અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ઉભા કરાયેલા બાંધકામો પર સરકારની નજર છે. ગત મહિને જ સરકારે ચંડોળા તળાવ (Chandola Lake) ખાતે મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે બાંધકામો દૂર કર્યા હતા. ત્યારે હવે AMCએ રામોલ ખાનવાડી તળાવ (Ramol Khanvadi Lake) આસપાસ કરેલ ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે.
રામોલ ખાનવાડી તળાવની આસપાસ અનેક ગેરકાયદેસર બાંધકામો થયા છે, જેના કારણે તળાવનો કુદરતી પ્રવાહ અવરોધાયો છે. ગંદકી અને કચરાના ઢગલાઓએ તળાવને લગભગ નાશની કગારે લાવી દીધું છે. સ્થાનિક લોકોની ફરિયાદો અને દબાણ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ મુદ્દે પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર ખાનવાડી તળાવ પાસે લગભગ 770થી વધુ બાંધકામો ગેરકાયદે ઉભા કરાયેલા હતા. આ બાંધકામો 2014માં ઉભા કરાયેલા હતા. જે તોડી પાડવા માટે પુર્વ ડે. કલેકટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જોકે તે સમયે આ મામલે હાઇકોર્ટમાં જાહેરહીતની રિટ થઈ હતી. જેને કારણે તે સમયે આ બાંધકામ તોડવામાં આવ્યા નહોતા.

જવાબમાં સરકારે એફિડેવિટ કરી હતી. સરકારે AMCને ઝુંપડપટ્ટીવાળાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું. જોકે AMCના કહ્યા અનુસાર આ સર્વેનો સમાવેશ વોટર બોડીમાં થતો હોવાથી AMC તરફથી કોઈ રિડેવલપમેન્ટ કે વૈકલ્પિક વ્યવસ્થાની કાર્યવાહી થઈ શકશે નહીં. જોકે, કહેવાઈ રહ્યું છે કે જો સરકાર આ અંગે AMCને આદેશ આપશે તો AMCએ કાર્યવાહી કરવી પડશે.
એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. રામોલમાં વર્ષોથી રહેતા સ્થાનિકોનું કહેવું છે કે ખાનવાડી તળાવ પણ ચંડોળા તળાવ જેવું જ વિશાળ હતું પરંતુ ગેરકાયદે રહેતા લોકોએ તળાવને પૂરીને રહેણાંક વિસ્તારમાં બદલી નાખ્યું. સ્થાનિકોએ આરોપ લાગાવ્યો હતો કે આ તળાવને પૂરીને ત્યાં ઝુંપડપટ્ટીઓ ઉભી કરવામાં આવી છે.
ચંડોળા તળાવ ખાતે થઈ ચૂકી છે કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચંડોળા તળાવ ખાતે લાખો વર્ગ મીટરના વિસ્તારમાં રોહિંગ્યા મુસ્લિમોએ દબાણ કર્યું હતું. આ ઉપરાંત ચંડોળા તળાવનો કેટલોક વિસ્તાર પૂરીને ત્યાં પણ ઝુંપડપટ્ટીઓ બનાવી દીધી હતી. ત્યારે પાછલા કેટલાક મહિનાઓ દરમિયાન AMC અને સરકારે સાથે મળીને JCB, બુલડોઝર સહિતના સાધનો અને પોલીસ દળોના કાફલા સાથે મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી.