અમેરિકાને ફરીથી ‘ગ્રેટ’ બનાવવાના વાયદા કરીને સત્તામાં આવ્યા પછી આપણે ત્યાંના આપિયાઓની જેમ ચાર-છ મહિનામાં ક્રાંતિ લાવી નાખવાનો ફાંકો મગજમાં રાખીને સ્વઘોષિત જગતજમાદાર ડોનાલ્ડે દુનિયાભરના દેશો પર ટેરિફ લાગુ કરવાના શરૂ કર્યા હતા. કારણ એવું આપવામાં આવ્યું કે અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા આ પગલું જરૂરી છે. તેના માટે પહેલાં નેશનલ ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી અને ત્યારપછી આડેધડ અનેક દેશો પર ટેરિફ લાદ્યા. પછીથી આર્મ ટ્વિસ્ટિંગ માટે, ટ્રેડ ડીલ નેગોશિએશન વખતે અમેરિકાનો હાથ ઉપર રાખવા માટે આ ટેરિફનો દુરુપયોગ કરવાનો શરૂ કર્યો.
20 ફેબ્રુઆરીએ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની આ અણઘડ, વાહિયાત અને મનમાનીપૂર્વકની નીતિની ટીકા કરીને ટેરિફ રદ કરી દીધા અને સાદા શબ્દોમાં કહ્યું કે તમે ભલે રાષ્ટ્રપતિ હો પણ આ ધંધા ન કરાય, કારણ કે એ ગેરબંધારણીય છે. ટેરિફ લાગુ ન થાય એમ નથી પણ તેની એક ચોક્કસ પ્રોસેસ છે, જેમાંથી પસાર થવું પડે. એ કામ યુએસ કોંગ્રેસનું (સંસદ) છે. માત્ર એવું કહી દેવાથી કે ‘દેશમાં આર્થિક ઇમરજન્સી છે અને બહારના દેશોની નીતિઓથી આપણને જોખમ છે’, ટેરિફ લાગુ ન થાય. જો રાષ્ટ્રપતિને લાગતું હોય કે ખરેખર બહારનાં પરિબળો દેશની અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યાં છે તો યુએસ કોંગ્રેસમાં પણ એ પ્રસ્થાપિત થવું જોઈએ.
બીજું, અમેરિકાના ઇન્ટરનેશનલ ઈમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ ટેરિફ લાગુ કરવા પહેલાં ઇમરજન્સી ઘોષિત કરવી પડે, જે ટ્રમ્પે કર્યું હતું. પણ કોર્ટે કહ્યું કે આ રીતે મનફાવે ત્યારે ઇમરજન્સી ઘોષિત ન કરાય. ‘ઇમરજન્સી’ શબ્દની ગંભીરતા સમજવી જોઈએ. આવું જ ચાલ્યું તો ભવિષ્યના રાષ્ટ્રપતિઓ મનમાં આવે ત્યારે આ રીતે ઇમરજન્સી ઘોષિત કરવા માંડશે.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આવ્યા પછી ટ્રમ્પે ભારતીય સમયાનુસાર રાત્રે લગભગ પોણા બાર વાગ્યે એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને સ્વભાવ અનુસાર જ બળતરા ઠાલવી. સુપ્રીમ કોર્ટના જજો પર ટિપ્પણી કરી અને ચુકાદા પર ઘણું કહ્યું. પછી ટ્રમ્પે ફરીથી 10% ગ્લોબલ ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી દીધી. જેના માટે 1974ના ટ્રેડ એક્ટનો ઉપયોગ કર્યો છે.
આ એક્ટની કલમ 122 અમુક સંજોગોમાં રાષ્ટ્રપતિને કામચલાઉ ધોરણે ટેરિફ લાગુ કરવાની સત્તા આપે છે. ઉદાહરણ તરીકે દેશની આર્થિક સ્થિરતાને જોખમ ઊભું થાય કે ડૉલરની વેલ્યૂ બહુ ઝડપથી ઘટી રહી હોય. હાલ આવું કશું નથી પણ ટ્રમ્પે માત્ર ઈગો ઘવાઈ જવાના કારણે, ફ્રસ્ટ્રેશનમાં આ ગતકડું કાઢ્યું છે. જોકે આમાં પણ મર્યાદાઓ છે અમુક. આ ટેરિફ 15%થી વધી શકે નહીં. બીજું, તે વધારેમાં વધારે દોઢસો દિવસ સુધી લાગુ રહી શકે, પછી જો આગળ વધારવું હોય તો યુએસ કોંગ્રેસમાંથી મંજૂરી મેળવવી પડે. ત્યાં એ સાબિત કરવું પડે કે ખરેખર બેલેન્સ ઑફ પેમેન્ટ ડેફિસિટની સ્થિતિ હતી કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતા સર્જાઈ હતી. આ કિસ્સામાં ડોનાલ્ડ સાબિત કરી શકે એમ નથી. પણ ઉતાવળમાં, હતાશના કારણે આ નિર્ણય લેવાયો હોય એવું સ્પષ્ટ જણાય છે.
ટ્રમ્પે પ્રેસ કૉન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પર પણ મનફાવે તેવી ટિપ્પણીઓ કરી છે. કોર્ટે 6-3થી ચુકાદો આપ્યો એટલે જે ત્રણ જજોએ અસહમતિ દર્શાવી તેમનાં ટ્રમ્પે ભરપૂર વખાણ કર્યાં અને બાકીનાને ભરપૂર ગાળો દીધી. તેમને ‘ડિસગ્રેસ ટૂ ધ નેશન’, ‘ફૂલ્સ’ અને ‘લેપડૉગ્સ’ પણ ગણાવી દીધા. પોતાની વિરુદ્ધ ચુકાદો આપનાર જજોને ‘શરમ આવવી જોઈએ’ એવું પણ ટ્રમ્પે કહી દીધું.
અમેરિકા ભલે મહાસત્તા હોય, પણ આ આખા એપિસોડે તેની છબી પર કાયમ માટે કલંક લગાવી દીધું છે અને તેમાં ટ્રમ્પનો ફાળો વિશેષ છે. ચેક્સ એન્ડ બેલેન્સ માટે સુપ્રીમ કોર્ટ હોય, બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલત પાસે છે અને એ નિર્ણય કે ચુકાદો આપે એ અમાન્ય હોય તોપણ રાષ્ટ્રપતિની ખુરશી પર બેઠેલી વ્યક્તિ જજો વિશે આવી ભાષા વાપરે એને ખરેખર ‘ડિસગ્રેસ ટૂ ધ નેશન’ કહેવાય. બીજું, ફ્રસ્ટ્રેશનમાં આવીને ચુકાદાના બે કલાકમાં જ આ રીતે વધારે 10% ગ્લોબલ ટેરિફ લાગુ કરવાનો નિર્ણય પણ દેશ, રાષ્ટ્રપતિ અને ન્યાયતંત્ર ત્રણેયને હાંસીપાત્ર ઠેરવનારો છે. સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ બંને એકબીજાને ‘ઔકાત’ બતાવવા માટે લડતા હોય એવું લાગે.
હવે ભારત સાથે સરખામણી કરો. આપણું ન્યાયતંત્ર, આપણી સરકારો અને આપણી લોકશાહી આની તુલનાએ અનેકગણી પરિપક્વ છે. અનેક કિસ્સાઓમાં બન્યું છે કે સુપ્રીમ કોર્ટે મોદી સરકારના નિર્ણયને મૂળમાંથી ઉખાડી ફેંક્યો હોય, પણ ન મોદીએ, તેમની સરકારના કોઈ મંત્રીએ કે સરકારમાંથી કોઈએ જજોને ‘મૂરખ’ કે ‘લેપડૉગ’ કહ્યા નથી. મોટાભાગના કિસ્સાઓમાં સરકારે કોર્ટના નિર્ણયને સ્વીકારી લીધો છે.
બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય ઠેરવ્યા તો સરકારે નિર્ણયને ડિફેન્ડ છેક સુધી કર્યો, પણ અંતે ચુકાદો સ્વીકારી લીધો. સરકાર અધ્યાદેશ લાવીને ચુકાદો પલટાવી શકતી હતી, પણ મોદીને ખબર છે કે એ ન કરાય, તેનાથી નકામો સંદેશ જાય અને કારણ વગર ન્યાયતંત્ર સાથે શિંગડાં ભેરવવાનાં થાય.
સુપ્રીમ કોર્ટે કૉલેજિયમ સિસ્ટમને રિપ્લેસ કરતો મોદી સરકારનો નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન એક્ટ પણ ‘ગેરબંધારણીય’ ગણાવીને રદ કરી દીધો હતો. વાસ્તવમાં ત્યારે સરકાર સાચી હતી, કૉલેજિયમ સિસ્ટમમાં અનેક ખામીઓ છે, છતાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો પછી સરકાર પાછળ હટી ગઈ.
આ સિવાય અનેક કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટે સરકારના સાચા, યોગ્ય નિર્ણયોને રદબાતલ ઠેરવ્યા છે. સુપ્રીમ કોર્ટના આવા નિર્ણયો પછી ઘણી વખત સમર્થકોમાંથી પણ એવી ફરિયાદ થતી હોય છે કે સરકાર અધ્યાદેશ લાવીને ચુકાદા પલટાવતી કેમ નથી. પણ સરકાર જાણે છે કે આ રીતે સિસ્ટમમાં કામ ન થાય અને સરકાર-ન્યાયતંત્ર દર ત્રીજી વાતે બાખડતાં રહે તો લાંબાગાળે નુકસાન જ જાય. અમુક કામો કરવાં જરૂરી હોય અને તેમાં આવી અડચણો આવતી હોય તોપણ તેને તાત્કાલિક દૂર નહીં કરવાની. તેનો ચોક્કસ સમય હોય. સમય આવે ત્યાં સુધી ખમી જવાનું.
એટલે અમેરિકું ભલે પોતાને મહાસત્તા ગણાવતું હોય, પણ પરિપક્વ લોકશાહીની રીતે આપણે અનેકગણા આગળ છીએ.


