી પછી અમુક ક્લિપ ઉઠાવી લઈને તેમણે પાટીદાર દીકરીઓનું અપમાન કર્યું હોવાના આરોપ સાથે વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો અને આવેદનો પણ આપવામાં આવ્યાં.
વાસ્તવમાં જૂના વિડીયો ક્લિપમાં કાજલ હિંદુસ્તાનીનો ઈરાદો માત્ર ખોટા રસ્તા પર જઈ રહેલી હિંદુ દીકરીઓને જાગૃત કરવાનો હતો. જે તેમની વાત અને વિડીયો પરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમ છતાં તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા અને મીડિયામાં ઘણું ચલાવવામાં આવ્યું. જોકે, પછીથી સોશિયલ મીડિયા પર અને ગ્રાઉન્ડ પર પણ ઘણાં હિંદુ સંગઠનો તેમના સમર્થનમાં આવ્યાં હતાં. કાજલ હિન્દુસ્તાનીએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઇરાદો જુદો હતો અને વિવાદ જુદા મુદ્દે થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સંબોધનમાંથી અમુક ક્લિપ કાપીને સંદર્ભ વગર ફેલાવવામાં આવી રહી છે અને તેમને બદનામ કરવામાં આવી રહ્યાં છે.
આ વિવાદ બાદ મોરબીમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને FIR નોંધવા માટે નિર્દેશ આપવામાં આવે તેવી માંગ સાથે હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી. પરંતુ કોર્ટે ‘પ્રથમ દૃષ્ટિએ આ ગુનો બને છે કે કેમ એ જ પ્રશ્ન છે’ તેમ કહીને અરજી ફગાવી દીધી હતી.
મામલો હાઇકોર્ટમાં છે, કોર્ટના નિર્દેશ અનુસાર આગળ કાર્યવાહી કરીશું: જિલ્લા પોલીસ વડા
આ મામલે ઑપઇન્ડિયાએ જામનગર LCBનો સંપર્ક કરતાં જણાવવામાં આવ્યું કે હાલ આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે અને હાલ કોઈ પણ વધારે માહિતી આપી શકાય એમ નથી. બીજી તરફ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું કે, હાલ આ મામલો હાઇકોર્ટમાં છે અને લંબિત છે, જેથી કોઈ કાર્યવાહી હાલ પૂરતી કરવામાં આવી નથી. કોર્ટ પોતાનો નિર્ણય આપશે અને પોલીસને જે પ્રકારે નિર્દેશો આપશે તે પ્રકારે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધવું જોઈએ કે આ સમગ્ર વિવાદની શરૂઆત 8 જૂન, 2023ના રોજ સુરતથી થઈ હતી. સુરતમાં પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીને મુખ્ય વક્તા તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જે દરમિયાન તેમણે ‘મહિલા સન્માન અને સુરક્ષા’ પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે તેમણે ‘લવ જેહાદ’માં પટેલ સમાજની સાથે સમગ્ર હિંદુ સમાજની દીકરીઓ ન ફસાય તેને લઈને જાગૃતિ પણ ફેલાવી હતી. તેમના આ સંબોધનમાંથી અમુક બાબતો ઉઠાવી લઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો. ત્યારબાદ એક્ટિવિસ્ટે સ્પષ્ટતા પણ કરી હતી કે તેમણે કયા સંદર્ભમાં વાતો કહી હતી. તેમણે કોંગ્રેસી નેતાઓ પર સંદર્ભ વગર ક્લિપ ઉઠાવીને વાયરલ કરવાનો પણ આરોપ લગાવ્યો.