Tuesday, April 15, 2025
More

    સુખબીર સિંઘ બાદલનું શિરોમણી અકાલી દળના પ્રમુખ પદેથી રાજીનામું, અકાલ તખ્તે ઘોષિત કર્યા છે ‘તનખૈયા’

    સુખબીર સિંઘ બાદલે શિરોમણી અકાલી દળના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. શનિવારે (16 નવેમ્બર) આ બાબતની ઘોષણા કરવામાં આવી. 

    પાર્ટી પ્રવક્તા દલજીત ચીમાએ આ બાબતની પુષ્ટિ કરી. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું કે, “શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંઘ બાદલે કાર્યસમિતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે અને હવે પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણી કરવામાં આવશે.”

    સોમવારે શિરોમણી અકાલી દળના કાર્યકારી સમિતિના પ્રમુખે એક બેઠક બોલાવી છે, જેમાં આગળની રણનીતિ વિશે ચર્ચા થશે. ડિસેમ્બરમાં નવા પ્રમુખની ચૂંટણી યોજાઈ શકે છે. 

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા અકાલ તખ્તે સુખબીર સિંઘ બાદલને ‘તનખૈયા’ ઘોષિત કર્યા હતા. તેમને 2007થી 2017 સુધી પંજાબમાં તેમની પાર્ટીએ કરેલી ‘ભૂલો’ બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે તનખૈયાનો અર્થ શીખ ધર્મમાં ધાર્મિક દુરાચાર સાથે સંબંધિત છે. 

    દોષિત ઠેરવાયા બાદ બાદલે એ નિર્ણય સ્વીકારી પણ લીધો હતો અને કહ્યું હતું કે, તેઓ નતમસ્તક થઈને આદેશનો સ્વીકાર કરે છે અને બહુ જલ્દી અકાલ તખ્ત સામે હાજર પણ થશે.