Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણપહેલાં મમતા બેનર્જીએ ગઠબંધનનો ઇનકાર કર્યો, હવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય...

    પહેલાં મમતા બેનર્જીએ ગઠબંધનનો ઇનકાર કર્યો, હવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન સભાની પરવાનગી નહીં, કહ્યું- અમને જાણ ન કરાઈ

    અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, "કેટલીક જગ્યાઓ પર પરીક્ષાના નામે સાર્વજનિક બેઠકો કરવાની પરવાનગી નથી આપવામાં આવી રહી. પહેલાં ભારત જોડો ન્યાય યાત્રાને આસામ સહિત પૂર્વોત્તરમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને હવે TMC શાસિત પશ્ચિમ બંગાળમાં પણ મુશ્કેલીઓ પડી રહી છે."

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરી રહ્યા છે. પૂર્વમાં મણિપુરથી શરૂ થયેલી તેમની આ યાત્રા પશ્ચિમે મહારાષ્ટ્રમાં પૂર્ણ થવાની છે. દરમિયાન તેમની યાત્રા હજુ માંડ આસામ પાર કરી શકી છે તેવામાં હવે પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પરવાનગીઓ ન મળી રહી હોવાનું સામે આવી રહ્યું છે. સિલીગુડીમાં તેમને જાહેર સભા માટે પરવાનગી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. આ મામલે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ પણ બળાપો ઠાલવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ મમતા બેનર્જીએ ગઠબંધન નકારીને એકલા જ ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી. તે સમયે પણ તેમણે રાહુલ ગાંધીની યાત્રાને લઈને કહ્યું હતું કે, “રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની કોઇ જાણ કરવામાં આવી નથી.” તેવામાં હવે સિલીગુડી ખાતે યાત્રાની જાહેર સભાને પરવાનગી ન આપવામાં આવતાં કોંગ્રેસ પાર્ટી વધુ મૂંઝવણમાં મૂકાઈ છે.”

    શાળામાં પરીક્ષાનો હવાલો આપીને ન આપવામાં આવી પરવાનગી

    બંગાળમાં રાહુલ ગાંધીની યાત્રાને પરવાનગી ન મળવા અંગે જણાવતાં રાજ્યના પાર્ટી પ્રમુખ અધીર રંજને કહ્યું હતું કે, “પાર્ટીને બંગાળમાં ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત સાર્વજનિક બેઠક કરવાની પરવાનગીઓ નથી આપવામાં આવી રહી. સિલીગુડીમાં કેટલીક જગ્યાએ બેઠકો કરવાની પાર્ટીની વિચારણા હતી પરંતુ શાળામાં પરીક્ષાઓ હોવાનો હવાલો આપીને મંજૂરી નથી આપવામાં આવી રહી.” ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરીએ આ વાત સિલીગુડી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કહી હતી.

    - Advertisement -

    આ દરમિયાન અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, “કેટલીક જગ્યાઓ પર પરીક્ષાના નામે સાર્વજનિક બેઠકો કરવાની પરવાનગી નથી આપવામાં આવી રહી. પહેલાં ભારત જોડો ન્યાય યાત્રાને આસામ સહિત પૂર્વોત્તરમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને હવે TMC શાસિત પશ્ચિમ બંગાળમાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. અમે વિચાર્યું હતું કે કેટલાક સ્થાનોએ સાર્વજનિક બેઠકો કરીશું, પરંતુ પ્રશાસન પરવાનગી આપવામાં આનાકાની કરી રહ્યું છે.”

    INDI ગઠબંધનને નકારીને મમતા બેનર્જીએ કરી હતી ‘એકલા ચાલો’ની ઘોષણા

    ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને CM મમતા બેનર્જીએ એકલા જ ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી હતી. મમતા બેનર્જીએ ગઠબંધન અને ચૂંટણી અંગે વાત કરતાં કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી સાથે મારી કોઇ ચર્ચા થઈ નથી. મેં પહેલેથી જ કહ્યું છે કે બંગાળમાં અમે (TMC) એકલા જ ચૂંટણી લડીશું. દેશના બાકીના ભાગમાં શું થાય તેની મને ચિંતા નથી પરંતુ બંગાળમાં અમે સેક્યુલર પાર્ટી છીએ અને અમે જ ભાજપને હરાવીશું.” તેમણે કહ્યું હતું કે, TMCએ કોંગ્રેસ સમક્ષ સીટ શેરિંગ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમણે નકારી દીધો અને પછી આગળ કોઇ વાત થઈ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં