Wednesday, March 12, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિપ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ અને પ્રકાશ ન. શાહની સેક્યુલર દલીલો: શું પંથનિરપેક્ષતા...

    પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ અને પ્રકાશ ન. શાહની સેક્યુલર દલીલો: શું પંથનિરપેક્ષતા જાળવી રાખવાનો ભાર કાયમ એક જ પક્ષે ઊંચકવાનો છે?

    કહેવાની વાત એટલી જ છે કે ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ માટે દર વખતે એક જ સમુદાયે ભોગ આપવાનો રહેતો નથી. હિંદુઓ ક્યારેય, ક્યાંય હિંસાનો આધાર લેવા માટે નથી ગયા, પરંતુ તેમનાં મંદિરો, તેમના આરાધ્યનાં સ્થાનકો પરત મેળવવા માટે કોર્ટના દરવાજા ખખડાવે છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલમાં કોર્ટના આદેશથી કરવામાં આવેલા સરવે દરમિયાન મુસ્લિમ ટોળાંએ કરેલી હિંસા અને ત્યારપછી પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં થઈ રહેલી સુનાવણીએ આપણે ત્યાંના સેક્યુલર પત્રકારો, તથાકથિત એક્ટિવિસ્ટો અને મુસ્લિમ તુષ્ટિકરણના જોરે જ રાજકારણમાં ટકી રહેલા નેતાઓને ફરી એક વખત તેમની પ્રિય પ્રવૃત્તિ તરફ વાળ્યા છે. આ પ્રવૃત્તિ કઈ? હિંદુઓને ભલમનસાઇ શીખવવાની. વણમાંગી સલાહ આપવાની. એવું કહેવાની કે તમે તમારાં મંદિરો પરનો દાવો છોડી દો, કારણ કે તેનાથી અમારું ‘સેક્યુલરિઝમ’ જોખમાય છે. 

    ‘દિવ્ય ભાસ્કર’ના એડિટ પેજ, જેને ‘અભિવ્યક્તિ’ નામ આપવામાં આવ્યું છે, તેની ઉપર 12 ડિસેમ્બરે એક લેખ પ્રકાશિત થયો છે. પ્રકાશ ન. શાહની બાયલાઇન સાથે છપાયેલા આ લેખનું શીર્ષક છે- ‘ધર્મ-મજહબને નામે કોમી રાજનીતિ: આવું ક્યાં સુધી?’ પેટા મથાળું છે- ‘બંધારણીય શાસન વ્યવસ્થાનું શું?’ આમ તો લેખ અહીં જ પૂરો કરવાનો હોય તો આપણે ‘આવું ક્યાં સુધી’ના પ્રશ્નના જવાબમાં એટલું કહીને પૂર્ણવિરામ મૂકી દઈએ કે, ‘આપણાં (કે અમારાં?) દરેક મંદિર પરત ન મળી જાય ત્યાં સુધી…’ પણ અહીંથી પૂરું કરવાનો ઇરાદો આપણો છે નહીં, એટલે થોડું વિગતવાર જોઈએ. 

    પ્રકાશ શાહ લેખની શરૂઆતમાં પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીઓ અને તેની ઉપર ચાલનારી સુનાવણીઓની જાણકારી આપે છે. આગળ વધતાં પહેલાં- આ પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ કે જેને ગુજરાતીમાં પૂજા સ્થળ અધિનિયમ કહેવાય એ કાયદો કોંગ્રેસ સરકારના મગજની ઉપજ છે. 1991માં નરસિંહ રાવની સરકાર વખતે અમલમાં આવ્યો. આ એ સમય હતો, જ્યારે રામ મંદિર આંદોલન પૂરજોશથી ચાલી રહ્યું હતું. કોંગ્રેસે આવાં આંદોલનો ફરી ન થાય અને હિંદુઓ તેમનાં ધાર્મિક સ્થળો પરત મેળવવા માટે કોર્ટના દરવાજા ન ખખડાવી શકે તે માટે એક કાયદો બનાવીને ઘૂસાડી દીધો અને એવું ઠેરવ્યું કે 15 ઑગસ્ટ, 1947ના દિવસે દેશમાં જે ધાર્મિક-મઝહબી સ્થળનું ચરિત્ર જે હતું એ યથાવત રાખવામાં આવે અને તેમાં કોઈ ફેરફાર ન કરી શકાય. એટલે જે મંદિર હોય એ મંદિર જ રહે, મસ્જિદ હોય એ મસ્જિદ રહે. આવું ચર્ચથી માંડીને બીજાં ધર્મસ્થાનકો માટે પણ લાગુ પડે. માત્ર રામજન્મભૂમિ-બાબરી કેસને આ કાયદામાંથી મુક્તિ અપાઈ હતી. 

    - Advertisement -
    દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત પ્રકાશ ન. શાહનો લેખ, તા- 12 ડિસેમ્બર (સાભાર- દિવ્ય ભાસ્કર)

    આવા અવિચારી, એકપક્ષીય અને બંધારણની મૂળ ભાવનાઓ વિરુદ્ધ હોય એવા કાયદાનો વિરોધ થવાનો એ સ્વભાવિક છે. 2020માં કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થઈ હતી. માર્ચ, 2021માં સુપ્રીમે કેન્દ્ર પાસે જવાબ પણ માંગ્યો હતો, પણ પછીથી આગળ કાંઈ કાર્યવાહી ન થઈ. પછીથી અન્ય પણ અરજીઓ વિરુદ્ધ અને સમર્થનમાં થઈ. આખરે ડિસેમ્બર, 2024માં નવા મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ આ અરજીઓ હાથ પર લેવાનો નિર્ણય કર્યો ને 12 ડિસેમ્બરે સુનાવણી પણ થઈ. 

    જોકે, પ્રકાશભાઈ અહીં એવી દલીલ આપે છે કે દેશજનતા કેવળ લાગણીના ઉશ્કેરાટ તળે આવીને ન કરવાનું કરી ન બેસે તે હેતુથી કાયદો લવાયો હતો. તેઓ આગળ લખે છે, ‘બંને ગૃહોની બહુમતીની તીવ્ર લાગણી હતી કે દેશજનતા સ્વરાજનિર્માણના રાજકારણને બદલે ધર્મકોમની વિભાજક રાજનીતિમાં વહેંચાઈ અગ્રતાવિવેક ન ચૂકી જાય તે માટે ધર્મ-મજહબનાં સર્વસ્થાનો બાબતે 1947ના ઑગસ્ટની પંદરમી મુજબ યથાસ્થિતિને વળગી રહેવું.’

    આગળ રામજન્મભૂમિ આંદોલનનો ઉલ્લેખ કરીને તેઓ લખે છે કે, ‘એક વિકલ્પ બાબતે છૂટ આપી યથાસ્થિતિનો જે આગ્રહ રખાયો હતો એમાં હવે સ્વાભાવિક જ શિથિલતા પ્રવેશી છે તે જ્ઞાનવાપી પ્રકારનાં પ્રકરણોથી સમજાય છે. આ શિથિલતા હવે 1991ના કાયદાને રદબાતલ કરી પ્રવર્તવા માંગે છે.’ આવી દલીલો જ્યારે જ્ઞાનવાપીના વિવાદે 2022માં થોડો વેગ પકડ્યો ત્યારે પણ થઈ હતી. દલીલોનો સાર એવો હતો કે રામ મંદિર બની ગયા પછી હવે હિંદુવાદીઓ આવા નવા ‘વિવાદો’ ઊભા કરવા માંગે છે. ઉપર જે વાતો કહેવાઈ એ પણ જુદા શબ્દોમાં પણ આ જ ભાવાર્થ સાથે કહેવામાં આવી છે. 

    આગળ તેઓ લખે છે, ‘ધર્મ-મજહબને ધોરણે લાગણી અને શ્રદ્ધાનો મુદ્દો હોય કે મતોન્મુખ રાજનીતિનો, ઇતિહાસમાં જતી સરવે પગલે જઈશું તો ધર્મસ્થાનકો બાબતે મુસ્લિમો અંગે ફરિયાદનાં હિંદુ માનસમાં ધ્યાનમાં એ હકીકત આવશે કે દેશમાં અનેકાનેક બૌદ્ધ-જૈન સ્થાનકોનું યે ધરાર હિંદુકરણ પાછલા સૈકાઓમાં થયું છે.’ 

    પહેલી નજરે વાંચીને વિચારવા મજબૂર કરી દે એવી દલીલો વાસ્તવમાં અત્યંત ખોખલી અને ડાબેરીઓની મોડ્સ ઓપરેન્ડીનો પરિચય આપનારી છે. બૌદ્ધ અને જૈન સ્થાનકોનું પણ હિંદુકરણ કરવામાં આવ્યું છે એવી દલીલ આપનારાઓ સાથે પુરાવા રજૂ કરતા નથી. ભૂતકાળમાં જેમણે રજૂ કરવાના પ્રયાસ કર્યા છે, તેઓ પણ છૂટાછવાયા કિસ્સાઓના આધારે એવું સાબિત કરવા મથે છે કે જે રીતે હિંદુ મંદિરોનું ઇસ્લામીકરણ થયું એ જ સ્કેલ પર જૈન-બૌદ્ધ સ્થાનકો સાથે પણ થયું છે, પરંતુ વાસ્તવિકતા એ નથી. 

    ‘હિન્દુ ટેમ્પલસ, વોટ હેપ્પન્ડ ટૂ ધેમ’ પુસ્તકમાં સીતારામ ગોયલ તથ્યો સાથે આવી દલીલોનો છેદ ઉડાડે છે. તેઓ કહે છે કે, ‘સંસ્કૃત સાહિત્યના અમુક ભાગ અને અમુક પુરાતત્ત્વીય સ્થળો વિશેનાં અનુમાનોના આધારે હિંદુઓએ બૌદ્ધ અને જૈન મંદિરો મોટાપાયે તોડ્યાં હોવાની વાતોને વહેતી મૂકી દેવામાં આવી છે. અમુક છૂટાછવાયા કિસ્સાઓને પછીથી હજારો કિસ્સાઓ બન્યા હોય તે રીતે રજૂ કરવામાં આવ્યા. તથ્યોને એવી રીતે રજૂ કરવામાં આવ્યાં, જેમાં અમુક હકીકતો છુપાવી દેવામાં આવી. 

    સીતારામ ગોયલ ત્રણ મુદ્દાઓમાં આ દલીલોને નકારે છે. તેઓ લખે છે, “હિંદુ રાજાઓને મંદિરો તોડવાની બીબીટીમાં મુસ્લિમ આક્રાંતાઓની હરોળમાં મૂકતી આ દલીલોમાં ઘણા દોષ છે. પહેલો. મુસ્લિમ આક્રાંતાઓએ તોડેલાં હજારો હિંદુ, બૌદ્ધ અને જૈન મંદિરો તોડ્યાના કિસ્સાઓની સરખામણી અમુક હિંદુ રાજાઓએ બૌદ્ધ-જૈન મંદિરો ધ્વસ્ત કર્યાં હોવાના છૂટાછવાયા શંકાસ્પદ કિસ્સાઓ સાથે કરવામાં આવે છે. બીજો. હિંદુ ધર્મમાં ક્યાંય કોઈ પણ પ્રકારે મૂર્તિભંજનની વિચારધારાને સ્થાન અપાયું નથી કે ન હિંદુ ઇતિહાસકારો કે પંડિતોએ આવી પ્રવૃત્તિઓનું મહિમામંડન કર્યું છે. બીજી તરફ, ઇસ્લામમાં આની વ્યવસ્થિત એક થિયોલોજી મળી આવે છે અને તેમના જ ઇતિહાસકારો આવી પ્રવૃત્તિઓને ગ્લોરિફાય કરીને ગયા છે. ત્રીજો. આ દલીલો માર્ક્સવાદીઓની જૂની અને જાણીતી મોડ્સ ઓપરેન્ડી પણ પ્રદર્શિત કરે છે, જ્યાં તેઓ એક ખોટી પ્રવૃત્તિને બીજી આવી પ્રવૃત્તિ સાથે સરખાવીને કક્કો ખરો કરવાની મથામણ કરતા રહે છે.’

    એટલે અહીં બૌદ્ધ-જૈન સ્થાનકોના હિંદુકરણની દલીલો પણ એટલા માટે જ આપવામાં આવી છે, જેથી એવું સાબિત કરી શકાય કે હિંદુઓ પણ વાંકમાં છે. પણ આવા છૂટાછવાયા કિસ્સાઓની સરખામણી એક વ્યવસ્થિત ઘટનાક્રમ સાથે ન કરી શકાય. મુસ્લિમ આક્રાંતાઓએ હિંદુ મંદિરો ધ્વસ્ત કરીને ત્યાં મઝહબી માળખાં તાણી બાંધ્યાં હોવાનાં એક નહીં એક હજાર ઉદાહરણો આપણી પાસે ઉપલબ્ધ છે. 

    ભારેભરખમ શબ્દોમાં સલાહ માત્ર હિંદુઓને? વક્ફની ચર્ચા વખતે ક્યાં જાય છે આ દલીલો?

    લેખમાં પ્રકાશ ન. શાહ આગળ લખે છે કે, “અહીં નક્કી આપણે કરવાનું છે કે ઑગસ્ટ, 1947 પછી પણ કોમી વિભાજનની રાજનીતિને વળગી રહેવું છે કે એક પ્રજા તરીકે બંધારણીય રાષ્ટ્રભાવનાને ધોરણે કાયદાના શાસન મુજબ આગળ વધવું છે?” તેઓ આગળ અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશે વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં ભાગ લીધો હતો એ ઘટનાને ટાંકીને તેમની પાસેથી વિવેકની અપેક્ષા રાખે છે. હવે બ્રાહ્મણોના નરસંહાર પર સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે હાસ્ય રેડ્યું હતું ત્યારે કે નૂપુર શર્માના કેસમાં સુપ્રીમ જજોએ બિનજરૂરી ટિપ્પણીઓ કરી હતી ત્યારે પ્રકાશભાઈએ તેમની પાસેથી વિવેકની અપેક્ષા રાખી હતી કે કેમ, એ સંશોધનનો વિષય છે. 

    તેઓ અંતે લખે છે કે, “ધરમ-મજહબના મામલાને સામાજિક સુધારપ્રક્રિયા રોકવાના બળની રીતે નહીં પણ સુધારાલક્ષી સહવિચારની રીતે આગળ વધવું છે કે પછી ભળતી અગ્રતાસર કિંમત ચૂકવ્યા કરવી છે. વિચારીએ.” વચ્ચે એક પેટામથાળુંમાં લખાયું છે કે, ‘1991ના કાયદામાં રહેલું શાણપણ સમજીએ અને ઉન્માદી ગાંડપણથી બેસી એ જ નાગરિક શાંતિ અને સલામતીની ગુરુચાવી છે. દેશ ઝનૂનથી નહીં પણ કાયદાના શાસનથી બચે અને બને છે.’

    ટૂંકમાં આ દલીલો જોઈએ તો એવું કહેવાના પ્રયાસો થયા છે કે, હિંદુ પ્રજાએ હવે રામ મંદિરથી સંતોષ માની લઈને બીજાં મંદિરો પરત મેળવવાનું માંડી વાળવું જોઈએ. તેના માટે ‘સુધારાલક્ષી સહવિચાર’ અને ‘શાણપણ’ જેવા ભારેભરખમ શબ્દો વાપરવામાં આવતા રહે છે. એવી દલીલો આપવામાં આવે છે કે હિંદુઓએ જો આ ચાલુ રાખ્યું તો દેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સર્જાશે, તેના કરતાં શાણપણથી કામ લેવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો આ બધું બંધ કરીને હવે જે મંદિરો છે તેમાં ભગવાનની ભક્તિ કરવાનું ચાલુ રાખવું જોઈએ. 

    પરંતુ પ્રશ્ન એ છે કે હિંદુઓ શું એક્સ્ટ્રા-જ્યુડિશિયલ માર્ગ અપનાવી રહ્યા છે? શું પોતાનાં મંદિરો પરત મેળવવા માટે હિંદુઓ ક્યાંય હિંસા આચરી રહ્યા છે? ક્યાંય મસ્જિદો પર હુમલા કરવામાં આવી રહ્યા છે? ના. તેઓ માત્ર એ વિકલ્પ અપનાવી રહ્યા છે, જે તેમની પાસે ઉપલબ્ધ છે- કોર્ટમાં જવાનો. તે સિવાય તેઓ બીજું કરી શકે તેમ પણ નથી. 

    હવે હિંદુઓ મંદિરો પરત મેળવવા માટે સંઘર્ષ કરતા હોય અને ત્યાં સત્ય બહાર આવવાની બીકે મુસ્લિમ પક્ષ ધમાલ કરે, ઉત્પાત મચાવે કે સંભલ જેવી સ્થિતિ ઉત્પન્ન કરે તો શાંત રહેવાની સલાહ કોને આપવાની હોય? સ્વાભાવિક રીતે કાયદો હાથમાં લેનારાઓને. પણ અહીં સૂફિયાણી વાતો કોને કહેવામાં આવી રહી છે? હિંદુઓને. કારણ કે આ જ ‘સેક્યુલરિઝમ’ છે. 

    પણ અહીં ફરી એ જ પ્રશ્ન આવીને ઉભો રહે છે કે આખરે દર વખતે સેક્યુલરિઝમ સાચવવાનો ભાર હિંદુઓના ખભે જ કેમ નાખી દેવામાં આવે છે? શું આવી ડાહી-ડાહી વાત કરનારાઓએ ક્યારેય વક્ફ બોર્ડને જઈને એવી સલાહ આપી છે કે તેમણે દરેક સરકારી કચેરી કે હિંદુઓની જમીનમાં વકફની જમીન શોધવાનું બંધ કરી દેવું જોઈએ? અગેઇન, આ પણ સંશોધનનો વિષય છે. તો દર વખતે હિંદુઓને જ એક લાકડીએ હાંક્યા કરવા પાછળનું કોઈ વિશેષ કારણ? 

    સેક્યુલરિઝમ આને કહેવાય?

    આવા કિસ્સાઓમાં કોર્ટમાં જવાને સ્થાને વાટાઘાટો કરવાની સલાહ આપવામાં આવે છે, પણ રામજન્મભૂમિના કિસ્સામાં વાટાઘાટો કરવના પ્રયાસો નહતા થયા? તેનું કાંઈ પરિણામ આવ્યું? આખરે તો કોર્ટના આદેશથી જ મંદિર માટેનો માર્ગ મોકળો બન્યો. વાસ્તવિકતા એ છે કે મુસ્લિમ પક્ષ મસ્જિદોની નીચે મંદિર હતું- એ બાબત જ સામે લાવવા માંગતો નથી અને જ્યારે-જ્યારે એ દિશામાં પ્રયાસો કરવામાં આવે છે ત્યારે એ જ થાય છે જે હમણાં ઉત્તર પ્રદેશના સંભલમાં થયું. પરંતુ આવી ઘટનાઓ બને ત્યારે પણ દોષ પ્રશાસન પર નાખી દેવામાં આવે છે અને કહેવાય છે કે કોર્ટે આદેશ આપવાની શું જરૂર હતી? પણ કાયદો હાથમાં લઈને પોલીસ પર તૂટી પડેલાં મુસ્લિમ ટોળાંનાં કૃત્યો પર એક શબ્દ બોલવા-લખવામાં આવતો નથી. અગેઇન, આ સેક્યુલરિઝમ છે. 

    કહેવાની વાત એટલી જ છે કે ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ માટે દર વખતે એક જ સમુદાયે ભોગ આપવાનો રહેતો નથી. હિંદુઓ ક્યારેય, ક્યાંય હિંસાનો આધાર લેવા માટે નથી ગયા, પરંતુ તેમનાં મંદિરો, તેમના આરાધ્યનાં સ્થાનકો પરત મેળવવા માટે કોર્ટના દરવાજા ખખડાવે છે. કારણ કે તેમની પાસે આ એક જ વિકલ્પ છે. બીજી તરફ, તેના કારણે જો બીજો પક્ષ મઝહબી હિંસા પર ઉતરી આવતો હોય તો સલાહ હિંદુઓને નહીં પણ એ હિંસા કરનારાઓને આપવી જોઈએ, પણ આપણું ‘સેક્યુલરિઝમ’ તેમ કરવાની ના પાડે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં