બોટાદથી (Botad) આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh Makwana) પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને વિધાનસભામાં પાર્ટીના દંડક તરીકે રાજીનામું આપી દીધું છે. જોકે ધારાસભ્ય પદ હજુ સુધી છોડ્યું નથી.
ગુરુવારે (26 જૂન) મકવાણાએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી, જેમાં પાર્ટીનાં પદો પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી. જોકે પ્રાથમિક સભ્યપદ હજુ યથાવત રાખ્યું છે.
તેમણે પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને એક પત્ર લખીને આ બાબતની જાણ કરી છે, જે પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
પત્રમાં તેમણે કહ્યું છે કે, હાલ પોતે સામાજિક સેવાઓનાં કામમાં ધ્યાન આપી શકતા ન હોવાના કારણે પાર્ટીનાં તમામ પદ પરથી રાજીનામાં આપી રહ્યા છે. સાથે કહ્યું છે કે, એક કાર્યકર્તા તરીકે પાર્ટીનું કામ કરતા રહેશે. અંતે લખ્યું છે, “મને પાર્ટીના તમામ પદ અને જવાબદારીથી મુક્ત કરવા માટે વિનંતી છે.”
Gujarat | Aam Aadmi Party's Botad MLA Umesh Makwana resigns from all party posts
— ANI (@ANI) June 26, 2025
The letter reads, "…At present, my social services are decreasing, so I am resigning from all the posts of Aam Aadmi Party. I will work for the party as a worker." pic.twitter.com/AUNlxfIvVj
ધારાસભ્ય પદેથી રાજીનામા વિશે તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, આ નિર્ણય પોતે જનતાને પૂછીને કરશે. સાથે એમ પણ કહ્યું છે કે રાજીનામું આપશે તો નવી પાર્ટી બનાવશે કે અપક્ષ લડશે એ પણ ભવિષ્યમાં જાહેર કરશે. પછાત સમાજોના આગેવાનો સાથે પણ બેઠક કરશે તેમ પણ કહ્યું હતું.
પ્રેસ કૉન્ફરન્સમાં ઉમેશ મકવાણાએ ભાજપ અને કોંગ્રેસની તો ટીકા કરી પણ સાથે પોતાની આમ આદમી પાર્ટીને પણ એ જ હરોળમાં મૂકી દીધી હતી અને વાતનો સાર એ હતો કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પાર્ટી પછાત વર્ગના નેતાઓને સ્થાન આપતી નથી અને માત્ર તેમનો ચૂંટણીમાં મત મેળવવા માટે ઉપયોગ કરે છે. પત્રકાર પરિષદમાં વારંવાર તેમણે આ બાબત પર ભાર મૂક્યો હતો.
તેમનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસે ક્યારેય આ સમાજો તરફ જોયું નથી પરંતુ આમ આદમી પાર્ટી પણ તેમાં પાછળ રહી ગઈ છે અને પોતે જે ઉદ્દેશ્યો સાથે આ પદો પર જોડાયા હતા, તેમાં કચાશ રહી જતી જણાય છે, એટલે પોતે રાજીનામું આપી રહ્યા છે. જોકે પાર્ટીના કાર્યકર્તા તરીકે ચાલુ રહેશે તેવી ચોખવટ પણ કરી હતી. સાથે કહ્યું કે ધારાસભ્ય પદ છોડવા વિશે બોટાદની જનતાને પૂછીને અને પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીને નિર્ણય કરશે.
આ ઘટનાક્રમ પરથી એ સ્પષ્ટ છે કે ઉમેશ મકવાણા પાર્ટી પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીનાં પદ પરથી રાજીનામું આપવું એ પ્રથમ પગલું હોય શકે. પાર્ટી વિરુદ્ધ નારાજગી તેમણે જાહેર કરી જ દીધી છે અને સાથે સમાજનો મુદ્દો પણ લઈ આવ્યા છે, જેથી પાર્ટી પણ અવગણી શકે એમ નથી.
આમ આદમી પાર્ટી માટે કપરી સ્થિતિ એટલા માટે છે કારણ કે બે દિવસ પહેલાં જ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ પાર્ટીમાં જોમ અને ઉત્સાહ આવ્યાં હતાં, એની ઉપર ઉમેશ મકવાણાએ આજે પાણી ફેરવી મૂક્યું. જો તેઓ આગળ વધતા રહ્યા અને ધારાસભ્ય પદ પણ છોડી દીધું તો વિધાનસભામાં AAPનું સંખ્યાબળ હતું એટલું જ રહેશે.
બીજી તરફ, વિસાવદર ચૂંટણી બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ફરી ઉદય થઈ રહ્યો છે તેવી ડંફાસો મારતા યુટ્યુબરો માટે પણ આજનો દિવસ કપરો છે!