ચૂંટણીઓ જુદા-જુદા મુદ્દાઓ ઉપર લડવામાં આવે છે. લોકસભા પણ જુદા મુદ્દે લડાય છે, જે-તે રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ પણ. વર્ષો સુધી ચૂંટણી રાજકારણ, ધર્મ, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભ્રષ્ટાચાર આ બધા વિષયોની આસપાસ થતી રહી. હમણાં પણ આ બધા વિષયો છે જ, પણ એક નવા દૂષણની એન્ટ્રી થઈ છે. એ છે ફ્રીબીઝ પોલિટિક્સ. ગુજરાતીમાં કહીએ તો મફતની લ્હાણી કરવાનું રાજકારણ.
આનો પૂરેપૂરો શ્રેય આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલને જાય છે. વર્ષોના કથિત એક્ટિવિઝમ અને અન્નાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના જોરે રાજકારણમાં ઘૂસી આવેલા આ ભાઈએ આ નવા પ્રકારના રાજકારણનો પણ પોતાની સાથે જ પ્રવેશ કરાવ્યો અને પછી બંને સાથે મુખ્યધારાના રાજકારણમાં ઉપર આવતા રહ્યા.
કારણ એ છે કે આમ આદમી પાર્ટીની કોઈ રાજકીય વિચારધારા નથી. કોંગ્રેસ, ભાજપ કે બીજી નેશનલ પાર્ટીઓ સાથે આ સમસ્યા નથી. તેમની પાસે અસ્તિત્વ ટકાવી રાખવા માટે, ચૂંટણી લડવા માટે, રાજકારણ કરવા માટે રાજકીય વિચારધારાઓ છે. આમ આદમી પાર્ટીએ ત્યારે આધાર બનાવ્યો છે અલગ પ્રકારના રાજકારણને. મફતની લ્હાણીવાળા રાજકારણને.
કેજરીવાલનું આગમન થયું ત્યારે UPA સરકાર કૌભાંડોથી ઘેરાયેલી હતી. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે સરકારની છબી ખરડાયેલી હતી એમાં આંદોલનોએ ઘણુંખરું નુકસાન પહોંચાડ્યું. કેજરીવાલ આ તકનો બરાબર લાભ લઈને શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી જેવા મુદ્દાઓ સાથે ઉતર્યા, જેનું રાજકારણ કે ચૂંટણીની દ્રષ્ટિએ મહત્ત્વ ભલે થોડું ઓછું હોય, પણ સામાન્ય માણસના જીવનને સીધી રીતે સ્પર્શતા મુદ્દાઓ છે.
આ જ શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી વગેરેમાં મફતની જાહેરાતો કરીને કેજરીવાલે આ નવું રાજકારણ ઘૂસાડ્યું અને કમનસીબ કે જે ગણો એ પણ તો સફળ પણ થઈ ગયા. દિલ્હીમાં તેમણે ઘણી વખત સરકારો બનાવી અને દસ વર્ષે પણ તેમની વાતો આ જ વિષયોની આસપાસ ફરતી રહે છે. પંજાબમાં પણ સફળ થયા.
કડવી પણ સાચી વાત છે કે સામાન્ય નાગરિકોના બહુધા વર્ગ માટે આજે પણ રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સુરક્ષા, સંસ્કૃતિ, બીજા રાજકીય મુદ્દાઓ વગેરેનું કોઈ મહત્ત્વ નથી. તે ઇચ્છે છે કે કોઈ પણ રીતે તેના ખિસ્સા પરનો ભાર ઓછો થાય. કોઈ તેનાં બાળકોની ફી ભરી દે. કોઈ પાણીનો ખર્ચ માફ કરી દે. કોઈ વીજળી ફ્રી આપી દે. તેના માટે તેણે જેને મત આપવો પડે એ આપે છે. ત્યાં એ બીજાં કારણોની કે પરિણામો-દુષ્પરિણામોની ચિંતા કરવામાં સમય વેડફતો નથી. એક ચાલાક રાજકારણી તરીકે કેજરીવાલ આ વાત બહુ સારી રીતે જાણે છે.
આ ફ્રીબીઝ પોલિટિક્સ મેઈનસ્ટ્રીમ થઈ જવાના કારણે હવે જે પાર્ટીઓ પહેલાં આ બધાથી છેટી રહેતી હતી તેમણે પણ ઝંપલાવવા માંડ્યું છે અને આ વાત ભાજપ અને કોંગ્રેસની જ છે. ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓને માસિક ભથ્થાં આપવાની ઘોષણા કરી. આ પ્રયોગ તેઓ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ‘લાડલી બહેના’ યોજનાના નામે કરી ચૂક્યા છે અને બહુ પ્રચંડ સફળતા મળી હતી, કારણ કે મહિલાઓના મતો પણ બહુ મોટા પ્રમાણમાં (મોટા ક્યાંથી, અડધા) છે. આ સિવાય સિલિન્ડરથી માંડીને બીજી ઘણી ઘોષણાઓ કરી છે.
કોંગ્રેસ પણ આમાંથી બાકાત નથી. તેમણે પણ આવી જ મફતનું આપવાની ઘણી ઘોષણાઓ કરી છે. આ વાત દિલ્હી ચૂંટણી પૂરતી જ સીમિત નથી, અન્ય રાજ્યોમાં પણ ચૂંટણીઓ સમયે આવી ઘોષણાઓ થતી રહે છે.
આમાં ભાજપ-કોંગ્રેસ જે કરે છે એને પણ એ જ કહેવાય જે આમ આદમી પાર્ટી કરે છે. પણ બાકીની બંને પાર્ટીઓને બેનિફિટ ઑફ ડાઉટ આપી શકાય, કારણ કે તેઓ આમ આદમી પાર્ટીને આવી ઘોષણાઓના આધારે લડવા દઈને હાથ પર હાથ ધરીને બેસી રહી શકે નહીં. નહીંતર સીધી રીતે AAPને ફ્રી પાસ મળી જાય. કોઈ સ્પર્ધા ન રહે. તેમણે હવે પ્રાણીવિશેષ સાથે લડવું હોય તો કાદવમાં ઉતરવું જ પડે.
આ ‘ફ્રીબી’માં પણ ફેર છે. જેનાથી સામાન્ય માણસના જીવનસ્તરમાં સુધારો થતો હોય કે તેને મદદ મળી રહેતી હોય તેવી યોજનાઓ સરકાર ચલાવે એમાં કોઈ વાંધો નથી. જેમકે મોદી સરકાર ગરીબોને જે નિઃશુલ્ક અનાજ આપે છે એનાથી ગરીબી રેખામાંથી તાજા બહાર આવેલા પરિવારોને ઉપર આવવા માટે એક અવકાશ મળી રહે છે. મફત શિક્ષણની વ્યવસ્થા આપણે ત્યાં વર્ષોથી છે જ. અન્ય અમુક કલ્યાણકારી યોજનાઓ ચાલે છે, જે ખરેખર જરૂરી છે. પણ બાકીની મફત વીજળી પાણી કે લાડલી બહેના જેવી યોજનાઓ અર્થતંત્રને નુકસાન કર્યા વગર બીજો કોઈ હેતુ સર કરતી નથી. માત્ર પાર્ટીઓના વૉટ વધારે છે.
આ બધા રાજકારણમાં નુકસાન દેશના અર્થતંત્રને ને સરકારી તિજોરીને થાય છે. પ્રામાણિકતાથી ટેક્સ ભરનારા મિડલ ક્લાસને થાય છે. બીજું, આ ફ્રીબીઝ પોલિટિક્સનાં દુષ્પરિણામો શું આવે તેનું ઉદાહરણ સ્વયં દિલ્હી છે. કેજરીવાલની સરકાર આવી ત્યાં સુધી દિલ્હીનું બજેટ કાયમ સરપ્લસમાં રહેતું હતું. એટલે આવક જેટલી થાય તેટલો ખર્ચ ન થાય. એક તો એ પૂર્ણ રાજ્ય નથી અને વિસ્તાર પણ બહુ મોટો નથી. પણ હવે હાલત તદ્દન વિપરીત છે. જે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને આભારી છે.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં છે. ત્યાં પણ મહિલાઓને ભથ્થાં ને કર્મચારીઓને OPS આપવાના વાયદા પૂરા કરવામાં સરકાર લાંબી થઈ ગઈ છે અને આર્થિક સંકટ અને દેવાના બોજ તળે રાજ્ય દબાયેલું છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે મહિલાઓ માટે બસ સેવા મફત કરી હતી. પણ થોડા દિવસ પહેલાં બસના ચાર્જ વધારી દેવામાં આવ્યા. હવે મેટ્રોના પણ વધ્યા.
આ બધાનું કારણ એ છે કે મફતનું આપવામાં સરકારોને બહુ ખર્ચા થાય છે અને સામે આવક એટલી હોતી નથી કે તિજોરી સરભર કરી શકે. પરિણામે આવા નવા આવકના સ્ત્રોત ઊભા કરવા પડે છે. તેનો બોજ સામાન્ય માણસ ઉપર જ પડે છે. એટલે કાન ડાબી બાજુથી પકડો કે જમણી બાજુથી, પકડવાના છે જ. આખરે નુકસાન સામાન્ય મતદારને જ છે. પણ એ વાત આપણને સમજાતી નથી.
એટલે કેજરીવાલ દિલ્હીની ચૂંટણીમાં જીતી જાય કે હારી જાય, તેમણે આ જે નવા પ્રકારનું રાજકારણ ઘૂસાડી દીધું છે એ બહુ જલ્દી વિદાય લેશે એમ લાગતું નથી. છતાં લાંબાગાળાનું વિચારીએ તો તોડ કાઢવો જરૂરી છે. એ કામ ન્યાયતંત્ર કરે છે કે કારોબારી, એ હવે જોવું રહ્યું.