Friday, April 26, 2024
More
    હોમપેજરાજકારણખજુરાહો કાંડ: ભારતના રાજકારણમાં સામાન્ય બની ગયેલા રિસોર્ટ પોલિટીક્સના જનક એટલે શંકરસિંહ...

    ખજુરાહો કાંડ: ભારતના રાજકારણમાં સામાન્ય બની ગયેલા રિસોર્ટ પોલિટીક્સના જનક એટલે શંકરસિંહ વાઘેલા

    છેક ગત સદીના અંતમાં શંકરસિંહ વાઘેલાએ દેશનું સર્વપ્રથમ રિસોર્ટ પોલીટીક્સનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેને આજે લગભગ તમામ રાજકીય પક્ષો અનુસરે છે. ચાલો જાણીએ શું હતો એ ખજુરાહો કાંડ અને તે થવા પાછળના શું કારણો હતાં.

    - Advertisement -

    શંકરસિંહ વાઘેલા યાદ આવવાનું કારણ એ કે થોડાં વર્ષો અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હવે સ્વર્ગસ્થ એવા અહમદ પટેલને હારતા બચાવવા માટે ગુજરાત કોંગ્રેસે પોતાના 44 ધારાસભ્યોને લઈને બેંગ્લોર પાસે આવેલા ઈગલટન રિસોર્ટમાં લઇ ગયાની ઘટના ખૂબ ચર્ચામાં આવી હતી. આ પહેલાં અને પછી પણ સત્તાકીય રાજકારણમાં આવતા ઉતાર-ચઢાવને પહોંચી વળવા માટે ધારાસભ્યોને વિવિધ રિસોર્ટ્સમાં લઇ જવામાં આવતા હોય છે. છેલ્લે આવી નોંધપાત્ર ઘટના મહારાષ્ટ્રની હાલની મહા વિકાસ આઘાડી સરકારની રચના અગાઉ જોવા મળી હતી.

    પરંતુ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અહમદ પટેલવાળી ઘટના કોઈ પહેલી કે નવી ઘટના નથી. અહમદ પટેલને જે તકલીફ શંકરસિંહ વાઘેલાએ તે વખતે આપી હતી તેજ તકલીફ આજથી બરોબર 27 વર્ષ અગાઉ આજે જે શંકરસિંહ વાઘેલાએ તે સમયે ભાજપની કરી હતી. આવો યાદ કરીએ દેશભરમાં વિધાનસભ્યોને એકઠા કરીને કોઈ રિસોર્ટ કે હોટલમાં પૂરી દેવાની સર્વપ્રથમ ઘટનાને જેણે ત્યારબાદ ભારતીય રાજકારણમાં પક્ષપલટો કરવા ઈચ્છતા વિધાનસભ્યોને રિસોર્ટમાં જલસા કરાવવાની પ્રથા ચાલુ કરી દીધી..

    1992માં વિવાદાસ્પદ માળખું જેને કેટલાક લોકો બાબરી મસ્જીદ તરીકે ઓળખાવે છે તેના તૂટવાની ઘટના બન્યા બાદ ભાજપ તરફ ગુજરાતમાં જબરો જન પ્રતિસાદ વળ્યો અને 1995માં 121 બેઠકો સાથે ભાજપે સર્વપ્રથમ વખત એકલે હાથે ગુજરાતમાં સત્તા મેળવી. ભાજપે આટલી મોટી બહુમતી સાથે સત્તા તો મેળવી પરંતુ તેની તકલીફ સત્તા સંભાળ્યા અગાઉજ શરુ થઇ ગઈ હતી. ગાંધીનગરના ટાઉનહોલમાં વિધાનસભ્યોની પોતાના નેતા ચૂંટવાની બેઠક ભરાઈ તેમાં કેશુભાઈ પટેલને નેતા પસંદ કરાયા, પરંતુ શંકરસિંહ વાઘેલાને તેમજ તેમના સમર્થકોને એમ હતું કે તેઓ જ મુખ્યમંત્રી બનશે.

    - Advertisement -

    વાઘેલાને એ સમયે એમપણ લાગ્યું હતું કે કેશુભાઈ અને તે સમયે ભાજપના જનરલ સેક્રેટરી નરેન્દ્ર મોદી જ એકલાહાથે નિર્ણયો લઇ રહ્યા છે અને મંત્રીમંડળમાં ‘પોતાના’ માણસો ગોઠવી રહ્યા છે.

    1995ના સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વ્યાપારિક રોકાણો મેળવવા કેશુભાઈ પટેલ અમેરિકા રવાના થયા અને અશોક ભટ્ટને કામચલાઉ ચાર્જ સોંપ્યો. અમેરિકા રવાના થતા અગાઉ કેશુભાઈએ વાઘેલાને પૂછ્યું કે તમને નરેન્દ્ર મોદી સાથે કોઈ તકલીફ છે? જેના જવાબમાં શંકરસિંહે એમ કહ્યું હોવાનું કહેવાય છે કે “મને તમારી સાથે પ્રોબ્લેમ છે અને તમે અમેરિકાથી પાછા આવશો ત્યારે મુખ્યમંત્રી ન પણ રહો એવું બની શકે છે.” કેશુભાઈ વાઘેલાનો સિગ્નલ સમજ્યા કે ન સમજ્યા અને અમેરિકાની યાત્રાએ ઉપડી ગયા પણ વાઘેલા તરતજ એક્શનમાં આવ્યા અને તેમને ટેકો આપતા કેટલાક ધારાસભ્યોને સૌથી પહેલીવાર પોતાના ગામ વાસણ લઇ ગયા. વાઘેલાએ તેમના ટેકેદાર ધારાસભ્યોને એમ જ કહ્યું હતું કે જો તમારે મારી સાથે રહેવું હોય તો આ સરકાર છોડવી પડશે.

    ધીમેધીમે કરતા લગભગ 55 ધારાસભ્યો વાઘેલાની સાથે થયા. વાસણથી આ તમામ ધારાસભ્યોને કોંગ્રેસના ટેકેદાર ગણાતા હરીભાઈ ચૌધરીના માણસા તાલુકામાં આવેલા ચારડા ગામમાં શિફ્ટ કરાયા અને અહીંથી મનસુખ વસાવા પાછલે બારણેથી ભાગી ગયા. વાઘેલાના કહેવા અનુસાર અહીં તેમના ધારાસભ્યો પર ભાજપના માણસોએ પથ્થરમારો પણ કર્યો હતો પરંતુ હરીભાઈના પત્ની ભીખીબેન અને બાકીના ગામવાસીઓએ આ લોકોને ત્યાંથી ભાગી જવાની ફરજ પાડી હતી.

    એ સમયે ગુજરાતના પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનું શાસન હતું અને તે ઉપરાંત સમર્થક ધારાસભ્યોને ગુજરાત બહાર લઇ જવા વાઘેલા દ્વારા દિલ્હીનો ઓપ્શન પણ વિચારવામાં આવ્યો હતો, પરંતુ છેવટે દિગ્વિજયસિંહનું રાજ ધરાવતા મધ્ય પ્રદેશ પર પસંદગીનો કળશ ઢોળાયો કારણકે તે વાઘેલાને તેમના ટેકેદારો માટે સૌથી સુરક્ષિત સ્થાન લાગ્યું હતું. ધારાસભ્યોને એક દિવસ બપોરે જ ખાસ વિમાનમાં ઉડાડવાના હતા પરંતુ તમામ ધારાસભ્યોને મનાવતા વાર લાગી એટલે સાંજ પડી ગઈ.

    સાંજે જ્યારે આ તમામ ધારાસભ્યોને લઈને અમદાવાદના એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે એરક્રાફ્ટના ટાયરોમાં પંક્ચર પડી ગયા હોવાના સમાચાર આવ્યા જેને વાઘેલા આજે પણ ગુજરાત સરકારનું કાવતરું જ ગણે છે. જ્યારે ટાયર સરખા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે ખજુરાહો એરપોર્ટ પર રાત્રી લેન્ડીંગની કોઈજ વ્યવસ્થા નથી. છેવટે તે સમયના કેન્દ્રીય નગર ઉડ્ડયન મંત્રીને રિક્વેસ્ટ કરીને ખજુરાહોના રનવે પર ફાનસ મુકાવીને લેન્ડીંગની વ્યવસ્થા કરવામાં આવી. મોડી રાત્રે જ્યારે ટેકેદાર ધારાસભ્યો સાથે પ્લેન ઉડ્યું ત્યારે શંકરસિંહે રાહતનો શ્વાસ લીધો.

    આ ધારાસભ્યો સાથે શંકરસિંહ વાઘેલા ખુદ ન જતા ગાંધીનગર રોકાઈ ગયા હતા. ભાજપની ટોચની નેતાગીરીએ વાઘેલા સાથે ચર્ચા કરવા અટલ બિહારી વાજપેયી અને રાજસ્થાનના એકસમયના મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતને મોકલ્યા. વાઘેલાએ આ બન્નેને સ્પષ્ટરીતે જણાવ્યું હતું કે સૌથી પહેલા નરેન્દ્રભાઈને ગુજરાત બહાર મોકલી દો. બીજીબાજુ માત્ર બે-ત્રણ દિવસના જ કપડાં લઈને ખજૂરાહોની સ્ટાર હોટલમાં ગયેલા ધારાસભ્યોને મનાવવા ખજૂરાહોના સાંસદ ઉમા ભારતી અને તે સમયના ભાજપના ઉપપ્રમુખ કુશાભાઉ ઠાકરે ગયા પરંતુ ખાલી હાથે પરત થયા.

    ખજૂરાહોની એ હોટલમાં ટાઈમપાસ કરવા માટે આ ધારાસભ્યો ટેબલ ટેનીસ રમતા, સ્વિમિંગ કરતા અને સંગીત સાંભળતા. એ સમયે કોઈજ મોબાઈલ ફોન ન હતા કે ચોવીસ કલાક ચાલતી કોઈ ન્યૂઝ ચેનલ પણ ન હતી અને આથીજ તેઓ બરાબર રિલેક્સ કરી શક્યા હોય એવું બની શકે. આજકાલ જે મોંઘા રિસોર્ટ્સમાં ધારાસભ્યોને ઉતારો આપવામાં આવે છે તેનું પ્રતિ દિવસનું ભાડું લાખોમાં થાય છે, જ્યારે એ સમયે ખજૂરાહોની એ હોટલનું ભાડું રોજનું પ્રતિ રૂમ બે થી અઢી હજાર હતું અને દરેક રૂમમાં બે ધારાસભ્યોને ઉતારો આપવામાં આવ્યો હતો.

    વાઘેલાના કહેવા અનુસાર એ સમયે આ આખો શો મેનેજ કરવા માટે લગભગ દસ લાખનો ખર્ચ થયો હતો. પાંચેક લાખ ચાર્ટર્ડ પ્લેનના અને બાકીના રૂમના ભાડા અને અન્ય ખર્ચમાં થયા હતા. અહીં ગાંધીનગરમાં વાજપેયી સાથે વાઘેલા મેરેથોન બેઠકો ચલાવી રહ્યા હતા અને છેવટે એક દિવસ ધારાસભ્યોને ત્રણ વાગ્યે કોલ ગયો અને છ વાગ્યે ગાંધીનગર પરત થવાનું કહેવાયું.

    સમાધાન એવું થયું કે શંકરસિંહ વાઘેલા અથવાતો કેશુભાઈ પટેલ આ બંનેમાંથી કોઇપણ મુખ્યમંત્રી નહીં બને પણ તેની સામે સુરેશ મહેતા અને કાશીરામ રાણાના ઓપ્શન્સ મુકવામાં આવ્યા. છેવટે સુરેશ મહેતા પસંદ થયા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેશુભાઈની જગ્યા તેમણે લીધી. પરંતુ વાત હજી અહીં જ પૂરી નહોતી થઇ. સુરેશ મહેતાના મંત્રીમંડળમાં વાઘેલાના છ મંત્રીઓ સામેલ જરૂર કરાયા પરંતુ તેમના કેમ્પમાં  હજીપણ અસંતોષ તો જળવાયેલો જ હતો. ભાજપમાં વાઘેલા અને તેમના સમર્થકોને અપમાનજનક નજરે જોવામાં આવતા હતા. એ સમયે ખજુરાહો ગયેલાઓ ‘ખજૂરિયા’, કેશુભાઈના સમર્થકોને ‘હજુરિયા’ અને જે પક્ષ માટે સંપૂર્ણપણે સમર્પિત હોય એમને ‘મજૂરિયા’ કહીને બોલાવવામાં આવતા હતા.

    1996માં અટલ બિહારી વાજપેયીના સન્માન માટે અમદાવાદના નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડીયમમાં યોજાયેલા સમારંભમાં આ હજૂરિયાઓ અને ખજૂરિયાઓ એકબીજા સામે હાથોહાથની લડાઈ પર આવી ગયા અને આ લડાઈ દરમિયાન શંકરસિંહ વાઘેલા સમર્થક અને સહકારક્ષેત્રમાં મોટું નામ ધરાવતા ધારાસભ્ય આત્મારામ પટેલનું ધોતિયું ખેંચવામાં આવ્યું અને ભાજપના એક અન્ય વરિષ્ઠ નેતા દત્તાજી ચિરંદાસ સળગી જતા બચી ગયા. શંકરસિંહ માટે આ ઉંટની પીઠ પર પડેલા છેલ્લા તણખલા સમાન હતું. 

    1996ની લોકસભા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા ગોધરાથી લડ્યા અને હારી ગયા. ભાજપે છેવટે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિને લીધે પક્ષમાંથી હાંકી કાઢ્યા. વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP) સ્થાપી અને કોંગ્રેસના સહકારથી ઓક્ટોબર 1996માં ગુજરાતમાં સરકાર બનાવી. વાઘેલાની આ ‘ટનાટન સરકાર’ માંડ એક વર્ષ પણ ચાલી ન ચાલી ત્યાં નવા જીલ્લાઓ બનાવવાના મામલે કોંગ્રેસ સાથે વાંકું પડ્યું અને દિલીપ પરીખને ગાદી સોંપીને તેમણે રાજીનામું આપ્યું. માર્ચ 1998માં પરીખે પણ વિધાનસભા વિખેરી નાખીને નવી ચૂંટણીઓ કરાવવાની સલાહ રાજ્યપાલને આપી.

    આ ચૂંટણીઓમાં વાઘેલાની RJPને માત્ર ચાર બેઠકો મળી અને તેમણે 1998ના અંત સુધીમાં વાઘેલાએ પોતાની પાર્ટીને કોંગ્રેસમાં ભેળવી દીધી. આ સમયે પણ વાઘેલાએ તેમના ટેકેદારોને પોતાની રાહ જાતે પસંદ કરવાનું કહ્યું હતું જેમ તેમણે આ વખતે પણ કોંગ્રેસ છોડતી વખતે કહ્યું છે. શંકરસિંહે સત્તા માટે ભાજપના ભાગલા પાડ્યા અને સત્તા ભોગવી, પણ જ્યારથી તેઓ કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા કે બાદમાં કોંગ્રેસમાં જોડાયા ત્યારથી ગુજરાતમાં અને હવે કેન્દ્રમાં પણ કોંગ્રેસ સત્તામાં નથી. ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ ખાનગીમાં વાઘેલાના ખજૂરાહો કાંડને શંકરસિંહે પોતાની રાજકીય કારકિર્દી જાતેજ સમાપ્ત કરવાનું પગલું હોવાનું આજે પણ કહે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં