Saturday, February 28, 2026
More
    હોમપેજરાજકારણરાહુલ ગાંધીની ડેન્જરસ ગેમ

    રાહુલ ગાંધીની ડેન્જરસ ગેમ

    શાતિર સોનિયા-પુત્ર રાહુલ પણ જાણે છે કે પોતે જુઠ્ઠા આક્ષેપો ચગાવી રહ્યાં છે અને કૉન્ગ્રેસની કદમબોસી કરવાની જેને આદત પડી ગઈ છે તે દરબારી મીડિયા રાહુલના આ જુઠ્ઠાણાંઓને પોતાની ઇકોસિસ્ટમ દ્વારા આગળ ધપાવી રહ્યું છે.

    - Advertisement -

    (લેફ્ટ, રાઈટ અને સેન્ટર: શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2025)

    આ લખનારે 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં બે આગાહી કરી હતી. તે વખતે મીડિયા કહેતું અને મીડિયાના દરેક શબ્દને પથ્થરની લકીર માનનારાઓ પણ કહેતા કે મોદી 2014માં અઠ્ઠેગઠ્ઠે વડા પ્રધાન બની ગયા પણ એમને સેકન્ડ ટર્મ મળવાની નથી. ભાજપા હારવાની છે. 

    આવા વાતાવરણમાં પહેલું પ્રેડિક્શન એ હતું કે મોદીને 300થી વધુ સીટ મળે છે.  

    - Advertisement -

    મારી બીજી ભવિષ્યવાણી એ હતી કે સવાલ એ નથી કે મોદી જીતશે કે નહીં. સવાલ એ છે કે મોદીને સેકન્ડ ટર્મ મળી છે એ જોઈને આઘાતથી ચક્કર ખાઈ ગયેલા વિપક્ષો શું કરશે? અરાજકતા ફેલાવશે. દેશમાં સિવિલ વૉર યાને કિ ગૃહયુદ્ધની પરિસ્થિતિ સર્જશે. 

    સદ્‌નસીબે પહેલી આગાહી સાચી પડી. 303 સીટ મળી. 

    અને કમનસીબે બીજી આગાહી પણ સાચી પડી. અરાજકતાવાદીઓએ ખેડૂત આંદોલનો કર્યાં અને સરકાર સામે શાહીનબાગનું આંદોલન થયું. 

    મોદી સરકાર એક બાજુ ભારતને માઓવાદ નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્તિ અપાવી રહી છે, મણિપુરની આગને ઠારી રહી છે. બીજી બાજુ દેશમાં સમૃદ્ધિ લાવી રહી છે અને આ સમૃદ્ધિ છેક છેવાડાના માણસ સુધી પહોંચાડી રહી છે. પણ લોકસભાના વિપક્ષી નેતાને આ પસંદ નથી. દેશ માટેનો પ્રેમ રાહુલ ગાંધીના ડીએનએમાં જ નથી. કૂવામાં હોય તો હવાડામાં આવે. વિદેશી માતા અને ડફોળ પિતાનું આ ફરજંદ આજકાલ ગજવામાં ટેનિસ બૉલ રાખીને ફરે છે અને ઘોષણા કર્યા કરે છે કે મારી પાસે હાઈડ્રોજન બૉમ્બ છે. 

    રાહુલ ગાંધીને એમ છે કે 1978માં જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે યુવા કૉન્ગ્રેસના બે ગુંડાઓએ રમકડાની પિસ્તોલ અને ક્રિકેટ રમવાનો બૉલ દેખાડીને દાદી ઇન્દિરા તથા કાકા સંજય સામેના આક્ષેપો પાછા ખેંચી લઈને મોરારજી સરકાર રાજીનામું આપે એવી માગણી સાથે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટ આઈસી-410નું અપહરણ કર્યું હતું એમ પોતે પણ હાઈડ્રોજન બૉમ્બનો હાઉ દેખાડીને મોદી સરકારને ઉથલાવી પાડશે. તે વખતે કૉન્ગ્રેસે જાહેર કર્યું હતું કે ભોલાનાથ પાન્ડે અને દેવેન્દ્ર પાન્ડે સાથે કૉન્ગ્રેસને નાહવા નીચોવવાનો પણ સંબંધ નથી. કૉન્ગ્રેસ હળાહળ જૂઠ્ઠું બોલી હતી. બેઉ પાન્ડે બ્રધર્સ 1980માં ઇન્દિરા ગાંધી ફરી વડાં પ્રધાન બન્યાં તે વખતે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં કૉન્ગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. 

    કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠક પર ‘વોટ ચોરી’ થઈ છે એવો આક્ષેપ કરવા માટે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી એ પછી સૌ કોઈને એમના હાઈડ્રોજન બૉમ્બની ક્ષમતા વિશે જાણ થઈ ગઈ છે. હવાઈ ગયેલું લવિંગિયું પણ આ માણસ પાસે નથી. કર્ણાટકની છેલ્લામાં છેલ્લી ચૂંટણીમાં, 2023માં, જો ભાજપ દ્વારા ‘વોટ ચોરી’ થઈ હોય તો કૉન્ગ્રેસ જીતી કેવી રીતે એ સવાલનો જવાબ રાહુલ ગાંધી પાસે નથી. ‘વોટ ચોરી’ના પુરાવા લઈને તમે કોર્ટમાં જશો એવા સવાલનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ બેજવાબદારીથી કહી દીધું કે એ મારું કામ નથી.

    તો ભઈલા, તમારું કામ શું છે? પ્રજાને ઉશ્કેરવાનું? ભારતની પ્રજા તમારી એલફેલ વાતોથી ગુસ્સે થઈને રસ્તા પર આવીને, સંસદમાં ઘૂસીને, વડા પ્રધાનના નિવાસ્થાનમાં પેસીને બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરે એવા આશયથી આ માણસ ‘વોટ ચોરી’નો બેબુનિયાદ મુદ્દો ચગાવી રહ્યો છે.

    રાહુલ ગાંધીની દાળ કોઈ મુદ્દે ગળતી નથી. એમણે જાતિગણનાની માગ કરીને પછાત વર્ગને ઉછેરવાની કોશિશ કરી. સરકારે મુસ્લિમોમાં પણ જે ડઝનબંધ જાતિઓ છે તેનીય ગણના થશે એવી જાહેરાત કરીને હિન્દુઓમાં ફાટફૂટ પડાવવાની ચાલનું સુરસુરિયું કરી નાખ્યું. એટલું જ નહીં બિહાર ઉપરાંત આખા દેશની મતદાન યાદીની ચકાસણી થશે એવી જાહેરાત કરી. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેસિવ રોલ (એસ.આઈ.આર) સામે વિપક્ષોએ વિરોધ કર્યો ત્યારે વડા પ્રધાને એકદમ કડક અને તીખા અવાજે કહી દીધું કે મતદાન યાદીમાંથી ઘૂસપેઠિયાઓને દૂર કરવાના સરકારના સંકલ્પને કોઈ તોડી નહીં શકે. 

    રાહુલે અંબાણી-અદાણીને ટાર્ગેટ કરીને સુટબુટની સરકારનું ડિંડવાણું ચલાવ્યું. તમામ ન્યાયતંત્રની વ્યવસ્થાઓએ બેઉ ઉદ્યોગગૃહો પર રાહુલે લગાડેલા આક્ષેપો ખારિજ કર્યા છે. છેલ્લે બાકી હતું તે સેબીએ હિંડનબર્ગવાળી વાતનું પડીકું વાળીને ગૌતમ અદાણીને ક્લીન-ચિટ આપી છે. 

    ઈવીએમને બદલે બેલટ પેપરથી ચૂંટણી કરાવોનું તૂત પણ ઘણું ચાલ્યું. 2004માં અને 2009માં ઈવીએમથી જ ચૂંટણી થઈ હતી અને કૉન્ગ્રેસની સરકાર ચૂંટાઈ હતી. એ વખતે એવીએમ હૅક નહોતાં થયાં પણ મોદીના આવ્યા પછી ઈવીએમમાં ગોટાળા થવા લાગ્યા? શું ચૂંટણીપંચ મોદીનું રમકડું છે? 2014ની ચૂંટણી વખતે તો કૉન્ગ્રેસ સત્તા પર હતી. કેન્દ્રીય ચૂંટણી પંચના કમિશ્નરો કૉન્ગ્રેસે પસંદ કરેલા હતા. આમ છતાં ભારતીય જનતા પક્ષને 303 સીટ મળી. ચૂંટણી પંચ અને ઈવીએમની હૅકિંગ શક્ય હોય તો 2024માં કેમ ભાજપાને ચારસો પાર જવાની તક ના મળી? કેમ ઘટીને 240 બેઠકો પર સમેટાઈ જવું પડ્યું? 

    શાતિર સોનિયા-પુત્ર રાહુલ પણ જાણે છે કે પોતે જુઠ્ઠા આક્ષેપો ચગાવી રહ્યાં છે અને કૉન્ગ્રેસની કદમબોસી કરવાની જેને આદત પડી ગઈ છે તે દરબારી મીડિયા રાહુલના આ જુઠ્ઠાણાંઓને પોતાની ઇકોસિસ્ટમ દ્વારા આગળ ધપાવી રહ્યું છે.

    કોઈક કોઈક રસ્તા ખાડાટેકરાવાળા છે એવી બેચાર નાનીમોટી ફરિયાદો સિવાય ભારતના મતદારોને મોદી સરકાર સામે બીજી કોઈ ફરિયાદ નથી. પણ ટ્રાફિક જામના પ્રશ્ને દુનિયાના કોઈ દેશમાં રમખાણો થયાં હોય અને સરકાર ઉથલી પડી હોય એવું સાંભળ્યું નથી. મોદી સરકારનો 11 વર્ષનો હિસાબ ઉજળો છે. પ્રજા સુખી છે. રાજકીય સ્થિરતા છે. અસામાજિક તત્વો દ્વારા ફેલાતાં રમખાણો કાબૂમાં છે. કેટલાક વિસ્તારોમાં સરકારની તમામ સુવિધાઓનો લાભ લઈને પણ અમુક મુસ્લિમ મતદારો મોદીને મત નથી આપતા તે છતાં મોદી સબકા સાથ સબકા વિકાસને વળગી રહ્યા છે જેના પરિણામે દેશના ઘણા સમજુ મુસ્લિમો શાંતિથી રહેવા માટે મોદીતરફી બની ગયા છે. ઓવરઑલ દેશ સારી રીતે ચાલી રહ્યો છે. જે કંઈ નાનીમોટી ફરિયાદો હશે તે નગણ્ય છે. તમારામારા કુટુંબમાં, મિત્રોમાં, સોસાયટીના બિલ્ડીંગોમાં પણ આવી નાનીમોટી ફરિયાદો રહેવાની જ છે. સરકારો બદલાતી રહેશે પણ આવી ફરિયાદો એક યા બીજા સ્વરૂપે ચાલુ રહેશે. દુનિયા આખીમાં આટલી ખામીઓ તો હોવાની જ છે.

    રાહુલ ગાંધી આ બધું જ સમજે છે. એમને એ પણ ખબર છે કે 2029માં જો ફરી મોદી વડા પ્રધાન બન્યા તો પોતાના જીવતેજીવ ક્યારેય કૉન્ગ્રેસને સત્તા મળવાની નથી (રાહુલ સવાસો વર્ષ જીવે એવી પ્રાર્થના).

    2029ની ચૂંટણી રાહુલ માટે જ નહીં, કૉન્ગ્રેસ માટે જ નહીં, સમગ્ર વિપક્ષ માટે છેલ્લો ચાન્સ છે. બંગાળની ચૂંટણી મમતા બેનર્જી માટે પણ છેલ્લો ચાન્સ છે. એક જ્યોતિષે તો ત્યાં સુધી જાહેરાત કરી છે કે તેઓ ફરીથી નહીં ચૂંટાય. (જ્યોતિષોની આગાહીમાં શ્રદ્ધા નથી આમ છતાં આ પર્ટિક્યુલર જ્યોતિષના મોઢામાં ઘી-સાકર મૂકવા માટેના પૈસા અલગ મૂકી રાખ્યા છે.) 

    રાહુલ ગાંધી પાસે 1,000 કરતાં વધારે દિવસો છે— આ દેશમાં અરાજકતા ફેલાવવા માટે, યુવાનોને ઉશ્કેરવા માટે, દલિતો વગેરેને ઉશ્કેરવા માટે. અને આ બધાને રસ્તા પર લાવીને પરિસ્થિતિ કાબૂ બહાર જાય એવા પ્રયત્નો કરવા માટે. કૉન્ગ્રેસ પાસે કે રાહુલ ગાંધી પાસે ન તો કોઈ નક્કી દિશા, નિર્ધારિત નકશો કે નક્કર કાર્યક્રમ છે જેના આધારે દેશની પ્રગતિ વધુ સારી રીતે થઈ શકે છે એવો તેઓદાવો કરી શકે. ન તો એ લોકો પાસે મોદી સરકાર વિરુદ્ધ એક પણ પુરાવો છે કે હાલની સરકાર દેશ ચલાવવા માટે સક્ષમ નથી. 

    રાહુલ નામના બનાવટી ગાંધીનો ગોકીરો આગામી સાડા ત્રણ વર્ષમાં ઔર જોર પકડવાનો છે. કૉંગ્રેસની પતરાળીમાંથી વધેલો એઠવાડ ખાવાની ટેવ ધરાવતા દરબારી મીડિયાને સાધીને તેઓ એવી એવી અફવાઓ ફેલાવવાના છે જે જાણીને ભલભલા મોદી સમર્થકો ડગમગી જશે. રાહુલ ગાંધી ઈચ્છે છે કે મોદી સરકાર પોતાની ધરપકડ કરે, એ ઈચ્છે છે કે કોઈ વિરોધી પોતાના પર હુમલો કરે. એટલે જ તેઓ બેફામ વાણીવિલાસ કરે છે. એટલે જ તેઓ સરકારે આપેલી ઝેડ પ્લસ સિક્યુરિટીને અવગણીને પ્રવાસો કરતા રહે છે. 

    મોદી સરકાર આ બધું સમજે છે. મોરારજીભાઈના શાસનમાં ગૃહ પ્રધાન ચરણ સિંહની જીદથી ઇન્દિરા ગાંધી અને સંજયની ધરપકડ કરવામાં ન આવી હોત તો આ કિન્નાખોર માતા અને કબાડી પુત્રની જોડીને ‘શહીદ’નો દરજ્જો ન મળ્યો હોત, પ્રજાની સહાનુભૂતિ ન મળી હોત. પણ એક વિધવાની ધરપકડ, એક તેજસ્વી યુવાનની ધરપકડ— એવો પ્રચાર કરીને કૉન્ગ્રેસ પાછી સત્તા પર આવી ગઈ.

    મોદી અતીતનું પુનરાવર્તન કરવા નથી માગતા. મોદી એ પણ સમજે છે કે ન કરે નારાયણ ને 2029માં ભારતીય જનતા પક્ષ હારી જશે તો કૉન્ગ્રેસ અને એના સાથીઓ સત્તા પર આવીને ભાજપનો જ નહીં, આરએસએસનો પણ ઘડો લાડવો કરી નાખશે. મોદી સહિત તમામ હિન્દુવાદીઓને જેલમાં પૂરીને ઇલેક્શન કમિશનને પોતાની પાંખમાં લઈને ભારતના તમામ રાજ્યોમાં બિન-ભાજપી સરકારની રચના કરશે. કાશ્મીરમાં 370મી કલમની પુનઃસ્થાપના કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે. દેશમાં અને આખી દુનિયામાં મોદીના સમર્થકોમાં એવી હવા ફેલાવશે કે મોદીયુગનું શાસન ભ્રષ્ટ હતું, ખોખલું હતું, લોકોની આંખોમાં ધૂળ નાખીને પોતાની કમજોરીઓને છુપાવતું હતું. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની જેમ રાહુલ ગાંધી પણ ન્યાયતંત્રની છડેચોક અવગણના કરીને પોતાના ભ્રષ્ટ સાથીઓ માટે દેશની તિજોરી ખુલ્લી મૂકી દેશે.

    2029ની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી વિપક્ષી નેતાઓનો સાથ લઈને એવું નિરાશાજનક વાતાવરણ બનાવશે કે આ દેશ ખાડે ગયો છે, મોદી સરકાર નિષ્ફળ ગઈ છે, ત્રણ-ત્રણ ટર્મ મળી હોવા છતાં મોદીએ દેશને 50 વર્ષ પાછળ ધકેલી લીધો છે, યુવાનોની આશા પર પાણી ફેરવી દીધું છે, ગરીબ વધારે ગરીબ બની ગયો છે, હિંદુ-મુસ્લિમના ભાગલા પાડીને મોદીએ રાજ કર્યું છે, દેશના સેક્યુલર ફેબ્રિકનાં ચિથરાં ઊડી ગયા છે, દેશમાં લોકશાહીની પુનઃસ્થાપના જરૂરી છે. અને આ દરેક આક્ષેપને પુરવાર કરવા માટેના હાઈડ્રોજન બૉમ્બ રાહુલ ગાંધીના ખિસ્સામાં હશે. 

    દેશની તમામ બંધારણીય સત્તાઓનો અનાદર કરીને— સંસદ, ન્યાયતંત્ર અને સરકારી વ્યવસ્થા ચલાવતા સૌ કોઈને જુઠ્ઠા કહીને ભારતના નાગરિકોમાં મોદી પ્રત્યે અવિશ્વાસ ઊભો કરવાના વૈશ્વિક ષડયંત્રનો રાહુલ ગાંધી એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ સૌ નોટબંધીથી માંડીને ઑપરેશન સિંદૂર સુધીની મોદીની તમામ સિદ્ધિઓ વખતે શંકાનું વાદળું ઊભું કરીને દેશની જનતાને મૂરખ બનાવવાના મરણિયા પ્રયાસો કરે છે. 

    ડેન્જરસ ગેમ એટલે એક એવી જોખમી, અવિચારી અને લાપરવાહ પ્રવૃત્તિ જેનું પરિણામ હંમેશા નકારાત્મક જ હોવાનું અને જેને કારણે ઘણી મોટી હાનિ થઈ શકે છે— ભયાનક આપદા, આફત અને આપત્તિ સર્જાઈ શકે છે. આવી ડેન્જરસ ગેમ રમવામાં એ જ વ્યક્તિને રસ હોઈ શકે જેનું દિમાગ ખાલી હોય, જેના દિમાગમાં શેતાને ઘર બનાવી લીધું હોય. 

    લાસ્ટ બૉલ 

    દિલ કે અરમાઁ આંસુઓ મેં બહ ગયે,

    ઝિંદગી એક પ્યાસ બન કર રહ ગઈ. 

    (હસન કમાલની આ પંક્તિઓ 2029નાં પરિણામો પછી રાહુલ ગાંધી ગાશે કે તમે— તમારે નક્કી કરવાનું છે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં