Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાત'ફરિયાદ કરનારાઓ પોલિટિકલ એજન્ટો, બેનના નંબર સોશિયલ મીડિયામાં મૂકી તેમનો જીવ જોખમમાં...

    ‘ફરિયાદ કરનારાઓ પોલિટિકલ એજન્ટો, બેનના નંબર સોશિયલ મીડિયામાં મૂકી તેમનો જીવ જોખમમાં મૂક્યો’: હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાની તરફે હિંદુ સંગઠને ધ્રોલમાં આપ્યું આવેદનપત્ર

    ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોએ હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે તે લોકો આ પ્રકારના કામ કરીને પોતાનું પોલિટિકલ કરિયર ચમકાવવા માંગે છે

    - Advertisement -

    પાટીદાર સમાજના તથાકથિત આગેવાનોએ હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીને ટાર્ગેટ કરીને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં પણ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કોઈ વ્યક્તિએ કાજલ હિંદુસ્તાનીનો મોબાઈલ નંબર પણ વાયરલ કરી દીધો હતો. ત્યારે હવે હિંદુ સંગઠનો કાજલ હિન્દુસ્તાની પડખે આવ્યા છે. ધ્રોલમાં સ્થાનિક હિંદુ સંગઠન ‘હિંદુ સેના’ દ્વારા કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે.

    મળતી માહિતી અનુસાર આ આવેદન પત્ર ‘હિંદુ સેના’ દ્વારા આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોએ હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે તે લોકો આ પ્રકારના કામ કરીને પોતાનું પોલિટિકલ કરિયર ચમકાવવા માંગે છે. પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે. તેમાં કહેવાયું છે કે, “કાજલબેન હિંદુસ્તાની લવ જેહાદ અને લેન્ડ જેહાદ જેવા દુષણો સામે લડી રહ્યા છે. તેઓ હિંદુ બહેન-દીકરીઓ માટે લડી રહ્યા છે, ત્યારે તેમનું મનોબળ તોડવા માટે કેટલાક પોલિટિકલ માણસો દ્વારા કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવી છે.”

    હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાનીનો નંબર વાયરલ કરવાનો દાવો

    ઉલ્લેખનીય છે કે આ પત્રમાં સંગઠન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કાજલ હિંદુસ્તાનીનો સોશિયલ મીડિયામાં વિરોધ દરમિયાન કેટલાક લોકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. સાથે જ એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં હિંદુવાદી વક્તા કાજલ હિંદુસ્તાનીનો મોબાઈલ નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ મામલે પણ સંગઠને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

    - Advertisement -

    આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ આવેદન પત્ર આપનાર અને હિંદુ સેના ધ્રોલના પ્રુમખ ગૌરવ મહેતાનો સંપર્ક કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “અમારા બેન વિરુદ્ધ જે લોકોએ ફરિયાદ આપી છે, તેઓ પોલિટિકલ એજન્ટો છે. તેમની દુકાનો નથી ચાલતી એટલે તેઓ કાજલબેનના નામે દુકાનો ચલાવી રહ્યા છે. પાટીદાર સમાજ સમજુ છે અને પાટીદાર સમાજ સહિત તમામ સનાતનીઓ કાજલબેન સાથે જ છે.”

    કાજલબેનનો નંબર વાયરલ કરી તેમનો જીવ જોખમમાં મુક્યો- ગૌરવ મહેતા

    આ સિવાય તેમણે કહ્યું કે, “કાજલબેન તેમના જીવના જોખમે કામ કરે છે અને તેમ છતાં તેમનો નંબર વાયરલ કરવામાં આવ્યો. તેમના જીવને જોખમમાં મૂકવાનું કામ કર્યું છે તે લોકોએ. અમે તેના પુરાવા રૂપે સ્ક્રિન શોટ પણ રજૂ કર્યા છે, તેમના વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ કરી છે. કાજલબેનને પછાડવા માટે આ પ્રકારની હરકતો કરવામાં આવી રહી છે. આ મામલે અમે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ પત્ર લખ્યો છે અને તેને અમારા સ્થાનિક મામલતદાર કચેરીએ આપવામાં આવ્યો છે.”

    શું હતી આખી ઘટના

    ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજના કેટલાક આગેવાનોએ કાજલ હિંદુસ્તાનીના નિવેદનની એક જૂની ક્લિપ સોશિયલ મીડિયામાં ફેરવીને તેમનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ પાટીદાર આગેવાનો એવો આરોપ લગાવ્યા હતા કે, કાજલ હિન્દુસ્તાનીએ પટેલ સમાજની દીકરીઓ વિશે અપમાનજનક નિવેદન આપ્યું છે. જોકે, કાજલ હિન્દુસ્તાનીએ માત્ર ઉદાહરણ આપીને વાતને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પટેલ સમાજના કેટલાક આગેવાનોએ તેમની વિરુદ્ધ મોરબીમાં ફરિયાદ નોંધાવી છે.

    નોંધનીય છે કે વાસ્તવમાં જૂના વિડીયો કલીપમાં કાજલ હિંદુસ્તાનીનો ઈરાદો માત્ર ખોટા રસ્તા પર જઈ રહેલી હિંદુ દીકરીઓને જાગૃત કરવાનો હતો. જે તેમની વાત અને વિડીયો પરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમ છતાં મનોજ પનારા નામના પટેલ આગેવાન દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં