Wednesday, December 4, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં ફરી અસ્થિરતાનો માહોલ: શેખ હસીનાની મોટાપાયે પ્રદર્શન યોજવાની ઘોષણા બાદ સેંકડો...

    બાંગ્લાદેશમાં ફરી અસ્થિરતાનો માહોલ: શેખ હસીનાની મોટાપાયે પ્રદર્શન યોજવાની ઘોષણા બાદ સેંકડો કાર્યકર્તાઓની ધરપકડ, યુનુસ સરકારે રસ્તા પર ઉતારી સેના

    આવામી લીગ શેખ હસીના સરકાર ભંગ થયા બાદથી જ તેમની પાર્ટી વિરુદ્ધ કરવામાં આવતી કાર્યવાહી, તેમના નેતાઓ વિરુદ્ધ થતી કાર્યવાહી અને તેમની છાત્ર પાંખ ‘છાત્ર લીગ’ પર મૂકવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં યુનુસ સરકાર સામે પ્રદર્શન કરી રહી છે. 

    - Advertisement -

    ઑગસ્ટ, 2024માં બાંગ્લાદેશમાં (Bangladesh) વિદ્યાર્થી આંદોલનની આડમાં વડાંપ્રધાન શેખ હસીનાની લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર ભંગ કરાવી દીધા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ પરિસ્થિતિ પર માંડ નિયંત્રણ આવતું જણાય રહ્યું છે ત્યાં ફરીથી એક વખત અસ્થિરતાના સમાચાર આવી રહ્યા છે. જાણવા મળ્યા અનુસાર, શેખ હસીનાની પાર્ટી આવામી લીગના (Awami League) સેંકડો કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી રહી છે અને સેના ઉતારી દેવામાં આવી છે. બીજી તરફ, શેખ હસીના અને તેમની નજીકના અમુક વ્યક્તિઓ વિરુદ્ધ રેડ નોટિસ ઇસ્યુ કરાવવા પણ યુનુસ સરકાર તજવીજ હાથ ધરી રહી હોવાનું સ્થાનિક મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. 

    વાસ્તવમાં શનિવારે (9 નવેમ્બર) આવામી લીગ દ્વારા બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક વિશાળ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન મોહમ્મદ યુનુસ સરકાર સામે યોજવામાં આવ્યું છે. પરંતુ તે પહેલાં જ સેના ઉતારીને આવામી લીગના સેંકડો નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરી લેવામાં આવી. 

    પ્રદર્શનનો નિર્ધારિત સમય બપોરે 3 વગ્યાનો છે. પરંતુ તે પહેલાં જ સેના ઉતારી દેવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર, ઢાકાને એક કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની 191 પ્લાટૂન ઉતારી દેવામાં આવી છે. નોંધનીય છે કે સ્થાનિક તંત્ર અને સરકારે આવામી લીગને પ્રદર્શન માટે કોઈ પરવાનગી આપી નથી. યુનુસ સરકારે આવામી લીગને ‘ફાસીવાદી પાર્ટી’ ગણાવી છે અને કહ્યું કે તેઓ હિંસા કરવા માંગે છે. સામે આવામી લીગે પણ એલાન કર્યું હતું કે પરવાનગી ન મળે તોપણ તેઓ પ્રદર્શન કરશે અને પૂરેપૂરી તાકાતથી એજન્સીઓ અને સેનાનો સામનો કરશે.

    - Advertisement -

    બીજી તરફ, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામીએ આ પ્રદર્શનના એલાનનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તેઓ આ પ્રકારનાં કોઈ પ્રદર્શનો થવા દેશે નહીં. ત્યારબાદ ઢાંકણ વિવિધ આવેલાં આવામી લીગનાં કાર્યાલયો સામે BNP અને જમાતના કાર્યકર્તાઓ પહેલેથી જ એકઠા થઈ ગયા હતા, જેથી આવામી લીગના કાર્યકર્તાઓને એકઠા થતા રોકી શકાય. 

    આવામી લીગ શેખ હસીના સરકાર ભંગ થયા બાદથી જ તેમની પાર્ટી વિરુદ્ધ કરવામાં આવતી કાર્યવાહી, તેમના નેતાઓ વિરુદ્ધ થતી કાર્યવાહી અને તેમની છાત્ર પાંખ ‘છાત્ર લીગ’ પર મૂકવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં યુનુસ સરકાર સામે પ્રદર્શન કરી રહી છે. 

    પાર્ટીએ પ્રદર્શનમાં ભાગ લેવા આવતા તમામ લોકોને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો પણ સાથે લઈને આવવા માટે જણાવ્યું હતું. કારણ એ છે કે પાર્ટી માને છે કે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનની આડમાં ચૂંટાયેલી સરકારને ભંગ કરી નાખવાનું ષડ્યંત્ર  રચવામાં અમેરિકાની બાયડન સરકારનો પણ હાથ હતો. 

    શેખ હસીના સામે રેડ નોટિસ ઇસ્યુ કરવા તજવીજ 

    આ બધા વચ્ચે રવિવારે (10 નવેમ્બર) બાંગ્લાદેશના નવા કાયદા સલાહકાર આસિફ નઝરુલે જણાવ્યું હતું કે, તેમની સરકાર જુલાઈ અને ઑગસ્ટના ‘વિદ્યાર્થી આંદોલન’ દરમિયાન થયેલા ‘નરસંહાર’માં સામેલ ભાગેડુઓની ધરપકડ કરીને પરત લાવવા માટે ઈન્ટરપોલને તેમની વિરુદ્ધ રેડ નોટિસ ઇસ્યુ કરવા માટે ભલામણ કરશે. 

    ઉલ્લેખનીય છે કે શેખ હસીના અને તેમની પાર્ટીના અમુક વરિષ્ઠ નેતાઓ પર બાંગ્લાદેશની યુનુસ સરકારે કુલ 60 ફરિયાદો દાખલ કરી છે. હાલ શેખ હસીના ભારતમાં છે. 5 ઑગસ્ટના રોજ તેમની સરકાર પડી ગયા બાદ તેમણે ભારતમાં શરણ લીધું હતું. તાજેતરમાં તેમણે અમેરિકન ચૂંટણીમાં વિજેતા બનેલા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને જીતની શુભકામનાઓ પાઠવી હતી, જેમાં તેમનો ઉલ્લેખ બાંગ્લાદેશનાં વડાંપ્રધાન તરીકે કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં