Friday, April 26, 2024
More
    હોમપેજસ્પેશ્યલઑપઇન્ડિયા એક્સક્લુઝિવ – મહારાષ્ટ્રના રિસોર્ટ પોલિટિક્સ અને ખજુરાહોની સરખામણી તેમજ નરેન્દ્ર મોદી...

    ઑપઇન્ડિયા એક્સક્લુઝિવ – મહારાષ્ટ્રના રિસોર્ટ પોલિટિક્સ અને ખજુરાહોની સરખામણી તેમજ નરેન્દ્ર મોદી વિષે દિલ ખોલીને વાત કરતા શંકરસિંહ વાઘેલા

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં એમની રાજકીય યાત્રા, ખજૂરાહોની ઘટના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો વિષે વિગતવાર ચર્ચા કરી હતી.

    - Advertisement -

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ પૂર્વ કેન્દ્રીયમંત્રી શંકરસિંહ વાઘેલાએ ઑપઇન્ડિયા ગુજરાતીના એડિટર સિદ્ધાર્થ છાયાને પોતાના નિવાસસ્થાને એક ખાસ મુલાકાત આપી હતી. આ મુલાકાત દરમ્યાન વાઘેલાએ તેમના રાજનૈતિક જીવનની, આજના રાજકારણની તેમજ તેમણે ગુજરાત ભાજપના ટુકડા કરીને પોતાના સમર્થક વિધાનસભ્યોને ખજુરાહો કેમ લઇ ગયા હતા તેના પર ખુલ્લા દિલે ચર્ચા કરી હતી.

    ચાલો જાણીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની મુલાકાતના વિશેષ અંશ.

    ઑપઇન્ડિયા: બાપુ અત્યારે શું કરે છે?

    - Advertisement -

    શંકરસિંહ વાઘેલા: “અત્યારે હું મારા ખેતીવાડીના કામને જોવું છું, મારા પરિવાર સાથે સમય વિતાવું છું. જરૂરીયાતમંદ લોકોને મદદ કરું છું, જુના મિત્રોને મળું છું, સામાજીક અને રાજકીય કાર્યક્રમોમાં ભાગ લઈને ત્યાં બે શબ્દો બોલું છું અને આ રીતે સવારથી સાંજ સુધી હું મારી જાતને તન અને મનથી એંગેજ રાખું છું. સવારે છ થી આઠ સુધી કુદરતના ખોળામાં કસરત કરું છું, મોર, પોપટ, ચકલી, મેના આ બધા સાથે સમય વિતાવું છું, ઘણીવાર વાંદરા પણ આવી જતા હોય છે, ટૂંકમાં લાઈફને એન્જોય કરું છું.

    ઑપઇન્ડિયા: રાજકીય પ્રવૃત્તિથી દૂર રહો છો?

    શંકરસિંહ વાઘેલા: “રાજકીય પ્રવૃત્તિ તો ચાલુ જ છે, નાની-મોટી મિટીંગો ચાલુ જ રહેતી હોય છે. રાજકીય જીવ છું એટલે રાજકીય પ્રવૃત્તિથી દૂર તો ક્યાંથી રહેવાય? 2022 સુધી તો ચાલુ જ રહેશે.”

    ઑપઇન્ડિયા: મહારાષ્ટ્રમાં આજકાલ જે ચાલી રહ્યું છે એ તમારા માટે નવું નથી, તો તમે એ બાબતે શું વિચારો છો?

    શંકરસિંહ વાઘેલા: “ લોકો કહેતા હોય છે કે રાજકીય વિચારધારા અલગ અલગ છે એટલે આ બધું થાય છે, એવું કશું જ નથી, હવે આ બધું હમ્બગ થઇ ગયું છે. 1965 સુધી રાજકીય વિચારધારાનું અસ્તિત્વ હતું. પહેલા દેશ, પછી પાર્ટી અને પછી હું એવું માનવામાં આવતું હતું અને હવે મારું શું? એ પહેલા આવે છે. પાર્ટી મારા માટે કશું કરે એવી ઈચ્છા દરેકની હોય છે અને જો એમાં મેળ ન પડે અને પાર્ટી કરતાં વ્યકિતગત સ્વાર્થ મોટો થઇ જાય ત્યારે આવું થાય.

    શિવસેનામાં જે થયું એ રાતોરાત નથી થયું. જો તમારું કોઈ નાક દબાવે અને તમારે મોઢું ખોલવું પડે તો તમારે પબ્લિક લાઈફમાં આવવું જોઈએ નહીં. શિવસેના અને કોંગ્રેસ NCPનું ગઠબંધન અકુદરતી હતું. અત્યારે મામલો સુપ્રિમ કોર્ટમાં છે, પણ ખરેખર તો આ બધી બાબતો કોર્ટમાં જવી જ ન જોઈએ. ઇન્દિરા ગાંધી પર જ્યારે ગોટાળા કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવવામાં આવ્યો અને અલ્હાબાદ હાઈકોર્ટે તેમને દોષિત ઠેરવ્યા એવા રેર કેસમાં જ બાબતો કોર્ટમાં જવી જોઈએ. શિવસેનાના આ લોકો મહત્વકાંક્ષી પહેલાં પણ હતાં અને આજે પણ છે જ.

    જે રીતે ઘટના ઘટી રહી છે મને એવું લાગે છે કે ગુજરાત સાથે જ મહારાષ્ટ્રની ચૂંટણી આવશે. આમાં લોકોએ તો તમાશો જ જોવાનો છે. એટલે ડિસેમ્બરના અંતમાં હું મહારાષ્ટ્રમાં ઈલેક્શન જોઈ રહ્યો છું.”

    ઑપઇન્ડિયા: મહારાષ્ટ્રમાં જે થઇ રહ્યું છે એ ગુજરાત માટે નવું નથી. આપણે ખજુરાહો જોયું જ છે. તો એવો કયો પોઈન્ટ હોય છે જ્યાં નેતાને એવું લાગે કે હવે બહુમતિ ધારાસભ્યો મારી સાથે છે.

    શંકરસિંહ વાઘેલા: “આ બધામાં સ્પોન્સર કોણ છે એના પર આધાર હોય છે. જ્યારે મારા ધારાસભ્યોની ફરિયાદ મને આવી કે પાર્ટીમાં અમારું કોઈ સાંભળતું નથી અરે મારું પણ કોઈ નહોતું સાંભળતું, જેણે પાર્ટી ઉભી કરી અને સત્તા સુધી લાવીને મૂકી દીધી તેનું પણ કોઈ માનતું ન હતું. ત્યારે એમ લાગ્યું કે સત્તામાં આવ્યા પછી પાર્ટીમાં કાવતરા વધી ગયા છે ત્યારે ધારાસભ્યો મારી પાસે આવ્યા એટલે ખજુરાહોના કિસ્સામાં ધારાસભ્યો જ સ્પોન્સર હતા.

    સરકાર બનાવવામાં જેનો સિંહફાળો હોય એનું જ કોઈ સાંભળે નહીં તો ગુસ્સો તો આવે જ ને? એટલે એ બધું સ્વયંભુ હતું, વિધાનસભ્યો જ સ્પોન્સર કર્યું હતું બધું, આ કોઈ કાવતરું ન હતું, પાવર ગ્રેબિંગ ન હતું. મુખ્યમંત્રી એક હોય પણ સત્તા તો સામુહિક હોયને? જ્યારે કામ ન થતા હોય ત્યારે પોતાના વિસ્તારમાં જઈને જવાબ શું આપવો એ પણ તકલીફ હોય વિધાનસભ્યને. બસ એમાં ભડકો થયો.

    એ વખતે કોંગ્રેસને હું મળ્યો જ ન હતો, કે કોંગ્રેસે મને સામેથી ટેકો આપ્યો હોય એવું કશું જ ન હતું. અમે બધા તો કોંગ્રેસને હરાવીને આવ્યા હતા તો એ અમને શા માટે ટેકો આપે? 120માંથી 105 ધારાસભ્યો એક પક્ષે થઇ ગયા હતા. કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો સવાલ જ ન હતો. સવાલ ફક્ત એક જ હતો કે સ્વમાનના ભોગે પોલિટીકસ ન થાય.

    પક્ષમાં રહીને તમને પારકા બનાવવામાં આવ્યા, કાવતરા કરીને જે સ્થિતિ ઉભી કરવામાં આવી અને વાત સ્વમાન પર આવી એટલે ખજુરાહોની ઘટના બની.”

    ઑપઇન્ડિયા: ખજુરાહોની જ પસંદગી કેમ કરી?

    શંકરસિંહ વાઘેલા: “અરે! અમે તો અહીં જ હતા, મારા ગામે, ત્યાં બધી વ્યવસ્થા કરી હતી. અને કોઇપણ ધારાસભ્ય પર કોઈજ પ્રેશર ન હતું, જેને આવવું હોય એ આવે અને જેને જતું રહેવું હોય એ જતું રહે, એમ બધાને બધીજ છૂટ હતી. પણ જ્યારે અહીં પોલીસ આવવા માંડી અને દાદાગીરી વધવા લાગી ત્યારે ધારાસભ્યોએ જ કહ્યું કે અમને ગુજરાતની બહાર લઇ જાવ, કારણકે અહીં અમને સલામતી નથી લાગતી.

    એટલે પછી ક્યાં જવું? એ પ્રશ્ન ઉભો થયો, પછી જ્યાં ભાજપનું શાસન ન હોય ત્યાં જવાનું નક્કી થયું, અને એ વખતે ફક્ત મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું શાસન હતું એટલે પછી મેં તે સમયના કેન્દ્રના એવિએશન મિનિસ્ટરને ફોન કરીને કહ્યું કે અમારે રાત્રે લેન્ડ કરવાની સુવિધા જોઈએ છીએ, મેં એક ચાર્ટર પ્લેન કર્યું છે અને તેનું રાજકીય મહત્વ ઘણું છે એટલે એમણે એ વ્યવસ્થા કરી આપી, એટલે સલામતી માટે અમે ખજુરાહો પસંદ કર્યું.

    એટલે ત્યારે સલામત સ્થળ તરીકે ખજુરાહોનું નામ પહેલાં આવ્યું એટલે ત્યાં ગયા, જો કોઈ બીજું નામ આવ્યું હોત તો ત્યાં ગયા હોત. અને હોટલની વ્યવસ્થા કોઈએ કરી ન હતી અમે જાતેજ અને દિલીપ પરીખની મદદથી આ બધી વ્યવસ્થા કરી હતી અને પેમેન્ટ પણ એમણે અને એમના મિત્રોએ કર્યું હતું.

    ઑપઇન્ડિયા: જો આ પ્રકારના રોકાણ લંબાય, જેમ ખજુરાહોમાં પણ તમારું રોકાણ એક અઠવાડિયાથી વધુ ચાલ્યું હતું, તો ત્યાં રહેલા ધારાસભ્યોની માનસિક સ્થિતિ કેવી થાય? હોમ સિકનેસ જેવી કોઈ લાગણી થાય?

    શંકરસિંહ વાઘેલા: “ના, એવું નથી હોતું. જો લક્ષ્ય સિદ્ધ ન થાય અને પરત આવવું પડે તો એનો મતલબ નથી હોતો. તે વખતે પણ ઉમા ભારતી અમને મળવા આવ્યા હતા, કુશાભાઉ ઠાકરે આવ્યા હતા પણ દરેક ધારાસભ્યે કહ્યું કે અમારે પરત નથી આવવું. જ્યારે અમે છેવટે ગ્રુપ બનાવ્યું ત્યાર પછી કોંગ્રેસે વીના શરત સમર્થન આપ્યું અને અમે સરકાર બનાવી જેમાં કોંગ્રેસનો એક પણ મિનિસ્ટર ન હતો.

    ઑપઇન્ડિયા: શું ખજુરાહો આ પ્રકારની પહેલી ઘટના હતી? હવે રાજ્યસભાની ચૂંટણીમાં પણ રિસોર્ટ પોલીટીક્સ શરુ થઇ ગયું છે, તો આ ચાલુ જ રહેશે કાયમ માટે?

    શંકરસિંહ વાઘેલા: “ના આ પહેલું નથી 1967 જ્યારે મધ્ય પ્રદેશમાં SVB એટલેકે સંયુક્ત વિધાયક દલ બન્યું ત્યારેજ આ પ્રકારે સરકારો તૂટવાની ઘટના બનવા લાગી હતી. હરિયાણાનું આયારામ ગયારામ બધા જ જાણે છે. પહેલા તો વિપક્ષ જ ક્યાં હતો? આતો 1969માં ઈન્ડીકેટ સિન્ડીકેટ થયું ત્યારથી વિપક્ષ સામે આવ્યો. આ પ્રોસેસ છે, આ લોકશાહીનો જ ભાગ છે જેનાથી લોકોએ દૂર ન જવું જોઈએ. ચીમનભાઈ પણ ફાર્મ હાઉસમાં પોતાના ધારાસભ્યો લઇ ગયા હતા.

    તમારે તમારા ધારાસભ્યોને સાચવવા માટે આઈસોલેશન જોઈએ. રાજ્યસભામાં તો જ્યારે બોર્ડર કેસ હોય ત્યારે જ આવું થાય છે એટલે એ કાયમ નહીં થાય. હું તો એ મતનો છું કે રાજ્યસભાની ચૂંટણી જ ન થવી જોઈએ. જે પ્રમાણે પક્ષની સભ્ય સંખ્યા હોય એ પ્રમાણે બેઠક નક્કી કરી દેવી જોઈએ અને ફક્ત નોમીનેશન ફોર્મ જ ભરાવવું જોઈએ.”

    ઑપઇન્ડિયા: છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં વિપક્ષ મજબૂત કેમ નથી?

    શંકરસિંહ વાઘેલા: “જ્યારે મેચ ફિક્સિંગ થાય અને વાડ જ ચીભડા ગળે ત્યારે આવું જ થાય. હવે કોંગ્રેસમાં મેચ ફિક્સિંગ નથી. અહમદ પટેલની ચૂંટણી વચ્ચે માનસિંહ ચૌહાણ સિવાય કોઈએ મને પૂછ્યું ન હતું કે અહમદભાઈને મત ન આપવો કે આપવો. પણ ખાટલે જ ખોડ હોય કોઈ હ્યુમન ટચ ન હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય. જ્યારે તકલીફ હોય ત્યારે માવજતથી ધારાસભ્યોને સાચવવા પડે છે.

    અત્યારે કોંગ્રેસમાં જીતવાની વૃત્તિ દેખાય છે. પણ અત્યારે કોઈ એવો સેક્રેટરી કે સલાહકાર કોંગ્રેસમાં નથી એની તકલીફ પડે છે, એટલેકે અનુભવનો અભાવ છે અને હ્યુમન ટચનો અભાવ છે. બ્રાંડમાં હ્યુમન ટચ ન હોય અને એ મોટી તકલીફ અત્યારે જોવા મળે છે.”

    ઑપઇન્ડિયા: તમારી અને નરેન્દ્ર મોદીની મિત્રતા જગજાહેર છે અને જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા તે વખતની તમારા વચ્ચેની ઉષ્મા જોવા મળી હતી અને તે સમયે તમે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા હતા.

    શંકરસિંહ વાઘેલા: “જાહેરજીવનમાં જ્યારે હોઈએ ત્યારે દરેકનું સન્માન રાખવું જોઈએ. હું જ્યારે વિપક્ષનો નેતા હતો ત્યારે ભાજપના કોઇપણ નેતાને ઉતારી પાડે તેવા શબ્દો વાપર્યા ન હતા. જ્યારે જનસંઘ-ભાજપમાં હતો ત્યારે ઈન્દિરાજી કહીને ઇન્દિરા ગાંધીને સંબોધન કરતો હતો. વૈચારિક વિરોધ છે કોઈ દુશ્મન ન હોય.

    એ પરણેલા છે એ બાબતે કોંગ્રેસના મિત્રો દેખાવ કરવાના હતા, હું સાબરકાંઠા હતો અને મિડીયાના મિત્રોએ મને પૂછ્યું તો મેં જવાબ આપ્યો કે હું સાક્ષી છું કે એમણે લગ્નજીવન ભોગવ્યું નથી અને આ બધું કરીને મત નથી મળવાના. એ એમની પર્સનલ મેટર છે. ભૂતકાળમાં એમણે જ્યારે પણ મને કાનમાં કશું કહ્યું હોય તો એ મેં કાનમાં જ રાખ્યું.

    પહેલા તો ભેગાં હતા, મોટરસાઈકલમાં અને જીપમાં ભેગા ફરતા. ભાજપ છોડે મને 25 વર્ષ થયા અને આ 25 વર્ષમાં પાંચ વખત પણ એમને નથી મળ્યો. છેલ્લા સાત-આઠ વર્ષમાં દિલ્હીમાં એમના સરકારી નિવાસસ્થાને કે સંસદ ભવનમાં તેમને એક વખત પણ નથી મળ્યો. રાજકારણમાં વિરોધ હોય પણ દ્વેષ ન હોવો જોઈએ.”

    ઑપઇન્ડિયા: ખજુરાહો સમયે તમારી શરતોમાં એક શરત એ હતી કે નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી કાઢો.

    શંકરસિંહ વાઘેલા: “જુઓ, આ ખરેખર તો કેશુભાઈએ મને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક પ્રોબ્લેમ છે. તો મેં કહ્યું કે એ તમે વિચારો. હું ખજુરાહોથી પરત આવ્યો ત્યારે પણ પાર્ટીમાં કાવતરા ચાલુ રહ્યા એટલે પછી કેશુભાઈ અને વાજપેયીને કહ્યું કે જો આ પ્રકારના પ્રોબ્લેમ હોય તો નરેન્દ્રભાઈને મોટી પોસ્ટ આપીને, ગુજરાતના રાજકારણમાંથી દૂર કરો, દિલ્હી લઇ જાવ અને કેશુભાઈને બદલે કાશીરામ રાણા કે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવો.” 

    ઑપઇન્ડિયા: 2022 પછી શું? રાજકીય નિવૃત્તિ?

    શંકરસિંહ વાઘેલા: “અત્યારે કશું ફાઈનલ નથી પરંતુ 2024નો દિલ્હીનો રસ્તો 2022માં ગુજરાતમાંથી જાય એ નક્કી કરવા માંગુ છું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં