Friday, May 17, 2024
More
    હોમપેજરાજકારણPM મોદીની ડિગ્રીઓનો મામલો: ગુજરાત હાઈકોર્ટના માર્ચના આદેશ વિરૂદ્ધ કેજરીવાલે દાખલ કરી...

    PM મોદીની ડિગ્રીઓનો મામલો: ગુજરાત હાઈકોર્ટના માર્ચના આદેશ વિરૂદ્ધ કેજરીવાલે દાખલ કરી હતી રિવ્યૂ પિટિશન, કોર્ટે ફગાવી

    ગત 31 માર્ચના રોજ ગુજરાત હાઈકોર્ટે એક આદેશમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીએ પીએમ મોદીની ડિગ્રીઓ રજૂ કરવાની કોઇ જરૂર નથી અને આ માટેનો આદેશ આપતો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનનો આદેશ રદબાતલ ઠેરવવામાં આવે છે.

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદીની ડિગ્રીઓ મામલે કોર્ટ કચેરીઓના ચક્કર કાપતા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટે વધુ એક આંચકો આપ્યો છે. કેજરીવાલે કોર્ટના 31 માર્ચના એ આદેશ વિરૂદ્ધ રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી, જેમાં PM મોદીની ડિગ્રી રજૂ કરવા માટેના સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના આદેશને રદ કરીને દિલ્હી સીએમને દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ હાઈકોર્ટે આ અરજી પણ ફગાવી દીધી છે. 

    ગત 31 માર્ચના રોજ ગુજરાત હાઈકોર્ટે એક આદેશમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીએ પીએમ મોદીની ડિગ્રીઓ રજૂ કરવાની કોઇ જરૂર નથી અને આ માટેનો આદેશ આપતો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનનો આદેશ રદબાતલ ઠેરવવામાં આવે છે. આ સાથે કોર્ટે કેજરીવાલને ₹25000 દંડ પણ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે RTI એક્ટ હેઠળ અરજી દાખલ કરીને ઈન્ફોર્મેશન કમિશન સમક્ષ પીએમ મોદીની ડિગ્રીની માંગ કરી હતી, ત્યારબાદ કમિશને ગુજરાત યુનિવર્સિટીને આદેશ આપ્યો હતો, જેના વિરોધમાં યુનિવર્સિટી હાઇકોર્ટ ગઈ હતી. 

    મામલો પહોંચ્યા બાદ હાઈકોર્ટે યુનિવર્સિટીની અરજી સ્વીકારી લીધી હતી અને CICના આદેશને રદ કરી દીધો હતો. જેને લઈને કેજરીવાલે રિવ્યૂ પિટીશન દાખલ કરી હતી. આ મામલે ગત 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આખરે ગુરૂવારે (9 નવેમ્બર) આદેશ આપવામાં આવ્યો. જોકે, આ વખતે કોઇ દંડ ફટકારવામાં આવ્યો નથી.

    - Advertisement -

    કેજરીવાલના વકીલે ગત આદેશ પર ઉઠાવ્યા સવાલ, સોલિસિટર જનરલે કહ્યું- આ માત્ર મુદ્દો સળગતો રાખવાના પ્રયાસ

    કેજરીવાલના વકીલ તરફથી હાઇકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેમના અસીલનું વર્તન એવું ન હતું જેવી આદેશમાં કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે. સાથે કોર્ટની ટિપ્પણીઓને ગેરવ્યાજબી ગણાવીને કહ્યું કે, તેના કારણે હવે કેજરીવાલ અમદાવાદની કોર્ટમાં માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના આદેશ બાદ કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટી પર કરેલી ટિપ્પણીઓને લઈને તેમની વિરુદ્ધ અમદાવાદની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    આ સિવાય કેજરીવાલના વકીલ તરફથી દલીલમાં દંડ ફટકારવાને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા અને કહ્યું કે કેજરીવાલને કેસને લંબાવવામાં કોઇ રસ ન હતો. એમ પણ દાવો કર્યો કે યુનિવર્સિટીની વેબસાઈટ પર માત્ર PM મોદીની માર્કશીટ છે પણ ડિગ્રી નથી.

    બીજી તરફ, યુનિવર્સિટી પક્ષેથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતાં કહ્યું કે, કેજરીવાલની અરજી માત્ર મુદ્દાને સળગતો રાખવા માટે અને વિવાદ સર્જાયેલો રાખવા માટે કરવામાં આવી છે, બીજું કોઇ કારણ નથી. તેમણે એમ પણ કહ્યું કે, યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીની અંગત જાણકારી કોઈ ત્રીજા વ્યક્તિને આપવા માટે બંધાયેલી નથી, ત્યાં સુધી કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે તેની જરૂર જાહેરહિતમાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં