બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો શુક્રવારે (14 નવેમ્બર) ઘોષિત કરવામાં આવ્યાં. કુલ 243માંથી 202 બેઠકો પર NDAનો જંગી વિજય થયો. RJDના નેતૃત્વમાં લડતા મહાગઠબંધનને માત્ર 35 બેઠકો મળી. RJD માત્ર 25 બેઠકો જીતી શકી. કોંગ્રેસ માત્ર 6. ચૂંટણી પહેલાં ગામ ગજવનાર પ્રશાંત કિશોરની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે 238માંથી માત્ર 2 જ ઉમેદવારો ડિપોઝિટ બચાવી શક્યા છે. ડિપોઝિટની વાત આવે એટલે આમ આદમી પાર્ટીને પણ યાદ કરવી પડે.
આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં 83 બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે ઉમેદવારોની યાદી તો ચાર જાહેર થઈ હતી અને તેનો સરવાળો કરીએ તો ઉમેદવારોનો આંકડો 100 કરતાં પણ વધે છે, પણ લડ્યા હતા 83 ઉમેદવાર. અગાઉની અનેક ચૂંટણીઓની જેમ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આ ચૂંટણીમાં પણ ટ્રેકરેકોર્ડ જાળવી રાખીને તમામ બેઠકો પર ડિપોઝિટ ગુમાવવામાં સફળતા મેળવી છે!
આમ આદમી પાર્ટીને મળેલા મત કરતાં NOTAને મળેલા મતની સંખ્યા વધારે છે. આ ચૂંટણીમાં AAPને લગભગ 0.30% મત મળ્યા છે. જ્યારે NOTAની ટકાવારી 1.81% જેટલી છે.

માત્ર 7 બેઠકો પર ઉમેદવારોને ‘NOTA’થી વધુ મત, પણ માર્જિન ત્યાં પણ તદ્દન ઓછું
પાર્ટી માટે ફજેતી થાય એવી વાત એ છે કે 83માંથી માત્ર 7 બેઠકો એવી છે, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને NOTA કરતાં વધારે મત મળ્યા હોય. બાકીની તમામ બેઠકો પર AAPને મળેલા મત કરતાં NOTAને મળેલા મતની સંખ્યા વધુ હતી. લોકોએ આખરે NOTAમાં વૉટ કરવાનું પસંદ કર્યું પણ AAPના ઉમેદવારો તરફ ન જોયું!
મહત્ત્વનું એ છે કે જ્યાં NOTAથી વધુ મતો મળ્યા ત્યાં પણ માર્જિન બહુ મોટું નથી. 104-હથુઆ બેઠક પર AAP ઉમેદવારને 3117 મત મળ્યા છે. જ્યારે NOTAને 3094 મત મળ્યા. બંને વચ્ચે માત્ર 23 મતનું અંતર છે. 18-મધુબન બેઠક પર AAP ઉમેદવારને 2602 જ્યારે NOTAને 2064 મત મળ્યા છે. આ અંતર પણ નજીવું છે.
મહનાર બેઠક પર AAPને 1407 મત મળ્યા છે, જ્યારે NOTAના મત 1321 છે. અંતર ગણીએ તો માત્ર 86 મત AAPને વધારે મળ્યા કહેવાય. 116-તેરૈયા બેઠક પર માત્ર 127થી AAP ઉમેદવારે NOTAને પછડાટ આપી.
ચૂંટણી હાર્યા પછી ચૂંટણી પંચ પર દોષારોપણ
એવું પણ નથી કે આમ આદમી પાર્ટી બિહારમાં ચૂંટણી લડવા ખાતર લડી હોય. પાર્ટીએ રીતસર ઉમેદવારો ઉતાર્યા હતા, તેમના માટે પ્રચાર કર્યો હતો. દિલ્હીથી સંજય સિંઘ જેવા આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રચાર માટે પણ પહોંચ્યા હતા અને રેલીઓ અને સભાઓ પણ કરી હતી. સોશિયલ મીડિયા પર માહોલ બનાવવાના પણ પૂરેપૂરા પ્રયાસ કર્યા હતા અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ભયંકર બહુમતીએ ઉમેદવારો જીતવાના હોવાનાં બણગાં પણ બહુ ફૂંક્યાં હતાં.
#WATCH | Ayodhya, UP: As NDA continues its lead in Bihar and crosses the majority mark, AAP MP Sanjay Singh says, "I had earlier said that this election has been hijacked and this election holds no meaning; that Gyanesh Kumar has already given the winning certificate to Modi ji… pic.twitter.com/qB0xNXcKxQ
— ANI (@ANI) November 14, 2025
પણ જ્યારે પાર્ટીનો રકાસ થયો તો આ જ સંજય સિંઘે કેમેરા સામે આવીને રોદણાં રડવા માંડ્યાં અને તમામ દોષ ચૂંટણી પંચ પર નાખી દીધો. જે સંજય સિંઘે બિહાર જઈને હોંશેહોંશે પ્રચાર કર્યો હતો તેમણે પરિણામ પછી કહ્યું કે ચૂંટણી તો પહેલાં જ હાઈજેક થઈ ચૂકી હતી. તો પછી પ્રશ્ન એ છે કે તેમણે ત્યાં જઈને ચૂંટણી લડવાની તકલીફ કેમ લીધી હતી? ચૂંટણી લડ્યા, ઉમેદવારો ઉતાર્યા, પ્રચાર કર્યો અને હાર મળી તો શરમ નેવે મૂકી દઈને ચૂંટણી પંચ પર આરોપ લગાવી દીધા! ચૂંટણી કમિશનર વિશે એલફેલ બોલવાનું શરૂ કર્યું.
મજાની વાત એ કે કે પંજાબની બેઠક પર પેટાચૂંટણી થઈ હતી અને ત્યાં આમ આદમી પાર્ટીની જીત થઈ તો સંજય અને કેજરીવાલની જમાતે તેને ‘ઐતિહાસિક જીત’ ગણાવી છે. એટલે જ્યાં આમ આદમી પાર્ટી હારે ત્યાં ચૂંટણી પંચના કારણે હારે છે અને જ્યાં જીત મળે ત્યાં કેજરીવાલની લોકચાહના અને AAP પર લોકોના વિશ્વાસના કારણે જીત મળે છે. આવી હરકતોના કારણે જ આમ આદમી પાર્ટી દર ચૂંટણીમાં ડિપોઝિટ ગુમાવવાની હેડલાઇનોમાં સ્થાન પામતી રહે છે!
(આંકડાકીય માહિતી સાભાર– ચૂંટણી પંચ વેબસાઈટ)


