Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલે કહ્યું હતું- અમારી પાસે પૈસા નથી, હવે ભાવનગરમાં તેમની પાર્ટીનો કાર્યકર...

  કેજરીવાલે કહ્યું હતું- અમારી પાસે પૈસા નથી, હવે ભાવનગરમાં તેમની પાર્ટીનો કાર્યકર મત માટે લાખોની લ્હાણી કરતો ઝડપાયો: ગુનો દાખલ

  આમ આદમી પાર્ટીને મત આપવાનું કહીને કાર્યકરે ચુવાળિયા કોળી સમાજના 8 લોકોને બોલાવી 3 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.

  - Advertisement -

  ચૂંટણીને થોડા જ દિવસો બાકી છે ત્યાં ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા પૈસા આપીને મત ખરીદવાનો મામલો સામે આવ્યો છે. ભાવનગરની ગારિયાધાર બેઠક એક AAP નેતાએ પાર્ટીના ઉમેદવારને મત આપવા માટે આઠ લોકોને 3 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જોકે, પૈસા લઈને આ લોકો ઘરે પહોંચે તે પહેલાં જ ફ્લાઈંગ સર્વેલન્સ ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. 

  આ મામલે ભાવનગરના જેસર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર, આ મામલો ગત 25 નવેમ્બરનો છે. હાલ પોલીસે આ મામલે આઇપીસી અને પિપલ્સ રિ-પ્રેઝેન્ટેટિવ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

  ફરિયાદ જેસરના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પંકજકુમાર રાઠોડે નોંધાવી છે. તેમની નિમણૂંક ફ્લાઈંગ સર્વેલન્સ ટીમમાં કરવામાં આવી છે. ગત 25 નવેમ્બરના રોજ તેઓ અન્ય અધિકારીઓ સાથે રાઉન્ડ પર હતા તે દરમિયાન જેસર-પાલીતાણા ચોકડી પાસે એક હોટેલમાં રોકાય હતા. દરમ્યાન, ત્યાં જ બેઠેલા આઠેક લોકો રોકડ રકમની વાત કરતાં તેમની પર શંકા જતાં તેમણે સ્થાનિક પોલીસ મથકના અધિકારીઓને જાણ કરી હતી. 

  - Advertisement -

  પોલીસ અધિકારીઓએ પહોંચી તેમની પૂછપરછ કરતાં આ તમામ ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જેમની જડતી લેતાં 4 વ્યક્તિઓ પાસેથી વ્યક્તિ દીઠ 75 હજાર લેખે કુલ 3 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.  

  આ પૈસાને લઈને તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, 24 નવેમ્બરના રોજ રાત્રે ગુંદરણા ગામમાં ચુવાળિયા કોળી સમાજના લોકો ભેગા થયા હતા, ત્યાં આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા દિપક ખૂંટ આવી પહોંચ્યો હતો અને તેણે તેમને કહ્યું હતું કે, જો તેમના સમાજના લોકો આમ આદમી પાર્ટીને મત આપશે તો તે તેમને 3 લાખ રૂપિયા રોકડા આપશે. જેની ઉપર સમાજના લોકોએ સહમતિ દર્શાવી હતી. તેમણે પોલીસ સમક્ષ જણાવ્યું છે કે તેમણે આ રૂપિયાનો ઉપયોગ સમાજની વાડી બનાવવા માટે કરવાનું નક્કી કર્યું હતું. 

  ત્યારબાદ AAP કાર્યકર્તાએ તેમને 25 નવેમ્બરના રોજ ગારિયાધાર આવીને પૈસા મેળવી લેવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ આ તમામ આઠ વ્યક્તિઓ અલગ-અલગ મોટરસાયકલ લઈને ગારિયાધાર જઈ 3 લાખ રૂપિયા રોકડા લઈ આવ્યા હતા. 

  જોકે, તેઓ રકમ લઈને ઘરે પરત ફરે તે પહેલાં જ અધિકારીઓએ સતર્કતા વાપરીને તેમને ઝડપી પાડ્યા હતા અને પોલીસને સોંપી દીધા હતા. આ મામલે જેસર પોલીસ મથકે આઇપીસીની કલમ 171B, 171C, 171E તેમજ પિપલ્સ રીપ્રેઝેન્ટેટિવ એક્ટની કલમ 123 (1) (A) (B) હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

  મામલા અંગે વધુ વિગતો આપતાં FST અધિકારી પંકજકુમાર રાઠોડે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “2 વાગ્યે મારી નોકરી શરૂ થાય છે. ત્યારબાદ અમે ગારિયાધારમાં રાઉન્ડ પર નીકળ્યા અને ચોકડી પાસે ઉભા હતા ત્યારે પાંચ-સાત જણાને જોઈને અમને શંકા ગઈ. જેથી નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી તેમને બોલાવી લીધા હતા. પોલીસ અધિકારીઓએ તેમની પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.”

  તેમણે જણાવ્યું કે, તમામની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ ગઈકાલે તેમને છોડી મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી કાર્યકરની પૂછપરછ અને તપાસ હાલ ચાલી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું. 

  આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અવારનવાર તેમની પાર્ટી પાસે પૈસા ન હોવાનું કહેતા રહ્યા છે. ગત સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ભાજપ કાર્યકર્તાઓને સંબોધીને કહ્યું હતું કે, તમે કામ અમારા માટે કરો, પણ પેમેન્ટ ભાજપ પાસેથી લો, કારણ કે અમારી પાસે તો પૈસા નથી. હવે, તેમની જ પાર્ટીના કાર્યકર લાખો રૂપિયા વહેંચતા પકડાતા અનેક પ્રશ્નો સર્જાયા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં