Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત કોંગ્રેસની બહુમતિ પ્રત્યે દુર્ભાવના જાગી: જગદીશ ઠાકોરે કહ્યું- સંસાધનો પર પહેલો...

    ગુજરાત કોંગ્રેસની બહુમતિ પ્રત્યે દુર્ભાવના જાગી: જગદીશ ઠાકોરે કહ્યું- સંસાધનો પર પહેલો હક લઘુમતીઓનો, આજેય પાર્ટી આ વિચારધારા સાથે જોડાયેલી

    ડૉ. મનમોહન સિંહે નિવેદન આપ્યું હતું ત્યારે દેશની રાજકીય પરિસ્થિતિ અલગ હતી, આજે અલગ છે. આજના સમયમાં આવાં નિવેદનોને ફરી જીવતાં કરવા કોંગ્રેસ માટે ફાયદા કરતાં નુકસાનકારક વધુ સાબિત થાય તો નવાઈ નહીં.

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ફરી એક વખત એવું નિવેદન આપી દીધું છે કે જેનાથી કોંગ્રેસ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે. જગદીશ ઠાકોર અમદાવાદમાં યોજાયેલી ‘સદભાવના સભા’માં સંબોધન કરતાં બોલ્યા હતા કે, ડૉ. મનમોહન સિંહે દેશના સંસાધનો પર પહેલો હક લઘુમતીઓનો હોવાનું કહ્યું હતું, કોંગ્રેસ આજે પણ એ વિચારધારા સાથે જોડાયેલી છે. 

    ‘દેશના સંસાધનો પર પહેલો હક લઘુમતીઓનો છે’ તેવા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિવેદનને પુનરાવર્તિત કરતાં જગદીશ ઠાકોર કહે છે કે, “ડંકાની ચોટ પર આ દેશના વડાપ્રધાન (મનમોહન સિંહ) કહેતા હતા કે હિંદુસ્તાનની તિજોરી ઉપર પહેલો અધિકાર લઘુમતીઓનો છે. આ દેશનો કોંગ્રેસનો વડાપ્રધાન ડંકાની ચોટ ઉપર બોલતો હતો. એ બોલવાથી કેટલું નુકસાન થયું એ પણ કોંગ્રેસ જાણે છે.”

    મુસ્લિમ મતદારોથી ખીચોખીચ ભરેલા હૉલમાં જગદીશ ઠાકોરે પીએમ મોદી કે અન્ય નેતાઓનું નામ લીધા વિના કહ્યું હતું કે, “દિલ્હીમાં બેઠેલા પોપટનો જીવ ગુજરાતમાં છે, અને આપણે આ પોપટની ડોક મરડી નાંખવાની છે.” મંચ પરથી આમ કહેવાતાં જ સભાગૃહમાં તાળીઓ પડવા માંડી હતી. ઉપરાંત, કોંગ્રેસ પ્રમુખ ઠાકોરે એમ પણ કહ્યું કે, લઘુમતી સમાજના 20 હજારથી વધુ વોટ ધરાવતી 60 બેઠકો છે અને તે તમામ બેઠકો પર કોંગ્રેસ આવા કાર્યક્રમો આયોજિત કરવા જઈ રહી છે. આવા કાર્યક્રમોમાં મુસ્લિમોના દરેક ફીરકા અને જમાતને આમંત્રણ આપવા માટે તેમણે અપીલ કરી હતી. 

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આટલેથી અટક્યા ન હતા. તેમણે મુસ્લિમોને મકાનો આપવાનો વાયદો કરતાં કહ્યું કે, “અમદાવાદમાં જ્યાં-જ્યાં લઘુમતી વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી છે, જેમની હાલત ખરાબ છે તે વિસ્તારોના નામો લખો અને નક્કી કરો કે કોંગ્રેસની સરકાર લાવીએ અને એક વર્ષમાં 10 માળની બિલ્ડીંગમાં રૂમ રસોડા સાથેના મકાનો કોંગ્રેસ આપશે.”

    ડૉ. મનમોહન સિંહે વડાપ્રધાન પદ પર રહીને દેશના સંસાધનો પર પહેલો હક લઘુમતીઓનો હોવાનું કહીને મુસ્લિમ મતો પોતાની તરફ કરવાના પ્રયત્નો કર્યા હતા. આમ પણ મુસ્લિમ તુષ્ટીકરણમાં કોંગ્રેસનો ઇતિહાસ જૂનો રહ્યો છે. હવે, જગદીશ ઠાકોરે પણ એ જ નિવેદનનું પુનરાવર્તન કરીને સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ આ વિચારધારાથી જરાય આઘીપાછી થઇ નથી. 

    ગુજરાતમાં કોંગ્રેસનું પ્રદર્શન સતતને સતત કથળી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષોમાં કોંગ્રેસ એકેય ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકી નથી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 65 બેઠકો મેળવ્યા બાદ ત્યારપછીની તમામ ચૂંટણીઓમાં પાર્ટીને નિરાશા જ સાંપડી છે. ત્યારે પાર્ટીએ ફરી તુષ્ટીકરણના સહારે મતો મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હોય તેમ જણાઈ રહ્યું છે. 

    અન્ય પાર્ટીઓ પર વિવિધ સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના આરોપ લગાવતી ફરતી કોંગ્રેસે જ હવે તુષ્ટીકરણનું રાજકારણ શરૂ કર્યું છે. લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમ મતદારો હંમેશા કોંગ્રેસ પક્ષે રહ્યા છે ત્યારે કોંગ્રેસે આ મતો પોતાની તરફ કરવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે. 

    વધુમાં, જગદીશ ઠાકોરે એમ પણ કહ્યું કે, ડૉ. મનમોહન સિંહના આ નિવેદનથી પાર્ટીને નુકસાન થયું હોવા છતાં તેઓ આ જ વિચારધારાને વરેલા છે! જેથી અહીં પ્રશ્ન એ પણ સર્જાય છે કે શું કોંગ્રેસ હવે હિંદુ મતોની જરૂરિયાત સમજતી નથી? ખેર. ડૉ. મનમોહન સિંહે નિવેદન આપ્યું હતું ત્યારે દેશની રાજકીય પરિસ્થિતિ અલગ હતી, આજે અલગ છે. આજના સમયમાં આવાં નિવેદનોને ફરી જીવતાં કરવા કોંગ્રેસ માટે ફાયદા કરતાં નુકસાનકારક વધુ સાબિત થાય તો નવાઈ નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં