હોમપેજરાજકારણ‘પ્રત્યાશી સુઝાવ પત્ર’માં ગોલમાલથી જન સુરાજમાં ધમાલ: સૌથી પહેલાં ઉમેદવારો ઘોષિત કરવાનો...

‘પ્રત્યાશી સુઝાવ પત્ર’માં ગોલમાલથી જન સુરાજમાં ધમાલ: સૌથી પહેલાં ઉમેદવારો ઘોષિત કરવાનો પ્રશાંત કિશોર કર્યો હતો દાવો, ટિકિટ દાવેદારોના સમર્થકોએ બતાવ્યો વાસ્તવિકતાનો પરચો

આ પત્રો દ્વારા જન સુરાજ પોતાના પક્ષનું લોકતંત્ર બતાવવા માગતું હતું, પરંતુ આ જ પત્રોના કારણે પક્ષની અંદરનું ભીડતંત્ર ખુલ્લું પડી ગયું. બિહારના ઘણા વિસ્તારોમાં આ પત્રોને લઈને સંભવિત ઉમેદવારોના સમર્થકો એકબીજા સામે ઝઘડી પડ્યા

- Advertisement -

બિહારમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. બંને મુખ્ય ગઠબંધનો પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયાં છે અને બીજી તરફ પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ તેમના નવા પક્ષ ‘જન સુરાજ’ને ત્રીજો પક્ષ તરીકે દેખાડવાના પૂરેપૂરા પ્રયાસો કરી રહ્યા છે. બંને ગઠબંધનથી પોતે કઈ રીતે અલગ છે તે દર્શાવવા માટે તેમણે આક્રમકતાનો સહારો લેવા માંડ્યો છે.

જ્યાં જાય ત્યાં પ્રશાંત કિશોર કોઈને ને કોઈને પડકાર આપી આવે છે. ચૂંટણી લડવા અને તૈયારીઓને લઈને પણ તેઓ આક્રમક છે. તેમણે એવું પણ જાહેર કર્યું હતું કે તેઓ બિહારમાં સૌથી પહેલાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ અત્યાર સુધી પ્રશાંતના ઉમેદવારોનો કોઈ પત્તો નથી. ઉલટું, ઉમેદવારીને લઈને જન સુરાજના નેતાઓ અને કાર્યકરો હવે બાખડવા માંડ્યા છે.

જન સુરાજ: લોકતંત્ર નહીં, ભીડતંત્ર

જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે જ્યારે પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી ત્યારે તેમણે પક્ષની અંદર લોકતંત્ર લાવવાના મોટા-મોટા દાવા કર્યા હતા. ત્યારપછી પણ વિવિધ મંચો પર તેઓ આવા દાવા કરતા રહ્યા છે. ઉમેદવારોની પસંદગીમાં પણ પૂરેપૂરી પારદર્શિતા રાખવાનું તેમણે વચન આપ્યું હતું.

- Advertisement -

પક્ષની લોકતાંત્રિક તરીકેની છબી જાળવી રાખવા માટે પ્રશાંતે એવું જાહેર કર્યું કે ઉમેદવારોની પસંદગી લોકોની ઇચ્છા મુજબ જ થશે. જેના માટે તેમણે લોકોનાં મંતવ્યો લેવાનું નક્કી કર્યું. આ હેતુથી ‘ઉમેદવાર સૂચન પત્રો’ છપાવવામાં આવ્યા, જેમાં અમુક વિધાનસભા વિસ્તારના સંભવિત ઉમેદવારોનાં નામ હોય છે. લોકોએ એમાંથી પોતાની પસંદગીના ઉમેદવારના નામ પર મહોર લગાવવાની હોય છે.

આ પત્રો દ્વારા જન સુરાજ પોતાના પક્ષનું લોકતંત્ર બતાવવા માગતું હતું, પરંતુ આ જ પત્રોના કારણે પક્ષની અંદરનું ભીડતંત્ર ખુલ્લું પડી ગયું. બિહારના ઘણા વિસ્તારોમાં આ પત્રોને લઈને સંભવિત ઉમેદવારોના સમર્થકો એકબીજા સામે ઝઘડી પડ્યા. ક્યાંક એક જ ઉમેદવારના સમર્થકોને વધુ પત્રો આપવામાં આવ્યા હોવાની ફરિયાદ થઈ, તો ક્યાંક કેટલાક લોકો બંધ ઓરડામાં પોતાના મનપસંદ ઉમેદવારના નામે ઝડપથી પત્રો ભરતા જોવા મળ્યા.

મુઝફ્ફરપુરના ઔરાઈ વિધાનસભાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં 3-4 લોકો એક ઓરડામાં બેસીને પોતાના પસંદગીના ઉમેદવારના નામે ડઝનબંધ પત્રો ભરતા જોવા મળ્યા. આ વિડીયોમાં આ લોકો ખુલ્લેઆમ કબૂલી રહ્યા છે કે તેઓ કોના સમર્થનમાં પત્રો ભરી રહ્યા છે. આ વિડીયો બહાર આવ્યા બાદ દાવો થઈ રહ્યો છે કે જન સુરાજના આ પત્રો લોકો સુધી પહોંચતા જ નથી. સંભવિત ઉમેદવારો જાતે જ પોતાના નામે મહોર લગાવડાવી રહ્યા છે.

જ્યારે વિડીયો બનાવનારાઓએ પૂછ્યું કે તમે જાતે જ શા માટે મહોર લગાવી રહ્યા છો, તો તેમણે કહ્યું કે લોકોને આ વિશે ખબર જ નથી, એટલે અમે જ આ કરી રહ્યા છીએ. આ લોકો લગભગ 300 પત્રો પર મહોર લગાવી રહ્યા હતા.

આ કોઈ એકમાત્ર ઘટના નથી. આવું ઘણી જગ્યાએ થયું છે અને હવે આ સામાન્ય બનતું જાય છે. દરભંગામાં પણ આવી જ ઘટના જોવા મળી. ત્યાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા દરમિયાન ખૂબ હોબાળો થયો. બેલેટ પર હસ્તાક્ષરને લઈને શરૂ થયેલો વિવાદ મારામારીમાં બદલાઈ ગયો અને કાર્યકરો એકબીજા પર ખુરશીઓ ફેંકવા લાગ્યા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા.

બેનીપુરમાં હોબાળો કરનારાઓએ દાવો કર્યો કે તેમને પત્રો આપવામાં જ નથી આવ્યા. લોકોએ ગેરરીતિનો આરોપ લગાવ્યો. એક વ્યક્તિએ દાવો કર્યો કે એક ઉમેદવારના સમર્થકોને બંડલના બંડલ પત્રો આપવામાં આવ્યા છે. ગાળાગાળી પણ થઈ. બીજી એક વ્યક્તિએ કહ્યું કે કેટલાક લોકોને 6-6 પત્રો આપવામાં આવે છે, જ્યારે કેટલાકને એક પણ નથી મળતું.

બિસ્ફીમાં પણ જન સુરાજના કાર્યકરોના સંમેલનમાં મતદાનને લઈને ખૂબ હોબાળો થયો. બિસ્ફીમાં નાગેન્દ્ર યાદવ, મોહમ્મદ કલીન અને વશિષ્ઠ નારાયણને પક્ષ તરફથી સંભવિત ઉમેદવાર બનાવવામાં આવ્યા. ત્રણેયના નામના પત્રો લોકોને આપવામાં આવ્યા, પરંતુ તેઓ એકબીજા સામે ઝઘડી પડ્યા. સંભવિત ઉમેદવારોએ એકબીજા પર ગુંડાઓ બોલાવવાનો આરોપ લગાવ્યો. દાવો થયો કે વશિષ્ઠ નારાયણને આ મતદાન વિશે અગાઉથી જાણ હતી, પરંતુ અન્ય ઉમેદવારોને આની ખબર નહોતી.

વશિષ્ઠ નારાયણ ઝાએ કહ્યું કે તેઓ મતદાનના સમર્થનમાં છે અને તૈયાર છે. તેમણે કહ્યું કે જો કોઈ ગુંડાગિરી કરશે તો તેની ગુંડાની જેમ જ ચટણી બનાવી નાખવામાં આવશે. અન્ય સંભવિત ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી.

આ આંતરિક ફૂટ જ જન સુરાજની હકીકત બની ગઈ છે. એટલે કે, મોટા-મોટા દાવા કરનારા પ્રશાંત કિશોર પોતાના પક્ષની અંદર લોકતંત્ર સ્થાપી શક્યા નથી.

ટિકિટ વહેંચણીમાં શા માટે થયો વિલંબ?

પ્રશાંત કિશોરના જન સુરાજે બિહારમાં નવી રાજનીતિ સ્થાપવાનો અને પોતાની ઉપસ્થિતિ દર્શાવવાનો દાવો તો બહુ પહેલાં માંડી દીધો હતો, પણ ટિકિટ વહેંચવાની વાત આવી તો પક્ષની અંદરની ઘણી ખામીઓ ખુલીને બહાર આવવા માંડી. પ્રશાંત કિશોર બહુ પહેલાં કહી ચૂક્યા છે કે જન સુરાજ પોતાની રીતે ચૂંટણી લડશે અને સૌથી પહેલાં ટિકિટોની જાહેર કરી દેશે, પરંતુ હજુ સુધી ટિકિટો જાહેર થઈ નથી. જેની પાછળ ઘણાં કારણો છે.

સૌથી મોટું કારણ એ છે કે જન સુરાજને પોતાને ખબર છે કે હાલ તેમની કિંમત માત્ર વોટ કાપનાર પક્ષની જ છે. પક્ષના ઘણા કાર્યકરો પણ સમજે છે કે જો ટિકિટોનું વિતરણ થશે અને ચૂંટણી લડાશે, તો મોટા ભાગની બેઠકો પર તેઓ ત્રીજા કે ચોથા સ્થાનથી આગળ નહીં જઈ શકે. આથી પ્રશાંત કિશોર હજુ પણ અન્ય પક્ષોના થોડોઘણો જનાધાર ધરાવતા બાગીઓની રાહ જોઈ રહ્યા છે.

બીજું કારણ છે જન સુરાજનું સંગઠન ચલાવનારા સ્થાનિક લોકો. જન સુરાજનું આખું સંગઠન એવા લોકોના હાથમાં છે જેઓ શરૂઆતથી આ અભિયાન સાથે જોડાયેલા છે. આ કાર્યકરોએ ગામડે ગામડે સરવે કર્યા, બેઠકો યોજી અને પક્ષનો પાયો નાખ્યો. આ લોકો જ જમીન સ્તર પર પૈસા પણ ખર્ચે છે.

હવે જ્યારે ટિકિટ વહેંચણીનો સમય આવ્યો છે ત્યારે આ જ જૂના કાર્યકરો પોતે ઉમેદવાર બનવા માગે છે. જો કોઈને ટિકિટ નહીં મળે અથવા ભેદભાવ દેખાશે તો બળવો નક્કી છે. આવી સ્થિતિમાં પ્રશાંત કિશોર આ બળવાથી પોતાના પક્ષને બચાવવા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. અલગ તો પડશે ત્યારે બતાવશે, પણ પ્રશાંત કિશોર પહેલાં પાર્ટી ઠીક કરવા માટે પણ ઘણી મહેનત કરવી પડશે એમ લાગે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં