હાલ આખા વિશ્વની નજર હમાસ-ઇઝરાયેલ યુદ્ધવિરામ સંધિ (ceasefire deal) પર છે. આ સંધિનું પ્રથમ ચરણ રવિવારે શરૂ થયું અને આતંકવાદી સંગઠન હમાસે ત્રણ ઇઝરાયેલી મહિલા બંધકોને મુક્ત કરી હતી. આ બાદ ઇઝરાયેલ (Israel) દ્વારા પણ પેલેસ્ટાઇનના 90 કેદીઓ મુક્ત કરવામાં આવ્યા. આ તમામ કેદીઓ હત્યાના પ્રયાસથી લઈને અનેક ગુનાઓ હેઠળ ઇઝરાયેલની જેલમાં હતા. હમાસે (Hamas) બંધકોની સૂચી જાહેર કરવામાં મોડું કરતા સંધિ લાગુ થવામાં ત્રણ કલાક જેટલું મોડું થયું અને સંધિ સ્થાનિક સમય અનુસાર સવારે 11:15 વાગ્યે શરૂ થઈ હતી.
હમાસ-ઇઝરાયેલ યુદ્ધવિરામ સંધિ શરૂ થતાની સાથે જ આતંકવાદી સંગઠન હમાસે ત્રણ ઇઝરાયેલી મહિલાઓને મુક્ત કરી હતી. આ ત્રણેય મહિલાઓ રેડ ક્રોસના વાહન મારફતે પોતાન વતન પહોંચી હતી. આ મહિલાઓમાં રોમી ગોગેન, એમિલી દ્મારી અને ડોરોન સ્ટીનબ્રેચરનો સમાવેશ થાય છે. રોમીને હુમલાના દિવસે મ્યુઝિક કોન્સર્ટથી ઉઠાવી લેવામાં આવી હતી, જયારે અન્ય બે મહિલાઓનું આતંકવાદીઓ દ્વારા કફર આઝાથી અપહરણ કરવામાં આવ્યું હતું.
IDFએ શેર કર્યા ભાવુક દ્રશ્યો
આ ત્રણેવ મહિલાઓ મુક્ત થયા બાદ વડાપ્રધાન નેતન્યાહુએ તેમના સ્વાગતમાં કહ્યું હતું કે, “આખો દેશ તમને ગળે લગાડે છે.” બીજી તરફ તેમની મુક્તિ બાદ ઇઝરાયેલમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ તેમના પરિવારને ફરી મળી તે વખતના ભાવુક દ્રશ્યો IDFએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર શેર કર્યા છે.
Reunited at last. pic.twitter.com/l91srqby5c
— Israel Defense Forces (@IDF) January 19, 2025
નોંધવું જોઈએ કે આતંકવાદી સંગઠન હમાસે કૂલ 251 લોકોનું અપહરણ કર્યું હતું. અહેવાલો અનુસાર ત્યાં હાલ 91 લોકોને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. જોકે ઇઝરાયેલી અધિકારીઓને આશંકા છે કે તે 91 પૈકી 60 લોકો જ જીવિત છે, જયારે અન્યોની આતંકવાદીઓએ ક્રુરતાથી હત્યા કરી દીધી છે.
ત્રણ નાગરિક બંધકો સામે ઇઝરાયેલે 90 અપરાધી કેદી છોડ્યા
હમાસ-ઇઝરાયેલ યુદ્ધવિરામ સંધિ લાગુ થતાની સાથે જ ત્રણ મહિલા બંધકો મુક્ત કરવામાં આવી, તો બીજી તરફ ઇઝરાયેલે પણ પેલેસ્ટાઇનના 90 કેદીઓને મુક્ત કર્યા. આ કેદીઓ હત્યા, હત્યાના પ્રયાસ સહિતના અનેક ગંભીર ગુનાઓ હેઠળ ઇઝરાયેલની જેલમાં હતા. તેમની મુક્તિ બાદ પેલેસ્ટાઇનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને મઝહબી નારા પણ લગાવવામાં આવ્યા.
ઇઝરાયેલ દ્વારા મુક્ત કરવામાં આવેલા કેદીઓમાં મોટાભાગના કટ્ટરપંથી સંગઠનો સાથે સંકળાયેલા છે. આ કેદીઓમાં પેલેસ્ટાઇનનું કટ્ટર ઇસ્લામી સંગઠન ‘પોપ્યુલર ફ્રન્ટ ફોર લિબરેશન ઓફ પેલેસ્ટાઇન’નો 62 વર્ષીય ખાલિદ જર્રાર અને તેના પરિવારના કેટલાક લોકોનો સમાવેશ થાય છે. તેમની ડિસેમ્બર 2023માં ધરપકડ કરવામાં આવી હતી.
જરૂર પડ્યે ફરી યુદ્ધ કરીશું- પીએમ નેતન્યાહુ
યુદ્ધવિરામ સંધિ લાગુ કરવામાં આવી તે પહેલા શનિવારે (18 જાન્યુઆરી 2025) ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “જરૂર પડ્યે અમેરિકાના સમર્થન સાથે અમને ફરી યુદ્ધ શરૂ કરવાનો અધિકાર છે. અમે અમારા તમામ બંધકો વિશે વિચારી રહ્યા છીએ. હું તમને વચન આપું છું કે આપણે આપણા તમામ લક્ષ્ય સાધીશું અને તે તમામ લોકોને ઘરે પરત લાવીશું જેમને બંધક બનાવવામાં આવ્યા છે.”
તેમણે કહ્યું હતું કે, 42 દિવસના યુદ્ધવિરામનું પ્રથમ ચરણ એ “અસ્થાયી યુદ્ધવિરામ” છે. તેમણે આ દરમિયાન તેમ પણ કહ્યું કે તે પહેલા પણ જો તેમને મજબુર કરવામાં આવ્યા, તો યુદ્ધ ફરી શરૂ કરવામાં તેઓ જરા પણ નહીં ખચકાય. તેમણે કહ્યું કે, “જો અમને મજબુર કરશો, તો અમે વધુ તીવ્રતાથી અને બળપૂર્વક ફરી યુદ્ધ શરૂ કરી દઈશું. અમે મધ્ય-પૂર્વનું માનચિત્ર બદલી નાખ્યું છે.”