Wednesday, April 24, 2024
More
  હોમપેજમંતવ્યઆણંદની યુવતીના ઘરે 'આઈસ્ક્રીમ ખાવા' ગયેલા ભરતસિંહ સોલંકી વિડીયો વાઇરલ થયા બાદ...

  આણંદની યુવતીના ઘરે ‘આઈસ્ક્રીમ ખાવા’ ગયેલા ભરતસિંહ સોલંકી વિડીયો વાઇરલ થયા બાદ રાજકારણમાંથી લેશે ટૂંકો વિરામ: પ્રેસ કોન્ફરન્સમાં કર્યા અનેક ખુલાસા

  ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો વિડીયો વાયરલ થયાના બીજા દિવસે તેમણે ખુલાસા માટે પ્રેસ કોન્ફરન્સ તો કરી પરંતુ અહીં પણ તેમણે જાતીવાદી રાજકારણ રમવાનું જ બહેતર સમજ્યું હતું.

  - Advertisement -

  કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથે વાઇરલ થયેલ વિડીયો બાદ રાજકારણમાં મોટો ખળભળાટ થવા પામ્યો હતો. આજે ભરતસિંહે પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસા કર્યા હતા. આ પત્રકાર પરિષદમાં ભરતસિંહ સોલંકીએ પત્ની પર અનેક આરોપો કર્યા હતા. સાથે જ વીડિયોમાં દેખાતી યુવતી વિશે પણ ખુલાસો કર્યો હતો. પત્રકારોના પ્રશ્નોના સીધા જવાબ આપવાને બદલે એમને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને જાતિના રાજકારણનો દાવ પણ રમી લીધો હતો.

  ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા ભરતસિંહનો વિડિયો વાયરલ થયો હતો. 2 દિવસ પહેલા ભરતસિંહ એક યુવતી સાથે ઝડપાયા હતા. પત્નીએ ભરતસિંહને અન્ય યુવતી સાથે ઘરમા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પત્ની સાથે ભરતસિંહ સોલંકીનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જે જગજાહેર છે. વિડીયો વાઇરલ થયા બાદ આજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભરતસિંહ સોલંકીએ જાહેર કર્યું કે તેઓ રાજકારણમાંથી ટૂંકો વિરામ લઈ રહ્યા છે.

  ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યુ હતું કે, “છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો ચાલતો હતો, ત્યારે લોકો કહેતા કે હુ આ મામલે કેમ કંઈ કહેતો નથી. સાત મહિનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને મારા માટે વ્યક્તિગત વિવાદ થયા. એના કારણે અનેક લોકોએ મને બોલા કહ્યું. રાજકીય રીતે 1992 માં આવ્યા બાદ નિરંતર ચાલ્યા કરી. 30 વર્ષના મારા જાહેરજીવનમાં મારી સામે કંઈ આરોપ થયા નથી. અચાનક ચૂંટણી આવે ત્યારે કંઈને કંઈ નવી શરૂઆત થઈ જાય છે.”

  - Advertisement -

  તેમણે વીડિયો દેખાતી યુવતી વિશે કહ્યુ કે, “મારા વાયરલ વીડિયોમાં બધાએ ચલાવ્યુ કે રંગરેલિયા કર્યા. પણ હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રિદ્ધી પરમારનું હતું. નિખાલસ વાત કરુ છુ કે, હું પત્નીથી છુટી થઈશ તો મને સ્વીકારવા તૈયાર થશે તે મારુ ત્રીજુ લગ્ન પણ થશે. મને સ્વિકારવા કોઇ તૈયાર થાય તો ત્રીજુ  લગ્ન હશે એ મારુ નસીબ.” આમ અહી તેમણે વિડિયોમાં દેખાઈ રહેલ યુવતીનું નામ પણ જાહેર કર્યું અને એની સાથેના પોતાના સંબંધ પણ આડકતરી રીતે સ્વીકાર્યા હતા.

  તેમણે કહ્યુ કે, “તાજેતરમાં રામ મંદિર બાબતે મને વખોડવામાં આવ્યો. રામનુ મંદિર બંધાય તો ભરતને આનંદ થાય કે નહિ. રામ મંદિરમાં સૌની ભાગીદાર છે, તેમાં કંઈ ખોટુ હોય તો આંગળી ચીઁધવાનો અમારો અધિકાર છે. દરેક વાતને તોડમરોડ કરીને જે રીતે રજૂઆત કરાય છે. હવે આ વાતને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. હું ક્ષત્રિય છુ અને ક્ષત્રિયોએ મંદિરોની રક્ષા માટે ફટાણાં માથા આપ્યા છે.” આમ અંહી તેમણે પોતાની જાતિનું કાર્ડ રમ્યું હતું.

  “મોંઘવારી અને ગુજરાતની તકલીફો બતાવવાને બદલે કોના લગ્નજીવન સમસ્યા છે  આ દેશમાં અનેક પરિવારમાં છૂટાછેડા ડિવોર્સની વાત થાય છે, તેમાંથી કોઈ વાતનો નિકાલ ન આવે તે માટે દેશની કોર્ટ છે. તેની ચર્ચા રાજકીય મંચ પર રાજકીય રીતે વારંવાર કેમ કરવી.” સોલંકીએ જોડ્યુ. ભરતસિંહે આગળ કહ્યું કે, “વાત જાણવા તેના માટે બેકગ્રાઉન્ડમાં પણ જવુ જોઈએ. લગ્ન કેવા સંજોગોમાં થયા અને શુ થયુ તે લોકો પહેલા જાણી લે. લગ્નના 15 વર્ષ પછી પણ કોઈ સંબંધ ન હોય તો હુ ઈચ્છતો કે ઘરની વાત ઘરમાં રહે. બહાર જવાથી કોઈ સોલ્યુશન આવતા નથી. મીડિયા, ટીવી, ડિબેટમાં આવવાથી પ્રશ્નનો નિરાકરણ થાય તો મને કોઈ વાંધો નથી. છેલ્લે ન્યાયતંત્ર પર આધાર છે. મારી પાસે અનેક પુરાવા છે તે કોર્ટમાં રજૂ કરવાના છે. હાલ રજૂ કરુ તો તેનો કોઈ લાભ કે ઉપાય નથી. બંધારણે ઘડેલા નીતિ નિયમોના આધારે કોર્ટ નક્કી કરશે. મારા લગ્ન ક્યારે અને કયા સંજોગોમાં થયા એ પણ જોવું જરૂરી છે.”

  ભારત સોલંકીએ પત્ની રેશ્મા પટેલ પર લગાવ્યા અનેક આરોપ

  ભરતસિંહે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની પત્ની પર આરોપ લગાવ્યો હતો કે તે કોંગ્રેસવિરોધીઓ સાથે મળેલી છે અને પોતાને તથા કોંગ્રેસને નુકશાન થાય એ માટે આ બધા નાટકો કરે છે. આગળ ભરતસિંહે કહ્યુ કે, “હુ જાહેરજીવનમાં છું, સામાન્ય જીવન જીવતો હોત તો આટલી ચર્ચા ન કરત. મેં ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન વ્યવહાર કર્યો નથી. મને કોઈ ગાળ બોલાવડાવે તો હુ એક કરોડ રૂપિયા આપવા તૈયાર છું. હુ હોસ્પિટલમાં હતો ત્યારે પણ મારી તબિયતની લગીરેય ચિંતા કરી નથી. હંમેશા પ્રોપર્ટી તેના નામે કરવાની વાત કરી છે. આઈસીયુમાં બહાર લાવ્યા બાદ પણ પૈસાનુ શુ એ પૂછે છે. મારા રૂપિયા ક્યાં મૂકેલા છે તેના સિવાય તેને કોઈ રસ નથી. મારા ઘરનો સામાન વેચી દીધો. લોકડાઉનમાં મારી પત્નીએ ગાડી વેચીને નોકરોને ધમકાવીને કાઢી મૂક્યા હતા. મારી પત્નીને ફક્ત રૂપિયા અને સંપત્તિમાં જ રસ છે. મારુ કોઈ બાળક નથી, તેથી જો મારુ મૃત્યુ થાય તો બધુ મારી પત્નીને જ મળે. પરંતુ તેમને ધીરજ નથી, તેમને સંપત્તિમાં જ રસ છે, તેથી ક્યારે જલ્દી મળે તે જ કરે છે.”

  સોલંકીએ પોતાની પત્ની પર વધુ આક્ષેપો લગાવતા કહ્યું હતું કે, “હોસ્પિટલમાંથી ઘરે મને લઈ ગયા ત્યારે મારું ખાવાનું પણ બંધ કરી દીધું હતું. મારે કોઈ બાળકો નથી, મારા મૃત્યુ બાદ મારી પત્નીને જ બધું મળે. મારી પત્નીનું લક્ષ માત્ર મારી પ્રોપર્ટી છે. મારામાં ખાવામાં અને ચામાં કઈક નાખ્યાના દાખલા છે. મારા જીવન પર જોખમ પર આવ્યું ત્યારે મે નોટિસ આપી. એમના સગા કાકાઓ પર પણ તેમણે પ્રોપર્ટીના દાવો કર્યા છે. દોરા- ધાગા કરવાવાળા પાસે જઈને પૂછતી કે આ ક્યારે મરશે.” આમ તેમણે પોતાના પત્ની પર કાળો જાદુ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

  સોલંકીએ આગળ કહ્યુ કે, “મેં અનેક આગેવાનોને પત્ની અંગેના વિવાદનો ઉકેલ લાવવા કહ્યું. ચુટંણી આવે ત્યારે જ આવા આક્ષેપો થાય છે. મારા પર ટિકિટ વહેંચણીના આક્ષેપ કરવામાં આવે છે. પણ મેં કોગ્રેસનું એક ટીંપુ ડિઝલ પણ પુરાવ્યુ નથી. જ્યારે અમિત ચાવડાના સ્થાને બીજા પ્રમુખની વરણી કરવાની હતી ત્યારથી આ મુદ્દાને ઉછાળવામાં આવે છે. ફરી પ્રમુખ ન બનવા દેવા. કેમ્પેઇન સમિતિના ચેરમેન ન બની જાય તેની ચર્ચા કરી. કોગ્રેસને રિ-બીલ્ટ કંઇ રીતે કરવી. તે અંગે ચર્ચા કરૂ ઓબીસી બેઠક કરી કોગ્રેસને બેઠી કરવા પ્રયત્ન કર્યો. મને દુ ખ કે વ્યક્તિગત જીવનની ચર્ચા જાહેરમાં કરવી પડી.”

  ભરતસિંહના પત્ની રેશ્મા પટેલના મામા દિલીપભાઈનું નિવેદન

  ભરતસિંહ સાથે આ પ્રેસવાર્તામાં તેમના પત્ની રેશ્મા પટેલના ગામથી આવેલ તેમના મામા દિલીપભાઇ પણ હજાર હતા. દિલીપભાઈએ ખુલાસો કરતાં કહ્યું કે, “રેશમા બેને મને ભરતસિંહની ફરિયાદ કરી હતી. બંનેને એકઠા કરીને મે બેસાડ્યા પણ રેશમા વાત કરવા તૈયાર નહોતી. મે બંગલો, કાર, નોકર, જમીન અને બેંકમાં પૈસા મૂકવાનું રસ્તો બતાવ્યો હતો. ભરતસિંહ બધું આપવા તૈયાર હતા પણ મારી ભાણીએ સહી કરવાની ના પાડી દીધી હતી.”

  અહિયાં નોંધનીય છે કે પોતાની આ પ્રેસ કોન્ફરન્સમાં ભરતસિંહે શરૂઆતથી અંત સુધી માત્ર મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન જ કર્યો હતો. કોન્ફરન્સના શરૂઆતના મોટા ભાગમાં તો માત્ર પોતાની વાહવાહી જ કરી હતી એમણે અને પોતાની કોરોના માંદગીને વારંવાર ટાંકીને એક ભાવનાત્મક નેરેટિવ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત ‘ઉલ્ટા ચોર કોટવાલકો દાંટે’ એ કહેવતને સાચી કરતાં ભરતસિંહે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા પર જ પણ પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે મીડિયાએ આ વિડીયો બતાવવા નહોતા જોઈતા , મીડિયાને કોઈ હક નથી કોઈના આવા વિડીયો ફરતા કરવાનો. સોલંકીએ મીડિયા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે 24 વર્ષની યુવતીનો કોઈ વિડીયો આ રીતે ફેરવવો એ યોગ્ય નથી પરંતુ એ વિષયમાં તેઓ કાઇ નહોતા બોલ્યા કે એક 69 વર્ષના પરણિત પુરુષનું કોઈ 24 વર્ષની યુવતી સાથે રહવું એ કઈ રીતે યોગ્ય છે.

  આ ઉપરાંત પોતાની વ્યકિતગત બાબતનો ખુલાસો અથવાતો એમ કહીએ કે પોતાનો બચાવ કરવા આવેલા ભરતસિંહે આજે પણ રાજકારણ રમવાની તક છોડી ન હતી. તેમણે પોતાની પ્રેસ કોન્ફરન્સની શરૂઆત જ રામમંદિરના મુદ્દે કરી હતી અને ત્યારબાદ ક્ષત્રિયની વાત કહીને આખી બાબત જાતિવાદ પર લઇ ગયા હતા. આ ઉપરાંત તેમણે પત્રકાર પરીષદમાં એમ પણ પૂછ્યું હતું કે આ બધું જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે જ કેમ બહાર આવે છે. પરંતુ તેમના અને તેમના પત્ની વચ્ચેનો વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી જાહેરમાં છે અને બે દિવસથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એ ફક્ત તેનો વિસ્તાર માત્ર છે. આથી વ્યક્તિગત બચાવ માટે જાહેરમાં આવેલા ભરતસિંહે પોતાની રાજકીય રમત રમવાનું પણ ચાલુ રાખ્યું હતું.

  વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ભરતસિંહના પત્ની તે યુવતીના ઘરે દરોડો પડે છે આને પછી બધા એ યુવતીને મારતાં જોવા મળે છે. જ્યારે એક બાજુ કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધી નારો આપતા હોય કે ‘લડકી હુ, લડ સકતી હુ’ પરંતુ જ્યારે કોંગ્રેસના જ એક પૂર્વ પ્રદેશ પ્રમુખ સામે તેમના જ કારણે એક 24 વર્ષની યુવતી સાથે આમ મારમારી થઈ રહી હોય તો એમણે યુવતીને બચાવાવનો પ્રયત્ન પણ નહોતો કર્યો.

  હવે જ્યારે વિડીયો વાઇરલ થયા બાદ ભરતસિંહે રાજકારણમાંથી ટૂંકો વિરામ લેવાની જાહેરાત કરી છે ત્યારે લોકોમાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે હાલમાં ગુજરાતમાં ભરસિંહ સોલંકીનું એવું કાઇ કોઈ મોટું પ્રભાવશાળી નામ રહ્યું નથી કેમ કે એમણે અન્ય કોંગ્રેસ ઉમેદવારોને જીતાડી શકે એ તો દૂર રહ્યું પણ પોતાની બેઠક પણ બચાવી નહોતા શક્યા. હવે જોવાનું એ રહેશે કે ભરતસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જે હિન્દુ કાર્ડ અને જાતિનું કાર્ડ રમ્યું છે એનાથી એમની નબળી સ્થિતિમાં કોઈ બદલાવ આવશે કે નહીં.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં