Monday, October 7, 2024
More
    હોમપેજગુજરાતહિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાનીએ મુસ્લિમો સાથે સંબંધોને લઈને કર્યા સવાલ, તો પાટીદાર...

    હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાનીએ મુસ્લિમો સાથે સંબંધોને લઈને કર્યા સવાલ, તો પાટીદાર આગેવાનોએ નોંધાવી દીધી ફરિયાદ: સોશિયલ મીડિયામાં લોકોએ નોંધાવ્યો વિરોધ

    કાજલ હિન્દુસ્તાનીએ આ ઘટનાને માત્ર ઉદાહરણ તરીકે કહી છે, નહીં કે કોઈ સમાજની દીકરીઓને અપમાનિત કરવા. આ સાથે તેમણે અંતમાં 'આપણો સમાજ' એવું પણ કહ્યું છે. એટલે તેમનો સીધો અર્થ હિંદુ સમાજ સાથે જોડાયેલો હોવો જોઈએ.

    - Advertisement -

    પાટીદાર સમાજ પર તાજેતરમાં જ નિવેદન આપીને વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હતા. પટેલ સમાજના કેટલાક આગેવાનોએ આ મામલે વિરોધ પણ કર્યો હતો. જોકે, વિપુલ ચૌધરીએ બાદમાં માફી માંગી લીધી હતી. પરંતુ તે બાદ હવે પાટીદાર સમાજના કેટલાક આગેવાનોએ હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીને ટાર્ગેટ કર્યા છે. કાજલ હિન્દુસ્તાનીના નિવેદનની એક ક્લિપ ફેરવીને તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર આગેવાનો એવો આરોપ લગાવી રહ્યા છે કે, કાજલ હિન્દુસ્તાનીએ પટેલ સમાજની દીકરીઓ વિશે અપમાનજનક નિવેદન આપ્યું છે. જોકે, કાજલ હિન્દુસ્તાનીએ માત્ર ઉદાહરણ આપીને વાતને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પટેલ સમાજના કેટલાક આગેવાનોએ તેમની વિરુદ્ધ મોરબીમાં ફરિયાદ નોંધાવી છે.

    વર્તમાન સમયમાં જુદા-જુદા સ્થળોએ યોજાતા કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીને સંબોધિત કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. તેઓ સત્ય ઘટના પર આધારિત વાતો રજૂ કરીને હિંદુ સમાજને મજબૂત કરવા માટેનું કાર્ય કરે છે. તે જ અનુક્રમે થોડા સમય પહેલાં સુરતમાં યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં પણ કાજલ હિન્દુસ્તાનીએ સભાને સંબોધિત કરી હતી. ત્યાં બેસેલા તમામ વ્યક્તિઓ પટેલ હતા અને પટેલ સમાજને સરળતાથી સમજાવવા ખાતર કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં બનેલી એક ઘટના વિશે વાત કરી હતી. જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને પટેલ સમાજના અમુક આગેવાનોએ વિરોધ દર્શાવ્યો છે.

    વાયરલ થઈ રહેલા વિડીયોમાં કાજલ હિન્દુસ્તાની સામે બેઠેલા પટેલ સમાજના લોકોને સમજાવવા માટે એક ઘટનાનું ઉદાહરણ આપી રહ્યા છે. તેઓ કહે છે, “મોરબીની એક જ કોલેજની સાત પટેલની દીકરીઓએ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે અને તેઓ અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે.” સાથે જ કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે, “સાતેય દીકરીઓએ મળીને પેલા મુસ્લિમ છોકરાઓને 40 લાખની ફોર વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી. કારણ કે, પિતા પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રિલ બનાવવામાં અને મજા કરવામાં વ્યસ્ત છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં ઉમેર્યું, “ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે. પેલી અંદર જઈને તિજોરીમાં પડેલા કરોડો રૂપિયામાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે. એ સાત છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષ.” સૌથી મહત્વનું વાક્ય તેઓ અંતમાં કહે છે કે, “હવે વિચારી લો ‘આપણો’ સમાજ હવે કઈ દિશા તરફ જઈ રહ્યો છે.”

    કાજલ હિન્દુસ્તાનીએ આ ઘટનાને માત્ર ઉદાહરણ તરીકે કહી છે, નહીં કે કોઈ સમાજની દીકરીઓને અપમાનિત કરવા. આ સાથે તેમણે અંતમાં ‘આપણો સમાજ’ એવું પણ કહ્યું છે. એટલે તેમનો સીધો અર્થ હિંદુ સમાજ સાથે જોડાયેલો હોવો જોઈએ. ત્યાં બેઠેલા પણ તમામ વ્યક્તિઓ પટેલ સમાજના હતા. પરંતુ તે સમયે તેમનો વિરોધ થયો નહોતો. કારણ કે, કાજલ હિન્દુસ્તાનીએ કહેલી વાત જો સત્ય હોય તો તે કોઈપણ સમાજને મદદરૂપ થઈ શકે છે અને ખાસ કરીને માતા-પિતા માટે પણ ઉદાહરણ રૂપ બની શકે છે.

    કાજલ હિન્દુસ્તાનીએ પણ કર્યો ખુલાસો

    આ સમગ્ર મામલે કાજલ હિન્દુસ્તાનીએ પણ ખુલાસો કર્યો છે. મીડિયાને તેમણે જણાવ્યું છે કે, “મને આ વિશે ખાસ ખબર નથી. હું આઉટ ઓફ ગુજરાત પ્રવાસ પર છું. પરંતુ મને ખબર પડી તે, મુજબ તો આ આખો મુદ્દો રાજકારણ પ્રેરિત છે. કારણ કે, મારા નામની પાછળ જ હિન્દુસ્તાની છે. હું ક્યારેય કોઈ હિંદુ સમાજને ટાર્ગેટ ન કરું. એ મારા વિચારમાં પણ ના હોય. મારો વિષય લવ જેહાદનો છે. મારી ડાયરેક્ટ ફાઈટ જેહાદીઓ સાથે છે. કેમ કે, હું કામ જ લવ જેહાદનું કરું છું.”

    તેમણે ઉમેર્યું કે, “આ આખો કાર્યક્રમ જ એક વર્ષ પહેલાંનો છે. સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ હતો. જેમાં સૌથી વધુ મહિલાઓ હતી. મહિલાઓ આ વિશે જાણી શકે અને બહેનોમાં વધારેથી વધારે લવ જેહાદના કિસ્સામાં જાગરૂકતા આવે તે માટે હું 50 મિનિટથી વધારે બોલી હતી. એક 10 સેકન્ડની ક્લિપ ઉઠાવીને વાયરલ કરવામાં આવી છે. હું તમામ મુદ્દાઓ પર બોલી છું. જે-જે બનાવ બન્યા તેના પર બોલી છું. બધા સમાજમાં થયેલા બનાવો મે જે-તે સમયે કહ્યા હતા. મે ચર્ચામાં વાત મૂકી હતી કે, બધા જ સમાજ આપણાં છે. હું હિંદુ સમાજની વાત કરું છું. અમે ડાયરેક્ટ દુશ્મની જેહાદીઓ સાથે લઈએ છીએ. આમાં મારો વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી અને આ બે ટકાના યુટ્યુબરોની જેમ અમે અહીં કઈ પૈસા કમાવવા નથી બેઠા. જીવના જોખમે દીકરીઓને બચાવવાનું કાર્ય કરી રહ્યા છીએ.”

    તેમણે કહ્યું કે, “અમુક રાજકારણી લોકો છે, આમ આદમી પાર્ટીના તેઓ ચૂંટણી આવે છે એટલે પટેલ સમાજને ઉશ્કેરવાનું કાર્ય કરે છે. પરંતુ પટેલ સમાજ ખૂબ હોશિયાર છે. બહુ સમજુ છે અને આ પટેલ સમાજે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને કાઢીને ફેંકી દીધી છે. અમે માત્ર ગુજરાત જ નહીં, આખા ભારતની દીકરીઓને બચાવવાનો સંકલ્પ લીધો છે અને લવ જેહાદ મુક્ત ભારતનો સંકલ્પ લીધો છે. જ્યારે જૂનાગઢમાં પટેલ સમાજની સ્ત્રીની હત્યા કરી નાખી, ગેરકાયદેસર જમીન પર મદરેસા બનાવવા માટે મોત આપી દીધી. ત્યારે આ સમાજના અગ્રણીઓ કયા હતા?” તેમણે ઉમેર્યું કે, “આ લોકોને ખૂબ સારો જવાબ દેતા મને આવડે છે. એમ ના સમજી લેતા કે, હું કઈ નહીં કરી શકું. આવા ઢોંગીઓથી લડવાની તાકાત પણ મારામાં છે. મારા તરફથી કોઈ સમાજની લાગણી દુભાવવાની વાત ન થઈ હોય શકે. હું હિંદુ સમાજની વાત કરું છું.” આ ઉપરાંત પણ તેમણે આ વિશે અનેક વાતો કરી છે.

    પટેલ સમાજના અમુક આગેવાનોએ નોંધાવી ફરિયાદ

    કાજલ હિન્દુસ્તાનીએ આપેલા આ નિવેદનને લઈને હવે પટેલ સમાજના ‘કેટલાક’ આગેવાનોએ બખેડો ઊભો કર્યો છે. કાજલ હિન્દુસ્તાનીનો ઈરાદો માત્ર ખોટા રસ્તા પર જઈ રહેલી હિંદુ દીકરીઓને જાગૃત કરવાનો હતો. જે તેમની વાત અને વિડીયો પરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમ છતાં મનોજ પનારા નામના પટેલ આગેવાન દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    એ સિવાય પરેશ ગજેરા, લાલજી પટેલ જેવા અન્ય કેટલાક આગેવાનોએ પણ આ મામલે વિરોધ દર્શાવ્યો છે. પરંતુ તેઓ તે સમજવાનો પ્રયાસ નથી કરી રહ્યા કે, કાજલ હિન્દુસ્તાનીએ જે ઉદાહરણ આપ્યું કે કોના ભલા માટે અથવા કોને રાહ ચીંધવા માટે આપ્યું. હાલ પણ કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ કરીને તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે, કાજલ હિન્દુસ્તાનીના વિડીયોની એક જ ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં આગળ અને પાછળનો સંદર્ભ પણ જાણી શકાતો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં