Saturday, April 20, 2024
More
    હોમપેજમંતવ્યછેલ્લો કટોરો રાજકારણનો આ પી જજો ‘બાપુ’: શંકરસિંહ વાઘેલાનો રાજકારણમાં સિક્સર મારવાનો...

    છેલ્લો કટોરો રાજકારણનો આ પી જજો ‘બાપુ’: શંકરસિંહ વાઘેલાનો રાજકારણમાં સિક્સર મારવાનો પ્રયાસ તેમને ક્લીન બોલ્ડ કરી દેશે!

    રાજકારણના અંતિમ પડાવમાં ઉભા રહેલા શંકરસિંહ વાઘેલાએ રવિવારે નવી પાર્ટી ઉભી કરવાની જાહેરાત કરી છે, પરંતુ ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીઓમાં તેમનો આ દાવ સફળ નહીં થાય અને તેની પાછળ ઘણાં બધાં કારણો પણ છે.

    - Advertisement -

    કોઇપણ રાજકારણીનું અંતિમ લક્ષ્ય સત્તા હોય છે. જો રાજકારણી એમ કહેતો હોય કે તે ફક્ત સેવા માટે રાજકારણ કરે છે સત્તા માટે નહીં તો એનો જરાય વિશ્વાસ ન કરવો. આ સત્તા નાની-મોટી હોઈ શકે પરંતુ સત્તા જ રાજકારણીને રાજકારણ રમવા માટે વધુને વધુ પ્રોત્સાહિત કરે છે. પૂરતા પ્રયાસ બાદ પણ સત્તા ન મળે તો એ ચર્ચાનો અલગ વિષય છે પરંતુ જ્યારે સત્તા મળવાની દૂર દૂર સુધી કોઈજ તક દેખાતી ન હોય તેમ છતાં નવી પાર્ટી શરુ કરીને સત્તા મેળવવાનો પ્રયાસ ફક્ત ટોકનીઝમ જ બનીને રહી જતો હોય છે.

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે બે મહિના અગાઉ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને મળવાની તક મળી હતી. તેમની સાથે થયેલી વિશદ ચર્ચાના અંત સમયે તેમણે તેમની આગવી શૈલીમાં કહ્યું હતું કે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી તો તેઓ રાજકારણમાં સક્રિય છે જ પછીની વાત પછી જોઈશું. ગુજરાતની ચૂંટણી હવે ત્રણ મહિનાથી વધુ દુર નથી એવા સમયમાં બાપુએ નવી પાર્ટી લોંચ કરવાની વાત કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે જેણે નવાઈ પમાડી છે.

    શંકરસિંહ વાઘેલાએ રૂબરૂ મુલાકાત દરમ્યાન જે ઉપરોક્ત નિવેદન આપ્યું અને હવે જ્યારે એમણે નવો પક્ષ ઉભો કરવાની જાહેરાત કરી એ તો એમ કહે છે કે બાપુ હવે છેલ્લી રાજકીય લડાઈ લડવાના મૂડમાં છે. એક પરિપક્વ રાજકારણી હોવાના નાતે બાપુએ વિચારી તો લીધું જ હશે કે હવે ઉંમર પણ કદાચ આવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે તેમને સક્ષમ ન રાખે. તેમ છતાં તેમની નવી પાર્ટી લોંચ કરવાની જાહેરાતે ઘણાને આશ્ચર્ય પમાંડ્યું છે.

    - Advertisement -

    શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર જનસંઘથી થઇ અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યાં અને અહીં ખજુરાહોનો પ્રખ્યાત ‘બળવો’ કર્યાના થોડા સમય બાદ તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી. થોડો વધુ સમય વીત્યા બાદ બાપુએ પોતાનીજ પાર્ટીને કોંગ્રેસમાં વિલીન કરી દીધી. કોંગ્રેસમાં રહીને નરેન્દ્ર મોદીના ગુજરાતના સુવર્ણકાળ દરમ્યાન તેઓ વિપક્ષના નેતા પણ રહ્યા. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણી અગાઉજ એમણે કોંગ્રેસ પણ છોડી દીધી અને જન વિકલ્પ નામના પક્ષની રચના કરી.

    સ્વાભાવિક છે કે ગુજરાત કાયમ દ્વિપક્ષીય રાજકારણને જ માન્યતા આપતું હોવાથી જન વિકલ્પને વિકલ્પ માનવાનો ગુજરાતની પ્રજાએ સ્પષ્ટ ઇનકાર કર્યો અને ત્યારથી માંડીને રવિવાર સુધી જન વિકલ્પ જાહેરમાં ક્યાંય દેખાઈ રહ્યો ન હતો. પરંતુ અચાનક જ રવિવારે સમાચાર આવ્યા કે બાપુ ફરીથી એક નવી પાર્ટી લોંચ કરવા જઈ રહ્યા છે જેનું નામ હશે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી.

    કોઇપણ નવો રાજકીય પક્ષ ઉભો થાય તે લોકશાહી ઘટના છે, પરંતુ આ પક્ષ પાછળનો મૂળ હેતુ શો છે એ જાણવો પણ જરૂરી છે. કોંગ્રેસ કહે છે કે તેઓ સેક્યુલારિઝમ માટે લડે છે, ભાજપા કહે છે કે તેમનો હેતુ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવાનો છે તો બહુજન સમાજ પાર્ટી પણ દલિતોનો લડાઈ લડવા માટે રાજકારણમાં આવી છે એમ કહે છે. જન વિકલ્પ વખતે પણ શંકરસિંહ વાઘેલા સ્પષ્ટ ન હતા કે તેઓ ગુજરાતીઓને શું આપવા માંગે છે આથી તેમની આ નવી પાર્ટી જ્યારે પણ આધિકારિક રીતે લોંચ થાય ત્યારે તેમનો મૂળ હેતુ શું છે સ્પષ્ટ થવો અત્યંત જરૂરી છે.

    એક અહેવાલ અનુસાર શંકરસિંહ વાઘેલાએ પંચામૃતના નામે પાંચ મુદ્દા જાહેર કર્યા છે જેમાં 12 લાખનો હેલ્થ વીમો અને બાળકોની ફી માટે 12 લાખ રૂપિયાની જોગવાઈ સામેલ છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે આ બંને જોગવાઈઓ વાર્ષિક 12 લાખ સુધી કમાતા માતાપિતા માટે જાહેર કરવામાં આવી છે. વાર્ષિક આટલી મોટી રકમની કમાણી કરતા વ્યક્તિ આ પ્રકારના વીમા અને શાળા ફી ની વ્યવસ્થા જાતે કરી જ લેતો હોય છે તો તેને આ રકમની કોઈ જરૂર હોય ખરી? કે પછી સમાજના દરેક વર્ગના મત અંકે કરી લેવાની બાપુની ગણતરી છે?

    આ ઉપરાંત બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થું અને પાણી અને વીજળીના બીલ સો યુનિટ સુધી ફ્રી કરવાની પણ વાત આ પંચામૃત યોજનામાં થઇ છે. છેલ્લે શંકરસિંહ વાઘેલા છેલ્લા ઘણા વર્ષોથી જે મુદ્દાની તરફેણ કરી રહ્યા છે તે ગુજરાતમાંથી દારૂબંધી ‘વૈજ્ઞાનિક ઢબે’ હટાવવાની વિચારણા પણ અહીં તેમણે ઉમેરી છે.     

    ટૂંકમાં કહીએ તો શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટી શરુ કરતાં અગાઉ જે જાહેરાત કરી છે એ છેલ્લા પંદરથી વીસ દિવસમાં જે નવો શબ્દ ભારતીય રાજકારણનાં શબ્દકોશમાં ઉમેરવામાં આવ્યો છે તે રેવડીથી વિશેષ બીજું કશું જ નથી. આ પ્રકારની મફતિયા યોજનાઓ આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં જાહેર કરી ચૂકી છે અને આમ આદમી પાર્ટી એકરીતે જોઈએ તો છેલ્લા છ થી સાત વર્ષમાં ગુજરાતમાં હાજર છે એનો સ્વીકાર તો કરવો જ રહ્યો. જ્યારે બાપુ પાસે હવે ગુજરાતના યુદ્ધમાં ઝૂકાવવા માટે સો દિવસથી પણ ઓછો સમય છે પોતાની નવી પાર્ટી શરુ કરીને તમામ 182 બેઠકો પર ઉમેદવારો ઉભા કરવા માટે અને પ્રજામાં પોતાનો સંદેશ ફેલાવવા માટે શું આટલો સમય પૂરતો હશે?

    ચાલો એક વખત માની પણ લઈએ કે સમયના અભાવમાં શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીઓમાં તમામ બેઠકો પર પોતાના પક્ષના ઉમેદવારો ઉભા નહીં રાખે તો શું બાપુનો મૂળ ઈરાદો ફક્ત અમુક જ બેઠકો જીતીને જો ત્રિશંકુ વિધાનસભા ગુજરાતમાં રચાય તો લાભ લેવા પૂરતો જ મર્યાદિત છે? અપૂરતો સમય અને પ્રજામાં નવા પક્ષની અપૂરતી જાણકારી તો આ નવાસવા પક્ષ માટે ફક્ત આ જ પ્રકારનું પરિણામ લાવવા માટે સક્ષમ છે. આનો સ્પષ્ટ મતલબ છે કે બાપુ ફક્ત અંધારામાં તીર જ મારવા માંગે છે કે જો ત્રિશંકુ વિધાનસભા રચાય અને એમાં તેમના પક્ષના સિંગલ કે ડબલ ડીજીટમાં વિધાનસભ્યો હોય તો જે પક્ષ સત્તાની નજીક હોય તેની સાથે ‘વ્યવહાર’ કરવાની ખબર પડે.

    શંકરસિંહ વાઘેલા જેવા રાજકારણના અઠંગ ખેલાડીની પરિસ્થિતિ આવી થઇ જશે તેની કલ્પના કોઈને પણ ન હોય. પરંતુ, ફરીથી શરૂઆતમાં જે વાત થઇ એ મુજબ કોઇપણ રાજકારણીનો અંતિમ હેતુ સત્તા મેળવવાનો હોય છે અને બાપુ તેમના રાજકારણ રમવાના અંતિમ સત્રમાં આ છેલ્લો દાવ કદાચ રમી લેવા માંગે છે.

    શંકરસિંહ વાઘેલા ભાજપમાં પરત આવે કે પછી તેના પક્ષમાં પ્રચાર કરે એ સંભાવના વીતે તો દાયકાઓ થઇ ગયા. કોંગ્રેસ પ્રત્યે તેમનો સોફ્ટ કોર્નર આપણને બધાંને ખ્યાલ જ છે. પરંતુ તકલીફ એ છે ગુજરાત કોંગ્રેસ પોતાના જ ગુમાનમાં રાચે છે અને તેમને બાપુ જેવા ભલે પોતાની કારકિર્દીના અંતિમ ચરણમાં હોય પરંતુ મજબુત ખેલાડીની જરૂર જ નથી એવું માને છે અને એટલેજ તેણે બાપુની 15મી ઓગસ્ટની ડેડલાઈનનો જવાબ ન આપ્યો.

    આમ, શંકરસિંહ વાઘેલા હાલની પરિસ્થિતિ જોતાં જેમ આગળ ચર્ચા કરી તેમ રાજકારણનો એક છેલ્લો દાવ રમીને અને મોટેભાગે હારીને તેમને ગુજરાતના સર્વોચ્ચ પદ સુધી પહોંચાડનાર મંચને  ભાવભીની વિદાય આપવા માંગે છે એવું ચિત્ર સામે આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં