Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણ‘કોંગ્રેસનું કામ હવે માત્ર મોદીવિરોધ પૂરતું સીમિત, પણ PMના નેતૃત્વમાં ભારત વધુ...

    ‘કોંગ્રેસનું કામ હવે માત્ર મોદીવિરોધ પૂરતું સીમિત, પણ PMના નેતૃત્વમાં ભારત વધુ મજબૂત’: શિવસૈનિક બન્યા મિલિન્દ દેવરા, સવારે કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું

    ઘણા લોકો મને પૂછી રહ્યા છે કે મેં શા માટે કોંગ્રેસ સાથે 55 વર્ષોના સંબંધોનો અંત આણ્યો? પરંતુ હું કહેવા માંગું છું કે તે સમયની કોંગ્રેસ અને આજની કોંગ્રેસમાં ઘણો ફેર છે: મિલિન્દ દેવરા

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિન્દ દેવરા શિવસેનામાં (એકનાથ શિંદે જૂથ) સામેલ થઈ ગયા છે. રવિવારે (14 જાન્યુઆરી, 2023) મુંબઈમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં તેમણે પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. 

    શિવસેનામાં સામેલ થયા બાદ મિલિન્દ દેવરાએ કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને CM એકનાથ શિંદેના હાથ મજબૂત કરવા માટે જોડાયા છે. સાથે તેમણે કોંગ્રેસ પર પણ વાકપ્રહાર કર્યા. તેમણે એમ પણ કહ્યું કે, આજે તેઓ ભાવુક છે. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ કૉંગ્રેસ છોડશે. પરંતુ આજે તેઓ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં સામેલ થઈ રહ્યા છે. 

    તેમણે કહ્યું કે, “મારું રાજકારણ વિકાસલક્ષી અને સકારાત્મક રહ્યું છે. મારી વિચારધારા મુંબઇ, મહારાષ્ટ્ર અને ભારતવાસીઓની સેવા કરવાની રહી છે. આપણને સૌને ગર્વ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અત્યંત મહેનતી અને જમીની સ્તરના નેતા છે. મહારાષ્ટ્રના સામાન્ય માણસની વેદના અને આકાંક્ષાને તેઓ જાણે છે. આજે હું તેમના હાથ મજબૂત કરવા માટે જોડાયો છું.”

    - Advertisement -

    તેમણે આગળ કહ્યું કે, “ઘણા લોકો મને પૂછી રહ્યા છે કે મેં શા માટે કોંગ્રેસ સાથે 55 વર્ષોના સંબંધોનો અંત આણ્યો? પરંતુ હું કહેવા માંગું છું કે તે સમયની કોંગ્રેસ અને આજની કોંગ્રેસમાં ઘણો ફેર છે. જો કોંગ્રેસ અને UBTએ (ઉદ્ધવ જૂથની શિવસેના) સકારાત્મક સુઝાવો અને મેરિટને મહત્વ આપ્યું હોત તો મારે અને એકનાથજીએ આ નિર્ણય ન લેવો પડ્યો હોત.”

    કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “જે પાર્ટી 30 વર્ષ પહેલાં આર્થિક સુધારા લાવી હતી તે હવે દેશના ઉદ્યોગપતિઓને અપમાનિત કરી રહી છે અને તેમને રાષ્ટ્રવિરોધીઓ કહી રહી છે. જે પાર્ટી દેશને આગળ કઈ રીતે લઇ જવો તે માટેનાં સૂચનો કરવા માટે અને તેમાં સહયોગ આપવા માટે જાણીતી હતી તે પાર્ટીનો આજે એક જ ઉદ્દેશ્ય છે કે મોદીજી જે કરે, જે કહે તેનો વિરોધ કરો. કાલે ઉઠીને મોદી કહે કે કોંગ્રેસ ઘણી સારી પાર્ટી છે, તો તેઓ તેનો પણ વિરોધ કરશે.”

    ઉલ્લેખનીય છે કે મિલિન્દ દેવરાએ રવિવારે (14 જાન્યુઆરી, 2024) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાની ઘોષણા કરી હતી. તેમણે X પર પોસ્ટ કરતાં કહ્યું કે તેઓ કોંગ્રેસ સાથેનો 55 વર્ષોનો સંબંધ સમાપ્ત કરી રહ્યા છે. દેવરા 2004થી 2014 સુધી સાંસદ રહ્યા હતા. આ દરમિયાન તેઓ કેન્દ્રીય મંત્રીની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં