બલરામપુરમાં ધર્માંતરણના માસ્ટરમાઈન્ડ જલાલુદ્દીન શાહ ઉર્ફે છાંગુર પીરને લઈને અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તેની ધરપકડથી લઈને હમણાં સુધીની તપાસમાં અનેક માહિતી સામે આવી છે. હવે જાણવા મળી રહ્યું છે કે, આરોપીએ હિંદુ મહિલાઓ અને યુવતીઓને ફસાવવા માટે 1000 જેટલા મુસ્લિમ યુવકોને ફંડિંગ આપ્યું હતું. સૂત્રોને ટાંકીને કહેવાય રહ્યું છે કે, ત્રણ વર્ષમાં છાંગુર પીરે કરોડોનું ફંડિંગ મુસ્લિમ યુવકોને આપ્યું હતું. વધુમાં તે ત્રણ રીતે મહિલાઓનું ધર્માંતરણ કરાવતો હોવાનું પણ સામે આવ્યું છે.
વિગતો અનુસાર, યુપી ATSએ આરોપ લગાવ્યો છે કે, છાંગુર પીરે કથિત રીતે આ સમયગાળા દરમિયાન મુસ્લિમ દેશો પાસેથી ₹500 કરોડનું ફંડિંગ મેળવ્યું હતું. આ જ ફંડિંગથી તે ધર્માંતરણનું રેકેટ ચલાવી રહ્યો હતો અને મુસ્લિમ યુવકોને પૈસા આપી રહ્યો હતો. તે ખાસ કરીને ગરીબ, વિધવા અને નબળા વર્ગની મહિલાઓને નિશાન બનાવતો હતો. સૂત્રોને ટાંકીને ઇન્ડિયા ટુડેએ કહ્યું છે કે, તે ભારત-નેપાળ સરહદ દ્વારા ઉત્તર પ્રદેશના સાત જિલ્લાઓમાં મુસ્લિમ પુરુષોને ફંડિંગ આપતો હતો.
વધુમાં આરોપ છે કે, તેણે તે મુસ્લિમ પુરુષોને રોકડ નાણાં પણ આપ્યા હતા, જેણે હિંદુ યુવતીઓને ફસાવી હતી. છાંગુર પીરની સાથે તેની સહયોગી નસરીન પણ સાત દિવસની ATSની કસ્ટડીમાં છે. સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, નસરીન જ વિદેશોમાંથી આવતા ફંડિંગનું સંચાલન કરતી હતી. ઉપરાંત એવું પણ કહેવાયું છે કે, IB અને NIAના અધિકારીઓ પણ આ મામલે આરોપીની પૂછપરછ કરી શકે છે.
તે સિવાય ATS છેલ્લા ત્રણ વર્ષોમાં છાંગુર પીર, નસરીન, જમાલુદ્દીન અને મહેબૂબના બેન્ક ખાતાઓમાંથી થયેલા લેવડદેવડની તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, છાંગુર પીરે સંપત્તિઓ ખરીદવા અને લેવડદેવડ માટે પોતાના પુત્રના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. તે સિવાય વિવિધ એજન્સીઓ વિદેશી બેન્ક ખાતાઓની પણ તપાસ કરી રહી છે.
છાંગુર પીર ત્રણ રીતે કરાવતો હતો ધર્માંતરણ
આ સાથે અન્ય એક ઘટસ્ફોટ તેના ધર્માંતરણ રેકેટની પદ્ધતિને લઈને પણ થયો છે. માહિતી સામે આવી રહી છે કે, તે ત્રણ રીતે હિંદુ યુવતીઓના ધર્માંતરણ કરાવતો હતો. તેમાંથી એક રીત હતી, મુસ્લિમ યુવકોને નાણાં પૂરા પાડીને હિંદુ યુવતીઓને ફસાવવી અને તેની સાથે મુસ્લિમ યુવાનોના નિકાહ કરાવીને તેનું ધર્માંતરણ કરાવવું. બીજી રીતમાં તે પોતાની સહયોગી નસરીન અને તેના પતિ જમાલુદ્દીનને દેખાડતો હતો. સાથે તે એવું કહેતો કે, આ બંનેએ ઇસ્લામ કબૂલ કર્યો તો આજે તેની પાસે કરોડો રૂપિયા છે.
વધુમાં તે નસરીન અને તેના પતિના આલીશાન બંગલા, મોંઘાડાટ વાહનોની લાલચ પણ આપતો હતો. ઘણા લોકો તેની આ વાતથી પ્રભાવિત થતાં હતા અને ઇસ્લામ અપનાવી લેતા હતા. જે લોકો લાલચ બાદ પણ ઇસ્લામ નહોતા અપનાવતા તેના પર ખોટા કેસ કરવામાં આવતા હતા અને કાયદાકીય રીતે તેમને ફસાવવામાં આવતા હતા. યુપી ATSને આવા જ એક મામલે ખોટી FIR થયેલી હોવાનું જાણવા મળ્યું છે.
તે સિવાય છાંગુરના ધર્માંતરણની ત્રીજી રીત હતી હિંદુ ધર્મનું અપમાન કરવું. તે ગરીબ અને લાચાર લોકોને નિશાન બનાવતો હતો અને તેની સામે હિંદુ ધર્મનું અપમાન કરવા લાગતો હતો. આ સાથે તે ઇસ્લામને ચડિયાતો ગણાવતો હતો અને લોકોને ઇસ્લામ અપનાવવા માટેનું કહેતો હતો. આ ત્રણ રીતથી તે ઇસ્લામ માટે ધર્માંતરણનો ખેલ ખેલતો હતો. હાલ આ સમગ્ર કેસ મામલે તપાસ ચાલી રહી છે.


