Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકદીર પીરઝાદાના અપમાનજનક નિવેદન બાદ બે દિવસે કોંગ્રેસના પાટીદાર સભ્યોની ઊંઘ ઉડી:...

    કદીર પીરઝાદાના અપમાનજનક નિવેદન બાદ બે દિવસે કોંગ્રેસના પાટીદાર સભ્યોની ઊંઘ ઉડી: દિલ્હી પાર્ટી હાઈકમાન્ડ સુધી જવાની તૈયારી

    કોંગ્રેસના પાટીદાર નેતાઓ આ મુદ્દાને હાઈકમાન્ડ સુધી લઇ જવા માંગતા હોય તો તેનો અર્થ એ કાઢી શકાય કે તેઓ માત્ર માફીથી માનવા માટે તૈયાર નથી.

    - Advertisement -

    થોડા દિવસો પહેલાં અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા આયોજિત લઘુમતી સંમેલનમાં પાર્ટીના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાએ પાટીદારો અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલને લઈને વિવાદાસ્પદ નિવેદન આપી દીધું હતું. પીરઝાદાએ માફી તો માંગી લીધી છે, પરંતુ કોંગ્રેસના પાટીદાર નેતાઓને મોડેમોડે મામલાની ગંભીરતાનું ભાન થયું છે અને હવે તેઓ પીરઝાદાના પાટીદારો વિશે અપમાનજનક નિવેદન મામલે હાઇકમાન્ડ સુધી જવાની તૈયારી કરી રહ્યા છે. 

    એક રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર આગેવાનોની એક બેઠક તાજેતરમાં અમદાવાદમાં યોજાઈ હતી. આ બેઠકમાં કદીર પીરઝાદાના પાટીદારો અને નરેશ પટેલ અંગેના નિવેદન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આ નિવેદનનો મામલો કોંગ્રેસ હાઇકમાન્ડ સુધી લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

    બેઠક બાદ કોંગ્રેસ નેતા મનહર પટેલે કહ્યું કે, કાર્યકારી અધ્યક્ષ કદીર પીરઝાદાનું નરેશ પટેલ અંગેનું નિવેદન કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે. ટકાવારીમાં સમાજને વહેંચવો એ કોંગ્રેસના સંસ્કાર નથી. તેમણે જણાવ્યું કે, બેઠકમાં આ મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો અને નિર્ણય કરવામાં આવ્યો છે કે આ મામલે પ્રભારી રઘુ શર્મા થકી કોંગ્રેસ હાઇકમાન્ડને રજૂઆત કરવામાં આવશે. તે બાદ પાર્ટી જે નિર્ણય કરે તે માન્ય રહેશે. 

    - Advertisement -

    પીરઝાદાના પાટીદારો વિશેના અપમાનજનક નિવેદન મામલે તેમણે કહ્યું કે, આ પ્રકારના નિવેદનોથી પાટીદાર આગેવાનોએ ભોગવવાનું થાય છે અને પહેલા નિવેદનબાજી કરીને પાછળથી માફી માંગવાનો કોઈ અર્થ નથી. તેમણે ઉમેર્યું કે, પાટીદાર સંકલન સમિતિ સાથે ચર્ચા કરીને માફી સિવાયનો ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે.

    કોંગ્રેસ નેતા કદીર પીરઝાદાએ જાહેરમંચ પરથી કોંગ્રેસ નેતૃત્વને પાટીદારો પાછળ ન ભાગવા અને મુસ્લિમ બેઠકો પર વધુ ધ્યાન આપવા માટે કહ્યા બાદ વિવાદ થતાં તેમણે માફી તો માંગી લીધી હતી પરંતુ હવે કોંગ્રેસી પાટીદાર નેતાઓને મામલાની ગંભીરતા સમજાઈ છે. કારણ કે ગુજરાતમાં ચૂંટણી અગાઉ પાટીદાર સમાજને લઈને આવાં નિવેદનો આપવાં અને નરેશ પટેલ જેવા નેતાઓ પર ટિપ્પણી કરવી કોઈ પણ પાર્ટીને પાલવે તેમ નથી. 

    ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઘણી બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે. બીજી તરફ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ જેવા આગેવાનોની પણ સમાજ પર સારી પકડ છે. આવા સંજોગોમાં કદીર પીરઝાદાએ એક જ વાક્યમાં સમાજ અને આગેવાન બંને ઉપર ટિપ્પણી કરીને પાર્ટીને અને ખાસ કરીને પાટીદાર નેતાઓને દ્વિધામાં મૂકી દીધા છે. 

    નેતાઓ પહેલાં નિવેદન આપીને પછી માફી માંગી લેતા હોય છે. પરંતુ માફી માંગવાથી મુદ્દાનો અંત આવતો નથી કે જનતાના મગજમાંથી એ ભૂંસાઈ જતું નથી. પહેલેથી જ કોંગ્રેસ પાર્ટી પાટીદાર મતો મેળવવા માટે નરેશ પટેલ માટે લાલ જાજમ પાથરી ચૂકી હતી ત્યારે આવું નિવેદન નુકસાનકારક સાબિત થશે તેવું કોંગ્રેસને પણ હવે સમજાયું છે. 

    કોંગ્રેસના પાટીદાર નેતાઓ આ મુદ્દાને હાઈકમાન્ડ સુધી લઇ જવા માંગતા હોય તો તેનો અર્થ એ કાઢી શકાય કે તેઓ માત્ર માફીથી માનવા માટે તૈયાર નથી. ઉપરાંત, કોંગ્રેસ નેતાઓએ જ કહ્યું છે કે, ચર્ચા કરી માફી સિવાયનો ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. માફી સિવાયનો એક જ ઉકેલ બાકી રહે છે- રાજીનામું. 

    જોકે, કદીર પીરઝાદા પરથી રાજીનામું માંગી લેવું કોંગ્રેસ હાઇકમાન્ડ માટે એટલું સરળ નથી. કારણ કે એક તો તેમને હાલમાં જ આ જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, રાજીનામું લઇ લેવામાં આવે તો મુસ્લિમ સમાજ નારાજ થઇ જાય તેવી પણ શક્યતા છે. આ સંજોગોમાં હવે પાર્ટી હાઈકમાન્ડ શું કરે છે તે જોવું રહ્યું.

    કદીર પીરઝાદાએ શું કહ્યું હતું? 

    કોંગ્રેસના લઘુમતી સંમેલનમાં કદીર પીરઝાદાએ મંચ પરથી ભાષણ કરતાં કહ્યું હતું કે, “તમે લોકો (કોંગ્રેસ નેતૃત્વ) 11 ટકા માટે હાર્દિક અને નરેશની પાછળ-પાછળ ભાગતા હતા, પરંતુ તમે ભૂલી ગયા હતા કે આ લોકો (સામે બેઠેલા લોકો તરફ ઈશારો કરીને) સરકાર બનાવે છે. અમે પહેલેથી જગદીશ (ઠાકોર) ભાઈને કહેતા હતા કે જેઓ આપણા છે તેમની શક્તિ ઓળખીને 120 (વિધાનસભા બેઠકો) સુધી પહોંચવાના પ્રયત્નો કરો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં