Monday, April 21, 2025
More

    બાબર મુદ્દે ભાજપને ઘેરવા જતાં સમાજવાદી પાર્ટી સાંસદે રાણા સાંગાને ગણાવી દીધા ‘ગદ્દાર’, આપત્તિજનક ટિપ્પણીનો વિડીયો વાયરલ

    સમાજવાદી પાર્ટી સાંસદ રામજી લાલ સુમને રાજ્યસભામાં એક સંબોધન કરતી વખતે મહારાણા સંગ્રામ સિંહને (રાણા સાંગા) ગદ્દાર ગણાવી દીધા હતા. બાબર મુદ્દે ભાજપને ઘેરવા જતાં તેમણે આ આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી, જે હવે વાયરલ થઈ છે. 

    21 માર્ચના રોજ રાજ્યસભામાં સંબોધન કરતી વખતે સપા સાંસદે કહ્યું કે, “એક તો ભાજપના લોકોનો તકિયા કલામ થઈ ગયો છે….કે મુસ્લિમોમાં બાબરનું DNA છે. હું એ જાણવા માંગું છું કે બાબરનું DNA શું મુસ્લિમોમાં છે? ભારતના મુસ્લિમો તો બાબરને આદર્શ માનતા નથી. તેઓ તો મોહમ્મદ સાહેબને આદર્શ માને છે. સૂફી સંતોને આદર્શ માને છે.”

    આગળ તેઓ કહે છે, “હું એ જાણવા માગું છું કે બાબરને લાવ્યો કોણ? બાબરને ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા લાવ્યા હતા. જો મુસલમાન બાબરની ઔલાદ હોય તો તમે ગદ્દાર રાણા સાંગાની ઔલાદો છો. આ હિન્દુસ્તાનમાં નક્કી થઈ જવું જોઈએ. તમે બાબરની ટીકા કરો છો, રાણા સાંગાની નથી કરતા.”

    આટલું બોલતાં જ રાજ્યસભા ઉપસભાપતિ હરિવંશે સપા સાંસદને વચ્ચેથી જ અટકાવ્યા અને કહ્યું કે, તમે અનુભવી નેતા છો, કૃપા કરીને સંસદીય મર્યાદાઓનું ધ્યાન રાખો. ત્યારબાદ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જે બાબતો સંસદીય મર્યાદાને અનુરૂપ નથી તે રેકર્ડ પર નહીં ચડે. ત્યારબાદ સમય સમાપ્ત થયો હોવાનું કહીને સપા નેતાને બેસાડી દેવામાં આવ્યા હતા.