આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ: પીએમ મોદીએ કહ્યું– અતૂટ આસ્થાનાં હજાર વર્ષનો અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રયાસરત રહેવાની પ્રેરણા આપશે

સોમનાથ સ્વાભિમાન પર્વ

ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ થઈ ગયો છે. 8થી 11 જાન્યુઆરી એમ ચાર દિવસ માટે ઉત્સવની ઉજવણી થશે. 1026માં મંદિર પર આક્રમણ થયું હતું, 2026માં એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે મંદિર સનાતન સભ્યતાના પ્રતીક તરીકે અડીખમ ઊભું છે. આ સ્વાભિમાનના સ્મરણ સાથે પર્વની ઉજવણી થઈ રહી છે. સાથે જ, 2026માં સરદાર વલ્લભભાઈ પટેલની પહેલથી મંદિરના આધુનિક પુનર્નિર્માણના 75 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યાં છે.

સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને સ્વાભિમાનનું અમર પ્રતીક છે. તે અનેક આક્રાંતાઓના અનેક હુમલાઓનો ભોગ બન્યા છતાં આજે અડીખમ ઉભું છે, જે ભારતની અડગ આસ્થા અને પુનરુત્થાનની શક્તિને દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉત્સવની શરૂઆત પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હજાર વર્ષ પહેલાં જાન્યુઆરી 1026માં સોમનાથ પર પ્રથમ હુમલો થયો હતો, પરંતુ અનેક હુમલાઓ છતાં સોમનાથ આજે પણ ગૌરવપૂર્ણ રીતે ઊભું છે.

આ સાથે જ તેમણે સોમનાથ મહાદેવ મંદિરમાં તેમની વિવિધ મુલાકાતોની તસ્વીરો પણ શેર કરી હતી. જેમાં તેઓ યુવાન હતા ત્યારની તસ્વીરથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધીની અને પ્રધાનમંત્રી બન્યા પછીની તસ્વીરોનો પણ સમાવેશ થાય છે. તેમણે લોકોને પણ #SomnathSwabhimanParv હેશટેગ સાથે પોતાની સોમનાથ મહાદેવ મંદિર સાથેની તસ્વીરો શેર કરવા અપીલ કરી છે.

આગળ તેમણે લખ્યું કે, “#SomnathSwabhimanParvનો આ અવસર ભારત માતાના અસંખ્ય સપૂતોને યાદ કરવાનો ઉત્સવ છે જેમણે ક્યારેય પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે સમાધાન ન કર્યું. ગમે તેટલો મુશ્કેલ અને ભયાનક સમય આવે, તેમનો સંકલ્પ અટલ રહ્યો. આપણી સભ્યતા અને સાંસ્કૃતિક ચેતના પ્રત્યેની તેમની વફાદારી અટલ રહી.” તેમણે લખ્યું કે, એક હજાર વર્ષની અટલ શ્રદ્ધાનો આ અવસર આપણને રાષ્ટ્રીય એકતા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે.

આ ઉપરાંત તેમણે વર્ષ 2001માં સોમનાથ મંદિરમાં યોજાયેલા ઉત્સવની તસ્વીરો શેર કરી હતી જેમાં તેઓ પૂર્વ વડા પ્રધાન એટલ બિહારી વાજપેયી સાથે જોવા મળી રહ્યા છે. PM મોદીએ લખ્યું કે, “હું તમારી સાથે 31 ઓક્ટોબર, 2001ના રોજ સોમનાથમાં યોજાયેલા એક કાર્યક્રમની કેટલીક ઝલક પણ શેર કરી રહ્યો છું. આ તે વર્ષ હતું જ્યારે આપણે 1951માં જીર્ણોદ્ધાર કરાયેલા સોમનાથ મંદિરના ઉદ્ઘાટનની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.”

આ સાથે જ તેમણે સોમનાથ મંદિરના પુન:ર્નિર્માણમાં સરદાર પટેલ અને કે.એમ. મુનશી, અન્ય ઘણા મહાનુભાવોના નોંધપાત્ર પ્રયાસોને પણ યાદ કર્યા હતા. તેમણે લખ્યું કે 2026માં આપણે 1951માં યોજાયેલા ભવ્ય સમારોહનાં 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ કરીશું!

4 દિવસનો ઉત્સવ: ઇતિહાસ અને અધ્યાત્મનો સમાગમ

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ ચાલનારા આ ઉત્સવમાં અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય આકર્ષણ તરીકે 3000 ડ્રોનનો મેગા ડ્રોન શો યોજાશે, જેમાં અરબ સમુદ્રની ઉપર આકાશમાં સોમનાથ મંદિરના ઇતિહાસ અને મહિમાનું દૃશ્યાત્મક નિરૂપણ કરવામાં આવશે. આ ઉપરાંત, 108 ઘોડાઓ સાથે શૌર્ય યાત્રા અને ભવ્ય રોડ શો યોજાશે, જે મંદિરના રક્ષણ માટે પ્રાણ આપનારા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા માટે 243 મંદિરોમાં 72 કલાકનું સતત ઓમકાર જાપ ચાલુ રહેશે. સોમનાથ મંદિર પરિસરમાં 2500 ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે, 1000 કલાકારો શંખનાદ કરશે અને વિસ્તારમાં 20 મોટા સ્ટેજ પર શિવ ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

આ પર્વમાં ભાગ લેવા PM મોદી પણ સોમનાથ આવવાના છે. તેઓ 10 જાન્યુઆરીએ સાંજે 5:30 વાગ્યે સોમનાથ પહોંચશે અને ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ 11 જાન્યુઆરીએ તેઓ મંદિરમાં દર્શન-પૂજન કરશે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, શૌર્ય યાત્રામાં જોડાશે અને જનસભાને સંબોધિત કરીને સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપશે.

સોમનાથ કોરિડોરના વિકાસથી પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ ઉત્સવ વર્ષભર ચાલુ રહેશે અને તેમાં વિવિધ આધ્યાત્મિક, સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થવાનું છે.