થોડા સમય પહેલાં અમદાવાદના (Ahmedabad) રખિયાલ-બાપુનગર વિસ્તારમાં અમુક ગુંડાતત્વોએ પોલીસને પડકાર આપીને દાદાગીરી કરી હતી અને જાહેરમાં તલવારો લહેરાવતા રખડતા જોવા મળ્યા હતા. તેમની સામે તરત કેસ નોંધીને ધરપકડ કરી લેવામાં આવી હતી અને બે મુખ્ય આરોપીઓનાં ઘર પર બુલડોઝર (Bulldozer Action) પણ ફેરવી દેવામાં આવ્યાં હતાં. હવે આ મામલે વધુ એક આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
અબ્દુલ કરીમ નામના આ આરોપી વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. 18 ડિસેમ્બરનો જે વિડીયો વાયરલ થયો હતો, તેમાં તેની પણ સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ તેના મકાનની તપાસ કરવામાં આવતાં તે ગેરકાયદેસર જમીન પર હોવાનું બહાર આવ્યું હતું.
Ahmedabad : બુટલેગરના ઘરે ફરી વળ્યું AMC નું બુલડોઝર
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 2, 2025
અમદાવાદના બાપુનગરમાં બુટલેગરના ઘરે AMC નું બુલડોઝર ફર્યું.
ગરીબનગર પાસે પોલીસ પર હુમલાની વાયરલ થયેલી રિલ મુદ્દે કાર્યવાહી.
મહોમદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશન.#Ahmedabad #Ahmedabadpolice #Gujaratpolice #AMC… pic.twitter.com/sHaibFcA79
AMCએ ગેરકાયદેસર મકાન માટે નોટિસ પાઠવી હતી. જેની કોઈ પ્રત્યુત્તર ન મળતાં ગુરુવારે (2 જાન્યુઆરી) ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચીને કરીમનું ઘર જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.
સ્થળ પર હાજર એક પોલીસકર્મીએ જણાવ્યું કે, “18 ડિસેમ્બરના રોજ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અમુક અસામાજિક તત્ત્વો પોલીસ સાથે ગેરવર્તન કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ ઘર આ જ કેસના એક આરોપીનું છે. આ જમીન ખાનગી સંપત્તિ છે, પણ બાંધકામ ગેરકાયદેસર છે અને તેનો કોઈ પ્લાન પણ પાસ કરાવવામાં આવ્યો ન હતો. GDCR ગાઈડલાઈન અને AMCના નિયમો અનુસાર, નોટિસ ફટકારવામાં આવી હતી અને સમય પણ અપાયો હતો. આજે આખરે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.
ડિમોલિશન કરવા પહેલાં AMCએ આરોપીનાં ઘરનાં વીજળી અને ગેસ કનેક્શન પણ કાપી નાખ્યાં હતાં.
18 ડિસેમ્બરની રાત્રિનો વિડીયો વાયરલ થયો હતો
આ મામલો ગત 18 ડિસેમ્બરની રાત્રિનો છે. અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારના અમુક વિડીયો વાયરલ થયા હતા, જેમાં અમુક ઇસમો હાથમાં ખુલ્લી તલવાર અને અન્ય હથિયારો લઈને ફરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, જ્યારે ત્યાં પોલીસની એક ગાડી પહોંચી તો તેમાંથી એક ઇસમે ‘બહુત મારુંગા સાહબ’ કહીને દાદાગીરી કરી હતી અને પોલીસકર્મીઓને બળજબરીથી ધક્કો મારીને PCRમાં બેસાડી દીધા હતા.
વિડીયો સામે આવ્યા બાદ પોલીસે બે ફરિયાદ દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમની ઓળખ ફઝલ શેખ, સમીર શેખ, અલ્તાફ શેખ અને મહેફૂઝ મિયાં તરીકે થઈ હતી. ત્યારબાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી ફઝલ અને અલ્તાફનાં ઘર ધરપકડના બીજા જ દિવસે તોડી પાડવામાં આવ્યાં હતાં.