સરકારી આદેશના ફેક ફોટા વાયરલ કરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની ફેલાવી અફવા, સુરતના AAP નેતા સામે કાર્યવાહીની માંગ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નામે એક કથિત આદેશ વાયરલ થયો છે, જેમાં પેટ્રોલના ભાવમાં ₹10 અને ડીઝલમાં ₹12.50 નો તોતિંગ વધારો થયો હોવાનો દાવો કરાયો છે. આ પત્રિકા સુરતના આમ આદમી પાર્ટીના નેતા રવિ કાતલિયાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી. રવિ કાતલિયાએ આ ફેક પત્રિકા શેર કરતા લખ્યું કે, “મારે બેટરીવાળી ગાડી છે…”, જેનાથી લોકોમાં એવો સંદેશ ગયો કે સરકાર ખરેખર ભાવ વધારી રહી છે.

આ આદેશમાં 26 એપ્રિલ, 2026ની તારીખ સાથે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે ઓઈલ કંપનીઓની ખોટ સરભર કરવા માટે આ વધારો જરૂરી છે. જોકે, PIBએ તરત જ ફેક્ટચેક કરીને સ્પષ્ટતા કરી હતી કે જે સરકારી આદેશના ફોટા ફરી રહ્યા છે એ ખોટા અને ભ્રામક છે, સરકારે આવો કોઈ આદેશ આપ્યો નથી, આ પત્રિકા જનતાને ગેરમાર્ગે દોરવા માટે બનાવવામાં આવી છે. કારણ કે સરકારે આવો કોઈ આદેશ આપ્યો નથી.

આમ આદમી પાર્ટીના નેતા દ્વારા આ પ્રકારે કોઈ પણ ખરાઈ કર્યા વિના ફેક ન્યૂઝ ફેલાવવામાં આવતા સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. જવાબદાર પદ પર બેઠેલા નેતા દ્વારા અફવા ફેલાવવા બદલ રવિ કાતલિયાની આકરી ટીકા થઈ રહી છે. યુઝર્સ માંગ કરી રહ્યા છે કે જાણીજોઈને ખોટી માહિતી ફેલાવીને જનતામાં ગભરાટ પેદા કરવા બદલ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને પોલીસ તપાસ થવી જોઈએ.

નોંધનીય છે કે વાયરલ પત્રિકામાં જે અધિકારી ‘બૈલોચન ગહન’ ની સહી છે, તે વિગતો પણ પાયાવિહોણી છે. સરકારની છબી ખરડવા અને આર્થિક અરાજકતા જેવી સ્થિતિ ઉભી કરવા માટે આ પ્રકારના એડિટેડ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ચૂંટણીના માહોલમાં અથવા રાજકીય લાભ ખાટવા માટે જ્યારે કોઈ નેતા આવા ફેક ન્યૂઝને પ્રોત્સાહન આપે છે, ત્યારે તેની ગંભીરતા વધી જાય છે.

બીજી તરફ, 30 એપ્રિલ, 2026ના રોજ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ જ ફેરફાર થયો નથી અને તે સ્થિર રહ્યા છે. સરકારી ડેટા મુજબ ઇંધણના દરમાં કોઈ જ આકસ્મિક વધારો કરવામાં આવ્યો નથી.