
સુપ્રીમ કોર્ટમાં સબરીમલા કેસ સંબંધિત રિવ્યૂ પિટિશન્સ પર 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ 7 એપ્રિલ 2026થી સુનાવણી શરૂ કરશે. આ બેન્ચ ધાર્મિક સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો સાથે જોડાયેલા 7 મોટા બંધારણીય પ્રશ્નો પર વિચાર કરશે, જેના આધારે કેરળના સબરીમલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ વિવાદનો અંતિમ નિર્ણય થશે.
CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી આ ખંડપીઠે તમામ પક્ષકારોને 14 માર્ચ 2026 સુધીમાં લેખિત દલીલો રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી 7થી 22 એપ્રિલ સુધી નિયત કાર્યક્રમ અનુસાર ચાલશે. નોંધનીય છે કે હાલ એક મામલે સુનાવણી ચાલી રહી હોવાથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આ સબરીમાલા મામલે પછીથી સુનાવણી કરવાનું કહ્યું છે.
આ વિવાદ સપ્ટેમ્બર 2018ના તે 4:1 બહુમતીવાળા ચુકાદા સાથે જોડાયેલો છે, જેમાં 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપી હતી. આ ચુકાદાની વિરુદ્ધ અનેક રિવ્યૂ પિટિશન્સ દાખલ થઈ હતી. નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે કેસને બીજી બેન્ચને સોંપીને ધાર્મિક પ્રથાઓ, અનુચ્છેદ 25-26 (ધાર્મિક સ્વતંત્રતા) અને અનુચ્છેદ 14 (સમાનતા) વચ્ચે સંતુલન જેવા વ્યાપક પ્રશ્નોનો નિર્ણય કરવાની જરૂર જણાવી હતી.
કેન્દ્ર સરકારે પણ 2018ના ચુકાદાની વિરુદ્ધ દાખલ રિવ્યૂ પિટિશન્સનું સમર્થન કર્યું છે. 9 ન્યાયાધીશોની બેન્ચ જે મુખ્ય પ્રશ્નો પર વિચાર કરશે તેમાં ધાર્મિક સ્વતંત્રતાની મર્યાદા, ધાર્મિક સંપ્રદાયોના અધિકારો, ‘બંધારણીય નૈતિકતા’નો વિસ્તાર અને શું કોઈ બાહ્ય વ્યક્તિ જનહિત યાચિકા દ્વારા કોઈ ધાર્મિક પ્રથાને પડકારી શકે છે – જેવા મુદ્દાઓ સામેલ છે.

