
મહિલા અનામત બિલ અને ડિલિમિટેશન બિલ પર સંસદના વિશેષ સત્રમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુરુવારે (16 એપ્રિલ) વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. લગભગ 35 મિનિટથી વધુના સંબોધનમાં તેમણે તમામ પાર્ટીઓને મહિલા અનામત મુદ્દે સાથે આવવા આગ્રહ કર્યો. સાથે ડિલિમિટેશન મામલે આશ્વાસન આપ્યું કે કોઈ પણ રાજ્યને, કોઈ પણ પ્રદેશને કોઈ અન્યાય ન થાય તેનું સરકાર ધ્યાન રાખશે.
પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ રાષ્ટ્રના જીવનમાં અમુક નિર્ણાયક ક્ષણો આવે છે. ભારતના સંસદીય ઇતિહાસમાં આ એવી જ ક્ષણ છે. ભારત લોકતંત્રી જનની છે અને વિકાસની આ યાત્રામાં એક નવો આયામ જોડવાનો આપણને અવસર પ્રાપ્ત થયો છે. આપણે ભાગ્યશાળી છીએ કે દેશની અડધી વસ્તીને આ રાષ્ટ્રનિર્માણની યાત્રામાં સામેલ કરવાનો આપણને અવસર મળ્યો છે.
Speaking in the Lok Sabha. https://t.co/AsiBPaaoEg
— Narendra Modi (@narendramodi) April 16, 2026
તેમણે ઉમેર્યું કે આ મહત્ત્વપૂર્ણ અવસરને સંસદે ખોવો ન જોઈએ. તેમણે સૌને સાથે આવવા આગ્રહ કર્યો અને કહ્યું કે આપણે એવું ન માનીએ કે આપણે નારીશક્તિને કશુંક આપી રહ્યા છીએ. આ તેમનો હક છે અને આટલા દાયકાઓથી રોકી રાખવામાં આવ્યો હતો તેનું પ્રાયશ્ચિત કરીને પાપમાંથી મુક્તિ પામવાની આ તક છે.
કોઈની સાથે ભેદભાવ નહીં થાય: પીએમ
વડા પ્રધાને કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે આપણે વિચારવું જોઈએ. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટુકડામાં આપણે વિચારી ન શકીએ અને નિર્ણય પણ ન કરી શકીએ. એટલે માત્ર રાજકીય લાભ મેળવવા માટે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ અયોગ્ય છે.
દક્ષિણનાં રાજ્યોને ભેદભાવ થશે તેવી દલીલોનો છેદ ઉડાડતાં પીએમ મોદીએ કહ્યું કે સરકાર સૌને આશ્વાસન આપે છે કે કોઈ પણ રાજ્ય સાથે અન્યાય નહીં થાય અને ન લોકસભામાં કોઈ રાજ્યનું પ્રતિનિધિત્વ ઓછું થશે. તેમણે કહ્યું કે જો કોઈને ગેરેન્ટી શબ્દ જોઈતો હોય તો હું ગેરેન્ટી કહું છું અને વાયદો કહો તો વાયદો કહું છું. અમે સ્પષ્ટ નિયત સાથે કામ કરનારા માણસો છીએ, અમને શબ્દોના ખેલ કરવાની જરૂર પડતી નથી.
તેમણે વિપક્ષી સાંસદોને કહ્યું કે જો આ બિલનો વિરોધ કરવામાં આવે તો તેનો રાજનૈતિક લાભ વડા પ્રધાનને મળશે, પણ સૌ સાથે ચાલશે તો આવું નહીં થાય. તેમણે એમ પણ ઉમેર્યું કે સરકારને ક્રેડિટ જોઈતી નથી અને વિપક્ષો ઇચ્છે તો આવતીકાલે તેઓ સરકારી ખર્ચે સૌનો ધન્યવાદ કરતી એક જાહેરાત છપાવવા માટે તૈયાર છે. તેમણે વિપક્ષી સાંસદોને કહ્યું કે હું તો તમને ક્રેડિટનો બ્લેન્ક ચેક આપી રહ્યો છું.

