Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘11 ટકા માટે હાર્દિક-નરેશની પાછળ ન ભાગો’: સદભાવના સંમેલનમાં કોંગ્રેસ નેતા કદીર...

  ‘11 ટકા માટે હાર્દિક-નરેશની પાછળ ન ભાગો’: સદભાવના સંમેલનમાં કોંગ્રેસ નેતા કદીર પીરઝાદાનું વિવાદિત નિવેદન, ‘પાસ’ના વિરોધ બાદ માફી માંગવી પડી 

  કદીર પીરઝાદાના આ નિવેદન બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને કદી પીરઝાદા માફી માંગે તેવી માંગણી કરી હતી.

  - Advertisement -

  કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં આયોજિત સદભાવના સંમેલન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ સંમેલનમાં નેતાઓએ જે નિવેદનો આપ્યાં છે તેને લઈને એક પછી એક વિવાદો થઇ રહ્યા છે. હવે વધુ એક કોંગ્રેસ નેતાના નિવેદનથી વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા અને કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાએ સંમેલનમાં પાટીદાર સમાજ અને નરેશ પટેલ અંગે વિવાદિત નિવેદન આપી દીધું હતું, જેના કારણે તેમણે હવે માફી માંગવાની ફરજ પડી છે. 

  કદીર પીરઝાદાએ મંચ પરથી ભાષણ કરતાં કહ્યું કે, “તમે લોકો (કોંગ્રેસ નેતૃત્વ) 11 ટકા માટે હાર્દિક અને નરેશની પાછળ-પાછળ ભાગતા હતા, પરંતુ તમે ભૂલી ગયા હતા કે આ લોકો (સામે બેઠેલા લોકો તરફ ઈશારો કરીને) સરકાર બનાવે છે. અમે પહેલેથી જગદીશ (ઠાકોર) ભાઈને કહેતા હતા કે જેઓ આપણા છે તેમની શક્તિ ઓળખીને 120 (વિધાનસભા બેઠકો) સુધી પહોંચવાના પ્રયત્નો કરો. અમને ભૂલી જશો તો શું થશે, અમને પ્રતિનિધિત્વ નહીં આપો તો શું થશે. ફરિયાદ કરવાનું છોડો. શક્તિ વધારો.”

  કદીર પીરઝાદાના આ નિવેદન બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને કદી પીરઝાદા માફી માંગે તેવી માંગણી કરી હતી. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તેઓ માફી નહીં માંગે તો આખા ગુજરાતમાં કોંગ્રેસ કાર્યકરોનો જાહેરમાં વિરોધ કરવામાં આવશે. 

  - Advertisement -

  વિવાદિત નિવેદન અંગે વિરોધ થયા બાદ કદીર પીરઝાદાએ ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે તેમણે સમાજ અંગે વાત કરી ન હતી. ઉપરાંત, તેમણે નરેશ પટેલને આદરણીય નેતા ગણાવીને તેમની માફી પણ માંગી લીધી હતી. કદી પીરઝાદાએ કહ્યું, “સમાજની મેં વાત જ નથી કરી તો વિરોધ શાનો. સવાલ જ્યાં સુધી નરેશભાઈનો છે તો તેમની બાબતમાં મેં કહ્યું કે, તેઓ આદરણીય વ્યક્તિ છે. ખોડલધામના ટ્રસ્ટી છે અને તેઓ જે સામાજિક કાર્યો કરે છે તેમાં અમારો સમાજ પણ તેમની પડખે છે. જો આ બાબતમાં નરેશભાઈ કે તેમના ચાહકોને ઠેસ પહોંચી હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું.

  ગુજરાતના રાજકારણમાં પાટીદાર મતો અગત્યની ભૂમિકા ભજવે છે. જેના કારણે રાજકીય પાર્ટીઓ સતત આ મતો પોતાની તરફ કરવા માટે પ્રયત્નો કરતી રહે છે. કોંગ્રેસે પણ 2015 ના અનામત આંદોલન બાદ પાટીદાર સમાજના આંદોલન અને આક્રોશના જોરે 2017 માં સત્તા કબજે કરવાના પ્રયત્નો કરી જોયા હતા. હાલ પણ પાર્ટી પાટીદારોને સાથે રાખવા માટે ગતકડાં કરતી રહે છે, પરંતુ નેતાઓના આવા નિવેદનોથી સ્પષ્ટ થતું રહ્યું છે કે પાર્ટી ખરેખર કોના મતો મેળવવા માંગે છે. 

  ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોંગ્રેસ આયોજિત સદભાવના સભામાં કોંગ્રેસ નેતાઓનાં નિવેદનો હાલ સતત ચર્ચામાં રહ્યાં છે. પહેલાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે દેશના સંસાધનો પર પહેલો હક લઘુમતીઓનો હોવાનું કહ્યું હતું અને કોંગ્રેસની સરકાર આવે તો મુસ્લિમોને પાકાં મકાનો આપવાની વાત કરી હતી. જે બાદ જીગ્નેશ મેવાણીએ આ જ કાર્યક્રમમાં ગુજરાત રમખાણો બાદ કાવતરું ઘડવાના આરોપોનો સામનો કરી રહેલાં તીસ્તા સેતલવાડને જાહેર મંચ પરથી સલામ કરી હતી. હવે કદી પીરઝાદાના નિવેદનથી વિવાદ સર્જાયો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં