Sunday, May 5, 2024
More
    હોમપેજરાજકારણ‘ભાજપે જોડાવાની ઑફર આપી, અમારી પણ ધરપકડ થશે’: કેજરીવાલે વટાણા વેરી દીધા...

    ‘ભાજપે જોડાવાની ઑફર આપી, અમારી પણ ધરપકડ થશે’: કેજરીવાલે વટાણા વેરી દીધા બાદ મંત્રી આતિશીની પ્રેસ કૉન્ફરન્સ, નેટિઝન્સે પહેલાં જ કરી દીધી હતી ‘ભવિષ્યવાણી’

    પ્રેસ કૉન્ફરન્સમાં આતિશીએ ‘સનસનીખેજ’ ખબર જણાવતાં હોવાનો દાવો કરીને કહ્યું કે, “ભાજપે મારા એક નજીકના વ્યક્તિના માધ્યમથી મને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટે સંપર્ક કર્યો."

    - Advertisement -

    ED સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે AAP નેતાઓ અને સરકારમાં મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજનાં નામ લીધાં હોવાનો ઘટસ્ફોટ થયા બાદ હવે આતિશીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટા-મોટા દાવા કર્યા છે. તેમણે દાવો કર્યો કે ભાજપે તેમને પાર્ટીમાં સામેલ થઈ જવા માટે ઑફર આપી છે તો બીજી તરફ તેમના સહિત 4 AAP નેતાઓની ધરપકડ કરવામાં આવશે એવી ‘ભવિષ્યવાણી’ પણ કરી. 

    પ્રેસ કૉન્ફરન્સમાં આતિશીએ ‘સનસનીખેજ’ ખબર જણાવતાં હોવાનો દાવો કરીને કહ્યું કે, “ભાજપે મારા એક નજીકના વ્યક્તિના માધ્યમથી મને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટે સંપર્ક કર્યો. મને કહેવામાં આવ્યું કે કાં તો હું ભાજપમાં સામેલ થઈ જાઉં અને પોતાની રાજકીય કારકિર્દી બચાવી લઉં, અથવા તો ભાજપમાં સામેલ ન થાઉં તો આવનાર 1 મહિનામાં ED દ્વારા મારી ધરપકડ કરી લેવામાં આવશે.”

    આગળ કહ્યું કે, “વડાપ્રધાન મોદી અને ભાજપે મન બનાવી લીધું છે કે આમ આદમી પાર્ટી અને તેના તમામ નેતાઓને તેઓ કચડવા અને ખતમ કરવા માંગે છે. પહેલાં તેમણે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વની ધરપકડ કરીને જેલમાં નાખી દીધા. હવે તેમનો ઇરાદો છે કે આવનાર 2 મહિનામાં મને, સૌરભ ભારદ્વાજ, રાઘવ ચઢ્ઢા અને દુર્ગેશ પાઠકની પણ ધરપકડ કરી લેવામાં આવશે.” 

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું કે, “મને કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ED મારા નિવાસસ્થાને દરોડા પડશે અને ત્યારબાદ મને સમન પાઠવીને ધરપકડ કરી લેશે. હું ભાજપને કહેવા માંગું છું કે અમે ધમકીઓથી ડરતા નથી. અમે કેજરીવાલના સૈનિકો છીએ. અમે ભગત સિંઘના ‘ચેલાઓ’ છીએ. કેજરીવાલના નેતૃત્વમાં અમે અંતિમ શ્વાસ સુધી આ દેશને બચાવવા માટે લડતા રહીશું.”

    જોકે, તેમણે આ માટે કોઇ પુરાવો આપ્યો નહીં કે ભાજપના કયા નેતાએ કોનો સંપર્ક કર્યો તેનો પણ કોઇ ખુલાસો કર્યો નહીં. મજાની વાત એ છે કે આતિશી આવો દાવો કરશે તેવું અનુમાન ઘણા લોકોએ આગલા દિવસે રાત્રે જ લગાવી લીધું હતું. 

    ઘણી પોસ્ટ જોવા મળી, જેમાં લોકોએ કહ્યું હતું કે આતિશી પોતાને ભાજપમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું હોવાનો દાવો કરશે. કારણ એ છે કે આમ આદમી પાર્ટી ભૂતકાળમાં પણ આવા દાવા કરી ચૂકી છે, પણ પુરાવા આપ્યા નથી.

    નોંધનીય છે કે 1 એપ્રિલે EDએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે પૂછપરછમાં કેજરીવાલે આતિશી અને સૌરભ ભારદ્વાજનાં નામ આપીને કહ્યું હતું કે AAPનો પૂર્વ કોમ્યુનિકેશન ઇન્ચાર્જ વિજય નાયર તેમને રિપોર્ટ કરતો હતો. વિજય નાયર આ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મુખ્ય ચહેરો છે. તે કેજરીવાલના ઘરની બાજુમાં જ રહેતો હતો અને પોલિસી ઘડવામાં મોટો ભાગ ભજવ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં