Tuesday, March 31, 2026
More
    હોમપેજરાજકારણભારતનું, મોદીનું કે સનાતન પરંપરાનું નુકસાન છેવટે તો તમારું જ નુકસાન છે—...

    ભારતનું, મોદીનું કે સનાતન પરંપરાનું નુકસાન છેવટે તો તમારું જ નુકસાન છે— તમે હિંદુ હો તો પણ અને મુસ્લિમ હો તો પણ

    સનસનાટી ફેલાવવાનું તો કોઈ મીડિયા પાસેથી શીખે, કૉન્ગ્રેસ તો એમાં ગોલ્ડ મેડલિસ્ટ છે અને હવે સોશિયલ મીડિયામાંના કેટલાક ધૂર્ત તત્વો મોદી-ભાજપ-હિંદુ વિરોધી આવા 'સમાચાર' આવે ત્યારે ગેલમાં આવીને ભાંગડા કરતા જોવા મળે છે.

    - Advertisement -

    (લેફ્ટ રાઈટ અને સેન્ટર: સૌરભ શાહ: શુક્રવાર, 5 ડિસેમ્બર 2025)

    એ લોકોને ખબર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે સચ્ચાઈથી લડી શકાય એમ નથી. સત્ય મોદીના પક્ષે છે. એટલે જૂઠ્ઠાણાં, અસત્ય અને ફેક ન્યુઝ ફેલાવીને તેઓ મેદાનમાં ઉતર્યા છે. એક જાણીતી ઉક્તિ તમે પણ સાંભળી હશે. સત્ય પોતાના પગમાં શૂઝ પહેરીને દોરી બાંધી રહ્યું હોય ત્યાં સુધીમાં તો અસત્ય પૃથ્વી આખીની પ્રદક્ષિણા કરીને પાછું આવી ચૂક્યું હોય છે.

    જુઠ્ઠાણું રૂપાળું અને સ્વાદિષ્ટ હોય છે અને સત્ય કડવું. એટલે જ જુઠ્ઠી વાતો ઝડપથી ફેલાય છે અને તરત જ સ્વીકૃત થઈ જતી હોય છે. મોદી સામે લડવાનો લગભગ તમામ દારૂગોળો ખૂટી ગયો હોવાથી દેશના દુશ્મનો હવે છેક છેલ્લી પાયરી ઊતરીને જુઠ્ઠાણાં ફેલાવીને મોદીને ચિત કરવા માંગે છે.

    - Advertisement -

    છેલ્લા સાતેક દિવસના થોડાક દાખલા લઈએ :

    1. પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન ભારતની મુલાકાતે આવ્યા. રાહુલ ગાંધીએ રડારોળ કરી મૂકી. પપ્પુએ સંસદ ભવનના પરિસરમાં જ મીડિયા સામે ભેંકડો તાણ્યો: મને પુતિનને મળવા જવું છે. મોદી ના પાડે છે. મોદીને ડર છે કે હું પુતિન આગળ મોદીની પોલ ખુલ્લી પાડીશ. અત્યાર સુધી કોઈ વડા પ્રધાને વિપક્ષના નેતા સાથે વિદેશી વડાની મુલાકાત રોકી નથી. મોદી સરકાર રાક્ષસ છે…

    રાહુલ ગાંધી જાણે છે કે પોતે જુઠ્ઠું બોલે છે. છેલ્લા દોઢ વર્ષમાં રાહુલ ગાંધી ભારતની મુલાકાતે આવેલા વિયેતનામના વડા પ્રધાનને (1 ઑગસ્ટ 2024) , ન્યૂઝીલેન્ડના વડા પ્રધાનને (16 સપ્ટેમ્બર 2025), મલેશિયાના વડા પ્રધાનને (21 ઓગસ્ટ 2024 ), મોરિશિયસના વડા પ્રધાનને (16 સપ્ટેમ્બર 2025 ) અને બાંગ્લાદેશના (પૂર્વ) વડા પ્રધાનને (10 જૂન 2024) વિપક્ષના નેતા હોવાને નાતે મળી ચૂક્યા છે. રાહુલ ગાંધીને એ પણ ખબર છે કે વિદેશી મહાનુભાવોની મરજીથી, એમના કહેવાથી, આ મુલાકાતો ગોઠવાતી હોય છે. વિદેશી મહેમાનની મરજી ન હોય તો ભારત સરકાર કંઈ સામે ચાલીને આવી મુલાકાતો પરાણે ગોઠવી ન શકે.

    સાથે સાથે વિદેશી મહેમાન જો વિપક્ષના નેતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરે તો ભારત સરકાર એ માટે ના પણ ન પાડી શકે, મને-કમને મુલાકાત ગોઠવી આપવી જ પડે. પુતિન રાહુલ ગાંધીને મળવા નહીં માગતા હોય તે સ્વાભાવિક છે. પુતિનને ખબર છે કે રશિયાની તબાહી ઈચ્છતા જ્યૉર્જ સોરોસ નામના શ્રીમંત અમેરિકી બાહુબલીની કઠપૂતળીની જેમ રાહુલ વર્તે છે. રાહુલે ગપગોળા ફેલાવવાને બદલે કકળાટ કરવાનું બંધ કરવું જોઈએ.

    મીડિયાએ પણ રાહુલ જે બકે છે તેની સત્યતા તપાસીને, ફૅક્ટ ચેક કરીને, રાહુલના જુઠ્ઠાણાંને તે જ વખતે ખુલ્લાં પાડવા જોઈએ.

    છેલ્લાં થોડાંક વર્ષોમાં, વીતેલા દાયકા દરમિયાન તમે એક વાત નોટિસ કરી મીડિયાની? એક જમાનો હતો જ્યારે જાહેર જીવનમાં હોય એવો મોટો માણસ બીજી કોઈ હસ્તી પર આક્ષેપ કરે તો એની પાસે મીડિયા પુરાવા માગતું, જેના પર આક્ષેપ થયો છે એની પાસે જઈને આક્ષેપના જવાબમાં એને જે કહેવું હોય, જે સ્પષ્ટતા કરવી હોય તે જાણ્યા પછી જ રિપોર્ટ છાપતું કે પ્રસારિત કરતું.

    પણ હવે મીડિયાની ચાલ બદલાઈ છે. કોઈ આક્ષેપ કરે કે તરત જ એની હેડલાઈન બનાવી દેવાની, સામેવાળી વ્યક્તિ શું કહે છે એની રાહ જોયા વિના.

    હકીકતમાં તો મીડિયાનું કામ છે ફૅક્ટ ચેક કરવાનું. કોઈ રાજકારણી કે કોઈ પણ વ્યક્તિ આક્ષેપ કરે ત્યારે મીડિયાએ ઈન્વેસ્ટિગેટ કરવાનું હોય કે આક્ષેપ સાચો છે કે નહીં.

    આજકાલ તો કોઈપણ ટૉમ, ડિક અને હૅરિ ગમે તેવા આક્ષેપો મીડિયા સમક્ષ ઉચ્ચારે અને મીડિયા જાણે ગોળનું ગાડું મળી ગયું હોય એમ એ આક્ષેપને બઢાવી ચઢાવીને છાપે, પ્રસારિત કરે. એટલું જ નહીં, આ આક્ષેપ સાચો છે કે નહીં તેની તપાસ કર્યા વિના, એ સાચો જ છે એવું માની લઈને લલ્લુ-પંજુઓએ કરેલા એ આક્ષેપ વિશે લાંબી લાંબી ટિપ્પણી કરે, અને છગ્ગુ-સત્તુ વિશ્લેષકો પાસે અભિપ્રાયો પણ ઓકાવડાવે.

    આગળ વધીએ.

    2. ‘સંચારસાથી’ની ઍપનો વિવાદ. સરકારે જાહેર કર્યું કે આ ઍપ હવેથી ભારતમાં વેચાતા દરેક સ્માર્ટ ફોનમાં ઉત્પાદકે પહેલેથી જ નાખી આપવાની રહેશે પ્રિ-ઇન્સ્ટૉલ કરવી પડશે. આ જાહેરાતની સાથે સરકાર તરફથી એ પણ કહેવામાં આવ્યું કે આ ઍપનો હેતુ વપરાશકારની સુવિધા માટે છે, એની સલામતી માટે છે. આ ઍપ ઇન્સ્ટૉલ કરેલી હશે તો તમારો ખોવાયેલો ફોન તમે આસાનીથી બ્લૉક કરાવી શકશો, એનો દુરુપયોગ અટકાવી શકશો, અને એનું લોકેશન શોધાવીને પાછો પણ મેળવી શકશો. શંકાસ્પદ ફોન, સ્પામ, ફ્રૉડ કરવા માટેની લિન્ક વગેરેને સહેલાઈથી ખાળી શકાશે અને એ વિશે આસાનીથી ફરિયાદ પણ થઈ શકશે. ઉપરાંત જેનો ફોન તમારા પર આવે છે એ વ્યક્તિનું સાચું નામ તમને તમારા સ્ક્રીન પર દેખાશે.

    ભારતમાં ફોનના આઈ.એમ.ઈ.આઈ નંબરને ડુપ્લિકેટ કરીને તમારા ફોન જેવો જ બીજો ફોન બનાવીને ફ્રૉડ કરવાનું ચલણ વધી રહ્યું છે. સિમકાર્ડનો દુરુપયોગ વધ્યો છે. તમે વેચેલો સેકન્ડ હૅન્ડ ફોન ખરીદીને ફ્રૉડ કરવાના કિસ્સા પણ વધ્યા છે.

    ‘સંચારસાથી’ની ઍપને લીધે અત્યાર સુધીમાં 42 લાખથી વધુ ફોનને એનો દુરુપયોગ થાય તે પહેલાં જ બ્લૉક કરવામાં સરકારને સફળતા મળી છે. 26 લાખથી વધુ ખોવાયેલા ફોનને ટ્રેસ કરી શકાયા છે. લગભગ 3 કરોડ ફોનધારકોએ ચેક કર્યું છે કે પોતાના નામે અન્ય કોઈએ સિમ કાર્ડ ખરીદ્યા છે કે નહીં.

    કેન્દ્રીય સંચાર મંત્રી, કમ્યુનિકેશન્સ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંસદમાં ખાતરી આપી કે ‘સંચારસાથી’ની પ્રિ-ઇન્સ્ટૉલ કરેલી ઍપને તમે એક્ટિવેટ ન કરો ત્યાં સુધી એ કામ નહીં કરે. તમારી મરજી છે કે તમે એ ઍપને વાપરો કે નહીં. ધારો કે તમને ના જોઈતી હોય તો તમે એને ડીલીટ પણ કરી શકશો. એટલું જ નહીં આ ઍપ વાપરવા માટે તમારે તમારા ફોન પર જાસૂસી થઈ શકે એવી કોઈ કરતાં કોઈ પરવાનગી આપવાની રહેતી નથી. સરકાર પાસે આ ઍપ દ્વારા તમારા વિશેનો અત્યંત મર્યાદિત ડેટા આવતો હોય છે.

    કેન્દ્રીય પ્રધાને સંસદમાં આપેલી આ બાહેંધરી અને સ્પષ્ટતા બાવજૂદ વિરોધીઓ રસ્તા પર નીકળી પડ્યા. બિગ બ્રધર ઇઝ વૉચિંગ, મોદીરાજ હાય હાય !

    ‘સંચારસાથી’ દ્વારા સરકાર કોઈના પર જાસૂસી કરવા માગતી નથી એવી ખાતરી પછી પણ વિપક્ષોએ મીડિયાને સાધીને એવો અપપ્રચાર કર્યો કે છેવટે ફાર્મર્સ બિલની જેમ ‘સંચારસાથી’ની બાબતે પણ સરકારે પીછેહઠ કરવી પડી. હાલાંકિ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ગુગલ જ નહીં અનેક જાણીતાં ભારતીય તેમજ વિદેશી વર્તમાનપત્રો તથા સામયિકોની ઍપ તમે ડાઉનલોડ કરો છો ત્યારે સામે ચાલીને તમારાં કાંડાં કાપી આપો છો. આમાંની ઘણી બધી ઍપ તમારા ફોનમાં ઘૂસીને તમારા વૉટ્સઍપ સંદેશા, એસએમએસ, કે ઈમેઇલ વાંચી શકે છે, તમારા ફોટા જોઈ શકે છે, તમારી વાતચીત સાંભળી શકે છે એટલું જ નહીં તમારો ફોન વપરાશમાં ન હોય (પણ સ્વીચ્ડ ઑફ ન થયો હોય) ત્યારે તમે શું બોલો છો, બીજાઓ સાથે શું વાતચીત કરો છો તે સાંભળીને એ મુજબની જાહેરખબર તમને મોકલી આપે છે.

    મહિના-બે મહિના પહેલાં આ લખનારની પર્સનલ વાતચીતમાં (ફોન પરની નહીં) ફેફસાંમાં દવા છાંટવા માટેના નેબ્યુલાઈઝર વિશે ઘણો ઉલ્લેખ આવતો. મને ફેસબુક અને ગુગલ સાથે જોડાયેલી તમામ ઍપ પર જાતભાતનાં નેબ્યુલાઈઝર ખરીદવા માટેની જાહેરખબર દેખાવા માંડી. અગાઉ પણ આવા અનુભવો અનેક વાર થયા છે. તમને પણ થયા હશે. જે કૃષ્ણમૂર્તિનો ઉલ્લેખ મેં એકવાર કોઈની સાથે રૂબરૂ વાતચીતમાં કર્યો (ફોન પરની નહીં, રૂબરૂ) તો મને કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થયેલાં પુસ્તકોની જાહેરખબરો મળવા માંડી. સરકાર તો શું કરતી હતી જાસૂસી તમારા પર, આ બધી જ ઍપ્સ તમે ધડાધડ તમારા ફોનમાં ડાઉનલોડ કરી રાખી છે એની પાસે તમારી આખીય કુંડળી એમના વિદેશી સર્વર પર પડેલી છે.

    બીજું, તમારા પર જાસૂસી કરવી જ હોય તો સરકારને ‘સંચારસાથી’ની કોઈ જરૂર નથી. તમારા પર શંકા હોય કે તમે કોઈ ન કરવા જેવાં કામ કરી રહ્યા હો તો સરકાર તમારાં લોકેશન, તમે કોની કોની સાથે ફોન પર સંપર્કમાં છો, તમારો તમામ ઇતિહાસ અને તમારી ભૂગોળ જાણી શકતી હોય છે. ‘સંચારસાથી’ ઍપ મેં મારા ફોનમાં ડાઉનલોડ કરીને એક્ટિવેટ કરી દીધી છે કારણ કે મને ખબર છે કે એ મારી સલામતી માટે છે અને બીજું, હું એવી કોઈ પ્રવૃત્તિ કરતો નથી જે રાષ્ટ્રદ્રોહી હોય, રાષ્ટ્ર કે સમાજ કે અન્ય કોઈપણ વ્યક્તિને હાનિકારક હોય એટલે ન કરે નારાયણ અને મારા ફોન દ્વારા મારા પર કોઈ જાસૂસી કરવા માગતું હોય તો મને એ બાબતે કોઈ ડર નથી, હું નિશ્ચિંત છું.

    હજુ આગળ વધીએ.

    3. થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક ‘સમાચાર’ ફેલાયા કે દિલ્લીમાં ઝંડેવાલા વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના કાર્યાલય નજીક એક મંદિરને તોડી પાડવામાં આવ્યું. કારણ એ બતાવવામાં આવ્યું કે આર.એસ.એસ.ના આ નવા ભવ્ય વિશાળ સંકુલમાં પાર્કિંગ માટે પૂરતી જગ્યા નહોતી એટલે મંદિર ધ્વસ્ત કરવામાં આવ્યું. ગધેડાને તાવ આવે એવા આ ‘સમાચાર’ હતા. સપનામાં પણ કોઈ એને સાચા ના માને. પણ દાવાનળની જેમ આ ફેક ન્યુઝ ફેલાઈ ગયા. હિન્દુવાદીઓ પણ દિલ્લીની રાજ્ય સરકારના અને મોદીની સરકારના છાજીયાં લેવા માંડ્યા. આ જ તો ઉદ્દેશ હતો આ ‘સમાચાર’ ફેલાવનારાઓનો.

    હકીકત શું હતી ? મંદિરની સામેની અને આસપાસની ભૂમિ પર ગેરકાયદે બંધાયેલી દુકાનો તોડી પાડવામાં આવી. મંદિરને આટલું સરખું નુકસાન થયું નહોતું. પણ ગેરકાયદે દુકાનો બાંધનારા અસામાજિક તત્વોએ, સરકારી જમીન પર એન્ક્રોચમેન્ટ કરીને એને પચાવી પાડનારાં માથાભારે તત્વોએ, પોતાની દુકાનોની જગ્યા પાછી મળી જાય એ માટે હિન્દુઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો જેમાં સોશિયલ મીડિયા તથા મેઈનસ્ટ્રીમ મીડિયાનાં અસામાજિક તત્વોનો એમને સાથ મળ્યો.

    હજુ આગળ વધીએ.

    4. વડા પ્રધાનના મતદાર ક્ષેત્ર વારાણસી સ્થિત ભાજપ કાર્યકર્તા શાલિની યાદવના ફ્લૅટમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. 13 લોકોની ધરપકડ થઈ. આ ‘સમાચાર’ આપતાં પહેલાં શાલિની યાદવને પૂછવાનું કોઈએ મુનાસિબ ન માન્યું. ઉલટાનું શાલિની યાદવનો વડા પ્રધાન સાથેનો ઔપચારિક ફોટો ક્યાંકથી ઉઠાવીને ચિપકાવી દીધો.

    હકીકત શું હતી ?

    શાલિની યાદવે 2017માં કૉન્ગ્રેસની ટિકિટ પર મેયરપદ માટેની ચૂંટણી લડી હતી.

    શાલિની યાદવ 2019માં મુલાયમ-અખિલેશવાળી સમાજવાદી પાર્ટીમાં જોડાઈ હતી અને એ જ વર્ષે સ.પા.ની ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન સામે ઊભી રહી હતી, બુરી રીતે હારી હતી.

    2023માં શાલિની યાદવે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું હતું. ભાજપમાં એનો ન તો કોઈ હોદ્દો છે, ન કોઈ જવાબદારી એને સોંપવામાં આવી છે.

    અને છેલ્લી વાત—શાલિની યાદવે પોતાનો ફ્લૅટ કોઈને ભાડે આપ્યો હતો અને એ ભાડુઆતની ધરપકડ થઈ છે.

    સનસનાટી ફેલાવવાનું તો કોઈ મીડિયા પાસેથી શીખે, કૉન્ગ્રેસ તો એમાં ગોલ્ડ મેડલિસ્ટ છે અને હવે સોશિયલ મીડિયામાંના કેટલાક ધૂર્ત તત્વો મોદી-ભાજપ-હિંદુ વિરોધી આવા ‘સમાચાર’ આવે ત્યારે ગેલમાં આવીને ભાંગડા કરતા જોવા મળે છે.

    હજુ બે-ત્રણ કિસ્સા લઈને પૂરું કરીએ.

    5. હમણાં એક ‘સમાચાર’ ખૂબ ચગ્યા કે તાતાએ ભાજપને 700-800 કરોડ દાનમાં આપ્યા જેના બદલામાં ભાજપ સરકારે તાતાને 44,000 કરોડનો ફાયદો થાય એવું કામ કરી આપ્યું. ‘સ્ક્રોલ’ નામના ડાબેરી ડિજિટલ મીડિયાએ આ વાતને ચગાવી. હકીકત શું હતી? નહેરુના જમાનાથી તાતા (અને બીજા અનેક ઉદ્યોગપતિઓ) દરેક રાજકીય પક્ષને ઑફિશ્યલી દાન આપતા રહ્યા છે. ઉધોગગૃહોની ફૉર્મુલા સીધી છે— જે સત્તા પક્ષ હોય તેને વધારે દાન મળે અને બાકી જેની જેવી ઔકાત અને તાકાત. અત્યારે ભાજપની ઔકાત છે, ભાજપની તાકાત છે અને ભાજપની સરકાર છે એટલે ભાજપને વધારે દાન મળે એ સ્વાભાવિક છે. અગાઉ કૉન્ગ્રેસને મળતું. નેહરુ, ઈન્દિરા, રાજીવ, નરસિંહરાવ કે મનમોહન સરકારો વખતે કોઈ મીડિયાએ તાતા-બિરલા-અંબાણી-અદાણીને પૂછ્યું નહોતું કે તમે કેમ કૉન્ગ્રેસને આટલી મોટી રકમ દાનમાં આપો છો.

    મોટા ઉદ્યોગગૃહો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતાં કામ માટે, દેશમાં ઉદ્યોગ-ધંધા વિકસાવવા માટે સરકારની નીતિ મુજબ સરકારના સહકારથી પોતાનું કામ કરતા હોય છે. હજારો કરોડના પ્રોજેક્ટો થાય છે એ વાંચીને મારી-તમારી આંખો ફાટી જાય કારણ કે આપણે આપણા ઘરના બજેટમાં બસો-પાંચસો કે હજાર-દસ હજારના આંકડાઓ જ આપણે જોયા હોય છે. આવા પ્રોજેક્ટ્‌સ કરવાનું ગજુ મોટા ઉદ્યોગગૃહોનું જ હોય, ગલીના નાકે આવેલા પાનવાળાનું કે ચાની કિટલી ચલાવનારાનું ન હોય એ સ્વાભાવિક છે. પણ ‘સ્ક્રોલ’ જેવા બીજા અનેક મોદીવિરોધી મીડિયાનાં તત્વો વાતનું એવું તે વતેસર કરે, અને બૅકગ્રાઉન્ડ કે પૂરેપૂરી માહિતી પોતાની પાસે હોવા છતાં તેને તમારા સુધી પહોંચાડ્યા વિના, એના એવા ‘સમાચાર’ બનાવે કે તમે ઘડીભર માનવા માંડો કે પ્રામાણિકતાની વાતો કરનારા મોદી તો સાવ ભ્રષ્ટ નીકળ્યા!

    6. વચ્ચે ન્યુઝ આવ્યા કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 50 લાખમાંથી 2000 કરોડ રૂપિયા બનાવવા માટેના ‘નૅશનલ હેરાલ્ડ’ કેસના આરોપી તરીકે જે જામીન લીધા છે તે કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સરકારે અગિયાર વર્ષ જુના કેસમાં એક નવી એફ.આઈ.આર. દાખલ કરી છે. આ સાચી વાત છે. સરકારે નવી એફ.આઇ.આર. દાખલ કરી છે. સરકારના ટીકાકારો એવો માહોલ ઊભો કરી રહ્યા છે કે સરકારને જ આ કેસ ચલાવવામાં રસ નથી એટલે આ રીતે ડિલે ટૅક્ટિક્સ કરે છે.

    નવી એફ.આઈ.આર. દાખલ કરવાનું કારણ શું? 11 વર્ષ પહેલાં સુબ્રહ્મણિયમ સ્વામીએ સોનિયા ગાંધી વગેરે વિરુદ્ધ આ કેસ કરેલો. તે વખતે સ્વામીને એમ કે મોદી વડા પ્રધાન બનીને પોતાને કેબિનેટમાં સ્થાન આપશે, નાણામંત્રી બનાવશે. પણ મોદી સ્વામીની અસલિયત જાણતા હતા. વાજપાયીએ એક મત માટે સરકાર ગુમાવવી પડી ત્યારે જયલલિતા અને સોનિયા વચ્ચે ચાની બેઠક યોજવામાં સ્વામીનો જ હાથ હતો. ગદ્દાર સ્વામીને મોદી આ 11 વર્ષ દરમિયાન લાંબી લાકડી વડે પણ અડ્યા નહીં. સ્વામી ફ્રસ્ટ્રેટ થતા હોય તો ભલે થાય. એંશી વટાવી ચૂકેલા સ્વામી હજુ સત્તાની વાસનાથી મુક્ત થયા નથી. તેઓ કઇ ઘડીએ સોનિયા-રાહુલને વહાલા થવા માટે નૅશનલ હેરાલ્ડનો કેસ રફેદફે થઈ જાય એવી કાયદાકીય હિલચાલ કરે તે કંઈ કહેવાય નહીં. સ્વામીની મેલી મુરાદ બહાર ન આવે તે માટે, આ કેસ હવાઈ ન જાય તે માટે, સરકારે પોતાના તરફથી એફ.આઇ.આર. દાખલ કરી છે. હવે સ્વામીને જે કરવું હોય તે કરે— સોનિયા, રાહુલના ઇત્યાદિ કાનૂનના લાંબા હાથમાંથી છૂટવાનાં નથી—સરકારે નામદાર અદાલતને આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની ભલામણ કરી છે.

    7. સ્વામી રામદેવ અને પતંજલિની પ્રોડક્ટસ હંમેશાં વામપંથીઓનો ટાર્ગેટ રહી છે. એક જમાનામાં ડાબેરીઓની સરદાર બ્રિન્દા કરાતે પોતાના બનેવી પ્રણવ રોયની ચેનલ એનડીટીવી પર પતંજલિની આયુર્વેદિક દવામાં માનવ શરીરનાં હાડકાંની ભસ્મ હોય છે એવો બોગસ-બેબુનિયાદ દાવો કરીને સ્વામી રામદેવને બદનામ કરવાની ખૂબ કોશિશ કરી હતી. એ પહેલાં અને એ પછી પણ છાશવારે સનાતનના વિરોધીઓ બાબા રામદેવને એમના કોઈ વાંકગુના વગર બદનામ કરતા રહ્યા છે. દરેક વખતે રામદેવ આવી અગ્નિપરીક્ષાઓમાંથી સો ટચના સુવર્ણ તરીકે બહાર આવ્યા છે.

    પતંજલિનું ગાયનું ઘી ઘણું વેચાય છે. વાજબી ભાવે મળતું આ શુદ્ધ દાણેદાર ઘી ઘણા વિરોધીઓની આંખમાં કણાની જેમ ખૂંચે છે. થોડા વખત પહેલાં કોર્ટે પતંજલિના ઘીની વિરુદ્ધ ચુકાદો આપતા કહ્યું કે લૅબ રિપોર્ટ્‌સ મુજબ આ ઘી આર.એમ. વેલ્યુ નામના એક માપદંડમાં ઊંણું ઉતરે છે. કોર્ટે એવું નથી કહ્યું કે આ ઘી ખાવામાં હાનિકારક છે.

    હવે જરા ધીરજ રાખીને આમાં ઊંડા ઉતરીએ.

    આર.એમ. વેલ્યુની વધઘટ અતિ સામાન્ય છે. ઘીનું ઉષ્ણતામાન વધી જવાથી એની આર.એમ. વેલ્યુ બદલાઈ જાય છે. આને કારણે ઘીની ગુણવત્તા પર કોઈ જ અસર પડતી નથી. ઘીમાં આર.એમ. વેલ્યુની વધઘટ વિવિધ વિસ્તારના પશુઓ અને ત્યાંના હવામાન/આબોહવા પર પણ આધાર રાખે છે. વળી સરકારી સંસ્થા એફ.એસ.એસ.એ.આઈ. (ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઍફ ઇન્ડિયા) ક્યારેક પ્રાદેશિક માપદંડોથી તો ક્યારેક રાષ્ટ્રીય માપદંડોથી આર.એમ, વેલ્યુ નક્કી કરતી હોય છે.

    અને સૌથી મોટી ત્રણ વાત તો હવે આવે છે.

    એક: જે લૅબ દ્વારા પતંજલિના ઘીનું પરીક્ષણ કરવામાં આવ્યું તે લૅબને ઘીની પરીક્ષા કરવા માટેની માન્યતા જ નથી મળી. એક સબ સ્ટાન્ડર્ડ લૅબોરેટરીને આ કામ સોપાયું હતું.

    બે: જે માપદંડોથી પરીક્ષણ કરવામાં આવ્યું તે માપદંડો એ વખતે ઘી ને લાગુ પડતા જ નહોતા.

    અને ત્રીજી સૌથી મોટી વાત—પુનઃપરીક્ષણ સમયે ઘીના નમુનાની એક્સપાયરી ડેટ વીતી ચૂકી હતી જેને કારણે આ પરીક્ષણ કાયદાની રીતે અમાન્ય ઠરે છે.

    પતંજલિએ આ ચુકાદાની સામે ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે.

    પણ ત્યાં સુધીમાં તો આખા દેશમાં અપપ્રચાર થઈ ચૂક્યો હશે કે પતંજલિનું ગાયનું ઘી ન ખાવું જોઈએ.

    આવા ફેક અથવા તો તોડમરોડવાળા અથવા અવિશ્વાસનીય સુત્રો દ્વારા ચગાવવામાં આવતા ‘સમાચાર’ રોજ તમારા માથે મારવામાં આવે છે. આવું કરવા પાછળનો હેતુ શું હોય છે ? ભારતને, સનાતન પરંપરાને, હિન્દુ સંસ્કૃતિને, મોદીને, ભાજપને બદનામ કરવા— એમના પરથી તમારો વિશ્વાસ ઉઠી જાય એવું કરવું, આ બધા માટે તમારા મનમાં શંકા જન્મે એવું વાતાવરણ ઊભું કરવું.

    આનો ઉપાય શું ?

    એક જ.

    જ્યારે જ્યારે આવા ‘સમાચાર’ તમે વાંચો, સાંભળો કે જુઓ—મીડિયામાં, સોશિયલ મીડિયામાં કે પછી કોઈ મિત્ર-સ્વજન પાસેથી—ત્યારે તમારે વિચારવાનું કે આ પ્રકારના નેગેટિવ ‘સમાચાર’ છાપવા પાછળનો ઉદ્દેશ શું હોય છે. એટલું યાદ રાખજો કે ડાબેરીઓ, ભાંગફોડિયાઓ, અર્બન નક્સલો કે અધાર્મિકો જો ભારતને બદનામ કરવામાં સફળ થશે કે સનાતન પરંપરાનું, હિન્દુ સંસ્કૃતિનું, મોદીનું કે ભાજપનું નુકસાન કરવામાં સફળ થશે તો છેવટે તમારું પોતાનું જ નુકસાન થવાનું છે—તમે હિંદુ હો તો પણ અને મુસ્લિમ હો તો પણ.

    સમજ્યા તમે?

    લાસ્ટ બૉલ

    “ભારત એક શક્તિશાળી દેશ છે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં એ કોઈ વિદેશી દબાણ આગળ ઝુકી જાય એવો દેશ નથી. ભારતના લોકોને ગર્વ થવું જોઈએ કે એમના વડા પ્રધાન ન તો કોઈના દબાણ હેઠળ કામ કરે છે, ન કોઈની સાથે શિંગડાં ભેરવે છે. બહુ પ્રામાણિકતાથી કહું છું કે ભારતના લોકો બહુ નસીબદાર છે.”

    —રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં