(તંત્રીલેખ, 18 સપ્ટેમ્બર)
કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) ફરી એક વખત વોટ ચોરીવાળું ભૂત ધુણાવ્યું. દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ટાર્ગેટ કર્યા અને તેમની ઉપર તથાકથિત વોટચોરી કરનારાઓને મદદ કરવાનો, સંરક્ષણ આપવાનો આરોપ લગાવી દીધો. તેમની ટીમે એક પ્રેઝન્ટેશન બનાવ્યું હતું એ મોટા પડદે બતાવીને સંભવતઃ અગાઉથી શું-શું કહેવાનું એ કહી રાખ્યું હશે એ પ્રમાણે બોલી ગયા. એક-બે પત્રકારોના પ્રશ્નોના જવાબો આપ્યા, જે મોટેભાગે એજન્ડાને અનુરૂપ જ હોય છે. (જો વિપરીત હોય તો આ ભાઈ તેને ભાજપનો એજન્ટ ગણાવીને આગળ વધી જાય છે અને તેમના ચેલાચપાટાઓ આખો દિવસ પછી એમ માનીને ખુશ થયા કરે છે કે રાહુલજીએ આજે એક પત્રકારને તેની ઔકાત બતાવી દીધી! એમ નથી કહેતા કે અમારો રાહુલજી અઘરા પ્રશ્નોના જવાબો આપી શકતો નથી!)
રાહુલ ગાંધીએ જે દાવા કર્યા, જે આરોપો લગાવ્યા તેની ઉપર ચૂંટણી પંચનો જવાબ આવી ચૂક્યો છે. આ ભાઈનું કહેવું છે કે કર્ણાટકની એક વિધાનસભા બેઠક પર મોટી સંખ્યામાં વોટ ડિલીટ કરવામાં આવ્યા હતા અને જેના ડિલીટ થયા તે કે જેના નામે અરજીઓ થઈ હતી તેમને આ વિશે કોઈ જાણ નથી. અમુક લોકોને પણ સ્ટેજ પર રજૂ કર્યા. આખી પ્રેસ કૉન્ફરન્સમાં એવું પણ કહેતા રહ્યા કે હું જે કંઈ કહું છું એ સાચું જ કહું છું અને મારી પાસે તેના પુરાવા છે. માણસ સાચો હોય તો આવું વારંવાર કહેવાની જરૂર ન પડે, પણ સંભવતઃ કોંગ્રેસને પણ ખબર પડી ગઈ છે કે લોકોએ હવે ગંભીરતાથી લેવાનું માંડી વાળ્યું છે. હકીકત એ પણ છે કે પહેલાં પણ ગંભીરતાથી લેવામાં આવતા ન હતા.
ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઓનલાઇન વોટ ડિલીટ ન થઈ શકે, જેવું ચિત્ર રાહુલ ગાંધી ઊભું કરવાના પ્રયાસ કરે છે. કોઈના વોટ ડિલીટ પણ કરવાના હોય તો પહેલાં જે-તે વ્યક્તિને પક્ષ રજૂ કરવાની પૂરતી તકો આપવામાં આવે છે, પછીથી તેને અપીલ કરવાનો પણ સમય મળે છે અને યોગ્ય પ્રક્રિયા હેઠળ આ બધું થાય છે. વેબસાઈટ પર જઈને હિસ્ટ્રી ડિલીટ કરે એવું આમાં હોતું નથી. વોટ સામાન્ય માણસો ડિલીટ નથી કરી શકતા, માત્ર અરજી કરી શકે છે.
જ્યાં સુધી વાત કર્ણાટકની બેઠકની છે તો ત્યાં 2023માં આવો એક પ્રયાસ થયો હતો પણ ચૂંટણી પંચે જ તેમાં FIR નોંધાવડાવી હતી અને કમિશન જ તપાસ પણ કરી રહ્યું છે. આ બધી વિગતો જોકે કોંગ્રેસીઓ માટે કામની નથી, કારણ કે તથ્યો સાથે ક્યારેય નિસ્બત રહી નથી.
આ જ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે તેઓ સતત ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તો હવે પોતે કોર્ટમાં જશે કે ન્યાયાલયના દરવાજા ખખડાવશે કે કેમ? ત્યારે આ ભાઈ ગેંગેંફેંફેં થઈ ગયા અને કહેવા માંડ્યા કે એ મારું કામ નથી.
રાહુલે કહ્યું, “ફ્રેન્કલી, અહીં હું કરી રહ્યો છું એ મારું કામ નથી. મારું કામ લોકતાંત્રિક પ્રણાલીમાં ભાગ લેવાનું છે. મારું કામ લોકતાંત્રિક પ્રણાલીની રક્ષા કરવાનું નથી. આ કામ સંસ્થાઓનું છે. તેઓ નથી કરી રહ્યાં એટલે હું કરી રહ્યો છું.”
રાહુલ ગાંધીને સીધો પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જે ઘણા સમયથી લોકોના મનમાં પણ છે, કે જો તેમને પોતાના દાવા અને આરોપો પર બહુ આત્મવિશ્વાસ હોય તો તેઓ કોર્ટ કેમ નથી જતા. શા માટે આવી પ્રેસ કૉન્ફરન્સ કરીને, સોશિયલ મીડિયા પર પોસ્ટો કરીને માહોલ બનાવવાના પ્રયાસો કરતા રહે છે? આ વખતે પણ એ જ પ્રશ્ન પૂછાયો અને ફરી રાહુલે લોકતંત્ર અને બંધારણની વાતો શરૂ કરી દીધી, પણ જવાબ ન આપ્યો. છેલ્લે એમ કહી દીધું કે હું માત્ર સત્ય રજૂ કરી શકું છું, લોકતંત્ર બચાવવાનું કામ જનતાનું છે.
એક તરફ કોંગ્રેસ ઇકોસિસ્ટમ રાહુલ ગાંધીને લોકતંત્રને બચાવનાર તરીકે રજૂ કરવા રાત-દહાડો મજૂરી કરતી રહે છે અને બીજી તરફ આ ભાઈ કહે છે કે આ બધું કામ મારું નથી. વાસ્તવિકતા એ છે કે ભૂતકાળમાં જ્યારે-જ્યારે આવાં તૂત લઈને આ ટોળકી કોર્ટ સમક્ષ ગઈ છે ત્યારે ઊંધે માથે પછડાટ ખાવાનો જ વારો આવ્યો છે. પેગાસસ, આર્ટિકલ 37૦થી માંડીને અનેક વિષયોમાં કોર્ટે સરકારને, લોકતાંત્રિક સંસ્થાઓને ક્લીનચિટ આપી છે અને તે પહેલાંનો તમામ પ્રોપગેન્ડા ધ્વસ્ત જ થયો છે. સંભવતઃ કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ ડ્રામાનું પણ ભવિષ્ય જાણે છે, એટલે આવા ઉડાઉ જવાબો આપીને ટાઈમપાસ કરી રહ્યા છે. ખેલ કેટલોક ચાલે એ જોઈએ!


