જલાલુદ્દીન શાહ, જેને છાંગુર બાબા અથવા હાજી પીર જલાલુદ્દીન શાહ તરીકે ઓળખવામાં આવે છે, તે હાલમાં તેના પર લાગેલા ગંભીર આરોપોને લઈને ચર્ચામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના રહેવાસી 78 વર્ષીય જલાલુદ્દીન શાહ પર હિંદુ યુવતીઓનું ધર્માંતરણ રેકેટ, ‘લવ જેહાદ’ને પ્રોત્સાહન, ગેંગરેપ અને વિદેશી ફંડિંગ મેળવવાના આરોપ લાગ્યા છે. અનેક હિંદુ યુવતીઓએ આ મામલે સામે આવીને ફરિયાદ નોંધાવી છે. હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
આ કેસમાં સૌપ્રથમ STFની (સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ) એન્ટ્રી થઈ હતી. જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ આ કેસમાં યુપી ATS અને ED પણ તપાસમાં જોતરાયા છે. આ કેસને લઈને અનેક ઘટસ્ફોટ થયા છે અને હાલ પણ તપાસ ચાલી રહી છે. ગુપ્ત માહિતીના આધારે STFએ આ મામલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં આગળ વધતાં ધર્માંતરણના રેકેટથી લઈને લવ જેહાદ અને ગેંગરેપ જેવા ગંભીર આરોપો પણ સામે આવ્યા હતા.
કોણ છે જલાલુદ્દીન શાહ ઉર્ફે છાંગુર બાબા?
જલાલુદ્દીન શાહ (ઘણા અહેવાલોમાં કરીમુલ્લા શાહ) ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના રેહરા માફી ગામનો રહેવાસી છે. તેની ઉંમર 78 વર્ષ હોવાનું કહેવાય રહ્યું છે. તે સાયકલ લઈને આસપાસના વિસ્તારોમાં મજહબી તાવીજ અને હીરા વહેચતો હતો અને 2015 સુધીમાં તે પોતાને છાંગુર બાબા અથવા હાજી પીર જલાલુદ્દીન તરીકે રજૂ કરવા લાગ્યો હતો. તે પોતે સૂફી સંત હોવાનો દાવો કરે છે અને તેની પાસે મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ છે. અહેવાલો અનુસાર, તે બલરામપુરમાં એક વિશાળ નેટવર્ક ચલાવતો હતો, જેમાં ધર્માંતરણ, ‘લવ જેહાદ’ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત તેને આ બધા કામો માટે આરબ દેશોમાંથી તોતિંગ ફંડિંગ પણ મળી રહ્યું હતું.
#WATCH | Lucknow, UP | ADGP (Law and Order), Amitabh Yash says, "STF had received information that in Uttaraula town of Balrampur district, Changur Baba aka Jamaluddin Baba who project himself as Haji Pir Jalaluddin and run a vast network of conversion. During the investigation,… pic.twitter.com/kG8fvRFQPk
— ANI (@ANI) July 5, 2025
છાંગુર બાબા બલરામપુરમાં એક આલીશાન દરગાહ રહેતો હતો, જેને ‘ચાંદ ઓલિયા દરગાહ’ તરીકે ઓળખવામાં આવતી હતી. આ ઈમારતમાં મજહબી અને સૂફી પ્રવૃત્તિઓના નામે લોકોને એકઠા કરવામાં આવતા હતા, જેમાં ભારતના લોકોની સાથે વિદેશીઓ પણ હાજર રહેતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર હેતુઓ માટે હતી. જેમાં હિંદુઓના ધર્માંતરણ, હિંદુ યુવતીઓને લવ જેહાદ કરીને ફસાવવી અને ધર્માંતરણ કરાવવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો.
તેના પર શું છે આરોપો?
છાંગુર બાબા પર અનેકો આરોપ લાગ્યા છે. સૌપ્રથમ તો ધર્માંતરણના રેકેટ મામલે તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. આગળ વધતાં લવ જેહાદ અને આરબ દેશોના ફંડિંગ વિશે પણ માહિતી મળી આવી હતી. જે બાદ વિવિધ એજન્સીઓ આ તપાસ જોતરાઈ છે અને તપાસ કરી રહી છે. તેના પર લાગેલા આરોપો નીચે મુજબ છે.
ધર્માંતરણનું રેકેટ – ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને (STF) માહિતી મળી હતી કે, છાંગુર બાબા બલરામપુરમાં એક વિશાળ ધર્માંતરણનું રેકેટ ચલાવી રહ્યો હતો. તે ગરીબ અને નિરાધાર લોકોને નિશાન બનાવીને, નાણાકીય પ્રલોભનો, દબાણ અને મજહબી ઉપદેશોનો ઉપયોગ કરીને તેમને ઇસ્લામ અપનાવવા મજબૂર કરતો હતો. તેની આ પ્રવૃત્તિઓ બલરામપુરના ઉતરૌલા વિસ્તારમાં કેન્દ્રિત હતી, જ્યાં તેની ઈમારત ધર્માંતરણનું મુખ્ય કેન્દ્ર હતી.
લવ જેહાદ – અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, છાંગુર બાબાનું નેટવર્ક ‘લવ જેહાદ’ સાથે જોડાયેલું હતું. આ આરોપોમાં કહેવાયું છે કે, તેના નેટવર્ક દ્વારા હિંદુ યુવતીઓને પ્રેમના નામે ફસાવીને ધર્માંતરણ કરવામાં આવતું હતું. જોકે, આ મામલે વિગતે તપાસ ચાલી રહી છે. આરોપોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, છાંગુર બાબા મુસ્લિમ યુવકોને હિંદુ ધર્મની વિવિધ જ્ઞાતિની યુવતીઓને ફસાવવા પર ‘ઈનામ’ આપતો હતો. જેમાં સૌથી વધુ ‘ઈનામ’ બ્રાહ્મણ-ક્ષત્રિય યુવતીઓને ફસાવવા માટે મળતું હતું.
એક કેસમાં લખનૌની ગુંજા ગુપ્તા નામની એક મહિલાને કથિત રીતે અબુ અંસારી નામના એક સહયોગીએ ફસાવી હતી. અંસારીએ તેને પોતાનું નામ ‘અમિત’ કહ્યું હતું અને પ્રેમસંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તે યુવતીને બલરામપુર લાવવામાં આવી હતી અને તેનું ધર્માંતરણ કરાવીને તેને ‘અલીના અંસારી’ બનાવી દેવાઈ હતી.
ગેંગરેપના આરોપો – છાંગુર બાબા અને તેના નેટવર્ક પર ગેંગરેપના આરોપો પણ લાગ્યા છે. તપાસ એજન્સીઓને શંકા છે કે તેના નેટવર્કમાં યુવતીઓને ફસાવીને તેમનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. આ આરોપો ગંભીર છે, પરંતુ હાલ સુધીની માહિતીમાં આની વધુ વિગતો સામે આવી. જોકે, અહેવાલોમાં ઘણી હિંદુ મહિલાઓએ ફરિયાદ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.
કર્ણાટકની એક મહિલાએ પણ આરોપ લગાવ્યો છે કે, છાંગુર બાબાનો એક એજન્ટ સાઉદી આરબ રહે છે. તે રાજુ રાઠોડ બનીને હિંદુ યુવતીઓ સાથે વાત કરે છે, જ્યારે વાસ્તવમાં તેનું નામ વસીમ છે. તે નોકરીની લાલચ આપીને હિંદુ યુવતીઓને સાઉદી આરબ બોલાવે છે. મહિલાનો આરોપ છે કે, તેની સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું. મહિલાએ જણાવ્યું છે કે, સાઉદી આરબ બોલાવીને વસીમે તેના પર કરોડપતિ શેખો સાથે નિકાહ કરવાની લાલચ આપી હતી અને બળજબરીથી ધર્માંતરણ કરાવવાના પ્રયાસ કર્યાં હતા.
મહિલાએ વધુમાં જણાવ્યું છે કે, રાજુ રાઠોડ ઉર્ફે વસીમના આખા પરિવારે હિંદુ બનીને તેની સાથે ફોન પર વાતચીત કરી હતી. સાઉદી આરબથી પરત ફર્યા બાદ યુવતીનો આરોપ છે કે, વસીમના ચાચા અને દોસ્તોએ મળીને તેનો ગેંગરેપ કર્યો હતો અને તેનો અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો.
વિદેશી ફંડિંગ – એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને (ED) માહિતી મળી છે કે, છાંગુર બાબાને આરબ દેશોમાંથી મોટાપાયે ફંડિંગ મળતું હતું, જેનો ઉપયોગ ધર્માંતરણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હતો. EDનો અંદાજ છે કે આ ફંડિંગ લગભગ ₹106 કરોડનું હોય શકે છે. આ મામલે પણ હાલ એજન્સી તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.
હિંદુ જ્ઞાતિ આધારિત ‘રેટ-લિસ્ટ’ – તપાસ કરતા અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, આ ગેંગે ધર્માંતરણ માટે જ્ઞાતિ આધારિત રેટ-લિસ્ટ તૈયાર કરી હતી. એક ATS અધિકારીએ જણાવ્યું છે કે, આ ગેંગે અલગ-અલગ જ્ઞાતિની યુવતીઓના ધર્માંતરણ માટે એક નિર્ધારિત રકમ રાખી હતી, જેમાં બ્રાહ્મણ, સરદાર અથવા ક્ષત્રિય યુવતીઓને ફસાવવા પર ₹15-16 લાખ મુસ્લિમ યુવકોને અપાતાં હતા. તે સિવાય OBC યુવતીઓ માટે ₹12-12 લાખ અને અન્ય જ્ઞાતિની યુવતીઓ માટે ₹8-10 લાખ અપાતાં હતા.
EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, છાંગુર બાબાને મળતા ફંડિંગના નાણાં મજહબી સંસ્થાઓ અને NGOs ના નામે આવતા હતા, પરંતુ તેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હતો. ED આ ફંડિંગના સ્ત્રોત અને તેના ઉપયોગની વિગતો ખંગાળી રહી છે.
રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ – ઉત્તર પ્રદેશ પોલીસના ADGP (લૉ એન્ડ ઑર્ડર) અમિતાભ યશે જણાવ્યું છે કે, છાંગુર બાબાની પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે સંભવિત જોખમ ઊભું કરે છે. તેનું નેટવર્ક દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલું હોવાની શંકા છે. વધુમાં આતંકવાદી પ્રવૃત્તિઓના આરોપો પણ લાગ્યા છે, જેથી યુપી ATS પણ તે દિશામાં તપાસ કરી રહી છે.
તપાસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, છાંગુર બાબા અને તેના સહયોગીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં 50થી વધુ વખત વિભિન્ન ઇસ્લામી દેશોની યાત્રા કરી હતી. પોલીસ અધિકારીએ એ પણ જણાવ્યું છે કે, આરોપીએ છેલ્લા એક દાયકામાં વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. બલરામપુર અને પુણેમાં તેની સંપત્તિઓ અને ગાડીઓ પણ મળી આવી છે.
PTIએ અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે, મજહબી ઉપદેશો, શિઝરા-એ-તૈયબ્બા નામના પુસ્તકો અને મનોવૈજ્ઞાનિક યુક્તિઓથી તેણે ઇસ્લામને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હતું. તેણે હિંદુઓ, ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ઇસ્લામ અપાવવા માટે પ્રેરિત અને મજબૂર કર્યાં હતા. ATS અનુસાર, ગરીબ, શ્રમિકો, નબળા વર્ગના લોકો અને વિધવા મહિલાઓને પ્રલોભન, નાણાકીય સહાય, લગ્નના વચન આપીને અથવા ધમકીઓ આપીને ધર્માંતરણ માટે મજબૂર કર્યાં હતા.
કેવી રીતે પકડાયો?
છાંગુર બાબાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને (STF) ગુપ્ત માહિતી મળી હતી. તેની પહોંચ બલરામપુર અને ભારત-નેપાળ સરહદ વિસ્તાર સુધી ફેલાઈ હતી, જેના કારણે ગુપ્તચર એજન્સીઓનું ધ્યાન તેના તરફ પડ્યું હતું. આ તમામ માહિતીના આધારે, STFએ બલરામપુરના ઉતરૌલા વિસ્તારમાં તેની ઈમારત અને સંબંધિત સ્થળો પર તપાસ શરૂ કરી હતી. જે બાદ યુપી ATSએ છાંગુર બાબા અને તેના દીકરા મહેબૂબ અને નવીન રોહરા સામે FIR નોંધી હતી. 8 એપ્રિલના રોજ બે આરોપી નવીન ઉર્ફે જમાલુદ્દીન અને મહેબૂબની ધરપકડ કરવામાં આવી હતી.
આ ધરપકડ બાદથી જ છાંગુર બાબા અને નવીનની બેગમ નીતુ ઉર્ફે નસરીન અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. તેની ધરપકડ માટે કોર્ટે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને તેમના પર ₹50 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. જે બાદ જુલાઈમાં ATSએ લખનૌના સ્ટારરૂમ હોટેલમાંથી છાંગુર બાબા અને નસરીનની ધરપકડ કરી લીધી હતી.
તપાસ દરમિયાન પોલીસને તેની ઈમારતમાંથી ધર્માંતરણ સાથે જોડાયેલા દસ્તાવેજો, નાણાકીય લેવડદેવડના રેકોર્ડ્સ અને અન્ય પુરાવાઓ મળ્યા હતા, જે ધર્માંતરણના રેકેટ અને વિદેશી ફંડિંગની શંકાને વધુ મજબૂત કરે છે. આ ઉપરાંત કેટલીક પીડિત હિંદુ યુવતીઓની ફરિયાદો પણ સામે આવી છે, જેમાં ગેંગરેપ અને શોષણના આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શું છે તપાસની સ્થિતિ?
હાલમાંઆરોપી છાંગુર બાબાના કેસ મામલે નીચે મુજબની તપાસ ચાલી રહી છે.
STF અને ATSની તપાસ – ઉત્તર પ્રદેશની STF અને એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) છાંગુર બાબાના નેટવર્કની વિગતો ખંગાળી રહી છે. આ નેટવર્કમાં સામેલ અન્ય વ્યક્તિઓ, સ્થાનિક સહયોગીઓ અને ધર્માંતરણની પ્રક્રિયાની તપાસ ચાલી રહી છે. STFને શંકા છે કે, આ નેટવર્ક બલરામપુર ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ સક્રિય હોય શકે છે. હાલ આરોપી યુપી ATSની કસ્ટડીમાં છે.
STFની તપાસમાં જાણવા મળ્યું છે કે, છાંગુર બાબાનું નેટવર્ક બલરામપુરથી આગળ વિસ્તરેલું હતું અને તેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગીઓ સામેલ હતા. આ નેટવર્ક ગરીબ અને નિરાધાર લોકોને નિશાન બનાવતું હતું અને ધર્માંતરણ માટે પૈસા, ખોરાક, અને આશ્રયના લાલચનો ઉપયોગ થતો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) તપાસ – 9 જુલાઈ, 2025ના રોજ EDએ છાંગુર બાબા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) નોંધ્યો હતો. ED ખાસ કરીને વિદેશી ફંડિંગના મુદ્દે તપાસ કરી રહી છે, જેમાં આરબ દેશોમાંથી આવેલા ₹106 કરોડની લેવડદેવડની શંકા છે. એજન્સીને શંકા છે કે, આ નાણાંનો ઉપયોગ ધર્માંતરણ, ‘લવ જેહાદ’ અને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે થયો હતો.
The Enforcement Directorate (ED) registered an Enforcement Case Information Report (ECIR) on July 9 against Jamaluddin alias Chhangur Baba (real name Karimulla Shah), who is accused of religious conversions, utilisation of foreign funding, and activities posing a potential threat… pic.twitter.com/cKPfeWHLSS
— ANI (@ANI) July 10, 2025
EDની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી અને તેના સહયોગીઓ લગભગ 40 બેન્ક એકાઉન્ટ્સને નિયંત્રિત કરતા હતા, જેનો ઉપયોગ હવાલા રકમની લેવડદેવડ અને આરબ દેશોમાંથી ફંડિંગ મેળવવા માટે થતો હતો. EDના લખનૌ ઝોનલ કાર્યાલયે યુપી ATS દ્વારા નોંધવામાં આવેલી FIRના આધાર પર PMLA હેઠળ ગુનો નોંધીને મની લોન્ડરિંગની તપાસ આદરી છે.
આ ઉપરાંત પોલીસ અને ATS ગેંગરેપના આરોપોની તપાસ કરી પણ રહી છે. પીડિત હિંદુ યુવતીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને આ મામલે વધુ પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કાર્યવાહીના ભાગરૂપે 9-10 જુલાઈ, 2025ના રોજ બલરામપુર જિલ્લા વહીવટીતંત્રએ છાંગુર બાબાની આલીશાન દરગાહને અને મધપુરની તેની સંપત્તિઓને બુલડોઝરથી ધ્વસ્ત કરી દીધી હતી. આ ઈમારત ધર્માંતરણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે. આ કાર્યવાહીમાં 8-10 બુલડોઝરનો ઉપયોગ થયો હતો.


