Friday, September 20, 2024
More
    હોમપેજરાજકારણદેવાદાર બની ગયું રાજ્ય, પણ કોંગ્રેસ સરકાર મફતના વાયદા પૂરા કરવામાં વ્યસ્ત:...

    દેવાદાર બની ગયું રાજ્ય, પણ કોંગ્રેસ સરકાર મફતના વાયદા પૂરા કરવામાં વ્યસ્ત: હિમાચલમાં આવી હાલત કેમ થઈ, જેના કારણે હવે મંત્રીઓએ કરવા પડી રહ્યા છે પગાર છોડવાના પોલિટિકલ સ્ટંટ 

    100 રૂપિયાનું ઉદાહરણ લઈને સમજો તો 25 રૂપિયા પગાર આપવામાં, 17 રૂપિયા પેન્શનમાં, 11 રૂપિયા વ્યાજ ચૂકવવામાં, 9 રૂપિયા લૉન ચૂકવવામાં અને 10 રૂપિયા ગ્રાન્ટ આપવામાં ખર્ચાય છે. હવે બાકી રહ્યા 28 રૂપિયા. તેનો ઉપયોગ રાજ્ય સરકારે વિકાસકામોમાં કરવાનો રહે છે.

    - Advertisement -

    જ્યાં સત્તા મળે તે પ્રદેશને થોડા જ વખતમાં પાયમાલ કરી દેવાનું ‘હૂનર’ કોંગ્રેસ પાસે છે. 2014 સુધી આપણે કેન્દ્રમાં એ જોયું. હવે તો જોકે આપણાં નસીબ સારાં છે કે પછી એવો વખત આવ્યો નહીં, પણ વચ્ચે-વચ્ચે જે રાજ્યો હાથમાં આવે છે તેમાં કોંગ્રેસ આ ‘ટ્રેલર’ ફરી બતાવતી રહે છે. તાજું ઉદાહરણ હિમાચલ પ્રદેશનું છે. આ રાજ્ય કોંગ્રેસે 2022માં જીત્યું અને હવે આર્થિક સ્થિતિ એવી કરી દીધી છે કે મુખ્યમંત્રી અને મંત્રીઓએ 2 મહિનાના પગાર છોડવાના સ્ટંટ કરવા પડી રહ્યા છે! 

    આ સ્ટંટ જ કહેવાય. ગુરુવારે (29 ઑગસ્ટ) હિમાચલના કોંગ્રેસી મુખ્યમંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરીને કહ્યું કે, તેઓ અને તેમની કેબિનેટ આગામી 2 મહિના સુધી પગાર કે TADA નહીં લે. સાથે ધારાસભ્યોને પણ વિનંતી કરી. દેખીતી વાત છે કે 2 મહિના કેબિનેટ પગાર છોડી દે તેનાથી રાજ્યની આર્થિક સ્થિતિને લેશમાત્ર ફેર પડતો નથી, પણ એ બહાને લોકોને એમ થાય કે સરકાર કશુંક કરી રહી છે. 

    વળી કોંગ્રેસી નેતા અને હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંઘે પણ આ નિર્ણયને વધાવી લીધો. તેઓ કહે છે કે, મુખ્યમંત્રીએ ઉદાહરણ પૂરું પાડ્યું છે! જોકે તેમણે પણ સ્વીકાર્યું ખરું કે રાજ્ય આર્થિક સંકટ હેઠળ છે. સાથે કહ્યું કે, અમે સતત રાજ્યમાં સંસાધનો મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. વિક્રમાદિત્ય સિંઘનું તો એમ પણ કહેવું છે કે સરકાર ભાંગની ખેતીને મર્યાદિત ઉપયોગ માટે કાયદેસર બનાવવા માટે વિચારી રહી છે. 

    - Advertisement -

    કેમ સર્જાઇ આવી સ્થિતિ?

    હિમાચલ સરકારનું વાર્ષિક બજેટ ₹58,444 કરોડ જેટલું છે. જેમાંથી માત્ર પગાર, પેન્શન અને જૂની લૉન ચૂકવવામાં જ ₹42,079 કરોડ ખર્ચાઈ જાય છે. જેમાંથી ₹20,000 કરોડ રૂપિયા તો માત્ર ઓલ્ડ પેન્શન સ્કીમ પાછળ ખર્ચ થઈ રહ્યા છે, જે લાગુ કરવા માટે કોંગ્રેસ દરેક રાજ્યમાં ફરીને વાયદો કરતી રહે છે અને કેન્દ્રમાં પણ લાગુ કરવાની વાતો કરતી રહે છે. પરંતુ તેનાં પરિણામો શું આવી શકે, તેનું આ જીવતું અને જાગતું ઉદાહરણ છે.

    બજેટનો મોટો હિસ્સો તો માત્ર રાજ્યના કર્મચારીઓનાં પેન્શન અને પગાર આપવામાં જ જશે. લગભગ ₹5479 કરોડ જૂની લૉન ચોંકવવા અને ₹6,270 કરોડ વ્યાજ ચૂકવવા માટે ખર્ચવામાં આવશે. એટલે જોવા જઈએ તો 20% હિસ્સો આ બધામાં જ પૂરો થઈ જશે. પેન્શન ઉપર બીજા ₹27,000 કરોડ ખર્ચાશે. આ બધાં મળીને કુલ બજેટનો હિસ્સો લગભગ 66% જેટલો છે. 

    તમે 100 રૂપિયાનું ઉદાહરણ લઈને સમજો તો 25 રૂપિયા પગાર આપવામાં, 17 રૂપિયા પેન્શનમાં, 11 રૂપિયા વ્યાજ ચૂકવવામાં, 9 રૂપિયા લૉન ચૂકવવામાં અને 10 રૂપિયા ગ્રાન્ટ આપવામાં ખર્ચાય છે. હવે બાકી રહ્યા 28 રૂપિયા. તેનો ઉપયોગ રાજ્ય સરકારે વિકાસકામોમાં કરવાનો રહે છે. એટલું જ નહીં, તેમણે મફતના વાયદાઓ પણ પૂરા કરવાના રહે છે, જે ચૂંટણી જીતવા માટે પાર્ટીએ ઢંઢેરો પીટીને હિમાચલની જનતાને કર્યા હતા. 

    મફતના વાયદા પૂરા કરવામાં ખર્ચાય છે રૂપિયા

    એક તરફ પરિસ્થિતિ આવી છે અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટી સરકાર બન્યા પહેલાં જે મફતના વાયદા કરી ચૂકી હતી, તેને પૂર્ણ કરવા માટે હજારો કરોડ ખર્ચાઈ રહ્યા છે. રાજ્યની આર્થિક સ્થિતિ ઠીક ન હતી છતાં લોકસભા ચૂંટણીની તરત પહેલાં હિમાચલ પ્રદેશ રાજ્ય સરકારે ચૂંટણી વાયદો પૂર્ણ કરવાના નામે મહિલાઓને દર મહિને ₹1500 રૂપિયા આપવાની સ્કીમ લૉન્ચ કરી દીધી હતી. CM સુક્ખુએ કહ્યું હતું કે, આ ‘ઈન્દિરા ગાંધી પ્યારી બહેના સુખ સમ્માન નિધિ યોજના’ પાછળ રાજ્ય સરકાર વર્ષના ₹800 કરોડ ખર્ચશે અને 18થી 60 વર્ષની વયની 5 લાખ મહિલાઓને યોજનાનો લાભ આપવામાં આવશે.

    બીજી તરફ, જૂની પેન્શન યોજના લાગુ કરવા ગયા ત્યાં 1000 કરોડનો વધારાનો ખર્ચ આવે છે. ₹18 હજાર કરોડ સરકારે મફત વીજળી માટે સબસિડી આપવામાં ખર્ચ્યા. જોકે, મફત વીજળી માટે તો હિમાચલ સરકારે 300 યુનિટ ફ્રી આપવાનો વાયદો કર્યો હતો પણ પરિસ્થિતિ એ આવીને ઉભી રહી કે પહેલાંથી જે 125 યુનિટ વીજળી આપવામાં આવતી હતી, તેમાં પણ નિયંત્રણો લાદીને નક્કી કર્યું કે ઇન્કમ ટેક્સ પેયરોને 125 યુનિટ પણ ફ્રી વીજળી આપવામાં નહીં આવે. 

    કોંગ્રેસના OPSના વાયદાના કારણે વિકાસકામોના બજેટમાં પણ ઘટાડો આવશે તેવું હાલ લાગી રહ્યું છે, કારણ કે પહેલાં પેન્શનનો બજેટમાં હિસ્સો 13% જેટલો હતો, જે હવે OPS લાગુ કરવામાં આવ્યા બાદ 17% જેટલો થઈ ગયો છે. ટકાવારીમાં આ ફેર 4 જ ટકાનો છે, પણ આંકડાઓ જોવા જઈએ ત્યારે તે કૂદકેને ભૂસકે વધતા હોય છે. ઉપરાંત, ભવિષ્યમાં એવું પણ થવાની શક્યતા છે કે રાજ્યમાં ચાલુ નોકરીના કર્મચારીઓ કરતાં પેન્શનરોની સંખ્યા વધી જાય. જો ભરતી થનારા કરતાં નિવૃત્ત થનારા કર્મચારીઓની સંખ્યા વધી જાય તો એક અનુમાન મુજબ 2030-31 સુધીમાં રાજ્યમાં 2.38 લાખ પેન્શરો થઈ જશે. જેના કારણે 2026-27 સુધીમાં પગાર-પેન્શન પર કુલ ₹2.11 લાખ કરોડ ખર્ચવા પડશે. આ બોજ સરકાર સહન કરી શકે તેવી ક્ષમતા નથી. 

    હિમાચલ પર ₹87 હજાર કરોડનું દેવું

    અહેવાલોનું માનીએ તો હિમાચલ પ્રદેશ પર હાલ 87 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. વર્ષ 2022-23 માટે CAGનો એક રિપોર્ટ જણાવે છે કે, હિમાચલની કોંગ્રેસ સરકારે 2022-23માં એક જ વર્ષમાં દેવું ₹13,055 કરોડ જેટલું વધારી દીધું. જેના કારણે 2021-22માં જે દેવું ₹73,534 કરોડ હતું તે વધીને ₹86,589 કરોડ પર પહોંચી ગયું હતું. દેશમાં 9 પહાડી રાજ્યો છે અને તેમાં સૌથી વધુ હિમાચલનું જ છે. 31 માર્ચ, 2025 સુધીમાં આ દેવું વધીને 94,992 કરોડ રૂપિયા થવાનું અનુમાન છે. આ પરિસ્થિતિમાં જૂનું દેવું ચૂકવવા માટે નવી લૉન લેવી પડે એવી પરિસ્થિતિ સર્જાશે. એ પણ નોંધવું રહ્યું કે CAGનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરતી વખતે CM સુક્ખુએ પણ સ્વીકાર્યું હતું કે વર્ષમાં જેટલા રૂપિયા ખર્ચવામાં આવે છે તેમાંથી 50% રકમ તો પગાર અને પેન્શનમાં જ ઘૂસી જાય છે. 

    એક તરફ કોંગ્રેસ શાસિત રાજ્યની હાલત આવી છે અને બીજી તરફ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ‘ખટાખટ મોડેલ’ની ડાહી-ડાહી વાતો કરીને મત ઉઘરાવવા નીકળ્યા હતા. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ જ ખટાખટ મોડેલ છે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં