Wednesday, May 1, 2024
More
    હોમપેજમંતવ્યશું તમને પણ ચિંતા પેઠી છે કે અમૃતકાળમાં સરકારે 80 કરોડ લોકોને...

    શું તમને પણ ચિંતા પેઠી છે કે અમૃતકાળમાં સરકારે 80 કરોડ લોકોને અનાજ કેમ આપવું પડી રહ્યું છે? તો આ તમારા માટે છે

    માત્ર વર્તમાનને જોઈને હોબાળો મચાવવા કરતાં આવી બાબતોની ચર્ચા કરતી વખતે ભવિષ્યને પણ ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. 

    - Advertisement -

    હજાર સારી બાબતોને બાજુ પર મૂકી દઈને કોઇ ફાલતુ મૂદ્દો શોધી લાવીને તેને મારી-મચેડીને ગંભીર બનાવીને, તર્કવિહીન વાતો સાથે આપણા માથે મારવાની આપણે ત્યાંના બુદ્ધિજીવીઓને જૂની આદત છે. તેઓ ગંભીર ચહેરે તમારી સામે એવી દલીલો મૂકશે, કે તમે સહમત ન હો તોપણ ઘડીક વિચાર કરશો. પરંતુ ખરેખર આવા મુદ્દાઓ પાછળ ન ઠોસ આધાર હોય છે કે ન તે તર્કની રીતે સાચા હોય છે. 

    હમણાં જ ભૂતકાળમાં ફેક ન્યૂઝ ફેલાવીને ચર્ચામાં રહી ચૂકેલા મીડિયા પોર્ટલ ‘જમાવટ’ ચલાવતાં દેવાંશી જોશીએ એક મોનોલોગમાં ‘વિશ્લેષણ’ કરતાં કહ્યું કે, આપણે અમૃતકાળ તો મનાવીએ છીએ, પરંતુ તેમ છતાં 80 કરોડ લોકોને મફત અનાજ પણ આપવું પડી રહ્યું છે.

    57 સેકન્ડનો વિડીયો ‘જમાવટ’ના X હેન્ડલ પર મૂકવામાં આવ્યો છે. જેમાં દેવાંશી કહે છે, “રોટી, કપડાં મકાનની રાજનીતિ આપણે આઝાદીનાં 75 વર્ષ પછી પણ આપણે પૂરી નથી કરી શક્યા, આનાથી મોટું દુર્ભાગ્ય શું હોય શકે? આપણે અમૃતકાળ મનાવીએ છીએ, આપણે દુનિયાની મહાસત્તા બનવા તરફ છીએ અને થોડાં વર્ષોમાં બની જઈશું. આપણે દુનિયાનાં સર્વશ્રેષ્ઠ અર્થતંત્રની હરીફાઈમાં છીએ અને પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા પરથી ત્રીજા ક્રમ પર પહોંચી જઈશું, કેમકે આપણા દેશના ઉદ્યોગપતિઓ અદ્ભુત વિકાસ કરી રહ્યા છે. તેમના વિકાસ સામે કોઈને સમસ્યા નથી. તેઓ કમાય, ફૂલે-ફળે, આગળ વધે, દેશની ઉન્નતિ થાય, એ લોકો જ લાખો માણસોને રોજગારી આપે છે, તેમના વિકાસમાં દેશનો વિકાસ છે જ. પણ જે અસમાનતાની ખાઈ ઉભી થઈ છે એનું શું? 80 કરોડ લોકોને આપણે મફત રાશન આપીએ છીએ અને હજુ 5 વર્ષ આપવું પડશે એમ કહેવું પડે છે. ઝૂંપડીમાં રહેતા લોકોને મફતનું ઘર આપીશું એ પણ જાહેરાત છે. આપણે લોકોને મફતમાં હેલ્થ આપી રહ્યા છીએ..”

    - Advertisement -

    હવે આ સાંભળીને કદાચ કોઈને લાગે કે આ તો બહુ ગંભીર બાબત થઈ ગઈ અને ખરેખર એક સમસ્યા છે. જો દેશ આગળ વધી રહ્યો હોય તો પછી 80 કરોડ લોકોને મફત અનાજ શા માટે આપવામાં આવી રહ્યું છે? એવો કુતર્ક સ્વભાવિક સૂઝે. પરંતુ વાસ્તવમાં આવી બાબતો એક મોટા પરિપેક્ષથી જોવી પડે છે. એ જોઈએ તે પહેલાં એક આડવાત. ઉદ્યોગપતિઓ વિકાસ કરી રહ્યા છે એટલે આપણે ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા પર પહોંચીશું એ બાલિશ વાત છે. ઉદ્યોગપતિઓના જ વિકાસથી અર્થતંત્રો આગળ વધતાં નથી, દેશની અર્થવ્યવસ્થાને આગળ ધપાવવા માટે દરેક ક્ષેત્રના સર્વાંગી વિકાસની જરૂર પડે છે. ખેર, એ ફરી ક્યારેક. 

    બીજી એક મજાની વાત એ પણ છે કે કોંગ્રેસ પણ હમણાં આવી જ વાતો કરી રહી છે. એ જ પાર્ટી, જેણે આટલાં વર્ષો ‘ગરીબી હટાવો’ના નારા આપવામાં જ કાઢી નાખ્યાં અને અત્યારે પણ પાર્ટીના યુવરાજ એક ઝાટકે ગરીબી હટાવી દેવાની વાતો કરે છે. કોંગ્રેસને ખરેખર તો પૂછવું જોઈએ કે આખરે આટલાં વર્ષોમાં લોકોનું જીવનસ્તર કેમ ન સુધર્યું, જેના કારણે હાલની સરકારે બધું નવેસરથી કરવું પડી રહ્યું છે. 

    શું છે આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના? 

    વાચકોને જાણ થાય કે એપ્રિલ, 2020માં જ્યારે કોરોના મહામારીએ દુનિયાને બાનમાં લીધી ત્યારે ભારત પણ તેનાથી ભારે અસરગ્રસ્ત થયું. સરકારે પોતાના થકી તમામ પ્રયાસો કર્યા ને એ ફળીભૂત થતા પણ દેખાયા. આ જ ક્રમમાં દેશના 8૦ કરોડ લોકો, જેમની આર્થિક સ્થિતિ નબળી છે તેમને મફત અનાજ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લૉન્ચ કરવામાં આવી. નવેમ્બર, 2023માં આ યોજના આગલાં 5 વર્ષ માટે લંબાવવાની ઘોષણા કરવામાં આવી હતી, જેને કેબિનેટની પણ મંજૂરી મળી ચૂકી છે. સરકાર આ યોજના પાછળ 11.80 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ અનાજ આવે છે ક્યાંથી? સરકાર ખેડૂતો પાસેથી MSP પર અનાજની ખરીદી કરે છે, જે પછીથી આવી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આપવામાં આવે છે. 

    કોરોના સમયે આ નિર્ણય લેવો સરકારે એટલા માટે જરૂરી હતો, કારણ કે જો તેમ ન કર્યું હોત તો ગરીબો વધુ ગરીબી તરફ ધકેલાઈ ગયા હોત. એ સંજોગો અને પરિસ્થિતિ એવાં હતાં, જેમાં તેમના માટે બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવી પણ કઠિન થઈ પડી હોત. સરકારે એ ચિંતા માથેથી ઓછી કરી ત્યારે જઈને તેઓ બીજા પડકારો સામે લડી શક્યા. 

    આ વાત IMF પણ કરી ચૂક્યું છે. ઓગસ્ટ, 2022માં એક રિસર્ચ પેપર સામે આવ્યું હતું, જેમાં ભારતમાં કોરોના મહામારી અને ગરીબી વિષયો પર સંશોધન કરવામાં આવ્યું. આ પેપરમાં આ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’નો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે મોદી સરકારની આ ખાદ્ય સુરક્ષા યોજના કોરોનાના સમયે અગત્યની પુરવાર થઈ અને દેશમાં ગરીબી વધવા ન દીધી અને પરિસ્થિતિ વધુ ન બગડી.

    હવે કદાચ પ્રશ્ન એ થાય કે કોરોના બાદ પણ તેને પાંચ વર્ષ માટે શા માટે લંબાવવામાં આવી? 

    ગત જાન્યુઆરી, 2024માં NITI આયોગનો એક રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટ જણાવે છે કે છેલ્લાં 9 વર્ષમાં દેશના 24.82 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. NITI આયોગના ડિસ્કશન પેપર ‘2005-06થી ભારતમાં બહુઆયામી ગરીબી’માં જણાવવામાં આવ્યું કે, 2013માં જે બહુઆયામી ગરીબીની ટકાવારી 29.17 ટકા હતી તે 2022-23માં ઘાટીને 11.28 ટકા જેટલી થઈ ગઈ છે. આંકડાની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કુલ 24.82 કરોડ લોકો આ કેટેગરીમાંથી બહાર આવ્યા. 

    આ રિપોર્ટમાં પણ આટલા કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનો શ્રેય મોદી સરકારની યોજનાઓને આપવામાં આવ્યો. જેમાંથી એક યોજના આ પણ છે. રિપોર્ટ શું કહે છે, વાંચો: આ અભિયાન હેઠળ કુલ 81.35 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અનાજ પુરૂ પાડવામાં આવે છે. આ યોજના પાંચ વર્ષ માટે લંબાવવાના મોદી સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરીને રિપોર્ટ જણાવે છે કે, આ સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

    મહામારી બાદ પણ લોકો હજુ સ્થિર થવાના પ્રયાસ કરી રહ્યા છે. ધીમે-ધીમે તેમનું જીવનધોરણ ઉપર આવી રહ્યું છે. આવા સમયે જો સરકાર હાથ છોડી દે તો ફરીથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે એવી શક્યતાઓ છે. તેના કરતાં જો તેમના માથેથી આ ભોજનની ચિંતા દૂર કરવામાં આવે તો આવા લોકોને આગામી 5 વર્ષનો ગાળો મળશે, જેમાં અન્ય બાબતો પર ધ્યાન આપી શકશે અને આખરે પોતાના પગ પર નિર્ભર રહી શકે તે સ્થિતિમાં આવી જશે. 

    ‘અમૃતકાળ’ કે ‘વિકસિત ભારત’એ બે-પાંચ વર્ષ માટેનું વિઝન નથી, પણ એક લાંબાગાળાનું આયોજન છે. પરંતુ તેને હાંસલ કરવા માટે અમુક ટૂંકાગાળાના ધ્યેયો પણ રાખવા પડે છે અને આવા ધ્યેય આવી યોજનાઓ થકી જ પાર પડતા હોય છે. આ હંમેશા માટે વ્યવસ્થા રહેવાની નથી, કારણ કે સરકાર બીજી યોજનાઓ થકી પણ ઘણું બધું કરી રહી છે. મૂળ આશય જીવનધોરણ ઉપર લાવવાનો છે, જે આવતું દેખાય પણ રહ્યું છે. 

    કલ્યાણકારી યોજનાઓ અને ફ્રીબી વચ્ચે ભેદ સમજવાની જરૂર 

    ઘણા આ યોજનાને મફત વીજળી અને પાણીની ઘોષણાઓ સાથે સરખાવે છે. પરંતુ એ સદંતર ખોટું છે. જેને મફતની લ્હાણી કહીએ અને અંગ્રેજીમાં ફ્રીબી કહેવાય છે એ ફ્રીબી કોને કહેવાય અને કલ્યાણકારી યોજના કોને કહેવાય, એ જાણવું બહુ જરૂરી છે. જો આ ભેદ ન સમજ્યો તો તમે પણ એજન્ડામાં ફસાઈ જવાના. 

    મૂળ વાત એ છે કે જે યોજના લાભાર્થીનું જીવનસ્તર ઉપર લાવે, તે યોજના અર્થતંત્ર માટે બરાબર અને યોગ્ય છે. અન્ય મફતની યોજનાઓથી માત્ર મત મળશે, પણ લોકોનું જીવનધોરણ ઉપર આવતું નથી. સરકાર પર માત્ર બોજ વધે છે અને લોકો મફતની યોજનોનો લાભ લેવાનું ચાલુ રાખે છે. પણ આ યોજનામાં એમ નથી. સમજીએ. 

    સૌથી મહત્વની વાત એ છે કે આ 80 કરોડ લોકો અત્યંત ગરીબ છે અને ગરીબીરેખા નીચે છે એમ નથી. પરંતુ તેમને જો અનાજ પૂરું પાડવામાં આવે તો એક મોટી સમસ્યા માથેથી દૂર થઈ જાય છે. જેથી તે પાછળ થતો ખર્ચ તેઓ પોતાનું જીવનધોરણ સુધારવામાં લગાવી શકે. ભોજનની વ્યવસ્થા જો સરકાર કરી આપે તો તેઓ બીજી બાબતો પર ધ્યાન આપી શકે છે એ મૂળ વાત છે. 

    મોદી ભૂતકાળમાં પણ પોતાનાં ઘણાં ભાષણોમાં કહી ચૂક્યા છે કે, કોઇ બીમાર વ્યક્તિ જ્યારે હૉસ્પિટલથી આવે ત્યારે ડૉક્ટર કહેતા હોય છે કે તેની થોડા દિવસ સંભાળ રાખવાની જરૂર છે. કારણ એ હોય છે કે ક્યાંક તે ફરી મુસીબતમાં ન આવી પડે. એટલે જે ગરીબીમાંથી બહાર આવ્યા છે તેને થોડા સમય સુધી સહારો આપવાની જરૂર પડે છે, જેથી ફરી એવું કોઈ સંકટ ન આવી પડે, જેનાથી તેઓ ફરી ગરીબી તરફ ધકેલાઇ જાય. એટલે તેને મજબૂતી મેળવવા માટે સમય આપવો જરૂરી છે. આવા સમયે સરકાર આવી સહાય કરે તો તે ઉપર આવી જ જાય છે. 

    ટૂંકમાં કહેવાની વાત એટલી જ છે કે આવી નીતિગત બાબતો વિસ્તારથી સમજવી પડે છે. આપણા માટે કહેવું સરળ છે કે સરકારે હજુ કેમ અનાજ આપવું પડી રહ્યું છે, પણ જેઓ ખરેખર આ કામો કરે છે તેમની પાસે એક લાંબાગાળાનું આયોજન છે, એક વિઝન છે અને તેના અમલીકરણ માટે સિસ્ટમ પણ છે. અને જે રીતે સરકાર આગળ વધી રહી છે, તેને જોતાં અમૃતકાળ પણ સફળ થશે અને 2047 સુધીમાં દેશ વિકસિત પણ બનશે. અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે તે આ ધ્યેયને ધ્યાનમાં રાખીને જ થઈ રહ્યું છે. માત્ર વર્તમાનને જોઈને હોબાળો મચાવવા કરતાં આવી બાબતોની ચર્ચા કરતી વખતે ભવિષ્યને પણ ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં