ભારત અને બાંગ્લાદેશ સીમાને અડીને આવેલા મનસા મંદિરના જીર્ણોદ્ધાર કાર્યને અટકાવી દેવાની ઘટના સામે આવી છે. આ કારસ્તાન બાંગ્લાદેશી સીમા રક્ષક દળનાં (BGB) જવાનો દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. આ મંદિર આસામના શ્રીભુજ જિલ્લામાં પડતી ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક ભારતીય હદમાં આવેલું છે. બાંગ્લાદેશી સેનાની આ હરકતે આંતરરાષ્ટ્રીય કાનુનનું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે જ બાંગ્લાદેશની કટ્ટરપંથી અને હિંદુવિરોધી માનસિકતા છતી પણ કરી દીધી છે.
વાસ્તવમાં કુશિયારા નદી કાંઠે બનેલા હિંદુઓના આસ્થાના કેન્દ્ર એવા ઐતિહાસિક મનસા મંદિરને સરકાર દ્વારા રિનોવેટ કરવામાં આવી રહ્યું હતું. આ માટે સરકારે 3 લાખ રૂપિયા પણ ફાળવ્યા હતા. તેવામાં ગુરુવારે (5 ડિસેમ્બર 2024) BGBના જવાનો સ્પીડબોટ મારફતે ભારતની સીમમાં ઘૂસી આવ્યા અને મંદિરના નિર્માણ કાર્યને રોકી દેવાની ધમકી પણ આપી દીધી. તેમનું કહેવું છે કે, અહીં મંદિરની ઉપસ્થિતિ બાંગ્લાદેશી મુસ્લિમોને ‘ઠેસ પહોંચાડી શકે’ તેમ છે અને તે કારણે હિંસા ભડકી શકે છે.
આરોપ તેવો પણ છે કે, બાંગ્લાદેશી જવાનોએ ધમકી આપતા તેમ પણ કહ્યું કે, મસ્જિદથી નમાજ પઢીને આવ્યા બાદ તરત નજર સામે મંદિર આવવું કે મંદિરને જોવું હરામ છે. આ તેમના મઝહબ વિરુદ્ધનું છે. તેમણે સ્થાનિક હિંદુઓ અને શ્રમિકોને ડરાવી-ધમકાવીને મંદિરના નિર્માણ કાર્યને અટકાવી દીધું હતું.
BSFએ લાલ આંખ કરતા પરત ફર્યા બાંગ્લાદેશી સૈનિક
બીજી તરફ જેવી આ ઘટનાની માહિતી ભારતીય સીમા સુરક્ષા દળ એટલે કે, BSFને મળી કે તરત જ તેઓ હરકતમાં આવ્યા. તાત્કાલિક BSFની એક ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને મોરચો સંભાળી લીધો. BSFએ BGB સામે લાલ આંખ કરીને તેમને પરત તેમની સહરહદમાં જવા નિર્દેશ આપ્યા. BSFએ કડકાઈથી કહ્યું કે, તેમને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા અને ભારતીય નાગરિકોને ધમકાવવાનો કોઈ અધિકાર નથી અને તેઓ જે પગલે આવ્યા છે, તે જ પગલે પરત ફરી જાય. આ દરમિયાન ભારતીય સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, મંદિર નિર્માણ ચાલુ રહશે અને તે સંપૂર્ણપણે ભારતીય સરહદમાં થઈ રહ્યું છે. સ્થાનિક ગ્રામીણો અને BSFએ મજબૂતીથી મોરચો સાંભળી લેતા બાંગ્લાદેશી સૈનિકોએ વીલા મોઢે પાછુ ફરવું પડ્યું હતું.
બાંગ્લાદેશે કર્યો આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ
નોંધવું જોઈએ કે, BGBનું ભારતીય સરહદમાં પ્રવેશવું અને હથીયાર લઈને ધમકી આપવી તે આંતરરાષ્ટ્રીય નિયમો અને બોર્ડર પ્રોટોકોલનો ભંગ છે. આ પ્રોટોકોલ અનુસાર, કોઈ પણ દેશનું સરહદ રક્ષક દળ બીજા દેશની સરહદમાં પ્રવેશ ન કરી શકે. પ્રવેશ કરતા પહેલાં અનુમતી લેવી જરૂરી છે અને ખાસ તેમને હથીયાર લઈ જવાની પરવાનગી નથી હોતી.
ઘટના બાદ સ્થાનિક હિંદુઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે વિરોધ નોંધાવતા ‘બાંગ્લાદેશ મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. તેમણે BGBની આ હરકતને ભારતીય સ્વાભિમાન અને હિંદુ સંસ્કૃતિ પર હુમલો ગણાવ્યો હતો. હાલ મનસા મંદિરને BSF અને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે.
સરહદ પાર આવી કટ્ટરતા દર્શાવી શકતા હોય તો પોતાની ધરતી પર શું કરતા હશે?
નોંધનીય છે કે, આ આખા ઘટનાક્રમથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, બાંગ્લાદેશમાં ઇસ્લામી કટ્ટરતા માત્ર સામાન્ય જનતા પૂરતી જ સીમિત નથી. ત્યાની સરકારી સુરક્ષા એજન્સીઓ પણ તેનાથી ભારોભાર પ્રભાવિત છે. વિચાર એવો પણ આવે કે, જો બાંગ્લાદેશની સેના ભારતની સરહદમાં ઘૂસીને આ પ્રકારે કટ્ટરતા દર્શાવી શકતી હોય તો તેમના દેશમાં, તેમની ધરતી પર રહેતા હિંદુઓ કઈ હદની પ્રતાડના સહન કરતા હશે? આ ઘટના બાદ બાંગ્લાદેશના હિંદુઓ અને હિંદુઓના ધાર્મિકસ્થળોની સ્થિતિ વિશે કલ્પના માત્રથી કંપારી છૂટી જાય.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશી મુસ્લિમોની ભાવનાઓને હિંદુ ધર્મસ્થળો વિરુદ્ધ હથીયાર બનાવવી, ત્યાની કટ્ટર માનસિકતાની ગંભીરતાને દર્શાવે છે. આ ઘટના વિચાર માત્ર નહીં, પરંતુ તે ભારત માટે એક ચેતવણી પણ છે. આ ઘટના તે વાતની સાબિતી છે કે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકોના હુમલા માત્ર બાંગ્લાદેશ પૂરતા સીમિત નહીં રહે. ભારતે પોતાની સીમા અને સીમાને અડીને આવેલા પોતાના વિસ્તારો તેમજ ત્યાં વસતા હિંદુઓ અને હિંદુ ધાર્મિકસ્થળોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ગંભીરતાથી વિચારો કરી તેની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જ પડશે.