Monday, July 15, 2024
More
  હોમપેજગુજરાત‘પ્રથમ દ્રષ્ટિએ ગુનો બન્યો છે કે નહીં તે જ પ્રશ્ન’: કાજલ હિંદુસ્તાની...

  ‘પ્રથમ દ્રષ્ટિએ ગુનો બન્યો છે કે નહીં તે જ પ્રશ્ન’: કાજલ હિંદુસ્તાની સામે FIR દાખલ કરવાની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી, ‘લવ જેહાદ’ મુદ્દે ટિપ્પણીનો મામલો

  ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને કાજલ હિંદુસ્તાની સામે FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે એમ કહીને અરજી ફગાવી દીધી છે કે આ મામલે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બન્યો છે કે કેમ તે જ એક પ્રશ્ન છે. 

  - Advertisement -

  હિંદુવાદી વક્તા અને એક્ટિવિસ્ટ કાજલ હિંદુસ્તાનીએ ‘લવ જેહાદ’ મુદ્દે એક કાર્યક્રમમાં કરેલા સંબોધનમાંથી અમુક સેકન્ડની ક્લિપ ઉઠાવી લઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને વિવાદ સર્જવાના પ્રયાસ થયા હતા અને ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો, પરંતુ હાઈકોર્ટે FIR દાખલ કરવાની માંગ સાથેની અરજી ફગાવી દીધી છે. 

  ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને કાજલ હિંદુસ્તાની સામે FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે એમ કહીને અરજી ફગાવી દીધી છે કે આ મામલે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બન્યો છે કે કેમ તે જ એક પ્રશ્ન છે. 

  વાસ્તવમાં, ગત માર્ચ મહિનામાં સોશિયલ મીડિયા પર કાજલ હિંદુસ્તાનીના એક સંબોધનની નાનકડી ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તેઓ ‘લવ જેહાદ’ વિષય પર બોલતાં જોવા મળે છે. આ વિડીયોમાં તેમણે પાટીદાર સમાજની દીકરીઓ પર ટિપ્પણી કરી હોવાનું કહીને એક વર્ગે વિરોધ શરૂ કરી દીધો હતો અને ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે ગુનો બનતો ન હોઈ કોઇ કાયદાકીય પગલાં લીધાં ન હતાં. જોકે, પછી પણ વિરોધ ચાલુ જ રાખવામાં આવ્યો હતો. 

  - Advertisement -

  તાજેતરમાં જ મોરબીના મનોજ પનારાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને 18 માર્ચના રોજ તેમણે નોંધાવેલી ફરિયાદ મામલે FIR દાખલ કરવા માટે પોલીસતંત્રને આદેશ આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ અરજી પર શુક્રવારે (19 એપ્રિલ) હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. પરંતુ કોર્ટે દલીલો ગ્રાહ્ય ન રાખી અને અરજી ફગાવી દેવામાં આવી હતી. 

  કોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું કે, અરજદાર તરફથી વકીલે જણાવ્યું છે કે તેમણે 18 માર્ચ, 2024ના રોજ તંત્રને લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ તેમાં કશું જ પગલાં લેવામાં આવ્યાં નથી. કોર્ટે આગળ કહ્યું કે, “આરોપોને જોતાં અને જે રીતે અરજદાર ફરિયાદ દાખલ કરવા માંગે છે, પ્રથમ દ્રષ્ટિએ પ્રતીત થાય છે કે ગુનો બન્યો છે કે નથી તે જ એક પ્રશ્ન છે. આ સંજોગોમાં અરજી મંજૂર રાખી શકાય નહીં.” 

  કોર્ટે કહ્યું કે, ઉપરોક્ત અવલોકનોના આધારે આ અરજી ડિસ્પોઝ કરવામાં આવે છે. જોકે કોર્ટે કહ્યું કે, અરજદાર CrPCની જોગવાઈઓ અનુસાર અને એમ સુબ્રમણ્યમ કેસ મામલે નિર્ધારિત કાયદા અનુસાર, યોગ્ય મંચ સમક્ષ રજૂઆત કરીને કાયદાકીય વિકલ્પો અપનાવી શકે છે. કોર્ટે સાથે એમ પણ જણાવ્યું કે તેમણે કેસનાં ગુણદોષ પર (મેરિટ્સ) કોઇ સમીક્ષા કરી નથી. કોર્ટના આદેશની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

  આ મામલે કાજલ હિંદુસ્તાનીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, જેઓ ક્લિપ કાપીને ખોટી રીતે ચલાવે છે અને મીડિયાની મદદ લઈને જુઠ્ઠાણું ફેલાવીને નિર્દોષના જીવ જોખમમાં મૂકે છે તેમને હાઈકોર્ટે તમાચો માર્યો છે. તેમણે જણાવ્યું કે કઈ રીતે કોંગ્રેસના જાતિવાદી તત્વોએ તેમની વિરુદ્ધ ષડ્યંત્ર રચીને તેમને દોષી ઠેરવી દીધાં હતાં. એટલું જ નહીં, તેમના નંબર વાયરલ કરીને ધમકીઓ આપવામાં આવી હતી અને ગંદી ગાળો પણ આપવામાં આવી હતી. 

  તેમણે કહ્યું કે, “પાવર અને પૈસાનો ઉપયોગ કરીને અમુક સંસ્થાઓ અને સિસ્ટમના લોકોએ મને બહુ માનસિક તણાવ આપ્યો, ડરાવી-ધમકાવી પણ ષડ્યંત્રકારી અને અલગાવવાદી શક્તિઓ નિષ્ફળ રહી, કારણ કે મને ડરાવવાનું એટલું સરળ નથી. હું શિવશક્તિની ભક્ત છું અને મને ઝુકાવી શકો એટલી આ લોકોની ત્રેવડ નથી.” 

  ‘સત્ય પરેશાન થઈ શકે, પરાજિત નહીં’ તેમ કહીને તેમણે પોસ્ટમાં ઉમેર્યું કે, 18 માર્ચથી સતત 20 દિવસ સુધી તેમની વિરુદ્ધ અરજીઓ આપવામાં આવી, બહિષ્કારની વાતો થઈ, સંમેલનો આયોજીત કરવામાં આવ્યાં અને મીડિયા ટ્રાયલ ચલાવ્યું અને કેસ ન બનતો હોવા છતાં પોલીસ પર કેસ કરવાનું દબાણ કરવામાં આવ્યું. પણ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે કોઇ કેસ નથી બની રહ્યો તો કોઇ નિર્દોષ પર કઈ રીતે કેસ દાખલ થઈ શકે? તેમણે આગળ કહ્યું કે, સમાજમાં વૈમનસ્ય પેદા કરીને હિંદુને હિંદુ સામે જ દુશ્મન બનાવી દે તેવા જાતિવાદીઓ ગુજરાત હાઈકોર્ટ ગયા હતા, પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. 

  તેમણે પૂછ્યું કે, શું આ ષડ્યંત્રમાં જેઓ સામેલ હતા તેઓ ખોટા આરોપો લગાવવા બદલ માફી માંગશે? તેમણે મીડિયાને પણ પ્રશ્ન કર્યો કે શું તેમનામાં હાઈકોર્ટના આદેશના સમાચાર બતાવવાની ક્ષમતા છે કે કેમ? તેમણે અંતે કહ્યું કે, વિષય લવ જેહાદનો હતો, પરંતુ ચાલાકીપૂર્વક અમુકે જેહાદી સાથીદારોને ખુશ કરવા માટે મારી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કાર્યો, પરંતુ શિવ-શક્તિ શાશ્વત છે, જેઓ પોતાના ભક્તના માન-સન્માનની અવશ્ય લાજ રાખે છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં