Saturday, July 27, 2024
More
    હોમપેજમંતવ્યડરો મત, અમેઠીથી ભાગો….. મોદી-ભાજપ રાહુલ ગાંધીથી ડરતા હોવાની વાતો ફેલાવતી રહી...

    ડરો મત, અમેઠીથી ભાગો….. મોદી-ભાજપ રાહુલ ગાંધીથી ડરતા હોવાની વાતો ફેલાવતી રહી કોંગ્રેસ ઈકોસિસ્ટમ, સમય આવ્યે શહેજાદાએ ફેરવી દીધું પાણી

    રાહુલ ગાંધી 2019માં અમેઠીથી હાર્યા બાદ ત્યાં ફરી જવાની હિંમત એકઠી કરી શક્યા નહીં. કોંગ્રેસીઓ હવે ભલે જાતજાતનાં કારણો આપે પણ તેનાથી હકીકત બદલાઈ જતી નથી. ‘લીડર’ એને જ કહેવાય જે નેતૃત્વ કરે, રાહુલે તો અહીં પારોઠનાં પગલાં ભર્યાં છે.

    - Advertisement -

    મેદાનની બહાર ઉભા રહીને હાકલા-પડકારા કર્યા કરવા અને ‘આમ કરીશું ને તેમ કરીશું’ની ફાંકા ફોજદારી કરવી અને મેદાનમાં ઉતરીને લડવું- એ બંનેમાં જમીન-આસમાનનું અંતર છે તે આજે રાહુલ ગાંધીએ દેશને ઉદાહરણ સાથે સમજાવ્યું. લોકસભા ચૂંટણીનાં લગભગ 2 વર્ષ પહેલાંથી કોંગ્રેસ ઈકોસિસ્ટમ રાહુલ ગાંધીને ‘જનનાયક’ અને નરેન્દ્ર મોદીના એકમાત્ર હરીફ તરીકે ચીતરતી રહી, પણ આખરે જ્યારે અમેઠી બેઠક પરથી ચૂંટણી લડવાનો સમય આવ્યો ત્યારે રાહુલે પોતાનું જ ‘ડરો મત’વાળું સૂત્ર એક કાગળ પર લખીને તેને ફાડીને ફેંકી દીધું અને રાયબરેલી તરફ ચાલ્યા ગયા! 

    દેશમાંથી તો ગાંધી પરિવારનો સૂર્ય આથમ્યોને વર્ષો થઈ ગયાં પણ ઉત્તર પ્રદેશની 2 લોકસભા બેઠકો અમેઠી અને રાયબરેલી વર્ષોથી તેમના કબજામાં રહી હતી. ઇન્દિરા ગાંધીથી માંડીને રાજીવ અને સંજય ગાંધી અને પછી સોનિયા અને રાહુલ, તમામ આ બે બેઠકો પરથી જ લડીને સંસદ સુધી પહોંચ્યાં હતાં. રાજકારણની ભાષામાં આ બે બેઠકો પરિવારનો ‘ગઢ’ માનવામાં આવતી. 2019માં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને આ ગઢ તોડી પાડ્યો એટલે હમણાં એકમાત્ર રાયબરેલી બેઠક જ ગાંધી પરિવાર પાસે રહી છે. 

    રાહુલ ગાંધી સામાન્ય રીતે ‘ડરો મત’ના નારા લગાવીને દેશભરમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની વાતો કરતા રહે છે એટલે લોકોને હતું કે આ વખતે તેઓ ફરી અમેઠીથી લડશે. વચ્ચે વાતો એવી પણ ચાલી કે પ્રિયંકા ગાંધી પણ આ વખતે મેદાને ઉતરશે અને બંને ભાઈ-બહેન એક-એક બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસના કાર્યકરો અને તેમનાથી વધારે અમુક દરબારીઓમાં આનંદ હતો. પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસે પાણી ફેરવી મૂક્યું અને રાયબરેલીથી રાહુલનું અને અમેઠીથી કિશોરીલાલ શર્માનું નામ જાહેર થયું. 

    - Advertisement -

    રાહુલ ગાંધી 2019માં અમેઠીથી હાર્યા બાદ ત્યાં ફરી જવાની હિંમત એકઠી કરી શક્યા નહીં. કોંગ્રેસીઓ હવે ભલે જાતજાતનાં કારણો આપે પણ તેનાથી હકીકત બદલાઈ જતી નથી. ‘લીડર’ એને જ કહેવાય જે નેતૃત્વ કરે, રાહુલે તો અહીં પારોઠનાં પગલાં ભર્યાં છે. તેઓ હવે કયા મોઢે જઈને કહેશે કે તેમણે સૌએ સાથે મળીને ભાજપને ઉખાડી ફેંકવાનો છે? જોકે, તેઓ તો કહેશે કારણ કે આદત પડી ગઈ છે, પણ સાંભળનારા હવે માનશે કે કેમ તે પ્રશ્ન છે.

    કોંગ્રેસ ઈકોસિસ્ટમ, આપણે ત્યાંના મીડિયાનો એક વર્ગ, અમુક યુ-ટ્યુબરો અને ખાસ કરીને વિદેશી મીડિયા કાયમ રાહુલ ગાંધીને ભારતમાં મોદીના વિકલ્પ તરીકે પ્રોજેક્ટ કરતાં રહ્યાં છે. રાહુલે પણ આવી ખુશામતોનો ભરપૂર લાભ લીધો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં તેમને ‘જનનાયક’થી માંડીને ભલભલાં બિરુદ આપવામાં આવ્યાં. સોશિયલ મીડિયામાં પણ છબી ચમકાવવાના ભરપૂર પ્રયાસ થયા. રાહુલ ગાંધીને રાષ્ટ્રીય નેતા સાબિત કરવામાં કોઇ કસર બાકી રાખવામાં ન આવી. 

    કોંગ્રેસ રાહુલની છબી ચમકાવવા માટે કોઈ નેરેટિવ તરતો મૂકે ત્યારબાદ મીડિયાના એક વર્ગ અને યુ-ટ્યુબરોમાં અમુકનું કામ જ એ હોય છે કે મારી-મચેડીને સાબિત કરી દે કે આ વાતમાં તથ્ય છે અને મોદી રાહુલ ગાંધીથી ડરે છે. પરંતુ આવા નેરેટિવ ચલાવવામાં અને જમીન પર લડવામાં જમીન-આસમાનનું અંતર છે. રાહુલ ગાંધી આસપાસના અમુક સલાહકારો અને ખુશામત કરનારા પત્રકારોના ભરોસે રહીને પોતાને મોદીને ટક્કર આપનારા નેતા માનતા રહ્યા હોય, પણ હકીકત તો એ જ છે કે તેઓ એક બેઠક બચાવી શક્યા નહીં અને હવે ત્યાં ફરી જવાની હિંમત થતી નથી. જે જ્ઞાન તેઓ અત્યાર સુધી આપતા રહ્યા તેને પચાવવાની કે અમલ કરવાની વાત આવી ત્યારે દોટ મૂકી.

    વાસ્તવિકતા એ છે કે હવે સમય બદલાયો છે. ગાંધી પરિવારની પકડ હવે પાર્ટી પરથી પણ નબળી પડતી રહી છે અને દેશમાંથી તો તેમનું ‘વર્ચસ્વ’ 2019માં જ ખતમ થઈ ગયું હતું. રાહુલ ગાંધીએ બહુ પ્રયાસો કર્યા, પણ કોઇ પણ રીતે તેઓ જૂનો સમય પાછો લાવી શક્યા નથી. આટલાં વર્ષોમાં ન તો રાહુલ કંઈ કમાલ કરી શક્યા છે કે ન પ્રિયંકા ગાંધીએ કોઇ ક્રાંતિકારી પરિણામો લાવી દીધાં છે. તેમને આવડે છે તો માત્ર વાતો અને નરેન્દ્ર મોદી સામે કામ વગરની બાંયો ચડાવવી. 

    પ્રિયંકા ગાંધીને 2022ની ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી. પાર્ટીને માત્ર 1 બેઠક મળી અને 97 ટકા બેઠકો પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. દેશના સૌથી મોટા રાજ્યમાં કોંગ્રેસની આ હાલત કરવાનો શ્રેય પ્રિયંકા ગાંધીને જાય છે. રાહુલ ગાંધીના અધ્યક્ષ રહેતાં પાર્ટીએ જેટલી ચૂંટણી લડી તેમાંથી મોટાભાગની હારી ગયા. 2019ની લોકસભા ચૂંટણી પણ તેમાંથી એક છે. અત્યારે ભલે ગાંધી પરિવાર પાસે અધ્યક્ષપદ ન હોય પણ જગજાહેર છે કે નિર્ણયો કોણ લે છે. 

    હવે એ સમય રહ્યો નથી કે દેશ એક પરિવારનો ગુલામ બનીને ચાલે. દેશ ઘણો આગળ નીકળી આવ્યો છે. રાહુલ ગાંધીએ સમજવું પડશે કે વાતોનાં વડાં કરીને કોઇ વડાપ્રધાન બનતું નથી. મોદીને હરાવવા માટે મોદી જેટલી મહેનત કરવી પડે છે, જે આજના સમયમાં કોઇ નેતાથી થાય એમ નથી. રાહુલ ગાંધીથી તો બિલકુલ નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં