સબરીમાલા મંદિરમાં સોનાની હેરફેર મામલે મુખ્ય આરોપીની ધરપકડ, TDBના અધિકારીઓની પણ સંડોવણી: SIT કરી રહી છે તપાસ

કેરળના પ્રખ્યાત શ્રી ધર્મશાલા સબરીમાલા અયપ્પા મંદિરમાં થયેલી સોનાની ચોરીના કેસમાં મોટી કાર્યવાહી થઈ છે. SITએ મુખ્ય આરોપી ઉન્નિકૃષ્ણન પોટ્ટીને અટકાયતમાં લીધો છે. આ ઘટના મંદિરના ભક્તોમાં રોષ ફેલાવી દીધો છે અને તપાસને નવી દિશા આપી છે.

અહેવાલ મુજબ 16 ઑક્ટોબરે રાત્રે 12 કલાકથી વધુ પૂછપરછ પછી SITએ પોટ્ટીને અટકાયતમાં લીધો હતો. તપાસ અધિકારી એસપી બિજોય પીના નેતૃત્વમાં આ કાર્યવાહી થઈ છે. પોટ્ટીની જનરલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવામાં આવી અને તેને રન્નીની કોર્ટમાં હાજર કરવામાં આવશે. SIT કોર્ટમાં કસ્ટડી માટે અરજી કરશે.

ઉલ્લેખનીય છે કે આ ચોરી 2019માં થઈ હતી. મંદિરના દ્વારપાલક (રક્ષક મૂર્તિઓ) અને શ્રીકોવિલના (ગર્ભગૃહ) દિવાલો પર લાગેલા સોનાના પટ્ટાને ઇલેક્ટ્રો પ્લેટિંગ (સોનાનું આવરણ ચઢાવવા) માટે બહાર મોકલવામાં આવ્યા હતા. ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડના (ટીડીબી) અધિકારીઓ અને સભ્યોએ આ કામ માટે બેંગ્લોર આધારિત વ્યવસાયી ઉન્નિકૃષ્ણન પોટ્ટીને સોંપ્યું હતું. આ દરમિયાન સોનાની ચોરી કરવામાં આવી હતી. સોનાની હેરફેર વિશેની માહિતી TDBના અધિકારીઓને પહેલાંથી જ હતી.

નોંધનીય છે કે 475 ગ્રામ સોનું ગુમ થયું હતું અને કહેવાઈ રહ્યું છે કે આ સોનું પોટ્ટીએ તેના સાથીઓ સાથે વહેંચી લીધું હતું. આ ઉપરાંત કહેવાઈ રહ્યું છે કે ચોરીની યોજના બોર્ડના અધિકારીઓ સાથે મળીને બનાવવામાં આવી હતી. સોનાના પટ્ટાને તાંબાના ગણાવીને બહાર મોકલવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.