Saturday, April 20, 2024
More
    હોમપેજમંતવ્યદેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સમક્ષ તત્કાળ કરવાના કાર્યો કયા? ઉદ્ધવ પાસે...

    દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સમક્ષ તત્કાળ કરવાના કાર્યો કયા? ઉદ્ધવ પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ?

    દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સરકાર તો બનાવી લેશે પરંતુ અત્યારે ત્વરિત તેમણે કયા કાર્યો કરવાના છે, ઉપરાંત ઉદ્ધવ ઠાકરે પાસે હવે કયા વિકલ્પો ઉપલબ્ધ છે તેનું વિશ્લેષણ.

    - Advertisement -

    ગઈકાલે સાંજે લગભગ સાડાચાર કલાક ચાલેલા સુપ્રિમ કોર્ટરૂમ ડ્રામા બાદ પોતાને પસંદ પડે એવો નિર્ણય ન આવતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાનું રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામા સાથે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે માટે સત્તાનો માર્ગ ખુલ્લો થઇ ગયો હતો. જો કે ફડણવીસ અને શિંદે પાસે બહુમતિ ધારાસભ્યો તો છે જ પરંતુ હવે આગામી થોડા દિવસોમાં તેમણે તત્કાળ કયા કાર્યો કરવા પડશે તેનું એક ત્વરિત વિશ્લેષણ આપણે કરી લઈએ.

    રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો

    ગઈકાલે ઉદ્ધવના રાજીનામાનાં સમાચાર વહેતા થયા તેની સાથેજ ફડણવીસ અને શિંદે સરકાર આવતીકાલે એટલેકે 1 જુલાઈ 2022ના દિવસે શપથવિધિ કરી લે એવી અટકળો પણ વહેતી થઇ હતી. અત્યારે મહારાષ્ટ્રની જે પ્રકારે હાલત છે અને શિવસૈનિકોના એક ભાગમાં જે રીતે ગુસ્સો રહેલો છે એ જોતાં કાયમી સરકાર બને તેટલી જલ્દીથી શપથ લઇ લે અને પોતાનું કાર્ય શરુ કરી દે તે અત્યંત જરૂરી છે જેથી રાજ્યમાં અને ખાસ કરીને મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે.

    - Advertisement -

    આથી ગઈકાલે રાત્રે હજી ગોવા પહોંચેલા શિંદે જૂથના ધારાસભ્યો આજે જ ફડણવીસને સમર્થન આપવાનો એક ઔપચારિક નિર્ણય લઇ લે એ જરૂરી છે. ત્યારબાદ આજે બપોરે અથવાતો સાંજે ફડણવીસ અને શિંદે રાજ્યપાલને  મળીને પોતાના પક્ષના ધારાસભ્યોની યાદી સાથે સરકાર રચવાનો દાવો રજુ કરે તો આવતીકાલે શપથવિધિ શક્ય બની શકે છે.

    કોમન મીનીમમ પ્રોગ્રામ ઘડવો

    દરેક યુતિ સરકાર એક કોમન મીનીમમ પ્રોગ્રામ પર ચાલતી હોય છે. જો કે ભાજપ અને શિવસેના લગભગ દરેક મુદ્દે સમાન વિચારધારા ધરાવે છે અને આ મુદ્દે જ એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેથી અલગ થયા હતા એટલે અહીં બહુ મોટી સમસ્યા આવવાની નથી, તેમ છતાં કદાચ બંને પક્ષો ભેગા મળીને આ પ્રકારે એક કોમન મીનીમમ પ્રોગ્રામ ઘડી નાખે તો ભવિષ્યના બે વર્ષ માટે સરકાર ચલાવવા માટે તેમને જ સરળતા રહેશે.

    વિશ્વાસનો મત લે તે અગાઉ એક મહત્ત્વનું કાર્ય કરવાનું છે

    મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલમાં સ્પિકર પદ ખાલી છે. ફેબ્રુઆરી 2021માં નાના પટોળે જે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પિકર તરીકે આરૂઢ હતા તેમને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવતાં તેમણે સ્પિકર પદ છોડી દીધું હતું અને અત્યારસુધી ડેપ્યુટી સ્પિકર નરહરી ઝીરવાલ સ્પિકરનું કામકાજ સંભાળતા હતા. મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે જ્યારે એકનાથ શિંદે પોતાના ધારાસભ્યોને લઈને સુરત રવાના થયા ત્યારથી જ નરહરી ઝીરવાલનું નામ ચર્ચામાં આવી ગયું હતું.

    શિવસેનાના ઠાકરે જૂથ પાસે બહુમતિ ધારાસભ્યો ન હોવા છતાં ઝીરવાલે તેના નવા નીમાયેલા દંડકની અરજી સ્વીકારી અને શિંદે જૂથના 17 ધારાસભ્યોનું સભ્યપદ ગેરકાયદે ઠરાવવાની કાર્યવાહી શરુ કરી દીધી હતી. પરંતુ ભાજપે તેમની વિરુદ્ધ જ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. આ ટેક્નીકલ બાબત ગઈકાલે સુપ્રિમ કોર્ટમાં પણ શિંદે જૂથને કામમાં આવી હતી.

    આથી વિશ્વાસનો મત લેતાં અગાઉ ફડણવીસ અને શિંદે સરકાર દ્વારા સૌથી પહેલા ડેપ્યુટી સ્પિકર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પર પહેલા ચર્ચા અને મતદાન કરવાનો આગ્રહ રાખવામાં આવશે અને બહુમતિ ધારસભ્યો તેમના પક્ષે હોવાથી તેમને આસાનીથી હટાવી પણ શકાશે. ત્યારબાદ નિયમ અનુસાર રાજ્યપાલ જ પ્રોટેમ સ્પિકર જે તમામ ધારાસભ્યોમાં ઉંમરમાં સહુથી મોટો હોય તેની નિમણુંક કરતા હોય છે, પરંતુ અહીં પરિસ્થિતિ અલગ હોવાથી કદાચ વિધાનસભ્યો જ એક કામચલાઉ અથવાતો કાયમી સ્પિકર ધ્વનિમતથી પસંદ કરી લે અને એ જ ફડણવીસ સરકારના વિશ્વાસના મતની કાર્યવાહીનું સંચાલન કરે એ વધુ શક્ય લાગે છે. એવી શક્યતા પણ છે કે આ બધું થાય એ અગાઉ સમય પારખીને નરહરી ઝીરવાલ રાજીનામું પણ આપી દે.

    વિશ્વાસનો મત

    ફડણવીસ અને શિંદે સરકારે ત્યારબાદ વિશ્વાસનો મત લેવાનો આવશે. જો ડેપ્યુટી સ્પિકર વિરુદ્ધ અવિશ્વાસનો મત આસાનીથી પસાર થઇ જશે તો પોતાની સરકાર માટે વિશ્વાસનો મત લેવો આ જોડી માટે ફક્ત ઔપચારિકતા જેવું જ રહેશે.

    એકનાથ શિંદે સામે ત્વરિત પડકારો

    સરકાર ભલે બની જાય પરંતુ એક હકીકત જેને એકનાથ શિંદે અવગણી નહીં શકે અને એ છે મોટાભાગના શિવસૈનિકોનો તેમના પ્રત્યેનો ગુસ્સો. એકનાથ શિંદેએ સહુથી પહેલા આ શિવસૈનિકોઓ ગુસ્સો શાંત કરીને તેમને પોતાનો મુદ્દો સમજાવવો પડશે. આ માટેનો સરળ રસ્તો એ છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેને મળે અને એમને સંયુક્ત શિવસેનાના અધ્યક્ષ તરીકે ચાલુ રાખવાની વિનંતી કરે અને પોતે સરકારનું કામકાજ સંભાળે એ માટે મનાવી લે. જો આમ શક્ય બનશે તો એકનાથ શિંદે પોતાનું સમગ્ર ધ્યાન સરકાર ચલાવવામાં રાખી શકશે.

    ઉદ્ધવ ઠાકરે માટે ભવિષ્યનો માર્ગ

    ઉદ્ધવ ઠાકરેએ ફક્ત મુખ્યમંત્રી પદ જ નથી છોડ્યું તેમણે MLC તરીકે પણ રાજીનામું આપી દીધું છે. આથી હાલમાં તેઓ કોઇપણ પદ ધરાવતા નથી આથી જો આગળ ચર્ચા થઇ તેમ એકનાથ શિંદે તેમને મનાવવાના પ્રયાસ કરે અને એ માની જાય તો શિવસેના અધ્યક્ષ તરીકે બન્યા રહીને પોતાનું બાકી રહેલું સન્માન તેઓ બચાવી શકે છે. જો આમ ન થયું તો શિવસેનાની બે ફાડ અધિકારીક રીતે થતાં કોઈ રોકી નહીં શકે અને એવું શક્ય છે કે તેઓ શિવસેના પક્ષ પણ ગુમાવે અને સાથેસાથે તેનું ચૂંટણી ચિન્હ પણ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં