29 એપ્રિલે બીજા તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ સાથે પશ્ચિમ બંગાળની (અને સાથે અન્ય ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની) વિધાનસભા ચૂંટણી પણ પૂરી થઈ તેની સાથે એક્ઝિટ પોલ આવવાના શરૂ થયા. આમ તો તમામ પાંચ પ્રદેશોના એક્ઝિટ પોલ ટીવી સ્ક્રીન પર એક પછી એક આવતા હતા પણ સૌથી વધુ ધ્યાન પશ્ચિમ બંગાળ પર હતું. બંગાળ બાબતે વિવિધ એજન્સીઓમાં મતમતાંતર છે. મોટાભાગના કહે છે કે આ વખતે ભાજપ ‘ખેલા’ કરશે અને પહેલી વખત સરકાર બનાવશે. અમુક વળી કહે છે કે દીદીનું શાસન ફરી આવશે.
એક્ઝિટ પોલની વિશ્વસનીયતા પર આમ તો સવાલો સમયે-સમયે ઉઠતા રહ્યા છે. ઘણી વખત સાવ ખોટા પડ્યા છે, ઘણી વખત સાચા પણ પડ્યા છે. બંગાળના કિસ્સામાં એક્ઝિટ પોલ કરવાનું કામ પણ અઘરું છે. સામાન્ય રીતે એક્ઝિટ પોલ કરતી એજન્સીના માણસો મતદાન મથકોએ જઈને મત આપીને આવતા લોકોને પૂછતા હોય છે કે તેમણે કોને મત આપ્યો. આ સરવેનાં પરિણામો એકઠાં કરવામાં આવે, બધા મતવિસ્તારોમાંથી આવતાં ઇનપુટ એકઠાં થાય ને આખરે સીટ પ્રેડિક્ટ કરવામાં આવે.
બંગાળના કિસ્સામાં અઘરું એટલા માટે છે કારણ કે અહીં મમતા બેનર્જીના દોઢ દાયકાના શાસને લોકોમાં, સામાન્ય નાગરિકોમાં સારો એવો ખૌફ બેસાડી દીધો છે. 2021ની ચૂંટણી પછીની હિંસા, સ્થાનિક ચૂંટણીમાં ધાંધલી– આ બધું બંગાળીઓ ભૂલ્યા નથી. લાલુના ગુંડારાજની ચર્ચા થઈ એટલી મમતાના ગુંડારાજની નથી થઈ એવું કાયમ લાગે છે. વાંધો નહીં, ચાર મે પછી થાય એવી આશા રાખીએ. પણ વર્તમાન સ્થિતિ છે એ સ્થિતિમાં વોટર વધુ વોકલ થતો નથી. આ વખતે જોકે થોડો ફેરફાર આવ્યો છે પણ એકંદરે જોવા જઈએ તો બંગાળી મતદારના મનને જાણવું પ્રમાણમાં અઘરું કામ છે. એટલે જ એક્સિસ માય ઇન્ડિયાવાળાઓએ આખરે એમ કહી દીધું કે તેઓ બંગાળના એક્ઝિટ પોલની માથાકૂટમાંથી છેટા રહેવાના છે. એ સારું કર્યું.
આ બધા એક્ઝિટ પોલને બાજુ પર રાખીએ તોય આ વખતે તૃણમૂલ કોંગ્રેસને, તેના નેતાઓને, તેમના રાજકારણને અને તેમાં છલકતી હતાશા અને નિરાશા જોઈએ તો સમજાય છે કે વાતાવરણ એવું નથી જેવું આગલી ચૂંટણીઓમાં હતું. 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે માહોલ બનાવ્યો હતો પણ TMC સત્તાવાપસી માટે એકદમ નિશ્ચિંત હતી. મમતા બેનર્જી પોતે નિશ્ચિત જણાતાં હતાં. આ વખતે ચિત્ર જુદું છે.
આ લખાય રહ્યું છે તેના 24 કલાક પહેલાં જ મમતા બેનર્જી રઘવાયાં થઈને EVM સ્ટ્રોંગ રૂમ પર પહોંચી ગયાં હતાં, જેના કારણે હોબાળો મચી ગયો. તેઓ જે ભવાનીપુરથી ચૂંટણી લડી રહ્યાં છે ત્યાંથી ભાજપે વિપક્ષ નેતા, એક સમયે મમતાના સાથી રહી ચૂકેલા સુવેન્દુ અધિકારીને ઉતાર્યા છે. સુવેન્દુ 2021માં નંદીગ્રામ બેઠક પરથી જીત્યા હતા. તેમની સામે મમતા બેનર્જી ઉમેદવાર હતાં. આ વખતે સુવેન્દુએ મમતાના ગઢમાં જઈને મમતાને પડકાર્યાં છે. સુવેન્દુ અધિકારીના વકીલ પણ પછીથી સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચી ગયા અને મમતા રહ્યાં ત્યાં સુધી ત્યાં જ અડિંગો જમાવીને બેઠા.
ভবানীপুর নির্বাচনী এলাকা সহ সমগ্র পশ্চিমবঙ্গবাসী ভোটার ভদ্রমণ্ডলী কে আশ্বস্ত করতে চাই যে এই কেন্দ্রের তৃণমূল কংগ্রেস প্রার্থী তথা বিদায়ী মুখ্যমন্ত্রী, মাননীয়া কে কোনোরকম বাড়তি সুবিধা নেওয়া থেকে বিরত থাকতে বাধ্য করা হয়েছে।
— Suvendu Adhikari (@SuvenduWB) April 30, 2026
উনি যতোই চেষ্টা চালান না কেন, কোনো রকম নিয়ম বহির্ভূত… pic.twitter.com/9hxyr3A97x
બીજી તરફ કલકત્તા હાઇકોર્ટે હમણાં જ TMCની એક અરજી ફગાવી દીધી. વાસ્તવમાં મતગણતરી દરમ્યાન જે અધિકારીઓને નીમવાના હોય તેમાં ચૂંટણી પંચે રાજ્ય સરકારના કર્મચારીઓને બાકાત રાખ્યા છે અને સંપૂર્ણ જવાબદારી કેન્દ્રીય અને PSU કર્મચારીઓના ખભે નાખી છે. TMCને આમાં પણ વાંધો પડ્યો અને તેઓ કલકત્તા હાઇકોર્ટ દોડી ગયા.
હાઇકોર્ટે આખો દિવસ બંને પક્ષની દલીલો સાંભળી અને મોડી સાંજે એક આદેશ પસાર કરીને TMCની અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે મતગણતરીનું કામ રાજ્ય સરકારના કર્મચારીઓને સોંપવું કે કેન્દ્રીય કર્મચારીઓને એ ચૂંટણી પંચનો વિશેષાધિકાર છે. જો તેમણે રાજ્ય સરકારના કર્મચારીઓને કામ ન સોંપવાનો નિર્ણય કર્યો હોય તો તેમાં કશું જ ખોટું કે અયોગ્ય નથી અને કોર્ટ આ બાબતમાં કોઈ હસ્તક્ષેપ ન કરે. TMCનો વધુ એક દાવ નિષ્ફળ ગયો.
બીજા એક સમાચાર એવા છે કે મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી આવતીકાલે પાર્ટી એજન્ટો સાથે બેઠક કરશે. શું સૂચના આપશે એ તો હવે તેઓ જાણે પણ માહોલ જોઈને લાગે છે કે પાર્ટી કાર્યકર્તાઓને બરાબર ઉશ્કેરવામાં આવશે, મતદાન પહેલાં ચાર્જ કરવામાં આવશે. પણ આ વખતે સુરક્ષાના મોરચે ચૂંટણી પંચે જડબેસલાક વ્યવસ્થા કરી છે. CRPFની ભરપૂર ટુકડીઓ ખડકી દીધી છે. તેમાં પણ TMCને વાંધો પડ્યો છે.
“Amit Shah is a gunda. Gundami is in his blood. He is filthy. He is a billi (cat). He plotted TMC’s end sitting here for 15 days. Come here, we will hang you upside down!”
— Abhijit Majumder (@abhijitmajumder) April 30, 2026
~ TMC MP Kalyan Banerjee froths at the mouth while effectively accepting defeat. pic.twitter.com/80QIXzKxJV
TMCના નેતાઓ સતત ગૃહ પ્રધાન અમિત શાહને ટાર્ગેટ કરી રહ્યા છે. એલફેલ બોલી રહ્યા છે. કોઈ શાહને ‘ગુંડા’ કહે છે ને કોઈ ભગાડી મૂકવાની વાત કરે છે. આ હતાશા દર્શાવે છે. તેઓ જાણે છે કે ભાજપ જો સત્તા સુધી પહોંચી ગયું તો તેનો સંપૂર્ણ શ્રેય અમિત શાહને જશે, જેઓ પંદર દિવસ બંગાળમાં રહ્યા ને જાતે કેમ્પેઈન લીડ કર્યું છે. અમિત શાહ અને ભાજપ જે કન્વિક્શન અને જે ઝનૂન સાથે ચૂંટણી લડ્યા છે તેને જોઈને TMCની હતાશા ઓર વધી છે અને એ આ નેતાઓના શબ્દોમાં જોવા મળે છે.
એક હતાશા એ વાતની પણ છે કે આ વખતે બંગાળમાં કોઈ બળપ્રયોગ કામ આવી રહ્યો નથી. TMCના માણસો આદતવશ બદમાશી કરી જાણે છે, પણ કેન્દ્રીય બળો તેમને સીધાદોર કરવા માટે ખડેપગે છે. અમુક ઠેકાણે મતદાન દરમ્યાન પણ હિંસા કરવાના પ્રયાસો કરી જોયા પણ CRPFએ સમયસર બધું સંભાળી લીધું. ફાલ્ટા અને અન્ય અમુક ઠેકાણે EVMમાં ભાજપ ઉમેદવારોનાં નામ સામે ટેપ લગાવવાની બદમાશી પણ કરવામાં આવી. ચૂંટણી પંચે આ અમુક ઠેકાણે ફરીથી મતદાન કરાવવાના આદેશ આપ્યા છે. ટૂંકમાં આ વખતે ચૂંટણી પંચ કોઈ ગેરરીતિ ચલાવી લેવાના મૂડમાં નથી. એક હતાશા એ વાતની પણ છે. જીતનું આશ્વાસન હોય તો આવી હતાશા ન હોવી જોઈએ.
TMC-મમતા બેનર્જી એક તરફ જીતનો દાવો કરી રહ્યાં છે. કહી રહ્યાં છે કે તેઓ ફરી એક વખત જંગી બહુમતીએ સરકાર બનાવશે. પણ જીત માટે આશ્વસ્ત પાર્ટી કે નેતાઓ આ બધું ન કરે જે TMC અને તેના માણસો છેલ્લા અમુક કલાકોથી કરી રહ્યા છે. તેમની હતાશા હવે સ્પષ્ટ દેખાવા માંડી છે. બીજી તરફ ભાજપની આખી કેડર આ વખતે નમતું મૂકવાના મૂડમાં નથી. બંગાળમાં જે થઈ રહ્યું છે એ ચૂંટણી રહી નથી, આ એક યુદ્ધ બની ગયું છે. યુદ્ધમાં વિજેતા કોણ થાય એ ચોથી મેનો સૂર્યોદય કહેશે, પણ ત્યાં સુધીમાં જે ઘટનાક્રમો બની રહ્યા છે એ એટલું તો જણાવી રહ્યા છે કે આ વખતે આ યુદ્ધ એકપક્ષીય રહ્યું નથી.


