ગિરનાર પર્વતની તળેટીમાં, પ્રકૃતિની વનરાજી અને આધ્યાત્મિક ઊર્જા વચ્ચે ભવનાથ મહાદેવનાં મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રિના પાવન અવસરે એક અનોખો મેળો ભરાય છે. મેળો માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ભક્તિ, તપ અને સમાગમનો જીવંત અનુભવ છે. મને યાદ છે જ્યારે હું પહેલી વખત ત્યાં પહોંચ્યો, ત્યારે મારા મનમાં અનેક પ્રશ્નો હતા. આટલી ભીડમાં કેવી રીતે શાંતિ મળશે? સાધુ-સંતોની વચ્ચે કેવી રીતે આધ્યાત્મિક અનુભવ થશે?
પરંતુ જેમ-જેમ હું ત્યાંનાં વાતાવરણમાં ડૂબતો ગયો, તેમ તેમ મને સમજાયું કે આ મેળો બાહ્ય ભીડ અને આંતરિક મૌનનો અદ્ભુત સમન્વય છે. આજે હું તમને મારા તે અનુભવની વાત કરીશ, જેમાં હું એક સામાન્ય માણસની જેમ ખરડાયેલા સાંસારિક પ્રશ્નો સાથે ગયો હતો અને એક ગૂઢ અનુભૂતિ, અધ્યાત્મ અને ભીતરની યાત્રા સાથેના અનુભવો લઈ પરત ફર્યો હતો.
યાત્રાની શરૂઆત: જૂનાગઢથી ભવનાથ સુધી
ભાવનગરથી જૂનાગઢ પહોંચ્યા પછી ભવનાથ સુધીની યાત્રા શરૂ થઈ હતી. માણસોની સાથે, ઘોંઘાટમાં, બસમાં આ યાત્રા કરવાનું વિચાર્યું હતું. જૂનાગઢ શહેરથી ગિરનારની તળેટી સુધીનો રસ્તો લાંબો નથી, મુશ્કેલીથી પાંચ-છ કિલોમીટર. પરંતુ જેમ-જેમ વાહન આગળ વધે છે, એવું લાગે છે કે આ અંતર ભૌગોલિક કરતાં માનસિક વધુ છે. શહેરની સામાન્ય હિલચાલ પાછળ છૂટી જાય છે અને સામે ઉભરે છે ગિરનારનું વિશાળ, શાંત અને ગંભીર સ્વરૂપ.
બસમાં મારી સાથે બેઠેલા કેટલાક લોકો ‘હર હર મહાદેવ’, ‘જય ગિરનારી’નો નાદ કરી રહ્યા હતા. એક વૃદ્ધ દંપતી પોતાના પૌત્રને સમજાવી રહ્યા હતા કે આ મેળો કેમ વિશેષ છે. હું બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો, દૂર અંધારામાં ગિરનારનો પડછાયો એવો દેખાઈ રહ્યો હતો જાણે કોઈ જટાધારી યોગીની આકૃતિ હોય.
તળેટીમાં પ્રવેશ
જેવું વાહન પાર્કિંગ વિસ્તાર પાસે પહોંચ્યું, તેવું સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ સામાન્ય આયોજન નથી. લાંબી વાહનોની કતાર, પોલીસનો બંદોબસ્ત, સ્વયંસેવકોની અવરજવર. હું પગપાળો આગળ વધ્યો. રસ્તાની બંને બાજુ અસ્થાયી દુકાનોની કતાર હતી, રુદ્રાક્ષ, ત્રિશૂળ, ભભૂતિ, કેસરિયા ધ્વજ, ભગવાન શિવની તસવીરો. ક્યાંક ગરમ ફાફડા-જલેબીની સુગંધ, ક્યાંક ચાની કેટલીમાંથી ઉઠતી વરાળ.
ઢોલની થાપ અને ‘હર હર મહાદેવ’ના ઉદ્ઘોષ વચ્ચે હું પણ ભીડમાં સમાઈ ગયો. આ ભીડ હતી, પરંતુ અરાજક નહીં. દરેક વ્યક્તિ એક જ દિશામાં આગળ વધી રહ્યો હતો- ભવનાથ મહાદેવ તરફ. ભવનાથ મહાદેવનાં મંદિરમાં કોઈ વિધિ ચાલી રહી હતી અને આસપાસ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો એકઠા થઈ રહ્યા હતા.
મંદિર પરિસર પાસે પહોંચતાં જ સાધુઓના ડેરા દેખાવા લાગ્યા. બે કતારમાં સજ્જ રાવટીઓ. ક્યાંક અખંડ ધૂણી ધખી રહી છે, ક્યાંક સાધુ શાંતિથી બેસીને જાપ કરી રહ્યા છે. હું એક રાવટી પાસે થોભ્યો, જ્યાં જેરામબાપાનો ગિરનારી ઉતારો હતો. ત્યાં ભોજનની વ્યવસ્થા ચાલી રહી હતી. સવાર, બપોર અને સાંજના ત્રણેય સમયે નિઃશુલ્ક ભોજન. ત્યાં ચા પણ વહેંચાઈ રહી હતી. કોઈએ મને પણ બેસવાનો ઇશારો કર્યો. થોડી જ વારમાં વાતચીત શરૂ થઈ ગઈ, કોઈ રાજકોટથી આવ્યું હતું, કોઈ કચ્છથી તો કોઈ વળી મહારાષ્ટ્રથી.
અહીં માત્ર સાધુ જ નહોતા, સેવાભાવી લોકો પણ હતા. કાઠિયાવાડના ખમીરવંતા પણ માયાળું માણસો અહીં સદાવ્રતો પણ ચલાવી રહ્યા હતા. જેમ કે તોરણીયાનો ઉતારો, પરબનો ઉતારો અને ભુરાભગતની રાવટી. ભોજનની વ્યવસ્થા ચાલી રહી હતી. ખીચડી, કઢી, ફરાળી ભોજન. મને પહેલી વખત અનુભવ થયો કે આ મેળો માત્ર ધાર્મિક નથી, સામાજિક પણ છે. સેવા અને ભક્તિ બંને સાથે ચાલી રહી છે.
રાત વધુ ગાઢ થઈ રહી હતી, ગિરનાર પર ફેલાયેલો પીળા બલ્બનો પ્રકાશ એક અલગ અનુભુવ આપી રહ્યો હતો, એવો અનુભવ જે શબ્દોમાં કદાચ વર્ણવી નહીં શકાય. ભીડમાં હું ચાલતો-ચાલતો ભવનાથ મંદિર તરફ વધ્યો. મંદિરની જમણી બાજુએ સાધુઓની રાવટીઓ હતી, જ્યાં તેઓ તેમના સેવકો સાથે બેઠા હતા. કેટલાક નાગા સાધુઓ તેમની ઇન્દ્રિયો વડે અદ્ભુત કરતબો દેખાડી રહ્યા હતા, જેમ કે વાહનો ખેંચવા અથવા તલવારબાજી. હું મંદિરની કતારમાં જોડાઈ ગયો. કતાર લાંબી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ કે લોકો અધીરા નહોતા. કોઈ ભજન ગાઈ રહ્યું હતું, કોઈ જાપ કરી રહ્યું હતું, કોઈ બાળકોને સંભાળી રહ્યું હતું.
ધીમે-ધીમે અમે મુખ્ય દ્વાર સુધી પહોંચ્યા. મંદિરનું શિખર પ્રકાશમાં ચમકી રહ્યું હતું. જ્યારે મારો વારો આવ્યો અને હું ગર્ભગૃહની સામે પહોંચ્યો, ત્યારે એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું. ભીડ પાછળથી આગળ વધી રહી હતી, પરંતુ તે એક ક્ષણમાં સમય થંભી ગયો. શિવલિંગ પર ભસ્મ જોઈ. હાથ આપમેળે જોડાઈ ગયા. અહીં મને સમજાયું કે દર્શન માત્ર જોવાનું નામ નથી, તે અનુભવ છે. તે ભીતરમાં કંઈકને સ્પર્શે છે.
મધ્યરાત્રિ નજીક આવતાં વાતાવરણ બદલાવા લાગ્યું. લોકો એક જ દિશામાં ભેગા થવા લાગ્યા. ‘રવાડી શરૂ થવાની છે’— આ શબ્દ વારંવાર સંભળાઈ રહ્યા હતા. પછી અચાનક શંખનાદ થયો. નાગા સાધુ પ્રગટ થયા. ભસ્મથી ઢંકાયેલા શરીર, જટાઓ, ત્રિશૂળ. જયઘોષની ધ્વનિ ગિરનારની ટેકરીઓ સાથે અથડાઈને પાછી આવી રહી હતી.
કેટલાક ઘોડા પર સવાર હતા, કેટલાક પગપાળા, કેટલાક પોતાના અખાડાના ધ્વજ સાથે. ભીડ રોમાંચિત થઈ ગઈ હતી. મોબાઈલ કૅમેરા ઉપર ઉઠી ગયા હતા. મેં પણ જોયું — પરંતુ કૅમેરા કરતાં વધુ આંખોથી. આ માત્ર દૃશ્ય નહોતું. આ ત્યાગ, અનુશાસન અને પરંપરાનું જાહેર સ્વરૂપ હતું. તે ક્ષણે સમજાયું કે આ મેળાને માત્ર ઉત્સવ કહેવું પૂરતું નથી.
નાગા સાધુઓ, અઘોરી અને વિવિધ અખાડાના સાધુઓ ઘોડા, ગાડી, બગ્ગી કે હાથી પર સવાર થઈને નીકળ્યા. વાજતે-ગાજતે તેઓ મૃગીકુંડ તરફ વધ્યા. કેટલાક સાધુઓ તેમની ઇન્દ્રિયો વડે વાહનો ખેંચી રહ્યા હતા, તો કેટલાક તલવારબાજી અને લઠદાવ દેખાડી રહ્યા હતા. ભભૂત લગાવેલા શરીર અને લાંબા વાળ સાથે તેઓ જાણે શિવના રુદ્ર રૂપમાં નીકળ્યા હોય.
રવાડી મૃગીકુંડની દિશામાં આગળ વધી. હું પણ ભીડ સાથે ત્યાં પહોંચી ગયો. કુંડની આસપાસ શ્રદ્ધાળુઓનો સમુદ્ર હતો. સાધુ ક્રમશઃ સ્નાન કરી રહ્યા હતા. કહેવાય છે કે આ સ્નાન વિશેષ છે શુદ્ધિ અને સંકલ્પનું પ્રતીક.
મેં પણ જળને સ્પર્શ કર્યું. પાણી ઠંડું હતું. પરંતુ ભીતરમાં કોઈક અલગ કંપારી આવી. બે ઘડી સમજાયું નહીં કે ઠંડી લાગી રહી છે કે અંદરથી કોઈ સાદ પાડી રહ્યું છે. આ અનુભવની સાથે મને બાપુજીએ કહેલી એ વાત યાદ આવી કે, ‘મૃગીકુંડ તો શ્રીહરિ વિષ્ણુનું હ્રદય છે. એ પાણી સિદ્ધ યોગીઓનું ચરણામૃત છે અને સ્વયં શિવ નાગા સાધુના વેશે અહીં સ્નાન કરે છે.’
મારા દાદાજીએ જે-તે સમયે મને એવું પણ કહ્યું હતું કે કેટલાક નાગા સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ ક્યારેય પરત ફરતા નથી. એ ક્યાં જાય છે અને કોણ છે એ પણ કોઈ જાણી શક્યું નથી. શરૂઆતમાં આ બધી બાબતો મને મિથ્યા અને ભ્રામક લાગી. મન તાર્કિક વાતો સ્વીકારી શકે એ મને ખ્યાલ હતો, પણ આવી બધી વાતો તે સમયે મને માત્ર અંધવિશ્વાસ કે પછી લોકમાન્યતા લાગતી હતી.
મૃગીકુંડનાં જળસ્પર્શથી યાદ આવ્યું અને ફરી અમારી આખી ટોળકી મૃગીકુંડ પાસે ડેરો જમાવીને બેસી ગઈ. એકે કહ્યું- આજે તો જોવું જ છે કે આ સાધુઓ બહાર ક્યારે નીકળે. કેટલાક નાગા સાધુઓ આવ્યા, શાહી ઠાઠ, હાથમાં ત્રિશુળ, ગળામાં રુદ્રાક્ષ અને ભસ્મ. લગભગ 35-40 સાધુઓ હતા. 45 મિનિટ આસપાસ તેમણે સ્નાન કર્યું અને પછી કુંડમાંથી નીકળ્યા. તેઓ નીકળ્યા ત્યારે સંખ્યા ઘટી ગઈ હતી, ગણવાનો તો સમય ન હતો પરંતુ સંખ્યા 10-15 જેટલી હતી.
ફરી મનમાં કુતૂહલ પેદા થયું કે કદાચ અમુક સાધુઓ હજુ ડૂબકી લગાવી રહ્યા હશે અથવા પાણીની ભીતર કોઈ સાધના કરી રહ્યા હશે. અમે કલાકો સુધી રહ્યા પણ તે સાધુઓ ન દેખાયા! કોઈ શ્વાસ થંભાવીને આટલો સમય જળમાં બેસી રહે એ પણ શક્ય નહોતું. અંતે મેં મારી તાર્કિક બુદ્ધિને બાજુ પર મૂકી દીધી અને ભવનાથના મંદિર તરફ હાથ જોડીને ક્ષમા માંગી લીધી. અહીં પણ એ જ બાબત યાદ આવી કે વિજ્ઞાન અને બુદ્ધિથી પરે પણ કોઈ ચીજ છે અને તે છે ઈશ્વરની અનુભૂતિ.
લોકકથાઓમાં સાંભળ્યું હતું કે મૃગીકુંડમાં અશ્વત્થામા, પાંડવો, રાજા ભરથરી અને સિદ્ધ યોગીઓ નાગા સન્યાસીઓના રૂપમાં સ્નાન કરવા આવે છે. પેલા સાધુઓને કુંડમાંથી બહાર ન નીકળતા જોઈ મને સહજ પ્રશ્ન થયો કે આ જ સિદ્ધ યોગીઓ તો નહીં હોય ને? શું ખબર શિવ પોતે પણ હોય. બે ઘડી મગજ પર જોર આપ્યું અને પછી આ ગડમથલને એક જીવનનું શ્રેષ્ઠ સંભારણું બનાવીને હ્રદયમાં કંડારી દીધું.
રાત ઊંડી થતી ગઈ, પરંતુ મેળો થંભતો નહોતો. એક જગ્યાએ ભજન મંડળી ગાઈ રહી હતી. ક્યાંક સંતવાણી ચાલી રહી હતી. ક્યાંક લોકકલાકારો પ્રસ્તુતિ આપી રહ્યા હતા. મેળામાં રહેવા અને જમવાની વ્યવસ્થા અદ્ભુત છે. ભોજનમાં ખીચડી, કઢી અને ફરાળી વાનગીઓ હતી. બધું નિઃશુલ્ક અને પવિત્ર ભાવ સાથે પીરસવામાં આવ્યું. આ રાવટીઓ, જેમ કે ખોડીયાર રાસ મંડળની રાવટી કે માખાવડના ચીનુબાપુનો ઉતારો સૌરાષ્ટ્રના સંતોની આગવી છાપને સાર્થક કરે છે- ‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’ (જ્યાં ભૂખ્યાને અન્ન (ટુકડો) આપવામાં આવે છે, ત્યાં ભગવાન (હરિ) નિવાસ કરે છે).
હું લક્ષ્મણ બારોટના ઉતારામાં બેઠો, જ્યાં રાત્રે ભજન અને સંતવાણીનું આયોજન હતું. સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો ભજન ગાઈ રહ્યા હતા. ઢોલકની થાપ, હાર્મોનિયમની ધૂન અને સામૂહિક સ્વર, વાતાવરણમાં ભક્તિની કંપન હતી. લોકો થાકેલા હતા, પરંતુ પાછા ફરવા માંગતા નહોતા. આ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નહોતું, સાંસ્કૃતિક ઉત્સવ પણ હતો.
રાત ધીમે-ધીમે પ્રભાતમાં બદલાવા લાગી હતી. કેટલાક દુકાનદારો સામાન સમેટવા લાગ્યા હતા. કેટલાક લોકો વિશ્રામ માટે જગ્યા શોધી રહ્યા હતા. હું મંદિર પરિસરથી થોડે દૂર ઊભો રહીને ગિરનાર તરફ જોઈ રહ્યો હતો. કેટલીક કલાક પહેલાં આ જ સ્થળ જયઘોષથી ગુંજી રહ્યું હતું. હવે શાંતિ હતી. અહીં મને આ મેળાનો સૌથી ગાઢ અર્થ સમજાયો. ઉત્સવ અસ્થાયી છે, શિવત્વ શાશ્વત છે. ભીડ આવે છે અને જતી રહે છે પરંતુ ગિરનાર તો ત્યાંનો ત્યાં જ રહે છે.
જ્યારે હું પાછો ફરી રહ્યો હતો, ત્યારે એક વાર પાછળ વળીને મંદિર તરફ જોયું. હું આવ્યો હતો જોવા માટે. હું પાછો ફરી રહ્યો છું અનુભવ લઈને. ભવનાથનો મેળો માત્ર આયોજન નથી. તે સ્મરણ છે કે અમારી પરંપરાઓ જીવંત છે. એ શીખવે છે કે આધ્યાત્મિકતા ભીડમાંથી ભાગી જવામાં નહીં, પરંતુ તે જ ભીડ વચ્ચે મૌન શોધી લેવામાં છે. શિવરાત્રિ છે. મેળો સમાપ્તિ તરફ છે. પરંતુ મારી અંદર જે સ્થિરતા રહી ગઈ છે તે કદાચ લાંબા સમય સુધી રહેશે.
મહાદેવ હર, જય ગિરનારી.


