પશ્ચિમ બંગાળની યાત્રાએ પહોંચેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતની સભા યોજવાની પરવાનગી રદ કરનાર મમતા બેનર્જી સરકારનો નિર્ણય હાઇકોર્ટ પલટાવી દીધો છે. સરકારે એમ કહીને પરવાનગી આપી ન હતી કે દસમા ધોરણની પરીક્ષાઓ ચાલે છે, જેથી સભા યોજવાથી વિદ્યાર્થીઓને ખલેલ પહોંચશે. પરંતુ હાઇકોર્ટે આવી દલીલોને બાજુ પર મૂકીને સભા કરવા માટે સંઘને લીલી ઝંડી આપી છે. સરકારે પરવાનગી રદ કર્યા બાદ RSSએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે (14 ફેબ્રુઆરી) નિર્ણય સંભળાવવામાં આવ્યો.
ममता सरकार को झटका, कलकत्ता हाईकोर्ट ने संघ प्रमुख भागवत को दी जनसभा की अनुमति#WestBengal #CalcuttaHighCourt | @Anupammishra777
— AajTak (@aajtak) February 14, 2025
https://t.co/ukz7HU2Dfo
આ કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (SAI) મેદાનમાં યોજાવાનો હતો. જ્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અથવા લાઉડસ્પીકરના ઉપયોગને મંજૂરી આપવાનો TMC સરકારના પ્રશાસને ઇનકાર કર્યો હતો. જેના કારણે RSS આ સભા યોજવાની મંજૂરી લેવા માટે કલકત્તા હાઇકોર્ટ પહોંચ્યું હતું.
જ્યાં હાઇકોર્ટે સભા યોજવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ નિર્દેશ આપ્યો હતો કે જાહેર સભા દરમિયાન એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેનાથી પરીક્ષાર્થીઓને અસુવિધા ન થાય અને અવાજ ઓછામાં ઓછો રાખવામાં આવે, જેથી કોઈને ખલેલ ન પહોંચે.
આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ અમૃતા સિંહાએ કહ્યું હતું કે આ સભા રવિવારે યોજાવાની છે અને કાર્યક્રમ 1 કલાક 15 મિનીટ જ ચાલવાનો છે તેથી કોર્ટને નથી લાગતું કે આ સભાથી કોઈને અસુવિધા થશે. તેથી શાંતિપૂર્ણ રીતે સભા આયોજિત કરવાની અને સભામાં અવાજને ઓછામાં ઓછો રાખવાનો આદેશ આપવામાં આવે છે. સભા યોજી શકાશે.
નોંધનીય છે કે હાઇકોર્ટનો આ નિર્ણય રાજ્ય સરકાર માટે મોટો ઝટકો છે કારણ કે પ્રશાસને જે પરીક્ષાનો હવાલો આપીને સભાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે કોર્ટે અવાજ મર્યાદા જાળવવા સાથે સભા યોજવાની પરવાનગી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે મોહન ભાગવત હાલ પશ્ચિમ બંગાળની મુલાકાત પર છે. તેમણે રાજ્યના વિવિધ પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. રવિવારે બર્દવાનમાં પ્રસ્તાવિત બેઠક મધ્ય બંગાળના જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની કવાયતનો એક ભાગ છે. આ મુલાકાત દરમિયાન મોહન ભાગવતે એ પીડિતાના માતા-પિતા સાથે પણ મુલાકાત કરી હતી જેની ગત વર્ષે ઓગસ્ટમાં RG કર હોસ્પિટલમાં બળાત્કાર બાદ હત્યા કરી નાખવામાં આવી હતી.